વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દલાઈ લામાને જન્મદિવસની શુભેચ્છાઓ આપી, ચીને વાંધો ઉઠાવ્યો – ન્યૂઝ અપડેટ

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દલાઈ લામાને તેમના જન્મદિવસ પર અભિનંદન આપવા સામે ચીને વાંધો ઉઠાવ્યો છે.

ચીને સોમવારે કહ્યું કે તેણે આ અંગે ભારત સમક્ષ વિરોધ નોંધાવ્યો છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે જણાવ્યું હતું કે, "તિબેટ મુદ્દા પર ચીન સરકારનું વલણ મક્કમ અને સ્પષ્ટ છે. 14મા દલાઈ લામા એક રાજકીય આશ્રિત છે જે લાંબા સમયથી ચીન વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે અને ધર્મના નામે તિબેટને ચીનથી અલગ કરવા માંગે છે."

"ભારત, તિબેટને લગતા મુદ્દાઓની સંવેદનશીલતાથી વાકેફ હોવાથી, 14માં દલાઈ લામાના ચીન વિરોધી અને અલગતાવાદી સ્વભાવને સ્પષ્ટપણે જોવો જોઈએ."

માઓ નિંગે કહ્યું, "ભારતે તિબેટના મુદ્દા પર ચીનને આપેલી પ્રતિબદ્ધતાઓનું સન્માન કરવું જોઈએ અને ચીનના આંતરિક બાબતોમાં દખલ કરવા માટે આ મુદ્દાઓનો ઉપયોગ કરવાનું બંધ કરવું જોઈએ."

ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ 6 જુલાઈના રોજ 14મા દલાઈ લામાને તેમના 90મા જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી.

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ સહિત ઘણા રાજકારણીઓએ ધર્મશાળામાં તેમના જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપી હતી.

કેન્યામાં દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો વચ્ચે નૈરોબી તરફ જતા રસ્તાઓ બંધ

કેન્યામાં સુરક્ષાબળોએ રાષ્ટ્રવ્પાયી વિરોધ પ્રદર્શન પહેલા મધ્ય નૈરોબી તરફ જનારા મહત્ત્વના રસ્તાઓને બંધ કરી દીધા છે.

શહેરના મોટા ભાગના વિસ્તારો સૂના થઈ ગયા છે અને વ્યવ્સાયિક ગતિવિધિઓ પર રોક લાગેલી છે. સડકો પર સુરક્ષા બળો તહેનાત કરવામાં આવ્યા છે. કેટલીક શાળામાંથી વિદ્યાર્થીઓને ઘરે રહેવાની સૂચના આપવામાં આવી છે.

કાલે રાતે અને આજે સવારે સેંકડો લોકો ચેકપોસ્ટો પર ફસાયેલા છે. સુરક્ષાબળોએ બહું થોડા વાહનોને આવનજાવનની પરવાનગી આપી છે.

શહેરના મુખ્ય સરકારી મકાનો તરફ જતા રસ્તાઓને કોર્ડન કરી દેવામાં આવ્યા છે. આમાં રાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાન, રાજ્ય ગૃહ અને દેશની સંસદનો સમાવેશ થાય છે.

પોલીસે રવિવારે સાંજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવી અને લોકોના જાન-માલનું રક્ષણ કરવું તેમની બંધારણીય ફરજ છે.

ઉલ્લેખનીય છે કે, સોમવારના વિરોધ પ્રદર્શન, જેને સાબા સાબા (સ્વાહિલીમાં 7 જુલાઈ) કહેવામાં આવે છે, તે કેન્યાના 1990ના દાયકાના બહુપક્ષીય લોકશાહી માટેના સંઘર્ષની યાદ તાજી કરે છે.

ઇઝરાયલ અને હમાસ વચ્ચેની વાતચીત કોઈ નિરાકરણ વગર સમાપ્ત

પેલેસ્ટાઇનના એક અધિકારીએ બીબીસીને જણાવ્યું કે ઇઝરાયલ અને હમાસની વચ્ચે સંઘર્ષવિરામને લઈને ચાલી રહેલી અપ્રત્યક્ષ વાતચીત કોઈ નિરાકરણ વગર સમાપ્ત થઈ ગઈ છે.

અધિકારીના જણાવ્યા પ્રમાણે, સંઘર્ષવિરામને લઈને કતારની રાજધાની દોહામાં લગભગ સાડા ત્રણ કલાક સુધી બે અલગ-અલગ ભવનોમાં આ વાતચીત થઈ.

કતાર અને ઇજિપ્તની મધ્યસ્થતામાં બંને પક્ષો વચ્ચે સંદેશનું આદાન-પ્રદાન થયું. મધ્યસ્થોએ બંને પક્ષો વચ્ચે આવતી અડચણો અને મતભેદોને ઓછાં કરવા માટે તમામ પ્રતિનિધિમંડળો સાથે અલગ-અલગ વાતચીતની યોજના બનાવી હતી.

અપ્રત્યક્ષ વાતચીત એવા સમયે થઈ રહી છે જ્યારે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત કરવા માટે વૉશિંગ્ટન જઈ રહ્યા છે.

