You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અર્જુન મોઢવાડિયા : ગુજરાત કૉંગ્રેસના પૂર્વ પ્રદેશાધ્યક્ષની ઢોર ચરાવવાથી માંડીને ભાજપ સુધીની સફર
- લેેખક, જગદીશ આચાર્ય
- પદ, વરીષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
અર્જુન મોઢવાડિયાએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું તે સાથે જ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કૉંગ્રેસના રહ્યાસહ્યા ગઢના કાંગરા પણ ખરી પડ્યા.
દિવંગત નેતા વિઠ્ઠલ રાદડીયા અને કુંવરજી બાવળિયાના કૉંગ્રેસત્યાગ પછીનો સૌરાષ્ટ્રમાં કૉંગ્રેસને સૌથી મોટો ઝાટકો લાગ્યો.
અર્જુનભાઈ વિદ્યાર્થીકાળથી કૉંગ્રેસ સાથે જોડાયેલા હતા અને 40 વર્ષની તેમની આ આખી રાજકીય યાત્રા સંઘર્ષો અને પડકારોથી ભરપૂર હતી.
2002માં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા એ સાથે જ તેમને વિધાનસભામાં દંડકની જવાબદારી સોંપવામાં આવી હતી.
અમરસિંહ ચૌધરી એ સમયે વિરોધપક્ષના નેતા હતા. 2004માં તેમનું નિધન થતાં અર્જુનભાઈને વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા. ધારાસભ્ય તરીકે આ તેમની પહેલી ટર્મ હતી અને સામે નરેન્દ્ર મોદી જેવા મુખ્ય મંત્રી હતા. પણ નવાસવા ધારાસભ્ય બનેલા અર્જુનભાઈએ આ ભૂમિકા બખૂબી નિભાવી.
સરકારને અભ્યાસપૂર્ણ પ્રશ્નો દ્વારા ઘેરતા રહ્યા. 2007માં તેમને પ્રમુખપદની જવાબદારી સોંપવામાં આવી.
અર્જુન મોઢવાડિયાને કૉંગ્રેસ કેમ છોડવી પડી?
આવા દિગ્ગજ નેતાએ કૉંગ્રેસ કેમ છોડવી પડી એવો સવાલ દેખીતી રીતે જ ઊભો થાય છે.
અર્જુનભાઈએ રામમંદિર અંગે કૉંગ્રેસના વલણનું કારણ આપ્યું પણ માત્ર એ એક જ કારણ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ પક્ષના જૂના કાર્યકરો સાથેની વાતચીત પ્રમાણે “કેન્દ્ર અને રાજ્યમાં નબળા નેતૃત્વ અને જૂથબંધીથી પીડાતી કૉંગ્રેસમાં વફાદાર કાર્યકરો અને નેતાઓ હાંસિયામાં ધકેલાતા હોવાનું અનુભવી રહ્યા હતા.”
“અસ્તાચળ ભણી ખૂબ ઝડપભેર ધકેલાઈ રહેલી કૉંગ્રેસમાં આ નેતાઓને પોતાની કારકિર્દીના પણ અંતનું જોખમ દેખાતું હતું.”
અર્જુનભાઈએ રાજીનામું આપ્યું ત્યારે કહ્યું કે, “40 વર્ષ સુધી જે પક્ષને જીવન સમર્પિત કર્યું તેને છોડવાનો નિર્ણય ખૂબ ભારે હૈયે લઈ રહ્યો છું.”
તેમના પાંચ દાયકા જૂના બિનરાજકીય મિત્ર કિરીટભાઈ સવજાણી કહે છે, "અર્જુનભાઈ જમીનના નેતા હતા. તેમણે ગરીબી જોઈ હતી. તેમના પિતા દેવાભાઈ ખેડૂત હતા. માતા માલીબહેન પણ ખેતરમાં પરસેવો પાડતાં.”
