You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સીજે ચાવડા: શંકરસિંહની શપથવિધિમાં લોકોને આવકારનાર ચાવડા ધારાસભ્ય કેવી રીતે થયા?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ભાજપમાંથી બળવો કરી મુખ્ય મંત્રી બનેલા શંકરસિંહ વાઘેલા જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રીપદના શપથ લઈ રહ્યા હતા એ સમયે સીજે ચાવડા લોકોની બેઠક વ્યવસ્થા સંભાળતા હતા અને બીજા દિવસે તેઓ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાના અંગત સચિવ થઈ ગયા હતા. સમય જતાં તેઓ રાજકારણમાં આવ્યા અને કૉંગ્રેસમાંથી ધારાસભ્ય બન્યા.
હવે તેમણે કૉંગ્રેસમાંથી અંગત 'કારણસર' રાજીનામું આપ્યું છે. લોકસભા ચૂંટણી પહેલાં તેમના રાજીનામાથી કૉંગ્રેસને ઝટકો લાગ્યો છે. સીજે ચાવડા ગત ચૂંટણીમાં વીજાપુરથી ચૂંટણી જીત્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા.
મૂળ મહેસાણા જિલ્લાના સીજે ચાવડા પ્રાણીઓના ડૉક્ટર હતા અને ત્યાર બાદ એમણે એલએલબીની ડિગ્રી પણ લીધી હતી.
સીજે ચાવડા ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં 'પ્રભુત્વ ધરાવતા નેતા' ગણાય છે.
તેમના રાજીનામાને રાજકીય વિશ્લેષકો અલગઅલગ રીતે જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત ચૂંટણીમાં ભાજપને ગુજરાતમાં 156 સીટ મળી હતી અને કૉંગ્રેસને 17 સીટ મળી હતી.
ઉલ્લેખનીય છે કે 19મી ડિસેમ્બરે ખંભાતથી કૉંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હતું. બે ધારાસભ્યોનાં રાજીનામાં બાદ હવે કૉંગ્રેસ પાસે 15 ધારાસભ્યો બચ્યા છે.
ડેપ્યુટી કલેક્ટરથી ધારાસભ્ય સુધી
પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાના એક જમાનાના વિશ્વાસુ અને 'ખજુરાહોકાંડમાં મુખ્ય ભૂમિકા' ભજવનાર હર્ષદ બ્રહ્મભટ્ટે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "શંકરસિંહ વાઘેલા જ્યારે સાંસદ હતા એ સમયથી સરકારી નોકરી કરતા સીજે ચાવડા એમના સંપર્કમાં હતા. જ્યારે શંકરસિંહ મુખ્ય મંત્રી થયા ત્યારે એ બેઠક વ્યવસ્થા ગોઠવતા હતા અને શપથવિધિ બાદ એ શંકરસિંહ વાઘેલાને મળ્યા અને શંકરસિંહે એમને અંગત સચિવ બનાવ્યા હતા."
"એમની શંકરસિંહ પ્રત્યેની વફાદારીને કારણે એ રાજકારણ આવ્યા અને એમને પહેલી વાર 2002માં શંકરસિંહ કૉંગ્રેસના પ્રમુખ હતા ત્યારે વિધાનસભાની ટિકિટ આપી હતી અને એ ચૂંટાઈ આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શંકરસિંહ વાઘેલા પણ આ વાતનું સમર્થન કરતા બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે , "હું જ્યારે સાંસદ હતો ત્યારે મહેસાણા રહેતો અને સીજે ચાવડા ડેપ્યુટી કલેક્ટર હતા. એક જ સમાજના હતા એટલે એ મારા સંપર્કમાં રહેતા હતા અને સંસદસભ્ય તરીકે હું હતો ત્યારે એ મારા મતવિસ્તારના લોકોપયોગી કામોમાં મદદરૂપ થતા હતા."
"હું મુખ્ય મંત્રી થયો ત્યારે એમની કામગીરીને જોઈને મેં એમને અંગત સચિવ બનાવ્યા હતા. 2016માં જ્યારે મેં કૉંગ્રેસથી છેડો ફાડ્યો ત્યારે એ મારી સાથે આવવાના હતા, પણ અચાનક અંગત કારણસર ન આવ્યા. કૉંગ્રેસ કેમ છોડી એ એમનો અંગત વિષય છે, હું એમાં પાડવા માગતો નથી, એ એમનો રાજકીય નિર્ણય છે. મેં 2017માં જનવિકલ્પ પાર્ટી કરી હતી એમાં એ જોડાયા નહોતા."
'કૉંગ્રેસને મોટી ખોટ પડી'
સરકારી નોકરીમાંથી એ રાજકારણમાં આવ્યા એ સફરને નજીકથી જોનાર અને હાલ રાજકારણમાંથી નિવૃત થયેલા હર્ષદ બ્રહ્મભટ્ટે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "હું મૂળ ઉત્તર ગુજરાતનો છું અને શંકરસિંહ વાઘેલાની સાથે પહેલેથી રહ્યો હતો. શંકરસિંહ વાઘેલાનો ભાજપમાં તપતો સૂરજ હતો ત્યારે એ મહેસાણામાં રહેતા હતા અને શંકરસિંહ સાથે મેં એમની ઓળખાણ કરાવી હતી. ત્યાર બાદ એમણે સરકારી નોકરી છોડી અને શંકરસિંહ સાથે રાજકારણમાં આવ્યા."
"એ પછી થોડો સમય બંને વચ્ચે અંતર રહ્યું અને જેવા શંકરસિંહ વાઘેલા કેન્દ્રીય કાપડમંત્રી બન્યા ત્યારે ફરીથી એ એમની નજીક આવી ગયા હતા. ત્યાર બાદ ચાવડા અમિત શાહ સામે લોકસભાની ચૂંટણી લડ્યા અને એમાં પરાજય થયો."
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા કહે છે કે "સીજે ચાવડાના રાજીનામાંથી કૉંગ્રેસને મોટી ખોટ પડી છે. એ વાત સાચી એ સારા નેતા હતા એટલે અમે એ શંકરસિંહ સાથે જતા હતા ત્યારે એમને કૉંગ્રેસમાં રોકી રાખ્યા હતા, પણ એમણે કેમ કૉંગ્રેસ છોડી એ ખબર નથી. પરંતુ આ એક આત્મમંથનનો સમય છે એમાં કોઈ બે મત નથી."
મોઢવાડિયાનો દાવો છે કે "ભાજપનું 500 કરોડનું જમીન કૌભાંડ ખુલ્લું પાડવામાં એમનો મોટો રોલ હતો અને એ પછી વિજય રૂપાણી સરકારે એમને નોટિસ આપવાની ધમકી આપી હતી, પણ એ અભ્યાસુ હોવાને કારણે સરકારે નોટિસ આપી નહોતી. તેઓ સામા પ્રવાહમાં પણ ચૂંટણી જીતવાની ક્ષમતા ધરાવતા હતા."
ભાજપમાં વર્ષો સુધી રહ્યા પછી શંકરસિંહના ખાસ વિશ્વાસુ રહેલા હાલ રાજકારણને અલવિદા કહેનાર જયંત પરમારે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "પહેલેથી જે તરફની હવા હોય એ દિશામાં પોતાની નાવનો સઢ ફેરવવામાં માહેર સીજે ચાવડાએ જ્યારે વિપુલ ચૌધરી અને શંકરસિંહ વચ્ચે વિખવાદ થયો ત્યારે પોતે વિપુલ ચૌધરી સાથે થોડો સમય જતા રહ્યા હતા, પણ વિપુલ ચૌધરીનું રાજકારણ સહકારી ક્ષેત્ર સુધી સીમિત થઈ જતા એ ફરી શંકરસિંહ સાથે આવ્યા."
"શંકરસિંહ કેન્દ્રીય કપડાં મંત્રી હતા ત્યાં સુધી એમના નિકટના સાથી રહ્યા. શંકરસિંહ 2009માં ચૂંટણી હાર્યા ત્યારે એમણે જોયું કે કેન્દ્ર સરકારમાં સ્વ. અહમદ પટેલનો દબદબો છે ત્યારે એ ગુજરાતમાં અહેમદ પટેલના નજીકના નેતાઓની સાથે રહ્યા. એમના અવસાન પછી જ્યારે સત્તાની કમાન થોડો સમય સુધી બીજાના હાથમાં રહી ત્યારે એ જગદીશ ઠાકોરની સાથે રહ્યા અને હવે અચાનક કૉંગ્રેસ છોડી દીધી. હવે ભાજપનો હાથ પકડશે એવું લાગી રહ્યું છે."
ચૂંટણી પહેલાં નેતાઓનો પક્ષપલટો શું સૂચવે છે?
જાણીતા સેફોલૉજિસ્ટ અને તાલીમ રિસર્ચ ફાઉન્ડેશનના ડિરેક્ટર ડૉ. એમઆઈ ખાન બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે "આ ભાજપની સાઇકૉલૉજિકલ નર્વ વોર છે. રેકૉર્ડ બ્રૅક બહુમતીથી જીત્યા પછી કૉંગ્રેસમાં સામા પ્રવાહે તરી શકે એવા નેતા બચે નહીં એની સ્પષ્ટ ગણતરી છે, જેના ભાગરૂપે કૉંગ્રેસના નેતાને પોતાની સાથે રાખે છે."
"આવી સ્થિતિમાં કૉંગ્રેસના ધારાસભ્ય સાથે એના કાર્યકર્તા જોડાય અને આ સ્થિતિમાં ગુજરાતમાં કૉંગ્રેસ પોતાના લોકોને સાચવવામાં વ્યસ્ત રહે અને રાજકીય રણનીતિ તૈયાર કરવામાં નબળી સાબિત થાય. આ સ્થિતિ આપણે ગુજરાતમાં જોઈએ છીએ તો કર્ણાટકમાં લોકો કૉંગ્રેસમાં જાય છે એટલે સત્તા સાથે આવું થવું એ આજના રાજકારણમાં નવું નથી."
તો કૉંગ્રેસના પ્રવક્તા હેમાંગ વસાવડા કહે છે કે "આ એક સાઇકૉલૉજિકલ નર્વ વોર છે એમાં કોઈ બે મત નથી. કેન્દ્રમાં સરકાર પુરાંત બજેટ રજૂ કરશે પછી ચૂંટણીની જાહેરાત થશે. એટલે આમ જોવા જઈએ તો ચૂંટણી જાહેર થવાના આડે હવે માંડ 50-55 દિવસ છે, ત્યારે સીજે ચાવડા જેવા નેતા જાય ત્યારે અમારે ક્ષત્રિય લીડરશિપ તાત્કાલિક ઊભી કરવી મુશ્કેલ બને, કારણ કે એની સાથે એના સમર્થકો, એણે ગોઠવેલી બૂથની વ્યવસ્થા બધું જ ખોરવાઈ જાય."
કૉંગ્રેસમાંથી કોઈ નેતા રાજીનામું આપે એટલે ભાજપ પર ‘તોડજોડ’નો આરોપ લાગતો રહ્યો છે.
ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવેએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "અમે કોઈ રાજકીય પક્ષના લોકોને તોડીને લાવતા નથી, એ ભાજપની વિચારધારાથી અમારી સાથે જોડાય છે."
તો સીજે ચાવડાએ બીબીસી સાથેની ટૂંકી ટેલિફોનિક વાતચીતમાં કહ્યું કે "રાષ્ટ્ર હિતની વાત હોય, એમાં પણ કૉંગ્રેસના સલાહકારો ખોટા નિર્ણય લે છે જેના કારણે મેં અંગત કારણસર રાજીનામું આપ્યું છે, આગળનું આયોજન નક્કી નથી."