છત્રપતિ શિવાજી મહારાજે સુરતમાં લૂંટ મચાવી હતી કે કેમ તે અંગે ઇતિહાસકારો શું કહે છે?

    • લેેખક, શ્રીરંગ ગાયકવાડ
    • પદ, બીબીસી મરાઠી માટે

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં કહ્યું હતું, “છત્રપતિ શિવાજી મહારાજે સુરતને લૂંટ્યું ન હતું, પરંતુ કૉંગ્રેસે આવો ખોટો ઇતિહાસ શીખવ્યો છે.”

દેવેન્દ્ર ફડણવીસના આ નિવેદન પછી એવી ચર્ચા ચાલી રહી છે કે શિવાજી મહારાજે ખરેખર સુરત લૂંટ્યું હતું? શિવાજી મહારાજના સુરત પરના આક્રમણ બાબતે ઇતિહાસકારોએ શું કહ્યું છે તે આપણે આ લેખમાં જોઈશું.

મહારાષ્ટ્રના કોંકણમાં શિવાજી મહારાજની પ્રતિમા ધસી પડ્યાને પગલે જોરદાર વિવાદ સર્જાયો છે ત્યારે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું, “છત્રપતિ શિવાજી મહારાજે સુરત લૂંટ્યું ન હતું, પરંતુ સ્વરાજ્યનો ખજાનો યોગ્ય લોકો પાસેથી લીધો હતો.”

વિરોધ પક્ષ કૉંગ્રેસની ટીકા કરતાં ફડણવીસે કહ્યું હતું, “શિવાજી મહારાજ સુરતમાં સામાન્ય લોકોને લૂંટવા ગયા હતા, એવો ઇતિહાસ કૉંગ્રેસે આપણને વર્ષો સુધી શીખવ્યો છે.”

તેમના આ નિવેદનની સર્વત્ર ચર્ચા થઈ રહી છે અને તેના કારણે શિવાજી મહારાજ દ્વારા સુરતની લૂંટનો ઇતિહાસ વિવાદમાં આવ્યો છે.

એક સમયે મુગલોનું આર્થિક કેન્દ્ર હતું સુરત

ગુજરાતના સુરતને શિવાજી મહારાજે બે વાર લૂંટ્યું હોવાનો ઉલ્લેખ ઇતિહાસમાં જોવા મળે છે. ઇતિહાસકાર વી. સી. બેન્દ્રે લિખિત ‘છત્રપતિ શિવાજી મહારાજ’ તથા કૃષ્ણરાવ અર્જુન કેળૂસકરે 1906માં લખેલાં ‘છત્રપતિ શિવાજી મહારાજ’ શિવચરિત્રો તેમજ જદુનાથ સરકારે 1919થી 1952ના સમયગાળામાં લખેલાં શિવચરિત્રમાં સુરતની લૂંટ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે.

તેનો સારાંશ નીચે મુજબ છે.

શિવાજી મહારાજે 1664માં સુરત લૂંટ્યું તેની પશ્ચાદભૂમિમાં શાહિસ્ત ખાને પૂણેમાં કરેલી લૂંટ અને અત્યાચાર હતા.

મુગલ સરદાર અને ઔરંગઝેબના મામા શાહિસ્ત ખાને ત્રણ વર્ષ સુધી મહારાષ્ટ્રમાં અડિંગો જમાવ્યો હતો. તેના કારણે મરાઠા સામ્રાજ્યની આર્થિક સ્થિતિ નાજુક થઈ ગઈ હતી.

શિવાજીએ પોતે લાલ મહેલમાં શાહિસ્ત ખાનની આંગળીઓ કાપી નાખીને તેને પૂણેમાંથી હાંકી કાઢ્યો હતો. એ પછી રાજ્યની આર્થિક સ્થિતિ સુધારવા માટે તેમણે તત્કાળ પગલાં લીધાં હતાં.

રાજધાની રાજગઢથી 325 કિલોમીટર દૂર આવેલું દક્ષિણ ગુજરાતનું સુરત મુગલોનું આર્થિક કેન્દ્ર અને મુખ્ય વ્યાપારી બંદર હતું. તેને લૂંટવાનું શિવાજી મહારાજે નક્કી કર્યું હતું.

જદુનાથ સરકારે ‘છત્રપતિ શિવાજી મહારાજ – કાળ અને કર્તૃત્વ’નામના પુસ્તકમાં લખ્યું છે, “સુરત પહોંચ્યા પછી શિવાજી મહારાજે જાહેર કર્યું હતું કે અહીં અમે અંગ્રેજો કે અન્ય વેપારીને નુકસાન કરવા આવ્યા નથી.”

“ઔરંગઝેબે શિવાજી મહારાજના રાજ્યને લૂંટ્યું અને તેમના કેટલાક સંબંધીઓની હત્યા કરી, તેનો બદલો લેવા તેઓ સુરત ગયા હતા, પરંતુ એક હેતુ ધન મેળવવાનો પણ હતો. તેઓ ચાર દિવસમાં બને તેટલું વધુ ધન એકઠું કરવા ઇચ્છતા હતા. લૂંટનો માલ લઈને તેઓ ત્યાંથી શક્ય તેટલા વહેલા રવાના થવા ઇચ્છતા હતા.”

વૈશ્વિક વ્યાપારનું કેન્દ્ર

એ સમયે સુરતનો વ્યાપાર માત્ર ભારતમાં જ નહીં, પરંતુ યુરોપ, આફ્રિકા અને મધ્ય-પૂર્વના દેશોમાં પણ ચાલતો હતો. મુગલોને વેપારના કરમાંથી લાખો રૂપિયા મળતા હતા. કિલ્લેબંધી કરીને 5,000 સૈનિકો સુરતનું રક્ષણ કરતા હતા.

શિવાજી મહારાજે તેમના જાસૂસી વડા બહિરજી નાઇકને સુરત પર ચાંપતી નજર રાખવા જણાવ્યું હતું. બહિરજીના રાઘોજી નામના બાતમીદારે સુરત પર લગભગ ત્રણ મહિના સુધી નજર રાખીને વિગતવાર માહિતી એકઠી કરી હતી.

સુરતમાં મુગલોના 5,000 સૈનિકો પૈકી માત્ર 1,000 જ લડવૈયા હતા. તેમને વધારાના સૈનિકો મળે તે પહેલાં આપણે આક્રમણ કરવું જોઈએ, તેવું સૂચન બહિરજીએ શિવાજીને કર્યું હતું. તે મુજબ, ઝડપભેર આગળ વધીને 8,000 મરાઠાઓનું અશ્વદળ 1664ની પાંચમી જાન્યુઆરીએ સુરત નજીકના ગણદેવી ગામમાં પહોંચ્યું હતું.

ત્યાંથી તેમણે મુગલોના સુરતના સુબેદાર ઇનાયત ખાનને પોતાના વકીલ મારફત સંદેશો મોકલાવ્યો હતો કે “ઈનાયત ખાન અને સુરતના અગ્રણી વેપારીઓએ મહારાજ માંગે તેટલી ખંડણી આપવાની વ્યવસ્થા કરવાની છે. અન્યથા સુરત બદસૂરત થશે તો તેની જવાબદારી અમારી રહેશે નહીં.”

ઇનાયત ખાન ડરી ગયો હતો અને સુરતના કિલ્લામાં છુપાઈ ગયો હતો. તેના સૈન્યનો પ્રતિકાર મરાઠાઓએ આસાનીથી કર્યો હતો.

શહેરમાં પ્રવેશ્યા પછી મરાઠાઓએ ઠેકઠેકાણે ચોકીઓ બનાવી હતી. મુગલ સૈનિકો સમુદ્રમાંથી આવીને પ્રતિકાર ન કરે એટલા માટે સુરતના બંદર પર હુમલો કરીને તેના બારાને આગ લગાવી દીધી હતી. મરાઠાઓએ યુરોપિયન વસાહત, કિલ્લાઓ કે શસ્ત્રાગારને હાથ લગાવ્યો ન હતો. મરાઠાઓનો મુખ્ય હેતુ સુરતને લૂંટવાનો હતો અને તેઓ તેમની સાથે અકારણ લડાઈ કરવા ઇચ્છતા ન હતા. તેથી એ લોકોએ પણ મરાઠાઓ સાથે સંઘર્ષ કર્યો ન હતો.

મરાઠાઓએ કડક સુરક્ષા હેઠળ શહેરમાંથી નાણાં એકઠા કર્યાં હતાં. મુગલ થાણેદાર અને મહેસુલ કચેરીઓની તિજોરી ખાલી કરવામાં આવી હતી. પોર્ટુગીઝો પાસે પોતાના બચાવ માટે પૂરતું સૈન્ય ન હતું. તે જોઈને મરાઠાઓએ તેમનો ખજાનો પણ લઈ લીધો હતો. મરાઠા સૈનિકોએ સતત ત્રણ દિવસ સુરતમાંથી વેપારીઓ અને શાહુકારોની હવેલીઓમાંથી પુષ્કળ સંપત્તિ એકઠી કરી હતી.

તેમાં વીરજી વોરા, હાજી ઝાહિદ બેગ અને હાજી કાસમ જેવા વેપારીઓનો સમાવેશ થતો હતો. મોહનદાસ પારેખ એ સમયે સુરતમાં ઇસ્ટ ઈન્ડિયા કંપનીમાં કામ કરતા હતા. તેઓ સખાવતી હતા અને લોકોને મદદ કરતા હતા. તેથી તેમના નિવાસસ્થાન પર મરાઠાઓએ હુમલો કર્યો ન હતો તેમજ અન્ય ધાર્મિક મિશનરીઓની સંપત્તિને પણ નુકસાન પહોંચાડ્યું ન હતું.

‘સ્વરાજ્યના નિર્માણ માટે સુરતના ખજાનાનો ઉપયોગ’

ફ્રૅન્ચ પ્રવાસી ફ્રાંસ્વા બર્નિયેએ તેમના પુસ્તકમાં લખ્યું છે, “મરાઠાઓએ રૅવરેન્ડ ફાધર ઍમ્બ્રોઝના ઑર્ડર ઑફ ફ્રાયર્સ માઇનોર કેપ્યુચિન્સ ઇમારતનો આદર કર્યો હતો. ફ્રૅન્ચ પાદરીઓ સારા લોકો હોય છે એટલે તેમના પર હુમલો ન કરવાનો આદેશ શિવાજી મહારાજે આપ્યો હતો.”

દરમિયાન, ઇનાયત ખાને મરાઠાઓ સાથે વાટાઘાટ માટે પોતાના વકીલને મોકલ્યા હતા. મળવા આવેલા વકીલે શિવાજી મહારાજ પર સીધો હુમલો કર્યો હતો. તેથી શિવાજીના અંગરક્ષકોએ વકીલની હત્યા કરી હતી.

એ પછી ગુસ્સે ભરાયેલા મરાઠાઓએ ચાર કેદીઓને મારી નાખ્યા હતા અને 24 કેદીઓના હાથ કાપી નાખ્યા હતા. ત્યાર બાદ મુગલોની વધુ સૈન્ય ટુકડીઓ આવે તે પહેલાં મરાઠાઓ સુરતનો તમામ ખજાનો લઈને ઝડપભેર રાજગઢ પહોંચ્યા હતા. સુરતના ખજાનાનો ઉપયોગ શિવાજી મહારાજે સ્વરાજ્યના નિર્માણ માટે કર્યો હોવાનો ઉલ્લેખ વી. સી. બેન્દ્રેના પુસ્તકમાં છે.

આગ્રામાંથી મુક્તિ પછી સુરતની બીજી લૂંટ

સુરતની પહેલી લૂંટના છ વર્ષ પછી એટલે કે 1670ની ત્રીજી ઑક્ટોબરે શિવાજી મહારાજે બીજીવાર સુરતમાં લૂંટ ચલાવી. સ્વરાજ્યની આર્થિક સ્થિતિ પૂર્વવત કરવા સુરતમાંથી મોટા પ્રમાણમાં સંપત્તિ લાવ્યા. તેનું કારણ મુગલોના આગ્રા કિલ્લામાંથી શિવાજીની મુક્તિ હતું. પહેલી લૂંટથી ઔરંગઝેબ ખળભળી ઉઠ્યો હતો. તેથી મિરઝારાજે જયસિંહને મરાઠા રાજ્ય પર આક્રમણ માટે મોકલ્યા હતા.

જયસિંહ જંગી લશ્કર સાથે આવ્યા હોવાથી શિવાજી મહારાજે તેની સાથે સંધિ કરવી પડી હતી. પુરંદરની તે પ્રસિદ્ધ સંધિમાં શિવાજી મહારાજે 23 કિલ્લા અને ખંડણી પેટે ચાર લાખ રૂપિયા આપવા પડ્યા હતા. એ પછી આગ્રામાં ઔરંગઝેબને મળવા જવું પડ્યું હતું.

દરબારમાં અપમાન થયા પછી તેમણે નજરકેદમાં રહેવું પડ્યું હતું. એ કેદમાંથી શિવાજી મહારાજનું પલાયન ઇતિહાસમાં જાણીતું છે. એ સમયગાળામાં સ્વરાજ્યને મોટું નુકસાન થયું હતું. તે નુકસાનની ભરપાઈ માટે સુરતને ફરી લૂંટવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

પોતાના નાગરિકો સાથે થયેલા અન્યાયનો બદલો લેવા અને રાજ્યના આર્થિક સ્થિતિને પૂર્વવત કરવા પૂરતી તૈયારી સાથે તેમણે સુરત પર બીજી વખત હુમલો કર્યો હતો. એ હુમલાની સુરતના સુબેદારને આગોતરી જાણ થઈ ગઈ હતી, પરંતુ નબળા પડી ગયેલા મરાઠાઓ બીજી વખત હુમલો કરશે, એવું તેણે વિચાર્યું ન હતું.

‘મહારાજે પહેલાં સંદેશો મોકલીને 'ચોથ'નો હિસ્સો માગ્યો’

જોકે, ત્યાંના બ્રિટિશ પ્રેસિડન્ટ જિરોલ્ડ એન્જિયરે નદી પારના સ્વાલી બંદર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. મુગલ સુબેદાર માત્ર 300 સૈનિકોની શક્તિ પર આધાર રાખીને બેઠો હતો. 1670ની બીજી ઑક્ટોબરે 15,000 મરાઠાઓના સૈન્યએ સુરતની સીમા પર હુમલો કર્યો હતો.

શિવાજી મહારાજે સુબેદારને સંદેશો મોકલ્યો હતો, “તમારા શાસકોના વર્તનને કારણે મને મોટું સૈન્ય જાળવવાની ફરજ પડે છે. એ સૈન્યના પોષણ માટે પૈસાની જરૂર પડે છે. તેથી મુગલોએ તેમની સંપત્તિનો ચોથો ભાગ મને આપવો જોઈએ.”

એ સમયે સ્વરાજ્યમાં નહીં, પરંતુ જે પ્રદેશને રાજાના આક્રમણ સામે સંરક્ષણ મળે તેને ચોથો હિસ્સો આપવામાં આવતો હતો. તેને ચોથ કહેવામાં આવતો હતો. છત્રપતિ શિવાજી મહારાજે તેની જ માગણી કરી હતી.

તે સંદેશાનો કોઈ જવાબ ન મળતાં મરાઠાઓ ત્રીજી ઑક્ટોબરે સુરતમાં પ્રવેશ્યા હતા. તેમણે સુરતમાં ત્રણ દિવસ લૂંટ કરી હતી. સામાન્ય લોકોને જરાય ત્રાસ આપ્યા વિના તેમણે મોટા વેપારીઓ તથા ધનિકો પાસેથી પૈસા, સોનું, હીરા અને ઝવેરાત લૂંટ્યા હતા.

ધાર્મિક, સારા માણસોને પણ લૂંટમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. સુરતની પહેલી લૂંટમાંથી મરાઠાઓને 80 લાખનો, જ્યારે બીજી લૂંટમાંથી 66 લાખ રૂપિયાનો ખજાનો હાથ લાગ્યો હતો.

અનેક લખાણોમાં ‘લૂંટ’ તરીકે ઉલ્લેખ

ઇતિહાસના વિદ્વાન સંજય સોનાવણીએ આ ઘટનાને આધારે જ 650 પાનાની નવલકથા ‘રાઘોજી આણિ લૂંટ સુરતેચી’ લખી છે. તેમાં આ બધું દિલધડક વર્ણન છે. આ એક નવલકથા છે, પરંતુ ઐતિહાસિક તથ્યો પર આધારિત હોવાથી તેમાં ઇતિહાસને ક્યાંય ધક્કો ન લાગે તેની કાળજી રાખવામાં આવી છે, એમ સોનવણી કહે છે.

દેવેન્દ્ર ફડણવીસના કહેવા મુજબ, “લૂંટ શબ્દ કૉંગ્રેસે લોકપ્રિય બનાવ્યો હતો.” આ સંદર્ભે સંજય સોનવણીએ બીબીસીને જણાવ્યું હતું, “આ જ શબ્દ એ સમયના પત્રવ્યવહારમાં, શિવાજીના સમયના દરબારી દસ્તાવેજોમાં છે.”

વિદેશી ઇતિહાસકારોએ પણ એ ઘટનાને ‘લૂંટ’ ગણાવી છે. એટલું જ નહીં, શિવરાજભૂષણ નામના પુસ્તકના લેખક અને શિવાજીના સમયના વિખ્યાત કવિએ પણ પોતાની કવિતામાં આ ઘટનાને ‘લૂંટ’ ગણાવતાં નીચે મુજબ લખ્યું છેઃ

દિલ્હી દલન દબાય કરિ સિવ સરજા નિરસંક,

લૂટિ લિયો સૂરતિ સહર બંકક્કરિ અતિ ડંક.

વંકક્કરિ અતિ ડંકક્કરિ અસ સંકક્કુલિક ખલ,

સોચવ્યક્તિ ભરોચ્ચલિય વિમોચચ્ચખલજલ.

તઠ્ઠઈમન કઠ્ઠઠિક સોઈ રઠ્ઠલ્લિય.

શિવસાહિર બાબાસાહેબ પુરંદરે લિખિત શિવચરિત્ર ‘રાજા શિવછત્રપતિ’ના બન્ને ગ્રંથોમાં સુરતની લૂંટનું વિગતવાર વર્ણન આપવામાં આવ્યું છે. તેમાં પહેલી લૂંટ પછી શિવાજી મહારાજ કહે છે, “અમારે કોઈની સાથે અંગત દુશ્મની ન હતી અને નથી. અમે જે સુરતને લૂંટ્યું તે ઔરંગઝેબનું સુરત હતું. ઔરંગઝેબે સતત ત્રણ વર્ષ સુધી અમારી જમીન બરબાદ કરી, લોકોની કતલ કરી. તેનો બદલો લેવા અમે સુરત લૂંટ્યું. અમારું લક્ષ્ય આજે સાકાર થયું.”

‘શિવાજી મહારાજે નૈતિકતાનું પાલન કર્યું’

ઇતિહાસના વિદ્વાન ઇન્દ્રજિત સાવંત કહે છે, “સુરતની લૂંટ પછી ત્યાંના અંગ્રેજો દ્વારા ઇંગ્લૅન્ડ સાથે પત્રવ્યવહાર કરવામાં આવ્યો હતો. તેમાં સ્પષ્ટપણે Plunder એટલે કે લૂંટ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઍસ્કેલેટ નામના એક અંગ્રેજ અધિકારીએ છત્રપતિ શિવાજીના તંબુમાં તેમની સમક્ષ મૂકવામાં આવેલી સંપત્તિના અસંખ્ય ઢગલાનું વર્ણન કર્યું છે.”

સભાસદ બખર, ઇતિહાસકાર જદુનાથ સરકાર, ગજાનન મેહેંદળે, બાબાસાહેબ પુરંદરે વગેરેએ આ ઘટના બાબતે વિગતવાર લખ્યું છે. એ સમયે દુશ્મનના પ્રદેશોમાં દરોડા પાડવા, લૂંટફાટ કરવી, ખંડણી એકઠી કરવી એ બધી સામાન્ય બાબતો હતી. બધા રાજાઓ એકમેકના પ્રદેશમાં આવું કરતા હતા. જોકે, શિવાજી મહારાજે આ બાબતમાં પણ કેટલાક નૈતિક નિયમોનું પાલન કર્યું હતું.

દાખલા તરીકે, સુરતની લૂંટ દરમિયાન સ્ત્રીઓની હેરાનગતિ ન થવી જોઈએ અને ગરીબોને લૂંટવા ન જોઈએ તેવી સૂચના શિવાજી મહારાજે તેમના સૈનિકોને આપી હતી. રસપ્રદ વાત એ છે કે આ લૂંટ દરમિયાન તેમણે એક બ્રિટિશ મહિલાના ઘરની રક્ષા પણ કરી હતી. એ ઉપરાંત લૂંટફાટ કર્યા બાદ તેમણે ઘણી સંપત્તિ ગરીબોમાં વહેંચી દીધી હતી.

‘તે વ્યૂહાત્મક ચાલ હતી’

સ્વરાજ્યની આર્થિક સ્થિતિ સુધારવાની સાથે સાથે શિવાજી મહારાજનું વ્યૂહાત્મક પગલું, મુગલોનો ગઢ બની ગયેલા સુરત બંદરને ફટકો મારવાનું પણ હતું. એ પછી તેમણે પશ્ચિમ કિનારે વેપારીઓને સંરક્ષણ આપ્યું હતું.

સુરતમાં શિવાજીની જે પ્રતિમા સ્થાપવામાં આવી છે તે પહેલાના જમાનાની છે. મધ્ય યુગમાં ગુજરાતમાં મરાઠાઓનું શાસન હતું. સરદાર દામાજી ગાયકવાડ, દામાજી થોરાટ વગેરેનું ગુજરાતમાં વર્ચસ હતું. તેમના થકી ગુજરાતમાં શિવાજીનો દબદબો રહ્યો હતો.

શિવાજીની હિલચાલ પર અંગ્રેજો ચાંપતી નજર રાખતા હતા. તેથી સુરતની બીજી લૂંટના સમાચાર બ્રિટિશ સરકારના અખબાર ‘લંડન ગૅઝેટ’માં પ્રકાશિત કરવામાં આવ્યા હતા.

તેમાં એવો ઉલ્લેખ છે કે એ ઘટના પછી મુગલોની સાથે અંગ્રેજો પણ ડરી ગયા હતા. “ક્રાંતિકારી છત્રપતિ શિવાજી મહારાજ લગભગ આખા દેશના સ્વામી બની ગયા છે,” એવો ઉલ્લેખ બ્રિટિશ અધિકારીઓના પત્રોમાં હોવાનું આ સમાચારમાં જણાવવામાં આવ્યું છે.

સુરતની લૂંટથી સ્વરાજ્યને લાભ થયો

સુરતની લૂંટથી છત્રપતિ શિવાજીને શું ફાયદો થયો, એ વિશે ઇતિહાસકાર વી. સી. બેન્દ્રેએ તેમના શિવચરિત્રમાં વિગતવાર જણાવ્યું છે.

તેમણે લખ્યું છે, “સુરતની લૂંટને કારણે છત્રપતિ શિવાજી મહારાજના શક્તિ-સામર્થ્યની પ્રતિષ્ઠા દૂર દૂર સુધી ફેલાઈ હતી અને ત્રણ-ચાર વર્ષ સુધી બે મોટા સંઘર્ષોનો સામનો કરવામાં તેમણે જે આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું તેની ભરપાઈ થઈ હતી.

હિન્દવી સ્વરાજ્યના પ્રયાસો પછી ઢીલા પડવાનું કોઈ કારણ ન હતું. હકીકતમાં આ ઘટના સ્વરાજ્યના વિસ્તારની પોષક બની હતી. એ ઉપરાંત મુગલ સૈન્યની તાકાત ઘણી ઓછી થઈ હતી, કારણ કે દૂર દૂર સુધી કૂચ કરતા પહેલાં તેમણે વતનના સંરક્ષણ માટે વિવિધ સ્થળોએ મોટી સંખ્યામાં સૈનિકો રાખવા પડતા હતા. ”

મોટાભાગના ઇતિહાસકારોનો મત છે કે સુરતની લૂંટથી છત્રપતિ શિવાજી મહારાજને સ્વરાજ્યની સ્થાપનામાં અને સમગ્ર દેશમાં મરાઠાઓનો દબદબો વધારવામાં મોટો લાભ થયો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.