“અર્જુનભાઈ ખુદ ઢોર ચરાવવા જતા અને કૂવો ખોદવા જેવો શ્રમ પણ કરતા. નાનકડા મોઢવાડા ગામડામાં ઊછર્યા એટલે ગ્રામ્ય જીવનની સામાજિક, આર્થિક સમસ્યાઓથી સુપેરે માહિતગાર હતા. શ્રમિકો અને ખેડૂતોના દર્દને જાતઅનુભવથી સમજતા હતા અને એટલે જ તેઓ આમ પ્રજા સાથે જોડાયેલા રહ્યા."
અર્જુન મોઢવાડિયાની રાજકીય કારકિર્દીની શરૂઆત
અર્જુનભાઈએ મૅટ્રિક સુધીનો અભ્યાસ મોઢવાડામાં કર્યો. ભણવામાં ખૂબ તેજસ્વી હતા. એ સમયની મોરબીની પ્રતિષ્ઠિત એલ.ઈ. કૉલેજમાં બી.ઈ. મિકેનિકલની ડીગ્રી પ્રાપ્ત કરીને એન્જિનિયર બન્યા.
છ વર્ષ સુધી ગુજરાત મેરિટાઇમ બોર્ડમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવી પણ મૂળભૂત રીતે કૉંગ્રેસ અને ગાંધીની વિચારધારાથી રંગાયેલા હતા એટલે સરકારી નોકરી છોડી અને રાજકારણમાં ઝંપલાવ્યું.
જોકે, અર્જુનભાઈના નસીબમાં હંમેશાં સામા પૂરે તરવાનું લખ્યું હતું. 1980ના દાયકામાં પોરબંદર કૉંગ્રેસમાં માલદેવજીભાઈ ઓડેદરા, મહંત વિજયદાજી, લક્ષ્મણભાઈ આગઠ જેવા દિગ્ગજ નેતાઓ હતા.
યુવાન અર્જુનભાઈએ નેતાઓ પાસેથી રાજકારણના પાઠ શીખ્યા. અદના કાર્યકર તરીકે કામ કર્યું.
પણ એ દરમિયાન કૉંગ્રેસનાં વળતાં પાણી શરૂ થવા લાગ્યાં હતાં. 1985માં 149 બેઠકો મેળવનાર કૉંગ્રેસ 1990ની ચૂંટણીમાં માત્ર 33 બેઠકો પર સમેટાઈ ગઈ.
જનતા દળ અને ભાજપે ગઠબંધ સરકાર રચી એ પછી કૉંગ્રેસ ક્યારેય સત્તામાં પરત ન ફરી શકી. 1995માં પણ કૉંગ્રેસને ફકત 45 બેઠકો મળી. ભાજપનો 121 બેઠક પર વિજય થયો. ગુજરાતમાં ભાજપે એકલા હાથે સતા ગ્રહણ કરી.
1995 થી 1998 સુધીનો સમય ગુજરાતમાં રાજકીય ઊથલપાથલ અને અસ્થિરતાનો હતો. શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો. કેશુભાઈએ રાજીનામું આપવું પડ્યું. અંતે 1998માં ફરી ચૂંટણી આવી.
કેશુભાઈની તરફેણમાં સહાનુભૂતિનું મોજું હતું. એવા વાતાવરણ વચ્ચે એ ચૂંટણીમાં અર્જુનભાઈ તેમની કારકિર્દીની પ્રથમ ચૂંટણી લડ્યા. મહત્ત્વની વાત એ હતી કે અર્જુનભાઈ એ પહેલાં કદી નગરપાલિકાની ચૂંટણી પણ નહોતા લડ્યા.
એ ચૂંટણીમાં ભાજપે 117 બેઠકો મેળવી જંગી બહુમતી સાથે સરકાર રચી. પોરબંદરની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બાબુભાઈ બોખીરિયાનો વિજય થયો. બીજા ક્રમે આરજેપીના ઉમેદવાર ખારવા અગ્રણી હીરાલાલ શિયાળ રહ્યા. અર્જુનભાઈએ ડિપોઝિટ ગુમાવી.