નેતન્યાહૂએ કહ્યું કે તેમને આશા છે કે સોમવારે તેઓ અમેરિકા રાષ્ટ્રપતિ સાથે થનારી બેઠકમાં બંધકોના છૂટકારા તથા ગાઝામાં યુદ્ધવિરામની સમજૂતીની દિશામાં પ્રગતિ થઈ શકે છે.

તેમણે કહ્યું કે તેમણે પોતાનાં પ્રતિનિધિમંડળોને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે તેઓ ઇઝરાયલની શરતો પર જ સંઘર્ષવિરામની સમજૂતી કરે.

'તેમની ગાડી પાટા પરથી ઊતરી ગઈ છે, તેઓ એક ટ્રેનનો કાટમાળ બનીને રહી ગયા છે', ટ્રમ્પે મસ્ક વિશે આમ કેમ કહ્યું?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ઇલૉન મસ્ક દ્વારા નવી રાજકીય પાર્ટી શરૂ કરવાની જાહેરાતને લઈને તેમના પર નિશાન તાક્યું છે.

ટ્રમ્પે રવિવારે તેમના ટ્રૂથ સોશિયલ પ્લૅટફૉર્મ પર લખ્યું, "હું ઇલૉન મસ્કને પૂર્ણ રૂપે પાટા પરથી ઊતરેલા જોઈને દુ:ખી છું. તેઓ છેલ્લાં પાંચ સપ્તાહમાં વાસ્તવમાં એક ટ્રેનનો કાટમાળ બનીને રહી ગયા છે."

કેટલાંક અઠવાડિયા સુધી વિચાર કર્યા બાદ મસ્કે નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી હતી. તેમણે પોતાની પાર્ટીનું નામ 'અમેરિકા પાર્ટી' રાખ્યું છે.

ટેસ્લા પ્રમુખની આ ઘોષણા, રાષ્ટ્રપતિ ટ્રમ્પના સાર્વજનિક મતભેદ થયાના કેટલાક દિવસો બાદ થઈ છે.

મસ્કે ટ્રમ્પ સાથે સાર્વજનિક વિવાદ દરમિયાન એક નવી રાજનીતિક પાર્ટીનો વિચાર ઑનલાઇન પેશ કર્યો હતો. કારણ કે ટ્રમ્પ વારંવાર તેમની યોજનાઓની 'આલોચના' કરી રહ્યા હતા.

ઇઝરાયલે યમનમાં શરૂ કર્યો હૂતી ઠેકાણાં પર હુમલો

ઇઝરાયલે કહ્યું છે કે તેણે હૂતી નિયંત્રિત યમનમાં ત્રણ બંદરો અને એક વીજળી સંયંત્ર પર હુમલો કર્યો છે.

ઇઝરાયલી સેનાએ હવાઈ હુમલાને લઈને હુદૈદા, રાસ ઈસા અને સૈફ બંદરોને અડીને આવેલા વિસ્તારોમાં રહેતા નાગરિકોને તેમનાં ઘરોને ખાલી કરવાની ચેતવણી આપી હતી. ત્યાર પછી તેણે હુમલો કરી દીધો.

ઇઝરાયલના સંરક્ષણ મંત્રી ઇસરાઇલ કાત્ઝે સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી કે તેમાં કૉમર્શિયલ શિપ ગૅલેક્સી પણ સામેલ છે.

ઇઝરાયલે કહ્યું છે કે વિદ્રોહી જૂથ દ્વારા 2023માં અપહ્રત આ જહાજનો ઉપયોગ આંતરાષ્ટ્રીય જળમાં સમુદ્રી જહાજોની દેખરેખ માટે કરવામાં આવતો હતો.

આ હુમલા બાદ ઇઝરાયલે કહ્યું કે યમનથી બે મિસાઇલો છોડવામાં આવી હતી અને તેને રોકવાનો પ્રયાસ થયો.

યમનમાં હૂતી સંચાલિત મીડિયાએ હુમલાની વાત માની પરંતુ તેના નુકસાન કે પછી હતાહતો મામલે કોઈ જાણકારી નથી આપી.

ઇઝરાયલના સંરક્ષણ મંત્રી ઇસરાઇલ કાત્ઝે કહ્યું છે કે આ હુમલો ઑપરેશન બ્લૅક ફ્લૅગનો ભાગ હતા. તેમણે ચેતવણી આપી કે "હૂતીઓને પોતાની ગતિવિધિઓની ભારે કિંમત ચૂકવવી પડશે."

તેમણે ઍક્સ પર એક પોસ્ટમાં કહ્યું, "યમનનું ભાગ્ય પણ તહેરાન જેવું જ છે. જે કોઈ ઇઝરાયલને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે, તેને નુકસાન પહોંચાડવામાં આવશે. જે કોઈ ઇઝરાયલ સામે હાથ ઉઠાવશે, તેનો હાથ કાપી નાખવામાં આવશે."

ઇઝરાયલ-હમાસ યુદ્ધની શરૂઆત બાદ ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ ગાઝામાં પેલેસ્ટાઇનવાસીઓ સાથે એકજૂથતા દેખાડવા માટે નિયમિત રીતે ઇઝરાયલ પર મિસાઇલોથી હુમલો કર્યો અને લાલ સાગરમાં કૉમર્શિયલ જહાજોને નિશાન બનાવ્યાં.

ઇઝરાયલી વાયુસેનાએ કહ્યું છે કે યમનનાં બંદરો પર કરવામાં આવેલો હુમલો ઇઝરાયલ અને તેના નાગરિકો પર હૂતી દ્વારા કરવામાં આવેલા હુમલાનો જવાબ આપવા માટે કરવામાં આવ્યો છે.

બ્રિક્સ દેશોએ પહેલગામ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી, પીએમ મોદી શું બોલ્યા?

બ્રાઝિલના રિયો ડી-જનિરિયોમાં થયેલા 17મા બ્રિક્સ શિખર સંમેલનમાં સભ્ય દેશોએ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે. આ હુમલામાં 26 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

બે દિવસીય સંમેલન બાદ રવિવારે 31 પાનાનું સંયુક્ત ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું.

ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું, "અમે 22મી એપ્રિલ, 2025ના રોજ ભારતના જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ, જેમાં 26 લોકોના જીવ ગયા હતા."

બ્રિક્સ સંમેલનના શાંતિ અને સુરક્ષા સત્રને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પહેલગામ હુમલો ભારતની આત્મા, ઓળખ અને ગરિમા પર સીધો હુમલો હતો.

તેમણે કહ્યું, "આતંકવાદ માનવતા સામે સૌથી ગંભીર પડકારો પૈકીનો એક છે. હાલમાં જ પહેલગામમાં એક અમાનવીય અને કાયર પ્રકારે આતંકવાદી હુમલાનો ભારતે સામનો કરવો પડ્યો. આ આખી માનવતા પર હુમલો હતો."

વડા પ્રધાને કહ્યું કે "વ્યક્તિગત કે રાજનીતિક લાભ માટે આતંકવાદને મૌન સહમતિ આપવી, આતંકવાદ અને આતંકવાદીઓને સમર્થન કરવા જેવી કોઈ પણ પરિસ્થિતિ સ્વીકાર્ય નથી."

બ્રિક્સ ઘોષણાપત્રમાં એ પણ કહેવામાં આવ્યું કે સભ્ય દેશો આતંકવાદીઓની સીમા પાર અવરજવર, આતંકને નાણાકિય સહાય તથા તેમને સુરક્ષિત જગ્યા આપવાની તમામ ગતિવિધિઓનો વિરોધ કરે છે. તેની સામે મળીને કાર્યવાહી કરવામાં આવશે."

આ પહેલાં પહેલી જુલાઈએ ક્વૉડ દેશો (ભારત, અમેરિકા, જાપાન અને ઑસ્ટ્રેલિયા)ના વિદેશ મંત્રીઓએ પણ પહેલગામ હુમલાની નિંદા કરી હતી.

વર્તમાનમાં બ્રિક્સમાં 11 દેશો સામેલ છે. જેમાં ભારત, બ્રાઝિલ, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા, સાઉદી અરેબિયા, ઇજિપ્ત, સંયુક્ત આરબ અમીરાત, ઇથિયોપિયા, ઇન્ડોનેશિયા અને ઈરાન.

દલાઈ લામાને લઈને ભારતમાં ચીનના રાજદૂતે કહી આ વાત

ભારતમાં ચીનના રાજદૂત શૂ ફેઇહોંગે કહ્યું છે કે એવું જોવામાં આવી રહ્યું છે કે કેટલાક ભારતીય અધિકારીઓ તરફથી દલાઈ લામાના પુનર્જન્મને લઈને ટિપ્પણી કરવામાં આવી રહી છે, ચીન તેનો વિરોધ કરે છે.

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર શૂ ફેઇહોંગે લખ્યું છે, "ચીની સરકાર દલાઈ લામાના પુનર્જન્મ પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવા કે તેને નિર્દેશિત કરવાના કોઈ પણ વિદેશી સંગઠનો કે વ્યક્તિઓ તરફથી કરવામાં આવતા પ્રયાસનો વિરોધ કરે છે."

તેમણે કહ્યું છે કે, "શિજાંગ ચીનનું એક અવિભાજિત અંગ છે. તિબેટના બૌદ્ધ ધર્મની ઉત્પત્તિ ચીનના ચંઘાઈ-તિબેટ પઠારથી થઈ છે. તિબેટી બૌદ્ધ ધર્મનું પાલન કરવાની શરૂઆત ચીનની અંદરથી જ થઈ હતી."

શૂ ફેઇહોંગનું કહેવું છે, "દલાઈ લામાને ધાર્મિક દરજ્જો આપવો કે તેમને ઉપાધીઓ પ્રદાન કરવી એ ચીનની કેન્દ્રીય સરકારનો વિશેષાધિકાર છે. દલાઈ લામાનો પુનર્જન્મ તથા ઉત્તરાધિકાર ચીનનો આંતરિક મામલો છે. બહારની શક્તિઓએ તેમાં હસ્તક્ષેપ કરવાની અનુમતિ નહીં આપવામાં આવે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન