ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી : 8 જિલ્લાંમાં પૂરની સ્થિતિ, સાડા બાર હજારથી વધુનું સ્થળાંતર

સોમવારે ગુજરાતનાં કેટલાંક ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો જેને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવ્યું હતું. નર્મદા તથા અન્ય નદીઓ ભારે પ્રવાહમાં વહી રહી છે. ભરૂચ અને અંક્લેશ્વર તથા મધ્યગુજરાતના વિસ્તારોમાં ખેતરો અને રહેણાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલના જણાવ્યા અનુસાર આઠ જિલ્લામાંથી 12 હજાર 500 લોકોને સુરક્ષિત સ્થાનોએ ખસેડવામાં આવ્યા છે. જ્યારે વિવિધ સ્થાઓએ ફસાયેલા 617 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે.

સોમવારે અમદાવાદ શહેરમાં 12 કલાકમાં 76 મીમી વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. અધિકારીઓએ સાવચેતીનાં પગલાં તરીકે ટ્રાફિક માટે અંડરપાસ બ્લૉક કરી દીધા છે.

ભારતીય હવામાનવિભાગ (આઇએમડી)એ પંચમહાલ, દાહોદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યું છે અને મંગળવાર સવાર સુધી અલગ-અલગ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે.

ઉપરાંત ગુરુવાર સવાર સુધીની તેની આગાહીમાં ગુજરાતમાં અલગ-અલગ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી પણ આપી છે.

રવિવારે સવારે 138.68 મીટરની જળાશયની સપાટીને સ્પર્શતા સરદાર સરોવર ડૅમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું હતું અને પડોશી રાજ્ય મધ્યપ્રદેશના નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પણ નર્મદા નદીમાં મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું હતું.

'સ્ટેચ્યૂ ઑફ યુનિટી' પાસેનાં ગામોના રહીશોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

અધિકારીઓના જણાવ્યા અનુસાર, નર્મદા જિલ્લામાં સરદાર પટેલની સૌથી ઊંચી મૂર્તિ 'સ્ટેચ્યુ ઑફ યુનિટી'ની નજીક આવેલાં ગામો સહિત 28 અસરગ્રસ્ત ગામોમાંથી લગભગ 1,500 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.

કલેકટરે જણાવ્યું હતું, '28 અસરગ્રસ્ત ગામોના લગભગ 1,500 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે'.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રદેશનો હવાઈ સરવે કર્યો હતો. તે રવિવારે સવારે નર્મદા જિલ્લાના એકતા નગરમાં નદીના સંપૂર્ણ સ્તરને સ્પર્શ્યા બાદ નદીને પ્રાર્થના કરવા ગયા હતા.

નેશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફૉર્સ (એનડીઆરએફ) અને સ્થાનિક બચાવ ટુકડીઓએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. જેમાં નર્મદા જિલ્લાની એક રહેણાંક શાળાના લગભગ 70 વિદ્યાર્થીઓ અને પાંચમાં નદી પાસેના પુલ નીચે ફસાયેલા લગભગ 100 મજૂરોનો સમાવેશ થાય છે.

કેવડિયા કૉલોનીમાં આવેલા સરદાર સરોવર ડૅમના 30માંથી 23 દરવાજા શનિવારે 5.5 લાખ ક્યુસેક પાણી છોડવા માટે ખોલવામાં આવ્યા હતા.

અધિકારીઓના જણાવ્યા મુજબ, નદીમાં છોડવામાં આવતા પાણીમાં ઘટાડો કરવામાં આવ્યો છે, તેથી નદી કિનારે પૂરની સ્થિતિ હળવી થવાની સંભાવના છે.

દરમિયાન, ભરૂચ જિલ્લામાં રવિવારે બપોરે નર્મદા નદીનું પાણી જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ જતાં આશરે 2000 લોકોને રાહતશિબિરોમાં ખસેડવામાં આવ્યા હતા.

એસઈઓસી ડેટા મુજબ અનુક્રમે ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ વાર્ષિક વરસાદના લગભગ 90.8 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં 137 ટકા અને 111 ટકા વરસાદ નોંધાયો છે, ત્યારબાદ દક્ષિણ, પૂર્વ-મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 85 ટકા, 83 ટકા અને 76 ટકા વરસાદ નોંધાયો છે.

રાજ્ય સરકારના ડેટા મુજબ, ઉકાઈ, દમણગંગા, કડાણા અને ભાદર સહિત ઓછામાં ઓછા દસ મોટા ડૅમ ભયજનક સપાટીની નજીક છે.

સ્ટેટે ઇમરજન્સી ઑપરેશન સેન્ટર (એસઈઓસી)એ જણાવ્યું હતું કે, "મહીસાગર જિલ્લામાં વીરપુર તાલુકો (205 મીમી), સાબરકાંઠાના તલોદ (181 મીમી), અને પંચમહાલના મોરવા હડફ (171 મીમી)નો આ સમયગાળા દરમિયાન 100 મીમીથી વધુ વરસાદ પડ્યો હોય તેવા 16 તાલુકાઓમાં સમાવેશ થાય છે.

પંચમહાલ જિલ્લાના ગોધરા અને શેહરા તાલુકામાં રવિવારે સાંજે 6 વાગ્યા સુધીના 12 કલાકમાં 226 મીમી અને 220 મીમી વરસાદ નોંધાયો હતો, જે સમગ્ર ગુજરાતમાં દિવસભરનો સૌથી વધુ છે.

પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, દાહોદ, વડોદરા અને અમદાવાદ જિલ્લાના ભાગો રવિવારે ધોધમાર વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થયા હતા.

જિલ્લા વહીવટી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુજરાતના ભરૂચ જિલ્લામાં ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર રવિવારે સાંજે 7:30 વાગ્યા સુધીમાં બ્રિજ પર 37 ફૂટ - ખતરાના નિશાનથી લગભગ નવ ફૂટ ઉપર પહોંચ્યું હતું.

10,000થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર

ગુજરાતમાં થયેલા ભારે વરસાદ બાદ ગાંધીનગરમાં પ્રવક્તા અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક થઈ હતી અને જિલ્લામાં થતી કામગીરીની વિગતો મેળવાઈ હતી.

આ બેઠકમાં સમીક્ષા દરમિયાન જણાવાયું કે વરસાદ પ્રભાવિત જિલ્લાઓમાં NDRFની 10 અને SDRFની 10 ટીમ તહેનાત છે. તેમજ NDRFની વધુ 5 ટીમ અને SDRFની 13 ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

અત્યાર સુધીમાં 8 જિલ્લાના 12,644 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર અને 7 જિલ્લાના 822 લોકોને બચાવી લેવાયા છે.

બેઠકમાં સ્પષ્ટતા કરવામાં આવી કે આ પૂર માનવસર્જિત નથી. અગાઉ ગુજરાત કૉંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકાર પર આરોપ લગાવ્યો હતો કે નર્મદા ડૅમમાંથી 14 તારીખથી જ પાણી છોડવાની શરૂઆત કરી હોત તો હાલ જે પૂરની સ્થિતિ છે તે ના સર્જાઈ હોત. ગુજરાત સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને ધ્યાનમાં રાખીને નર્મદા ડૅમ ઑવરફ્લો થાય તેવી અપેક્ષાએ પાણી વધતું હોવા છતાં સરકારે પાણી છોડવાનો કોઈ નિર્ણય ના કર્યો.

આણંદમાં ફાયર બ્રિગેડની ટીમે પૂરમાં ફસાયેલા લોકોને બચાવ્યા

તદુપરાંત, અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુજરાતના આણંદ જિલ્લામાં ફાયર બ્રિગેડની ટીમે સોમવારે ખેરડા ગામ નજીક પૂરના પાણીમાં ફસાયેલા પાંચ લોકોને બચાવ્યા હતા.

ફાયર બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આણંદ જિલ્લાના ખેરડા ગામ નજીકના ખેતરોમાં મહીસાગર નદીનું પાણી ઘૂસી જતાં પાંચ લોકો ફસાઈ ગયા હતા.

અગાઉ, રવિવારે, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ટીમોએ ગુજરાતના નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડૅમમાંથી વધારાનું પાણી છોડતા આશરે 206 ગ્રામજનોને સ્થળાંતરિત કર્યા હતા.

દરમિયાન ભરૂચ જિલ્લામાં રવિવારે બપોરે નર્મદા નદીનું પાણી જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ જતાં આશરે 2000 લોકોને રાહતશિબિરોમાં ખસેડવામાં આવ્યા હતા.

જિલ્લા વહીવટી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુજરાતના ભરૂચ જિલ્લામાં ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર રવિવારે સાંજે 7:30 વાગ્યા સુધીમાં ગોલ્ડન બ્રિજ પર 37 ફૂટ - ભયજનક સપાટીથી લગભગ 9 ફૂટ ઉપર પહોંચ્યું હતું.

કેવડિયા કૉલોનીમાં આવેલા સરદાર સરોવર ડૅમના 30માંથી 23 દરવાજા શનિવારે 5.5 લાખ ક્યુસેક પાણી છોડવા માટે ખોલવામાં આવ્યા હતા.

અધિકારીઓના જણાવ્યા મુજબ, નદીમાં છોડવામાં આવતા પાણીમાં ઘટાડો કરવામાં આવ્યો છે, તેથી નદી કિનારે પૂરની સ્થિતિ હળવી થવાની સંભાવના છે.

વધુમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વરસાદની સ્થિતિ અને એની સામે તંત્રની તૈયારીઓ વિશે જણાવ્યું હતું કે, "ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં થયેલ ભારે વરસાદની પરિસ્થિતિ સંદર્ભે સંબંધિત જિલ્લાઓના કલેક્ટરો સાથે સતત સંકલનમાં છું."

"તંત્ર દ્વારા પૂરી ત્વરાએ રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ NDRF અને SDRF બંનેની 10 ટુકડીઓ વિવિધ સ્થળોએ બચાવ કામગીરીમાં તહેનાત છે. વડોદરા, ભરૂચ, નર્મદા, દાહોદ, પંચમહાલ, આણંદ, ગાંધીનગર સહિતના જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાંથી અંદાજે 11900 જેટલા લોકોને સ્થળાંતરિત કરીને સલામત આશ્રયસ્થાનો પર ખસેડવામાં આવ્યા છે."

"જ્યાં તેમના ભોજન અને આરોગ્ય સંબંધિત સેવાઓની કાળજી પણ લેવામાં આવી રહી છે. 270 થી વધુ નાગરિકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા છે."

"રસ્તાઓ પર તૂટી પડેલાં વૃક્ષોને હટાવીને વાહનવ્યવહાર ઝડપથી પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરાઈ છે. તંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અને તંત્રને જરૂરી સહયોગ આપવા સૌ નાગરિકોને અપીલ કરું છું."

મુંબઈ-અમદાવાદ ટ્રેન વ્યવહાર 12 કલાક ખોરવાયો

ગુજરાતના ભરૂચ અને અંકલેશ્વર સ્ટેશનો વચ્ચે નર્મદા નદી ભયજનક સપાટી વટાવીને વહી રહી હતી જેથી ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. 12 કલાક બાદ મુંબઈ-અમદાવાદ રૂટ પરનો ટ્રેન વ્યવહાર ધીમી ગતિએ ફરી શરૂ થયો હતો, એમ પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું.

પશ્ચિમ રેલવેના મુખ્ય પીઆરઓ સુમિત ઠાકુરે પીટીઆઈને જણાવ્યું કે, સોમવારે સવારે 11:30 વાગ્યાની આસપાસ પુલ નંબર 502ના માર્ગ પર ટ્રેનોનું સંચાલન ધીમે ધીમે ફરી શરૂ કર્યું છે કારણ કે, નર્મદા નદીનું જળસ્તર ભયજનક સપાટીની નીચે આવી ગયું છે.

રવિવારે રાત્રે લગભગ 11:50 વાગ્યે વડોદરા ડિવિઝન હેઠળના ભરૂચ અને અંકલેશ્વર સ્ટેશનો વચ્ચેના મુંબઈ-અમદાવાદ ટ્રેનોનું સંચાલન બ્રિગેડ નંબર 1 પર નર્મદા નદીના પાણી ભયજનક સપાટી વટાવી જતાં બંધ કરી દેવામાં આવ્યું હતું.

ભારતીય હવામાનવિભાગ (આઈએમડી) મુજબ, સોમવાર અને મંગળવાર, 18-19 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ, ગાજવીજ સાથેનાં વાવાઝોડાં અને છૂટાછવાયા ભારેથી અતિ ભારે વરસાદ (64.5 મિલીમીટરથી 204.5 મિલીમીટર)ની શક્યતા છે. ઉપરાંત, સૌરાષ્ટ્ર-કચ્છમાં બુધવાર 20 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી છે.

વધુમાં, સોમવારે ગુજરાતમાં અલગ-અલગ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ (204.5 મીમીથી વધુ) થવાની સંભાવના છે.

આ આગાહીઓને જોતાં, આઈએમડીએ આજ માટે રાજ્યમાં રેડ એલર્ટ (એટલે કે 'એક્શન લો') જાહેર કર્યું છે. અને મંગળવારે ઑરેન્જ એલર્ટ (જેનો અર્થ 'તૈયાર રહો')માં પરિવર્તિત કરવામાં આવ્યું છે.

ગુજરાત પ્રદેશમાં આવતા અરવલ્લી, ભરૂચ, છોટા ઉદેપુર, દાહોદ, મહેસાણા, મહિસાગર, નર્મદા અને સાબરકાંઠા જિલ્લાઓ આગામી થોડા કલાકો મધ્યમ પૂરના જોખમમાં રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છના નીચાણવાળા ભાગોમાં પણ પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી શકે છે.