પણ એ કારમા પરાજયથી હતાશ થયા વગર તેમણે લોકસેવા ચાલુ રાખી. પોરબંદર કૉંગ્રેસનું સંગઠન મજબૂત બનાવ્યું. કાર્યકરોમાં નવા પ્રાણ પૂર્યા અને 2002માં ભાજપના ઉમેદવાર બાબુભાઈ બોખીરિયા સામે 4400 મતની સરસાઈથી વિજય મેળવ્યો.
અર્જુન મોઢવાડિયા વિ. બાબુભાઈ બોખીરિયા
2007ની ચૂંટણી સમયે બાબુભાઈ બોખીરીયા ખનીજ ચોરીના કેસમાં જેલમાં હતા. ભાજપે તેમના વેવાણ શાંતાબહેન ઓડેદરાને ટિકિટ આપી.
અર્જુનભાઈનો 9622 મતની સરસાઈથી વિજય થયો. એ દરમિયાન કૉંગ્રેસ સતત નબળી પડી રહી હતી. ગુજરાત પર મોદીનો જાદુ છવાઈ ગયો હતો.
2012માં પરંપરાગત હરીફ બોખીરીયા સામે અર્જુનભાઈનો 17746 મતના તફાવતથી પરાજય થયો.
ફરી એક વખત 2017ની ચૂંટણીમાં બાબુભાઈ બોખીરીયા તેમની સામે 1855 મતની પાંખી સરસાઈથી વિજયી થયા.
અર્જુનભાઈ ઉપરા છાપરી બે ચૂંટણી હાર્યા પણ તેઓ લડવૈયા હતા.
2022ની ચૂંટણીમાં કૉંગ્રેસ ગુજરાતમાં માત્ર 17 અને સૌરાષ્ટ્રમાં ગણીને ફકત ત્રણ બેઠકો મેળવી શકી ત્યારે પણ અર્જુનભાઈએ બાબુભાઈ બોખીરીયાને 8181 મતની નોંધપાત્ર સરસાઈથી હરાવ્યા.
અર્જુનભાઈએ સોમવારે પોરબંદરના ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું તે પછી સૌરાષ્ટ્રમાં કૉંગ્રેસના હવે માત્ર બે ધારાસભ્યો બચ્યા છે. અર્જુનભાઈ હંમેશાં વિરોધપક્ષમાં રહ્યા હતા.
કૉંગ્રેસથી અંતરની શરૂઆત ક્યારે થઈ?
તેમની સાથે ખભેખભો મિલાવીને કામ કરનાર યુવા કાર્યકર લાખણશીભાઈ કહે છે, "અર્જુનભાઈએ કદી સત્તાનો મોહ ન રાખ્યો. તેમની નજર સામે જ કૉંગ્રેસ છોડી ભાજપમાં ભળેલા વિઠ્ઠલભાઈ રાદડીયા, કુંવરજીભાઈ બાવળીયા, જવાહર ચાવડા, રાઘવજીભાઈ પટેલ જેવા નેતાઓને ભાજપે પ્રધાનપદ આપ્યું હતું."
“અર્જુનભાઈએ ધાર્યું હોત તો ભગવો ધારણ કરીને સત્તા મેળવી શક્યા હોત પણ તેઓ પક્ષને વફાદાર રહ્યા. અર્જુનભાઈએ તેમનું સમગ્ર જીવન કૉંગ્રેસને સમર્પિત કરી દીધું હતું અને એટલે જ તેમણે કૉંગ્રેસ છોડી એ ઘટનાએ રાજકીય ભૂકંપ સર્જ્યો.”
લાખણશીભાઈ કહે છે, "2022માં અર્જુનભાઈ પોતે વિજયી થયા હોવા છતાં કૉંગ્રેસના કરુણ રકાસથી વ્યથિત હતા. અર્જુનભાઈ કહેતા કે કૉંગ્રેસનું નેતૃત્વ લોકોથી વિમુખ થઈ ગયું છે. મોવડી મંડળ ગુજરાતની જમીની હકીકતથી અજાણ છે."
અર્જુનભાઈને ગાંધી પરિવાર અને ખાસ કરીને સોનિયા ગાંધી સાથે ઘરોબો હતો. 2009માં તેમણે કરેલી સોનિયા ગાંધીની જાહેરસભાને ‘પોરબંદરના ઇતિહાસની સૌથી મોટી સભા’ માનવામાં આવે છે.
જોકે, અહમદ પટેલના નિધન બાદ કૉંગ્રેસના નેતાઓ અને મોવડી મંડળ વચ્ચેની કડી છૂટી ગઈ.
લાખણશીભાઈ અને અન્ય કાર્યકરો સાથેની વાતચીતમાં અર્જુનભાઈ કહેતા કે, “મેં અનેક વખત પક્ષના રાજ્યના નેતાઓ અને મોવડી મંડળને પક્ષની કથળેલી હાલત, તેનાં કારણો અને પક્ષને પુનઃજીવિત કરવાના ઉપાયો અંગે રજૂઆત કરી પણ કોઈ સાંભળવા જ તૈયાર નહોતા.”
તેમના સાથીદારો પ્રમાણે અર્જુનભાઈ પોતે જેના માટે આયખું ખર્ચી નાખ્યું ‘એ જ પક્ષમાં ગૂંગળામણ અનુભવતા હતા.’ છેલ્લે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાનું આમંત્રણ કૉંગ્રેસે ઠુકરાવ્યું ત્યારે તેમણે પ્રથમ વખત જાહેરમાં પક્ષના એ નિર્ણયનો વિરોધ કર્યો અને અંતે 40 વર્ષની કારકિર્દી બાદ કૉંગ્રેસને અલવિદા કર્યું.
કિરીટભાઈ સવજાણી કહે છે, "નુકસાન કૉંગ્રેસને છે. અર્જુનભાઈની અજાતશત્રુની છાપ છે. વિરોધ પક્ષના કાર્યકરો પણ તેમનો નિ:સંકોચ સંપર્ક કરી શકતા અને અર્જુનભાઈ પક્ષાપક્ષીને કોરાણે મૂકીને બધાનાં કામ કરતા."
પોરબંદર પંથકના કોઈ પણ દર્દી અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે જાય તો તેમને મદદરૂપ થવા માટે કાયમી ધોરણે ત્યાં બે કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી હોવાનું કહેવાય છે.
અર્જુનભાઈએ પોરબંદરને ડૉ. વી. આર. ગોઢાણીયા કૉલેજ જેવી શૈક્ષણિક સંસ્થાની ભેટ આપી. આજે તેમાં આર્ટસ-કૉમર્સ-હોમ સાયન્સ અને એન્જિનિયરિંગમાં દસ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
અર્જુનભાઈ પોરબંદરની માફિયાગીરી સામે હિંમતભેર ઝઝૂમ્યા. 2005માં તેમના નાનાભાઈ જેવા કૉંગ્રેસી કાર્યકર મૂળુભાઈ મોઢવાડિયાની હત્યા થઈ તે ઘટનાએ સૌરાષ્ટ્ર અને હચમચાવી નાખ્યું હતું.
મૂળુભાઈના પર્સમાંથી કથિતપણે બાબુભાઈ બોખીરિયા તેમની હત્યા કરાવશે એવું લખાણ ધરાવતી ચિઠ્ઠી મળી હતી. અર્જુનભાઈએ બાબુભાઈને સહઆરોપી બનાવવાની માગણી સાથે સુદામા ચોકમાં છ દિવસના ઉપવાસ કર્યા હતા.
પોરબંદરના જાહેરજીવનમાં તેમનું પ્રદાન એ તેમની સાચી શક્તિ છે અને લોકોએ તેમની કદર પણ કરી.
અર્જુનભાઈ કૉંગ્રેસના અડીખમ નેતા હતા. કૉંગ્રેસી નેતાઓમાં પક્ષ છોડીને ભગવો ધારણ કરવાની હોડ લાગી હતી ત્યારે તેઓ સૌરાષ્ટ્રનો ગઢ સાચવીને બેઠા હતા. કૉંગ્રેસમાંથી તેમની વિદાય સાથે સૌરાષ્ટ્રમાં તેમના ગજાનો હવે એક પણ નેતા નથી બચ્યો એ વાતનો ઇનકાર થઈ શકે તેમ નથી.
જોકે, વર્ષો સુધી નિષ્ઠાવાન કાર્યકર તરીકે પક્ષ સાથે રહ્યાં બાદ અંતે અર્જુન મોઢવાડિયાએ કૉંગ્રેસ સાથે વિશ્વાસઘાત કર્યો છે એવી લાગણી કાર્યકરો અનુભવી રહ્યા છે.
ગઈ કાલ સુધી ભાજપની ‘ખરીદવેચાણ’ની પ્રવૃત્તિ વખોડતા અને ભાજપને કારણે દેશમાં લોકશાહી ખતરામાં છે તેવી ટીકા કરનારા મોઢવાડિયા હવે ભાજપ ઉપર પ્રશંસાનાં ફૂલો વરસાવી રહ્યા છે.
કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી કહે છે કે, “કૉંગ્રેસના હજારો કાર્યકરો કોઈ પણ જાતના સ્વાર્થ વગર માત્ર વિચારધારા અને આદર્શોથી દોરવાઈને પક્ષને સમર્પિત છે. પોરબંદર પંથકના આવા હજારો કાર્યકરોની મહેનત થકી અર્જુનભાઈ નેતા બન્યા હતા અને હવે તેમણે એ કાર્યકરોને છેહ દીધો છે. તેમણે ઉમેર્યું કે અર્જુનભાઈને કૉંગ્રેસે પૂરતું માન, સન્માન અને જવાબદારીઓ આપી હતી, પરંતુ તેઓ જતી જિંદગીએ સત્તાની લાલસામાં લપસી પડ્યા.”
મનીષ દોશીની વાતમાં દમ છે. 1998માં મોઢવાડિયાએ ડિપોઝિટ ગુમાવી હતી છતાં પક્ષે તેમને 2002માં ઉમેદવાર બનાવ્યા હતા. પ્રથમ વખત ધારાસભ્ય બન્યા તેમ છતાં તેમને દંડક અને વિપક્ષના નેતાનાં પદ આપવામાં આવ્યા.
પક્ષપ્રમુખનું પદ પણ આપ્યું.
2012 અને 2017માં સતત બે વખત ચૂંટણી હાર્યા, તેમ છતાં તેમનું માન જાળવી પક્ષે તેમને 2022માં ફરી એક વખત ટીકીટ આપી.
2017માં પાટીદાર આંદોલનના ઓછાયા હેઠળ સૌરાષ્ટ્રમાં કૉંગ્રેસનો પંજો ફરી વળ્યો હતો, ત્યારે પણ અર્જુનભાઈ પોતાના હોમગ્રાઉન્ડ પોરબંદરમાં ચૂંટણી હારી ગયા હતા.
2022ની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને કારણે થનારા નુકસાનનો અંદાજ મેળવવામાં અર્જુનભાઈ થાપ ખાઈ ગયા, નહિતર ત્યારે તેઓ સૌરાષ્ટ્રમાં કૉંગ્રેસના સૌથી મોટા નેતા હતા અને સૌરાષ્ટ્રની જવાબદારી તેમના શિરે હતી.
તેઓ વિપક્ષના નેતા અને પક્ષપ્રમુખ બન્યા ત્યારે પોરબંદર મતવિસ્તાર પ્રત્યે બેદરકાર બની ગયા હોવાની ફરિયાદો પણ ઊઠતી રહી હતી.
(અહીં રજૂ કરેલા વિચારો લેખકના અંગત છે.)