વિઝાની સમાપ્તિ બાદ પણ યુકેમાં કામ કરી રહેલા ભારત સહિતના વિદેશી કામદારોનું શું થશે?

    • લેેખક, ઍમ્મા રૉસિટર
    • પદ, બીબીસી ન્યૂઝ

યુકેમાં વિવિધ પક્ષોની બનેલી સાંસદોની સમિતિનું કહેવું છે કે યુકેના ગૃહ મંત્રાલયને એ નથી ખબર કે વિદેશી કર્મચારીઓ વિઝાની સમાપ્તિ બાદ બ્રિટેન છોડી રહ્યા છે કે પછી ત્યાં જ ગેરકાયદેસર રીતે કામ કરવા માટે રહી ગયા છે.

સરકારી ખર્ચની તપાસ કરતી પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (પીએસી) એ જણાવ્યું કે 2020 માં કૌશલ્ય ધરાવતા વિદેશી લોકો માટે વિઝા આપવાની શરૂઆત કરવામાં આવી પછી ગૃહ મંત્રાલય તેમના પર દેખરેખ રાખવામાં નિષ્ફળ ગયું છે.

આ પ્રકારે વિઝા મેળવીને યુકે આવેલા લોકો પૈકી કેટલા લોકો પાછા ગયા કે નહીં તેનું વિશ્લેષણ કરવામાં પણ ગૃહમંત્રાલય નિષ્ફળ રહ્યું છે.

ડિસેમ્બર 2020 માં તેની શરૂઆત થઇ અને 2024 ના અંત સુધી લગભગ 11.8 લાખ લોકોએ આ સુવિધા હેઠળ યુકે આવવા માટે અરજી કરી હતી.

ગૃહ મંત્રાલયે કહ્યું કે તેમને "ભાંગી ગયેલી ઇમિગ્રેશન સિસ્ટમ" વારસામાં મળી છે. અને તેઓ "જનતાનો વિશ્વાસ ફરી સિસ્ટમમાં બેસે" તે માટે કામ કરી રહ્યું છે.

વિઝા સમાપ્તી બાદ પણ લોકો યુકેમાં જ રહી જાય છે

બ્રિટને યુરોપીય સંઘ છોડ્યા બાદ કુશળ કર્મચારી વિઝા રૂટે ટાયર 2 (જનરલ) વર્ક વિઝાનું સ્થાન લીધું.

કોવિડ રોગચાળાને પગલે આરોગ્ય અને સામાજિક ક્ષેત્રમાં કૌશલ્યની અછત અને નોકરીની ખાલી જગ્યાઓને પહોંચી વળવા માટે અગાઉની કન્ઝર્વેટિવ સરકાર દ્વારા 2022 માં આ કાર્યક્રમનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. જેના લીધે વિદેશી કામદારોનું કાયદેસરનું સ્થળાંતર વિક્રમી સ્તરે પહોંચ્યું હતું.

પરંતુ PAC એ ગૃહ મંત્રાલય પર આરોપ મુક્યો છે કે લોકો તેમના વિઝા સમાપ્ત થયા બાદ યુકે છોડી જાય છે કે કેમ તે અંગે "મૂળભૂત માહિતી" એકત્રિત કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે અને આ યોજના હજુ પણ "કેવી રીતે કાર્યરત છે તે અંગે પણ જાણવામાં ઓછી ઉત્સુકતા" દર્શાવી છે.

તેના અહેવાલમાં જણાવાયું છે કે કોઈએ દેશ છોડી દીધો છે કે કેમ તે તપાસવા માટે હજુ વિભાગ પણ ઍરલાઇન દ્વારા રાખવામાં આવતા મુસાફરોના રેકૉર્ડ પર આધાર રાખે છે. અને 2020 થી આ રેકૉર્ડનું પણ કોઈ વિશ્લેષણ કરવામાં આવ્યું નથી.

તેમાં ઉમેર્યું હતું કે લોકો દેશ છોડીને જાય તેનો રેકૉર્ડ રાખવા માટે કયાં પગલાં લેવામાં આવશે તે પણ ગૃહ કાર્યાલયે નક્કી કરવાની જરૂર છે.

અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે "કામદારો દેવામાં સપડાયેલા, વધુ પડતા કામના કલાકો અને શોષણકારી પરિસ્થિતિઓથી પીડાતા હોવાના વ્યાપક પુરાવા છે" અને શોષણને નાબુદ કરવાની વિભાગની કામગીરી "ધીમી અને બિનઅસરકારક" હોવાનો આરોપ મુક્યો છે.

મે મહિનામાં ગૃહ સચિવ યવેટ કૂપરે જણાવ્યું હતું કે સરકાર વિક્રમી સ્તરે પહોંચેલા આ સ્થળાંતરને રોકવાની યોજનાના ભાગ રૂપે સારસંભાળ રાખતા કામદારોની ભરતી બંધ કરી દેશે.

પરંતુ તેમણે શુક્રવારે બીબીસી બ્રેકફાસ્ટને જણાવ્યું હતું કે રિપોર્ટનાં તારણો સાચાં હતાં અને સિસ્ટમ "પૂરતી મજબૂત રહી નથી".

"પરિવર્તન માત્ર એક સ્વીચ દબાવવાથી થતું નથી," તેમણે ગયા વર્ષે સર કિયર સ્ટાર્મરના વિજય ભાષણની ટિપ્પણીઓનો પડઘો પાડતા કહ્યું.

જ્યારે તેમને પુછવામાં આવ્યું કે ગૃહ મંત્રાલય દેશમાં પ્રવેશતા અને નીકળતા લોકોનું ચોક્કસ નિરીક્ષણ ક્યારે કરી શકશે?

તેના જવાબમાં તેમણે કહ્યું, "આમાં થોડો સમય લાગી શકે એમ છે – જોકે, સિસ્ટમનો ઘણો ખરો ભાગ હવે અમલમાં આવી ગયો છે."

સરકાર કાર્યસ્થળ પર બાયૉમેટ્રિક પરીક્ષણો સ્થાપિત કરવાની યોજના ધરાવે છે જેથી કોઈ વ્યક્તિ તેમનાં ફિંગરપ્રિન્ટ્સ દ્વારા યુકેમાં કાયદેસર રીતે રહે છે અને કામ કરે છે કે નહીં તે તપાસી શકાય.

"આ બાબતે અમે નોંધપાત્ર રીતે આગળ વધવા જઈ રહ્યા છીએ," તેણે કહ્યું.

'પારદર્શિતાનો અભાવ'

ગૃહ કાર્યાલયના કાયમી સચિવ ડૅમ ઍન્ટોનિયા રોમિયોએ પણ કહ્યું છે કે સમયથી વધારે રહી જવું એ એક "સમસ્યા" છે જેનું "નિરાકરણ" વિભાગ લાવી રહ્યું છે.

પરંતુ ઑક્સફર્ડ યુનિવર્સિટીના માઇગ્રેશન ઑબ્ઝર્વેટરીનાં ડિરેક્ટર ડૉ. મેડેલીન સૅમ્પશનના જણાવ્યાં અનુસાર, ગૃહ કાર્યાલય લોકોને નવી નોકરીઓ શોધવામાં કેવી રીતે મદદ કરે છે તે અંગે કોઇ "પારદર્શિતા" નથી.

તેમણે બીબીસી રેડિયો 4 ના ટુડે કાર્યક્રમમાં જણાવ્યું હતું કે તેમની પ્રક્રિયા અત્યાર સુધી "ખૂબ અસરકારક" રહી હોય તેવું લાગતું નથી.

"મને લાગે છે કે થોડા સમય માટે આ ગૃહ મંત્રાલય માટે આ એક મુદ્દો બની રહેશે," તેમણે ઉમેર્યું.

ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું: "આ અહેવાલ ફરીથી પુષ્ટિ આપે છે કે કુશળ કામદારોનાં વિઝા નિયંત્રણોને હળવા કરવાનાં પાંચ વર્ષ પહેલાંની સરકારના નિર્ણયથી યુકેમાં સ્થળાંતરના સ્તરમાં અભૂતપૂર્વ વધારો થયો હતો, 2023 માં લગભગ દસ લાખ લોકો અહીં આવ્યા હતા."

"અમે તૂટે ગયેલી ઇમિગ્રેશન સિસ્ટમને સુધારવા માટે કમર કસી લીધી છે. 2012માં બાદ સૌથી વધુ કુશળ કામદારોનાં સ્પોન્સર લાઇસન્સને સ્થગિત કરી દીધાં છે. કુશળ કામદાર માટેનાં ભણતરને પણ ડિગ્રી સ્તર સુધી પાછું વધારી દેવામાં આવ્યું છે. અને સારસંભાળ ક્ષેત્રમાં વિદેશી ભરતીનો અંત લાવી દેવામાં આવ્યો છે."

"ઇમિગ્રેશન અંગેના શ્વેતપત્ર સાથે અમે સ્થળાંતરને નીચેના સ્તરે લઇ જઇશું. ઉચ્ચ કૌશલ્યો અને બ્રિટિશ કામદારોને ટેકો આપીશું અને જનતાનો વિશ્વાસ સંપાદિત કરીશું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન