દહેગામના વાસણા સોગઠી ગામમાં નદીમાં ડૂબ્યા નવ યુવાનો, 'આઠના મૃતદેહો મળ્યા'

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામમાં ગણેશ વિસર્જન પહેલાં મેશ્વો નદીમાં નાહવા પડેલા નવ યુવાનો ડૂબી ગયા હતા, આ દુર્ઘટનામાં મૃત્ય પામનાર આઠ યુવાનોના મૃતદેહો નદીમાંથી બહાર કાઢી લેવાયા છે.

દહેગામ નગરપાલિકાના ફાયર બ્રિગેડના કર્મચારી તથા દહેગામ તાલુકા વિકાસ અધિકારીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે.

ગાંધીનગરના ડેપ્યુટી એસપી ડી.ટી. ગોહેલે સમાચાર એજન્સી એએનઆઈએ કહ્યું, "દહેગામ તાલુકામાં વાસણા સોગઠી ગામ આવેલું છે. આ ગામના નવ યુવાનો મેશ્વો નદીમાં નાહવા માટે બપોરે આવ્યા હતા."

"ગણેશ વિસર્જન માટે જ્યારે મૂર્તિ અહીં લવાઈ ત્યારે તે લોકો નહાઈ રહ્યા હતા. આ નવ પૈકી એક યુવાન ડૂબવા લાગ્યો અને બીજા લોકો તેને બચાવવા માટે આવ્યા. અત્યાર સુધી આઠ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે આઠ યુવાનો જ ડૂબ્યા હતા."

"આ પ્રમાણે અમે બધા જ મૃતદેહો બહાર કાઢી લીધા છે. જોકે, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમોને તહેનાત કરવામાં આવી છે જેથી કરીને આ વિસ્તારમાં કોઈ ગુમ ન થાય."

દહેગામ નગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગના ફાયરપર્સન મહેન્દ્રસિંહે બીબીસીને જણાવ્યું, "વાસણા સોગઠી ગામમાં યુવાનો ડૂબ્યા હોવાનો કૉલ અમને ત્રણ વાગ્યે મળ્યો હતો."

"મેશ્વો નદીમાં ગામના નવ યુવાનો ડૂબ્યા હોવાની માહિતી છે. અમે અત્યાર સુધી આઠ લોકોના મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યા છે."

તેમણે ઉમેર્યું, "હાલમાં દહેગામ ફાયર બ્રિગેડ, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ એક યુવાનને શોધી રહી છે. બાકીના આઠ મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે."

ફાયરપર્સન મહેન્દ્રસિંહે વધુમાં કહ્યું, "નદીમાં ડૂબનાર બધા જ યુવાનો છે. ભોગ બનનારામાં કોઈ મહિલા કે બાળકો નથી. સ્થળ પરથી અમને માહિતી મળી છે કે મૃતકોમાં બે વ્યકિત એક જ પરિવારના હતા. જોકે મૃતકોની ઓળખ પ્રસ્થાપિત કરવાની બાકી છે."

આ ઘટના વિશે વાત કરતાં દહેગામના તાલુકા વિકાસ અધિકારી ડૉ. પંકજકુમાર મહિડાએ બીબીસીને જણાવ્યું, "લગભગ 9 થી 10 જેટલા યુવાનો નદીમાં નાહવા ગયા હતા."

તેમણે જણાવ્યું, "કિનારા પર ગણપતિની મૂર્તિ પડી છે, પણ તેનું વિસર્જન થયેલું હોય તેમ નથી જણાતું. તેમાંથી 5 યુવાનોના મૃતદેહ બહાર કાઢ્યા છે. બાકીના યુવાનોની શોધખોળ ચાલી રહી છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.