દરેક વ્યક્તિને અલગ-અલગ રીતે વૃદ્ધ બનાવતી શારીરિક પ્રક્રિયા કઈ છે, કેવી રીતે ઓળખી શકાય?

    • લેેખક, ફર્નાન્ડા પોલ
    • પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ

આ એક અનિવાર્ય પ્રક્રિયા છે. તમે ગમે તેટલા પ્રયાસ કરો, હું તમે અને આપણી આસપાસના બધા લોકો વૃદ્ધ થવાના છે, પરંતુ બધા સમાન રીતે વૃદ્ધ નહીં થાય.

તે દર્શાવે છે કે એક જ ઉંમરના કેટલાક માણસોમાં પણ વય વધવાનાં વિવિધ લક્ષણો જોવા મળી શકે છે.

વિજ્ઞાનીઓ માને છે કે અલગ-અલગ જૈવિક પૅટર્ન તેનો દર નિર્ધારિત કરતી હોય છે અને તે મુજબ આપણા પૈકીની દરેક વ્યક્તિ વૃદ્ધ થતી હોવાને કારણે આવું જોવા મળી શકે છે.

વિજ્ઞાનીઓ આ પૅટર્ન્સને એજિયોટાઇપ્સ કહે છે.

તે શું છે, તે તમારા સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરે છે અને તમારી એજિયોટાઇપ કઈ છે તે જાણી લેવું શા માટે લાભકારક સાબિત થઈ શકે?

આ સવાલોના જવાબ અમે જણાવીએ છીએ.

'એજોટાઇપ્સ'નું વર્ગીકરણ

આ વિષયમાં અગ્રણી શોધકર્તાઓ પૈકીના એક પ્રસિદ્ધ જીવવિજ્ઞાની માઇકલ સ્નાઇડર છે. તેઓ અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના જેનેટિક્સ વિભાગના ડાયરેક્ટર છે.

સ્નાઇડર અને વિજ્ઞાનીઓની તેમની ટીમે 34થી 68 વર્ષની વય વચ્ચેના 43 તંદુરસ્ત પુરુષો અને મહિલાઓના જૂથની પ્રોફાઇલ તૈયાર કરી હતી. તેમની મૉલેક્યુલર બાયોલૉજી બે વર્ષમાં કમસે કમ પાંચ વખત માપવામાં આવી હતી.

રક્ત, મળ અને અન્ય સૅમ્પલ્સનો ઉપયોગ કરીને આ અભ્યાસમાં સહભાગીઓના શરીરમાંના કેટલાંક રોગાણુઓ અને પ્રોટીન, મેટાબૉલાઇટ્સ તથા લિપિડ જેવા જૈવિક મૉલેક્યુલ્સના સ્તરની નોંધ રાખવામાં આવી હતી.

વય વધવાની સાથે માનવ શરીરમાં વાસ્તવમાં શું થાય છે તે જાણવાનો પ્રયાસ પણ શોધકર્તાઓએ કર્યો હતો.

તેમને એક જવાબ મળ્યો હતો કે લોકો ચોક્કસ પ્રકારના જૈવિક પાથવેઝને અનુસરતા હોય છે, જે એ નિર્ધારિત કરે છે કે તેમના શરીરનો કયો ભાગ વહેલો વૃદ્ધ થશે અને કયો મોડો વૃદ્ધ થશે.

આ કથિત એજોટાઇપ્સ અહીં પ્રકટ થાય છે.

માઇકલ સ્નાઇડર બીબીસીને સમજાવે છે, "વય વધવાની પૅટર્ન્સ હોય છે. આપણા બધામાં તે અલગ-અલગ રીતે થાય છે. કેટલાક લોકોની રોગપ્રતિકારક પ્રણાલી ઝડપથી વૃદ્ધ થાય છે, જ્યારે અન્ય લોકોમાં તેમની કિડની અથવા ચયાપચય પ્રણાલી વગેરે."

"દરેક કિસ્સામાં તે જુદા જુદા અવયવો અથવા અંગપ્રણાલીના સમૂહો હોય છે. જેમ કે મોટરકાર જૂની થઈ જાય ત્યારે એન્જિન, બૅટરી અથવા ચેસિસ જેવા તેના જુદા જુદા પુર્જાઓ અલગ-અલગ પ્રમાણમાં ઘસાઈ જાય છે. આવું જ આપણા શરીર સાથે થાય છે."

સ્નાઇડર અને તેમની ટીમનું સંશોધન એજિયોટાઇપના ચાર મુખ્ય પ્રકારો વિશે વાત કરે છે.

મેટાબૉલિકઃ ખોરાકને ઊર્જામાં રૂપાંતરિત કરવા અને ઝેરી પદાર્થોને દૂર કરવા માટે જવાબદાર ચયાપચય પ્રણાલી શરીરનાં અન્ય કાર્યો કરતાં વધારે ઝડપી દરે વૃદ્ધ થાય છે.

ચયાપચયને નુકસાન થાય ત્યારે સ્થૂળતા, હૃદય રોગ અને ડાયાબિટીસ સહિતની અન્ય બીમારીઓ થાય છે.

ઇમ્યુનોલૉજિકલઃ લોકોની રોગપ્રતિકારક પ્રણાલી વૃદ્ધત્વના ગાઢ સંકેતો આપે છે.

રોગપ્રતિકારક પ્રણાલી યોગ્ય રીતે કામ ન કરે તો ચેપ અને અન્ય રોગોના આક્રમક જંતુઓના આક્રમણ સામે લડવાની ક્ષમતા શરીર ગુમાવે છે. સ્નાઇડરના અભ્યાસ મુજબ, તેને લીધે ઉચ્ચ સ્તરનું ઇન્ફ્લેમેશન અથવા ઇમ્યુનોલૉજિકલ રોગો થઈ શકે છે.

હેપેટિકઃ આ પ્રકારના એજિયોટાઇપને યકૃતના વૃદ્ધત્વ સાથે સંબંધ છે. યકૃતનું મુખ્ય કામ શરીર માટે પોષક તત્ત્વોનું પ્રોસેસિંગ કરવાનું અને હાનિકારક ટૉક્સિન્સને ફિલ્ટર કરવાનું હોય છે. યકૃત યોગ્ય રીતે કામ ન કરે તો સિરોસિસ જેવા રોગ થઈ શકે છે.

નેફ્રોટિકઃ કિડનીનું કાર્ય વૃદ્ધત્વના સંકેતો દર્શાવે ત્યારે આ થાય છે. શરીરમાંના પ્રવાહીને ફિલ્ટર તથા સંતુલિત કરવામાં, તેનો પેશાબ દ્વારા નિકાલ કરવામાં, બ્લડ પ્રેશરના નિયંત્રણમાં, રક્તકણો ઉત્પન્ન કરવા માટે અસ્થિ મજ્જાને ઉત્તેજિત કરવામાં અને અન્ય કાર્યોમાં કિડની મદદ કરે છે.

તેમાં વૃદ્ધત્વના સંકેતો દેખાય તો તે હાનિકારક પ્રવાહીને ફિલ્ટર કરવાનું બંધ કરી શકે છે. બ્લડ પ્રેશરમાં ફેરફાર અથવા આવશ્યક ખનિજોમાં અસંતુલનનું કારણ બની શકે છે.

વાત આટલેથી પૂરી થતી નથી

માઇકલ સ્નાઇડર બીબીસીને સમજાવે છે કે આ ચાર એજિયોટાઇપ "માત્ર શરૂઆત છે."

તેઓ કહે છે, "હવે આપણે જાણીએ છીએ કે તેના ઘણા બધા પ્રકાર છે." તેઓ કાર્ડિયોવેસ્ક્યુલર સ્ટ્રેસનું ઉદાહરણ આપે છે, જેને અન્ય અવયવો કરતાં શારીરિક રીતે વૃદ્ધ હૃદય સાથે સીધો સંબંધ છે. તેમણે ઑક્સિડેટિવ તણાવનું ઉદાહરણ પણ આપ્યું હતું. આપણા શરીરમાં ઉત્પન્ન થતા સંયોજનો જીવન માટે ઉપયોગી નથી બનતા અને તેના પરિણામે કોષ પટલની કાર્યક્ષમતા બદલાઈ જાય છે ત્યારે ઑક્સિડેટિવ તણાવ સર્જાય છે.

સાયન્સ અને ટેકનૉલૉજી સામયિક ન્યૂ સાયન્ટિસ્ટના જણાવ્યા અનુસાર, સ્નાઇડર અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ પછી અન્ય વિજ્ઞાનીઓ પણ એજિયોટાઇપની શ્રેણીને વિસ્તારી રહ્યા છે.

સ્નાઇડરે અન્ય વિજ્ઞાનીઓ સાથે મળીને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં પ્રકાશિત કરેલા એક અભ્યાસમાં જણાવ્યું હતું કે અન્ય એજિંગ પૅટર્ન્સને "મગજની તકલીફ" અને નર્વસ સિસ્ટમ સાથે સંબંધ છે.

સિંગાપુરની નૅશનલ યુનિવર્સિટીના બાયોકેમેસ્ટ્રી વિભાગના બ્રાયન કૅનેડીએ પણ આવો જ મુદ્દો રજૂ કર્યો હતો.

2022માં પ્રકાશિત તેમના સંશોધન માટે 4,000થી વધુ સહભાગીઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેમાં જણાવ્યા મુજબ, "સમગ્ર સિસ્ટમમાં બહુવિધ ‘ક્લૉક્સ’ હોવાના પુરાવા અમારા અભ્યાસમાં સાંપડ્યા છે. તે ઑર્ગન-ટિશ્યુ સ્પેસિફિક સાથે પરસ્પર વ્યાપ્ત વૃદ્ધત્વના સિસ્ટમિક ડ્રાઇવર્સ છે."

કૅનેડીએ સ્નાઇડરની યાદીમાં એજિંગની અન્ય પૅટર્ન્સ ઉમેરી છે, જેમાં કાર્ડિયોવેસ્ક્યુલર, શારીરિક તંદુરસ્તી, સેક્સ હોર્મોન્સ અને ઇન્ટેસ્ટિનલ માઇક્રોબાયોમનો સમાવેશ થાય છે.

એજિયોટાઇપ્સ પારસ્પરિક રીતે વિશિષ્ટ નથી એટલે કે એક વ્યક્તિને બે અથવા વધુ એજિયોટાઇપ્સમાં વર્ગીકૃત કરી શકાય છે, એ ધ્યાનમાં રાખવું જોઈએ.

સ્નાઇડરના અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે કે "મેટાબૉલિક એજિયોટાઇપ રોગપ્રતિકારક પ્રણાલી સંબંધી પણ હોઈ શકે છે."

એ ઉપરાંત શરીરના એક ભાગનું વૃદ્ધત્વ બીજા હિસ્સાને પણ પોતાની સાથે તાણી શકે છે, કારણ કે અંગો એકલાં વૃદ્ધ થતાં નથી. દાખલા તરીકે કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ ઝડપથી વૃદ્ધ થાય તો તે વ્યક્તિને કિડની, સ્નાયુઓ અથવા હાડકાંની વધુ સમસ્યા સર્જાઈ શકે છે.

તેને ઓળખવાથી કેવી રીતે મદદ મળી શકે?

માઇકલ સ્નાઇડર માટે તેમની શોધની સૌથી મહત્ત્વની બાબત એ છે કે "આપણે જે રીતે વૃદ્ધ થઈએ છીએ તેમાં સુધારો કરવો શક્ય હોવાનું તે દર્શાવે છે."

તેઓ કહે છે, "કયાં અંગો ઝડપથી વૃદ્ધ થઈ રહ્યાં છે એ જાણવાથી તમે તેના પર ફોકસ કરીને નિરાકરણ કરી શકો છો. તમે મેટાબૉલિક એજિયોટાઇપના હો તો તમારે આહાર પર ધ્યાન આપવું જોઈએ. તમે ઑક્સિડેટિવ સ્ટ્રેસના જૂથમાં હો તો વધારે ઍન્ટીઑક્સિડન્ટ્સ લેવાં જોઈએ અથવા ઇમ્યુન ગ્રૂપમાં હો તો તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરો."

વાસ્તવમાં તેમના સંશોધનમાં એવા લોકો પણ હતા, જેમના એજિંગ માર્ક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો.

તેમના જણાવ્યા અનુસાર, આ બાબતને સહભાગીઓની જીવનશૈલીમાં ફેરફાર દ્વારા સમજાવી શકાય.

તેઓ સમજાવે છે, "જેમના હિમોગ્લોબિન A1c લેવલમાં ઘટાડો જોવા મળ્યો હતો એ પૈકીના ઘણાએ વજન ઘટાડ્યું હતું અને એક વ્યક્તિએ આહારમાં ફેરફાર કર્યો હતો. કિડનીની વધુ સારી કામગીરી સૂચવતો ક્રિએટાઇનમાંનો ઘટાડો જેમનામાં જોવા મળ્યો હતો તેઓ કૉલેસ્ટરોલ ઘટાડવા માટેની દવા સ્ટેટિન લેતા હતા."

મલાગા યુનિવર્સિટીના સેલ બાયોલૉજી ઍન્ડ જિનેટિક્સ વિભાગના સંશોધક ઇનેસ મોરેનો ગોન્ઝાલેઝ પણ સમાન અભિપ્રાય ધરાવે છે.

તેઓ બીબીસીને કહે છે, "કોઈ વ્યક્તિ ચોક્કસ રોગની આગાહી અથવા નિદાન શરૂઆતમાં જ કરી શકે તો તેનાથી અમને વ્યક્તિગત સારવાર અથવા ઉપચાર પ્રદાન કરવામાં દેખીતી રીતે મદદ મળશે."

તેઓ ઉમેરે છે, "તમે કઈ એજિયોટાઇપના છો તે જાણવું ખૂબ જ રસપ્રદ છે. આ પ્રોફાઇલ કદાચ આપણા જિનેટિક્સ દ્વારા અને આપણા જીવનનાં આંતરિક પરિબળો તથા તમે કેટલી રમત રમો છો અથવા તમારા જીવનની ગુણવત્તા કેવી છે તેનાં જેવાં બાહ્ય પરિબળો દ્વારા નિર્ધારિત થાય છે."

આ તમામ શોધ આપણને વૃદ્ધાવસ્થાનો સામનો કરવામાં મદદરૂપ થશે, એવી વિજ્ઞાનીઓને આશા છે.

આપણે વૃદ્ધાવસ્થાને રોકી શકતા નથી, પરંતુ તેનો વધારે સારી રીતે સામનો કરવાની તૈયારી જરૂર કરી શકીએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન