You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં લોકસભાની સાથે વિધાનસભાની આ પાંચ બેઠકો પર કેમ મતદાન થશે?
ભારતીય ચૂંટણીપંચે લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત કરી દીધી છે. 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024માં પૂરો થવાનો છે. લોકસભાની ચૂંટણી કુલ સાત તબક્કામાં થશે અને બધી ચૂંટણીઓ બાદ 4 જૂને મતગણતરી થશે.
ગુજરાતમાં સાતમી મેના રોજ એટલે કે ત્રીજા તબક્કામાં ચૂંટણી થશે. ગુજરાતમાં હાલ લોકસભાની 26 બેઠકો છે અને તમામ બેઠકો ભાજપ પાસે છે.
ચૂંટણીપંચે જાહેર કરેલા ચૂંટણીના કાર્યક્રમમાં દેશમાં યોજાનારી પેટાચૂંટણીની પણ જાહેરાત કરાઈ છે. આ પેટાચૂંટણીમાં ગુજરાતની પાંચ બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.
ધારાસભ્યોનાં રાજીનામાંને કારણે ખાલી પડેલી ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકો વીજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત અને વાઘોડિયા પર પણ લોકસભા ચૂંટણીની સાથે જ પેટાચૂંટણી યોજાશે.
જોકે આ જાહેરાતમાં વીસાવદર પેટાચૂંટણીની જાહેરાત કરાઈ નથી.
લોકસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીપ્રચાર આરંભી દીધો છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી મુખ્ય ત્રણ પાર્ટીઓ છે.
લોકસભા ચૂંટણીની સાથેસાથે જ વિધાનસભાની પેટાચૂંટણી
ગુજરાતમાં લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર પણ પેટાચૂંટણી યોજાશે. વર્તમાન ધારાસભ્યોના રાજીનામાંને લીધે અહીં બેઠકો ખાલી થઈ છે. જોકે 16 માર્ચે જાહેરાત થઈ હોવાથી કોઈ પાર્ટીએ પેટાચૂંટણી માટે ઉમેદવારો જાહેર કર્યા નથી.
આ પાંચ પેટાચૂંટણીમાં સૌરાષ્ટ્રની પોરબંદર, માણાવદર બેઠક પર ચૂંટણી યોજાશે. તો ઉત્તર ગુજરાતમાં વીજાપુર બેઠક પરથી ફરી ચૂંટણી થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમજ ખંભાત અને વાઘોડિયા પર પણ લોકસભા ચૂંટણીની સાથે જ પેટાચૂંટણી યોજાશે.
વિધાનસભાની બેઠકો કેમ ખાલી થઈ?
ચૂંટણી જાહેર થાય તે અગાઉ ગુજરાતમાં રાજકીય ઊથલપાથલ થઈ છે અને ધારાસભ્યો અને નેતાઓએ પાર્ટી બદલી છે. કૉંગ્રેસના વર્તમાન ધારાસભ્યો ભાજપમાં જોડાઈ જતા હવે આ બેઠકો ખાલી થઈ છે.
પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી, વીજાપુરના ધારાસભ્ય સી. જે. ચાવડા, ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ અને વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે.
કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા છે. 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અર્જુન મોઢવાડિયાએ ભાજપના ઉમેદવાર બાબુ બોખીરિયાને હરાવ્યા હતા. અર્જુન મોઢવાડિયાએ બોખીરિયાને 8181 મતની સરસાઈથી હરાવ્યા હતા.
ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં 'પ્રભુત્વ ધરાવતા નેતા' ગણાતા સી. જે. ચાવડા વીજાપુરના ધારાસભ્ય હતા, તેમણે પણ રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી છે. સી. જે. ચાવડા ગત લોકસભા ચૂંટણીમાં ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ સામે ચૂંટણી લડ્યા હતા. જોકે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
બાદમાં આવેલી 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ મહેસાણાની વીજાપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને તેમણે ભાજપના રમણભાઈ પટેલને હરાવ્યા હતા.
જૂનાગઢની માણાવદર બેઠક પરથી 2022ની ચૂંટણીમાં કૉંગ્રેસના અરવિંદ લાડાણી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. તેમણે ભાજપના દિગ્ગજ નેતા જવાહર ચાવડાને હરાવ્યા હતા.
જવાહર ચાવડા અગાઉ કૉંગ્રેસમાં હતા અને બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. જોકે ગત વિધાનસભા ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
લોકસભા ચૂંટણીની સાથે ખંભાતની પેટાચૂંટણી પણ યોજાવાની છે. ખંભાતના કૉંગ્રેસના ઉમેદવાર ચિરાગ પટેલે ભાજપના મહેશકુમાર રાવલને હરાવ્યા હતા. જોકે તેમણે બાદમાં ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું.
પેટાચૂંટણીમાં વાઘોડિયાની બેઠક પરથી ચૂંટણી યોજાશે. ગત વિધાનસભા ચૂંટણીમાં વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.
ચૂંટણીપંચે ગુજરાતની પાંચ પેટાચૂંટણીની જાહેરાત કરી છે. જોકે સૌથી વધુ ચર્ચા એ વાત થઈને રહી છે કે આમાં જૂનાગઢ જિલ્લાની વીસાવદર બેઠકનો સમાવેશ કરાયો નથી.
વીસાવદર બેઠક ગત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ફાળે આવી હતી. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણીએ અહીં જીત મેળવી હતી.
જોકે બાદમાં ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું. આથી આ બેઠક ખાલી પડી છે.
ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે વીસાવદરની સીટની કોઈ કારણસર જાહેરાત કરાઈ નથી. અમે એના માટે રજૂઆત કરીશું કે અન્ય બેઠકોની સાથે તેની પણ ચૂંટણી થાય.
ગુજરાત વિધાનસભામાં રાજકીય પક્ષોની સ્થિતિ
ગુજરાત 1995માં ભાજપ સત્તામાં આવ્યા બાદ હજુ સુધી કૉંગ્રેસ રાજ્યનું સુકાન સંભાળવામાં નિષ્ફળ રહી છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે સારું પ્રદર્શન કર્યું હતું. આ ચૂંટણીમાં કૉંગ્રેસને 77 અને ભાજપને 99 બેઠક મળી હતી. જોકે એ પછી આવેલી 2022ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસની શરમજનક હાર થઈ હતી.
આ ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ બેઠકો (156) મેળવીને ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. કૉંગ્રેસને આ ચૂંટણીમાં માત્ર 17 બેઠકો મળી હતી અને આમ આદમી પાર્ટીને આ ચૂંટણીમાં પાંચ બેઠક મળી હતી. જોકે બાદમાં કૉંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યોનાં રાજીનામાંને લીધે કૉંગ્રેસની સ્થિતિ વધુ કપરી જણાઈ રહી છે.
જો લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો કૉંગ્રેસ છેલ્લી બે ચૂંટણીઓથી ગુજરાતમાં એક પણ બેઠક જીતી શકી નથી.
છેલ્લે 2009ની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસે ગુજરાતમાં 11 બેઠકો જીતી હતી. ત્યાર બાદ ગુજરાતમાં કૉંગ્રેસ સતત નબળું પ્રદર્શન કરી રહી છે.
છેલ્લે 1980માં કૉંગ્રેસે ગુજરાતની 26માંથી 25 બેઠકો જીતી હતી જે ગુજરાતમાં લોકસભા ચૂંટણી દરમિયાન કૉંગ્રેસનું શ્રેષ્ઠ પ્રદર્શન ગણાય છે.