You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
UPI વ્યવહારોથી લઈને ટ્રેન ટિકિટ બુકિંગ અને પેન્શન સુધી, આજથી આ નિયમો બદલાયા, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર?
તારીખ 1 ઑક્ટોબરથી, તમારા રોજિંદા જીવન સાથે જોડાયેલી ઘણી મહત્ત્વપૂર્ણ સેવાઓ માટે નવા નિયમો અમલમાં આવ્યા છે.
બૅન્કિંગ, ઑનલાઇન પેમેન્ટ, રેલવે ટિકિટ બુકિંગ અને પેન્શન જેવી સેવાઓમાં ફેરફારની સીધી અસર સામાન્ય લોકો પર પડશે. ચાલો જાણીએ કે આ નવા નિયમોની શું અસર થશે.
UPI વ્યવહારોમાં ફેરફાર
ભારતમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) એ મોટા ભાગના લોકો માટે જીવનનો એક ભાગ બની ગયું છે.
દરેક નાનાં મોટાં રિટેલ પેમેન્ટ માટે લોકો યુપીઆઈનો ઉપયોગ કરી રહ્યા છે.
UPI વપરાશકર્તાઓને હવે P2P ટ્રાન્ઝેક્શન સુવિધામાં ફેરફારોનો સામનો કરવો પડશે. ફોન-પે, ગૂગલ પે અને પેટીએમ જેવી ઍપ્લિકેશનો આ સુવિધાને દૂર કરી શકે છે.
નૅશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈએ પીયર-ટુ-પીયર એટલે કે પીટુપી કલેક્ટ રિક્વેસ્ટ અથવા તો પુલ ટ્રાંઝેક્શન સુવિધા બંધ કરવાનો નિર્ણય લીધો છે. એનો અર્થ એ છે કે હવે યુઝર ફોન-પે, ગૂગલ-પે કે પેટીએમ જેવી ઍપ પર પૈસા માંગવાની (રિક્વેસ્ટ કરવાની) સુવિધાનો ઉપયોગ નહીં કરી શકે.
માત્ર ડાયરેક્ટ પુશ ટ્રાન્સફર એટલે કે સીધા પૈસા મોકવાની સુવિધા જ યુઝરો માટે ઉપલબ્ધ રહેશે.
આ પગલાંનો હેતુ ડિજિટલ ચુકવણીમાં સુરક્ષા વધારવા અને નાણાકીય છેતરપિંડી અટકાવવાનો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કંપનીઓ દ્વારા વિગતવાર માહિતી અલગથી આપવામાં આવશે.
સ્પીડ પોસ્ટ સેવામાં ફેરફાર
પોસ્ટ વિભાગ (ઇન્ડિયા પોસ્ટ) એ સ્પીડ પોસ્ટ સેવાઓ માટેના ચાર્જમાં સુધારો કર્યો છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં ચાર્જ ઘટાડવામાં આવ્યા છે, ત્યારે મોટાભાગનાં સ્થળો માટે દરમાં વધારો કરવામાં આવ્યો છે.
ભારતીય પોસ્ટે તેની સ્પીડ પોસ્ટ સેવા માટે ઓટીપી-આધારિત ડિલિવરી શરૂ કરી છે. પાર્સલ ડિલિવરી માટે હવે ઓટીપી ડિલિવરી ફરજિયાત બનશે, જેનાથી સુરક્ષામાં વધારો થશે. વધુમાં, જીએસટી ચાર્જ હવે બિલ પર અલગથી દર્શાવવામાં આવશે.
ભારતીય પોસ્ટ દ્વારા રીઅલ-ટાઇમ ટ્રૅકિંગ અને ઑનલાઈન બુકિંગ જેવી નવી સુવિધાઓ પણ રજૂ કરવામાં આવી છે. આ બધા ફેરફારો તારીખ 1 ઑક્ટોબરથી અમલમાં આવ્યા છે.
રેલવે ટિકિટ બુકિંગ માટે નવા નિયમો
હવે, IRCTC વેબસાઇટ અને ઍપ પર જનરલ ટિકિટ બુક કરવાના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.
તારીખ 1 ઑક્ટોબરથી, IRCTC એપ અથવા વેબસાઇટ દ્વારા ટિકિટ બુક કરાવતી વખતે, ફક્ત તે મુસાફરો જેમનું આધાર વેરિફિકેશન પહેલાથી જ પૂર્ણ થઈ ગયું છે, તેઓ રિઝર્વેશન ખુલતા પહેલાં 15 મિનિટ સુધી ઑનલાઇન ટિકિટ બુક કરાવી શકશે.
પહેલાં આ નિયમ ફક્ત તત્કાલ ટિકિટ માટે લાગુ પડતો હતો, હવે તે સામાન્ય બુકિંગમાં પણ લાગુ કરવામાં આવી રહ્યો છે.
આનાથી એજન્ટોની મનમાની પર અંકુશ આવશે અને સામાન્ય લોકો માટે ટિકિટ મેળવવાનું સરળ બનશે.
પેન્શન નિયમોમાં ફેરફાર
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (PFRDA) એ NPS, અટલ પેન્શન યોજના અને NPS લાઇટ જેવી યોજનાઓ સાથે સંકળાયેલા ચાર્જમાં સુધારો કર્યો છે.
સરકારી કર્મચારીઓએ હવે નવું PRAN ખોલતી વખતે 18 રૂપિયાની e-PRAN કીટ ફી ચૂકવવી પડશે.
NPS લાઇટ સબ્સ્ક્રાઇબર્સ માટે ફી માળખું પણ સરળ બનાવવામાં આવ્યું છે. આ નવા ચાર્જ 1 ઑક્ટોબરથી અમલમાં આવ્યા છે.
NPS, અટલ પેન્શન યોજના અને અન્ય યોજનાઓ માટે હવે નવી CRA (સેન્ટ્રલ રેકૉર્ડકીપિંગ એજન્સી) ફી અમલમાં છે.
NPS રોકાણકારો હવે તેમના ભંડોળનો 100% હિસ્સો ઇક્વિટી (શૅરબજાર) માં રોકાણ કરી શકશે. આ સુવિધા પહેલા મર્યાદિત હતી.
સોના અને ચાંદી પર નવી લોન, વ્યાજદરોમાં ફેરફાર
હવે, ફ્લોટિંગ-રેટ લોન (જેમ કે હોમ લોન) ધરાવતા ગ્રાહકોને વ્યાજ દરમાં ફેરફારનો લાભ પહેલા કરતાં વહેલા મળશે.
પહેલાં, રાહ જોવાનો સમયગાળો ત્રણ વર્ષનો હતો, પરંતુ હવે આ સમય ઘટાડી દેવામાં આવ્યો છે. ગ્રાહકો ફિક્સ્ડથી ફ્લોટિંગ રેટ પર સ્વિચ પણ કરી શકશે.
બૅન્કોને હવે 270 દિવસ સુધીની ગોલ્ડ લોન આપવાની છૂટ છે, જે પહેલાં 180 દિવસ હતી. નાના જ્વેલરી વેપારીઓ અને પ્રોસેસિંગ યુનિટ્સને આનો સીધો ફાયદો થશે.
બૅન્કિંગ સેવાઓ મોંઘી થશે
એચડીએફસી, પીએનબી અને યસ બૅન્ક સહિત ઘણી બૅન્કોએ ATMથી પૈસા ઉપાડવા, ડેબિટ કાર્ડ, લૉકર ચાર્જ અને કેટલીક અન્ય સેવાઓ માટે ફીમાં વધારો કર્યો છે.
વધુમાં, RBIએ બધી બૅન્કોને તેમના લૉકર ગ્રાહકો પાસેથી નવા કરાર કરવાનું ફરજિયાત કર્યું છે.આનો અર્થ એ છે કે જો તમારી પાસે બૅન્ક લૉકર છે, તો તમારે હવે એક નવો કરાર કરવો પડશે.
એલપીજી સબસિડી અને કિંમતો
કેટલીક યોજનાઓમાં એલપીજી સબસિડી આપવાની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે, અને કૉમર્સિયલ ગૅસના ભાવમાં પણ ફેરફાર થયો છે, જેની અસર બજાર પર પડી શકે છે.
ઘરેલુ ગૅસ સિલિન્ડરના ભાવમાં 1 ઑક્ટોબરથી ફેરફાર જોવા મળી શકે છે. દેશભરનાં મુખ્ય શહેરો - દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ - માં એલપીજીના ભાવ છેલ્લે 8 એપ્રિલ, 2025 ના રોજ સુધારવામાં આવ્યા હતા. તેથી, આ નવા મહિનામાં સિલિન્ડરના ભાવમાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે.
બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન