બ્રિટનની રૉયલ નેવીનું ફાઇટર જેટ છેલ્લા 23 દિવસથી કેરળના ઍરપૉર્ટ પર કેમ ફસાયું છે?

ભારતના તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર લગભગ ત્રણ અઠવાડિયાથી ફસાયેલા એક અત્યાધુનિક બ્રિટિશ ફાઇટર જેટે હવે લોકોમાં ઉત્સુકતા જગાવી છે. એની સાથે સાથે પ્રશ્નો પણ ઊભા થયા છે કે આટલું આધુનિક વિમાન અન્ય દેશમાં આટલા દિવસો સુધી કેવી રીતે ફસાયેલું રહી શકે છે?

F-35B વિમાન 14 જૂનના રોજ કેરળના તિરુવનંતપુરમ ઍરપૉર્ટ પર ઊતર્યુ હતું.

હિંદ મહાસાગરમાં ઉડાન દરમિયાન ખરાબ હવામાનમાં ફસાયા બાદ વિમાનને અહીંયા વાળવામાં આવ્યું હતું અને તે રૉયલ નેવીના મુખ્ય વાહક જહાજ એચએમએસ પ્રિન્સ ઑફ વૅલ્સ પર પાછું ન ફરી શક્યું.

વિમાન સુરક્ષિત રીતે ઊતર્યું પરંતુ તેમાં ટૅકનિકલ ખામી સર્જાઈ ગઇ અને તે વિમાનવાહક જહાજ પર પાછું ના ફરી શક્યું.

જેટના ઉતરાણ પછી એચએમએસ પ્રિન્સ ઑફ વૅલ્સના ઇજનેરોએ વિમાનને ચકાસ્યું પરંતુ તે ટીમ અત્યાર સુધી તેને રીપેર ના કરી શકી.

ગુરુવારે બ્રિટિશ દૂતાવાસે બીબીસીને આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે "યુકેએ વિમાનને ઍરપૉર્ટ પર જાળવણી સમારકામ અને રિપેર તથા ઓવરહૉલ (એસઆરઓ) ફૅસિલિટીમાં જગ્યા આપવા માટે ભારતના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે. આ મામલે સંબંધિત અધિકારીઓ સાથે અંતિમ તૈયારીઓ પર વાતચીત થઈ રહી છે."

તેમણે ઉમેર્યું, "સમારકામ અને સલામતીની તપાસ પૂર્ણ થયા પછી વિમાન સક્રિય રીતે સેવામાં પાછું આવી જશે."

"સુરક્ષા અને સુરક્ષા સાવચેતીઓનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે ગ્રાઉન્ડ ટીમો ભારતીય અધિકારીઓ સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખે છે."

બીજી તરફ બ્રિટનથી 14 સભ્યોની એક ટીમ કેરળના તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર આવી પહોંચી છે.

ત્રણ સપ્તાહ પહેલાં રૉયલ નેવીના એક એફ-35બી ફાઇટલ જેટને અહીં ઇમર્જન્સી લૅન્ડિંગ કરવી પડી હતી તેથી આ ટીમ તેનું સમારકામ કરશે.

હવે આ ટીમ વિમાનને રિપેર કરીને તેને હઠાવવાની પ્રક્રિયા પણ શરૂ કરશે.

આ ફાઇટર જેટ હિંદ મહાસાગરમાં ઉડાન દરમિયાન ખરાબ વાતાવરણને કારણે રૉયલ નેવીના વિમાનવાહક જહાજ, એચએમએસ પ્રિન્સ ઑફ વૅલ્સ પર પરત નહીં ફરી શક્યું અને તેથી તેને તિરુવનંતપુરમ ઍરપૉર્ટ પર ઊતરવું પડ્યું.

બ્રિટન દૂતાવાસના નિવેદન પ્રમાણે ભારત આવેલી તેમની ટીમ વિમાનનું સમારકામ કરવા માટે વિશેષ ઉપકરણો લઈને આવી છે.

નિવેદનમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે વિમાનને 'માનક પ્રક્રિયા' અંતર્ગત હઠાવાશે.

ફાઇટર જેટ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ ના બૅ નંબર ચાર પર ઊભું હતું. તેનાથી વિમાનોની અવરજવર પર કોઈ અસર નહીં પડી પરંતુ વિમાનને લઈને અટકળો ફેલાઈ અને સોશિયલ મીડિયામાં મીમ્સ જરૂર બન્યાં.

મોંઘાદાટ જેટની સુરક્ષા કેવી રીતે કરાય છે?

110 મિલિયન ડૉલરનું મૂલ્ય ધરાવતા આ જેટને આરએએફની સુરક્ષા છ અધિકારીઓ દ્વારા ચોવીસ કલાક તેની સુરક્ષા કરવામાં આવી રહી છે.

મુંબઈમાં ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશના સેન્ટર ફૉર સિક્યૉરિટી, સ્ટ્રેટેજી ઍન્ડ ટૅક્નૉલૉજીના ડિરેક્ટર ડૉ. સમીર પાટીલે બીબીસીને જણાવ્યું હતું કે રૉયલ નેવી પાસે ફક્ત બે જ વિકલ્પો હતા.

તેમણે વધુમાં જણાવ્યું કે "તેઓ તેનું સમારકામ કરીને ફરી ઉડવા યોગ્ય બનાવી શકે છે અથવા તેઓ તેને C-17 ગ્લોબમાસ્ટર જેવા મોટા કાર્ગો માલવાહક પ્લેનમાં લઇ જઇ શકે છે."

હાઉસ ઑફ કૉમન્સમાં પણ ફસાયેલા જેટનો મામલે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.

યુકે ડિફેન્સ જર્નલના અહેવાલ મુજબ સોમવારે વિપક્ષી કન્ઝર્વેટિવ સાંસદ બૅન ઑબેઝ-જૅક્ટીએ સરકારને એ સ્પષ્ટ કરવા કહ્યું કે આ જેટને સુરક્ષિત કરવા અને તેને સેવામાં પરત લાવવા માટે શું કરવામાં આવી રહ્યું છે.

તેમણે કહ્યું કે, "સરકાર વિમાનને પાછું લાવવા માટે ક્યાં પગલાં લઇ રહી છે. આમાં કેટલો સમય લાગશે, અને જ્યારે તે હૅંગરમાં હોય અને નજરથી દૂર હોય ત્યારે સરકાર વિમાનની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરશે?"

બ્રિટિશ સશસ્ત્રદળોના મંત્રી લ્યૂક પૉલાર્ડે પુષ્ટિ આપી હતી કે વિમાન યુકેના કડક નિયંત્રણ હેઠળ જ છે.

તેમણે કહ્યું, "અમે અમારા ભારતીય મિત્રો સાથે કામ કરવાનું ચાલુ રાખીએ છીએ. જેમણે F-35B કૅરિયરમાં પાછું ફરવામાં અસમર્થ હોવા છતાં સંપૂર્ણ સહાય પૂરી પાડી હતી."

"મને ખાતરી છે કે જેટની સુરક્ષા સલામત હાથમાં છે કારણ કે રૉયલ ઍરફોર્સનું ચાલકદળ હંમેશાં તેની સાથે રહે છે."

F-35B એ લૉકહીડ માર્ટિન દ્વારા બનાવવામાં આવેલાં અત્યંત અદ્યતન સ્ટિલ્થ જેટ છે તથા તે તેની ટૂંકા ટેક-ઑફ અને ઊભી ઉતરાણ ક્ષમતા માટે અત્યંત મૂલ્યવાન છે.

UK F-35Bની સોશિયલ મીડિયા પર ચર્ચા

કેરળના ચોમાસાના વરસાદથી ભીંજાયેલી "લોનલી F-35B" ની છબીઓ અઅને મીમ્સે સોશિયલ મીડિયા પર ખાસ્સી ચર્ચા જગાવી છે.

એક વાઇરલ પોસ્ટમાં મજાક કરવામાં આવી હતી કે જેટને 4 મિલિયન ડૉલરની ભારે સ્પર્ધાત્મક કિંમતે ઑનલાઇન સાઇટ પર વેચાણ માટે મૂકવામાં આવ્યું હતું. લિસ્ટિંગમાં દાવો કરવામાં આવ્યો હતો કે જેટમાં "ઑટોમેટિક પાર્કિંગ, નવાં ટાયર, નવી બૅટરી અને ટ્રાફિક ઉલ્લંઘન કરનારાઓનો નાશ કરવા માટે ઑટોમેટિક બંદૂક" જેવી સુવિધાઓ સામેલ છે.

ઍક્સ પર એક યુઝરે કહ્યું કે જેટ ભારતીય નાગરિકત્વને પાત્ર છે કારણ કે તે ઘણા લાંબા સમયથી દેશમાં છે. જ્યારે બીજા યુઝરે કહ્યું કે ભારતે ભાડું લેવાનું શરૂ કરવું જોઈએ અને કોહિનૂર હીરો આના માટેની સૌથી યોગ્ય ચુકવણી રહશે.

બુધવારે કેરળ સરકારનો પ્રવાસન વિભાગ પણ ઍક્સ પર એક પોસ્ટ સાથે આ રમૂજમાં જોડાયો. જેમાં લખ્યું હતું કે "કેરળ એવી જગ્યા છે કે જેને તમે ક્યારેય છોડવા માંગતા નથી."

આ પોસ્ટમાં રન-વે પર ઊભેલા F-35Bનો AI-જનરેટેડ ફોટોગ્રાફ હતો અને પાછળ નારિયેળનાં ઝાડ હતાં.

તેમાં આગળ લખવામાં આવ્યું હતું કે "ભગવાનના દેશ" તરીકે ઓળખાતા આ રાજ્યના મોટાભાગના મુલાકાતીઓની જેમ જેટને પણ આ જગ્યા છોડવામાં મુશ્કેલી પડી રહી છે.

ડૉ. પાટીલ કહે છે કે "જોક્સ, મીમ્સ, અફવાઓ અને કાવતરાંની વાતો બ્રિટિશ રૉયલ નેવીની છબી અને વિશ્વસનીયતાને અસર કરી રહ્યાં છે. જેટ જેટલો લાંબો સમય ફસાયેલું રહેશે તેટલી જ વધુ ખોટી માહિતી બહાર આવશે."

તેમણે કહ્યું કે "એન્જિનિયરિંગના મુદ્દાઓ મૂળભૂત રીતે વિચારવામાં આવતા હતા તેના કરતાં વધુ ગંભીર જણાય છે."

તેઓ ઉમેરે છે કે, મોટાભાગની સેના આવી 'ખરાબ પરિસ્થિતિ' માટે તૈયાર જ હોય છે.

તેઓ કહે છે, "મોટાભાગની સેના પાસે આવું કંઈક થાય ત્યારે કેવી રીતે પ્રતિક્રિયા આપવી તે અંગે એક માનક સંચાલન પ્રક્રિયા હોય છે. તો શું રૉયલ નેવી પાસે SOP નથી?"

તે કહે છે કે, આ સ્થિતિ બહુ સારી નથી.

તેઓ આ મામલે ટીકા કરતાં કહે છે, "જો આવી ઘટના દુશ્મનના પ્રદેશમાં બની હોત તો શું તેમણે આટલો સમય લીધો હોત? આ એક વ્યાવસાયિક નૌકાદળ માટે ખૂબ જ ખરાબ બાબત છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન