You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત ચૂંટણી: 2002નાં રમખાણો પર ભાષણબાજી અને પાકિસ્તાનની એન્ટ્રી કેમ થઈ?
- ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે અને પરિણામ 8 ડિસેમ્બરે આવશે
- ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ફરી 2002નો મુદ્દો ચર્ચામાં આવ્યો છે
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખેડામાં ચૂંટણી રેલી દરમિયાન 2002નાં ગુજરાત રમખાણોનો ઉલ્લેખ કર્યો હતો
- પાકિસ્તાનનું કહેવું છે કે 2002નાં ગુજરાત રમખાણોમાં 2000થી વધુ મુસ્લિમો માર્યા ગયા હતા
- 27 ફેબ્રુઆરી, 2002ના રોજ, ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચમાં આગ લાગી અને 59 કારસેવકો મૃત્યુ પામ્યાં
ગુજરાતનાં 2002નાં રમખાણો અંગે ભાજપના નેતાની ટિપ્પણી પર પાકિસ્તાને ભારે ચિંતા વ્યક્ત કરી છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે આ ટિપ્પણી 2002નાં મુસ્લિમવિરોધી ગુજરાત રમખાણોમાં ભાજપના નેતૃત્વની સીધી સંડોવણીની પુષ્ટિ છે.
પાકિસ્તાનનું કહેવું છે કે 2002નાં ગુજરાત રમખાણોમાં 2000થી વધુ મુસ્લિમો માર્યા ગયા હતા.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાના તાજેતરના નિવેદને લાંબા સમયથી પાકિસ્તાનના દાવાને સમર્થન આપ્યું છે.
ગુજરાત રમખાણો અંગે પાકિસ્તાન લાંબા સમયથી દાવો કરી રહ્યું છે કે ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકાર મુસલમાનોની હત્યા અને હિંસા ભડકાવવા માટે જવાબદાર હતી.
પાકિસ્તાન તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ટિપ્પણીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતના ગૃહમંત્રીએ તાજેતરમાં દાવો કર્યો હતો કે ગુજરાત રમખાણો માટે જવાબદાર લોકોને પાઠ ભણાવવામાં આવ્યો હતો અને ભાજપ દ્વારા લેવામાં આવેલા નિર્ણાયક પગલાને કારણે ગુજરાતમાં કાયમી શાંતિ સ્થપાઈ હતી.
પાકિસ્તાને કહ્યું- એ નિંદનીય છે કે મુસલમાનોને નિશાન બનાવીને કરવામાં આવેલા અપરાધનો ભાજપ દ્વારા માત્ર રાજકીય લાભ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અફસોસની વાત છે કે ગુજરાત રમખાણોના બે દાયકા પછી પણ ભાજપ ફરી એક વાર તેની વિભાજનકારી નીતિઓ હેઠળ તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
પાકિસ્તાનનું કહેવું છે કે ભાજપશાસિત ભારત સરકારનો વ્યવહાર લઘુમતીઓ, ખાસ કરીને મુસલમાનો પ્રત્યે ભેદભાવપૂર્ણ, અપમાનજનક, નફરત અને હિંસાથી ભરેલો છે.
પાકિસ્તાને એક નિવેદનમાં કહ્યું- આ વર્ષે જૂનમાં ભારતની સુપ્રીમ કોર્ટે વર્તમાન વડા પ્રધાન અને ગુજરાતના તત્કાલીન સીએમને 2002નાં રમખાણોમાં તેમની ભૂમિકા બદલ ક્લીનચિટ આપી હતી. સુપ્રીમ કોર્ટે 11 અરજીઓ ફગાવી દીધી હતી. જેમાંથી એક રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (એનએચઆરસી)ની અરજી હતી. આ અરજીઓમાં 2002નાં ગુજરાત રમખાણોની સ્વતંત્ર તપાસની માગ કરવામાં આવી હતી.
નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એ હકીકતને નકારી શકાય નહીં કે ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે માનવ અધિકારના નબળા રેકૉર્ડને કારણે ભારતના વર્તમાન વડા પ્રધાન પર 2014 સુધી યુએસ સહિત ઘણા દેશોની મુલાકાત લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
પાકિસ્તાને ભારતના કાનૂની અને વહીવટીતંત્ર પર પણ સવાલો ઉઠાવ્યા છે અને આરોપ લગાવ્યો છે કે ભારતમાં ભાજપ-આરએસએસનો હિંદુત્વ એજન્ડા ચલાવવામાં આવી રહ્યો છે.
પાકિસ્તાને પોતાના નિવેદનમાં ભારતને અપીલ કરી છે કે ગોધરાકાંડ અને ગુજરાત રમખાણોની તપાસ માટે એક સ્વતંત્ર તપાસ પંચની રચના કરે, જેથી ગુનેગારોને સજા મળી શકે.
પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સમુદાય અને ખાસ કરીને માનવાધિકાર કાર્યકરોને અપીલ કરી છે કે તેઓ આ બાબતને ગંભીરતાથી લે અને ભારતમાં ઇસ્લામોફોબિયાના મુદ્દા પર પણ ધ્યાન આપે.
પાકિસ્તાને ભારત સરકારને લઘુમતીઓ, ખાસ કરીને મુસલમાનોના જીવનના અધિકારો અને સલામતીની ખાતરી કરવા કહ્યું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. મતદાન બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે થશે અને પરિણામ 8 ડિસેમ્બરે આવશે.
શંકરસિંહ વાઘેલા અને અમિત શાહે શું કહ્યું?
ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ ગોધરાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે જો ગોધરાકાંડ ન થયો હોત તો ભાજપ સત્તામાં ન આવ્યો હોત.
ન્યૂઝલોન્ડ્રી સાથેની વાતચીતમાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે- જો ગોધરાકાંડ ન થયો હોત, ડબ્બાને સળગાવાયો ન હોત અને તે સમયે રાજધર્મનું પાલન થયું હોત તો ભાજપનો ફરી સત્તામાં આવવાનો પ્રશ્ન જ ન હતો. ગુજરાતમાં રક્ષકો જ ભક્ષકો બન્યા.
હાલમાં જ બીબીસી સાથેની વાતચીતમાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે 2002નાં રમખાણો બાદ અટલ બિહારી વાજપેયી નરેન્દ્ર મોદીને મુખ્ય મંત્રીપદ પરથી હટાવવા માગતા હતા, પરંતુ અડવાણી આડે આવી ગયા હતા.
વાઘેલાએ કહ્યું હતું કે, “એપ્રિલ 2002માં ગોવામાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી હતી. આ બેઠકમાં વાજપેયીએ મોદીને ગુજરાતના મુખ્ય મંત્રી પદ પરથી હટાવવાનું મન બનાવી લીધું હતું, પરંતુ અડવાણી તૈયાર ન થયા. 2016માં જ્યારે અડવાણીજીનાં પત્ની કમલાજીનું નિધન થયું ત્યારે હું તેમને મળવા ગયો હતો. મેં તેમને કહ્યું કે તમે ગોવામાં મોદીને બચાવ્યા હતા અને પાર્ટીમાં તમારી શું હાલત થઈ ગઈ છે? અડવાણી કંઈ બોલ્યા નહીં અને રડવા લાગ્યા.”
બીજી તરફ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખેડામાં ચૂંટણી રૅલી દરમિયાન 2002નાં ગુજરાત રમખાણોનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે તે રેલીમાં કહ્યું હતું - એક વાર 2002માં નરેન્દ્ર મોદીના સમયમાં રમખાણો કરાવવાનો પ્રયાસ થયો હતો, પછી એવો પાઠ ભણાવ્યો કે 2002 પછી 2022 આવી ગયું, કોઈ માથું ઊંચું કરતું. રમખાણો કરાવનારા ગુજરાત બહાર ભાગી ગયા. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં શાંતિ સ્થાપી. ભાજપે રાજ્યને કર્ફ્યૂમુક્ત બનાવવા માટે કામ કર્યું. જ્યારે કૉંગ્રેસ હતી ત્યારે અવારનવાર કોમી રમખાણો થતાં હતાં.
વર્ષ 2002માં શું થયું હતું?
27 ફેબ્રુઆરી 2002ના રોજ, ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચમાં આગ લાગી અને 59 કારસેવકો મૃત્યુ પામ્યાં હતાં.
આ પછી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભીષણ રમખાણો ફેલાઈ ગયાં.
ગોધરામાં હિંસક હુમલા બાદ ટોળાએ ટ્રેનના એસ-6 કોચને આગ ચાંપી દીધી હતી, જેમાં 59 લોકોનાં મોત થયાં હતાં.
મૃત્યુ પામેલા લોકોમાં મોટા ભાગના અયોધ્યાથી અમદાવાદ પરત ફરી રહેલા કારસેવકો હતા. આ પછી તોફાનો સમગ્ર ગુજરાતમાં ફેલાઈ ગયાં હતાં.
સરકારી આંકડાઓ અનુસાર, ગુજરાતમાં 2002નાં રમખાણોમાં 790 મુસલમાનો અને 254 હિંદુઓ માર્યા ગયા હતા. 223 લોકો ગુમ થયા અને 2500 લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત કરોડો રૂપિયાની સંપત્તિને નુકસાન થયું હતું.
નરેન્દ્ર મોદી, ગુજરાત રમખાણો અને સુપ્રીમ કોર્ટનો નિર્ણય
2002માં જ્યારે ગુજરાતમાં રમખાણો થયાં ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા. તેમના પર આરોપ હતો કે તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં વ્યાપક હિંસા થઈ હતી અને આ હિંસાને સરકારી સંરક્ષણ મળ્યું હતું.
નરેન્દ્ર મોદી જ્યારે સીએમ હતા ત્યારે તેમની લાંબા સમય સુધી એસઆઈટીએ પૂછપરછ પણ કરી હતી. પરંતુ આખરે આ વર્ષે જૂનમાં તેમને સુપ્રીમ કોર્ટમાંથી ક્લીનચિટ મળી ગઈ હતી.
જૂનમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણોમાં માર્યા ગયેલા કૉંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ એહસાન જાફરીનાં વિધવા પત્ની ઝાકિયા જાફરીની અરજીને ફગાવી દીધી હતી.
આ અરજીમાં 2002નાં ગુજરાત રમખાણોમાં તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સહિત 59 લોકોને એસઆઈટી દ્વારા આપવામાં આવેલી ક્લીનચિટને પડકારવામાં આવી હતી.
તે સમયે ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં અમિત શાહે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે તત્કાલીન ગુજરાત સરકાર પર લગાવવામાં આવેલા આરોપોને ફગાવી દીધા છે અને સુપ્રીમ કોર્ટના નિર્ણયથી એ પણ સ્પષ્ટ થાય છે કે તે આરોપો રાજકીય હેતુઓથી પ્રેરિત હતા.
અમિત શાહે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે 19 વર્ષ બાદ આપેલા ચુકાદાથી પીએમ મોદી પર લાગેલા તમામ આરોપોને રદિયો મળી ગયો છે.
અમિત શાહે કહ્યું હતું કે, "પીએમ મોદીની પણ પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ કોઈ ધરણાં-પ્રદર્શનો થયાં ન હતાં. અમે ન્યાય પ્રક્રિયાને સમર્થન આપ્યું હતું. મારી પણ ધરપકડ કરવામાં આવી હતી પરંતુ કોઈ ધરણાં-પ્રદર્શન થયું ન હતું."
અમિત શાહે કહ્યું હતું કે રમખાણો થયાં હતાં પરંતુ તેમાં મુખ્ય મંત્રી મોદી અને રાજ્ય સરકારનો હાથ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને હવે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી બધું સ્પષ્ટ થઈ ગયું છે.
તે સમયે તેમણે કહ્યું હતું કે, "રમખાણો થયાં હતાં, તે વાતને કોઈ નકારી રહ્યું નથી, પરંતુ આરોપ લગાવાયો હતો કે રમખાણો રાજ્ય સરકારે કરાવ્યા હતા. રમખાણો પ્રેરિત હતા. તેમાં પણ મુખ્ય મંત્રીનો હાથ હોવાનું સુધ્ધાં કહી દેવાયું."
અમિત શાહે કહ્યું કે, પરંતુ હવે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે મુખ્ય મંત્રીએ વારંવાર શાંતિની અપીલ કરી હતી. રાજ્ય સરકારે રમખાણોને રોકવા માટે બનતા પ્રયાસો કર્યા હતા.
તેમણે કહ્યું, "ગુજરાત રમખાણોમાં ગોળીબારમાં માત્ર મુસ્લિમો માર્યા ગયા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ આજે સુપ્રીમ કોર્ટે તેને પણ ફગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આવું થયું નથી."
અમિત શાહે કહ્યું હતું કે, "મેં પીએમ મોદીને નજીકથી આ પીડા સહેતા જોયા છે, કારણ કે ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી હતી, બધું સાચું હોવા છતાં આપણે કંઈ કહીશું નહીં. માત્ર ખૂબ જ મજબૂત મનનો માણસ જ આ સ્ટૅન્ડ લઈ શકે છે."
ગુજરાત રમખાણો દરમિયાન મોડાં પગલાં લેવાના પ્રશ્ન પર અમિત શાહે કહ્યું કે જ્યાં સુધી ગુજરાત સરકારનો સવાલ છે, અમે કોઈ વિલંબ કર્યો નહોતો, અમે જે દિવસે ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું હતું એ જ દિવસે સેના બોલાવી લીધી હતી.
અમિત શાહે કહ્યું કે ગુજરાત રમખાણો માટે ગોધરાકાંડ જવાબદાર છે.
તેમણે કહ્યું હતું કે રમખાણોનું મુખ્ય કારણ ગોધરામાં ટ્રેન સળગાવવાનું હતું. આ કારણે રમખાણો થયાં અને એ પહેલાં રમખાણો થયાં તે રાજકારણથી પ્રેરિત હતાં.