You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્રાઝિલ વિમાન દુર્ઘટનામાં 61 લોકોનાં મોત, જેમની ફ્લાઇટ છૂટી ગઈ હતી તેમણે શું કહ્યું
- લેેખક, ઇયોન વેલ્સ અને રૉબર્ટ પ્લમર
- પદ, બીબીસી ન્યૂઝ
બ્રાઝિલના પાટનગર સાઓ પાઉલોમાં એક વિમાન દુર્ઘટનામાં 61 લોકોનાં મોત થયાં છે. વિમાનમાં 57 પ્રવાસીઓ અને ચાર ક્રૂ સભ્યો હતા. આ બધાનાં મોત થયાં છે.
વિમાનનું સંચાલન કરનારી કંપની વોપાસ ઍરલાઇને આપેલી જાણકારી પ્રમાણે બે ઍન્જીનવાળું ટર્બોપ્રૉપ વિમાન બ્રાઝિલના દક્ષિણે આવેલા પરાનાના કાસ્કાવેલ શહેરથી સાઓ પાઉલો શહેરના ગુઆરુલહોસ ઍરપોર્ટ જઈ રહ્યું હતું. જોકે, વિમાન વિન્હેડો શહેર પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું.
સોશિયલ મીડિયા પર જોવા મળી રહેલા વીડિયો ફૂટેજમાં દેખાય છે કે એટીઆર72-500 ગોળ ફરતું આકાશમાંથી નીચે પડી જાય છે.
સ્થાનિક લોકોએ વિમાનમાં સવાર બધા જ લોકોનાં મોતની પુષ્ટિ કરી છે.
કાસ્કાવેલસ્થિત યૂઓપેક્કન કૅન્સર હૉસ્પિટલે જણાવ્યું કે મૃત્યુ પામનાર લોકોમાં હૉસ્પિટલના બે ટ્રેની ડૉક્ટર પણ સામેલ છે.
બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇસ ઇનાસિયો લુલા ડી સિલ્વાએ મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
સાઓ પાઉલો રાજ્યના ગવર્નર તારિસિસો ગોમ્સ ડી ફ્રિતાસે ત્રણ દિવસીય શોકની જાહેરાત કરી હતી.
2007 પછી બ્રાઝિલની આ સૌથી મોટી વિમાન દુર્ઘટના છે. 2007માં સાઓ પાઉલોમાં ટીએએમ ઍક્સપ્રેસ વિમાન દુર્ઘટનામાં 199 લોકોનાં મોત થયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અગનગોળો અને વિમાનનો ભંગાર
ફ્રેન્ચ-ઇટાલિયન વિમાન કંપની એટીઆરે કહ્યું કે તેઓ વિમાન દુર્ઘટનાની તપાસમાં બધી જ મદદ કરશે.
અધિકારીઓએ જણાવ્યું કે વિમાન જ્યાં પડ્યું ત્યાં માત્ર એક જ મકાનને નુકસાન થયું છે. જમીન પર કોઈને ઈજા થઈ નથી.
અધિકારીઓએ કહ્યું કે વેલિનહોસ મ્યુનિસિપલ સિવિલ ગાર્ડથી ત્રણ વાહનો સાથે 20 લોકોને ઘટનાસ્થળ પર મોકલાયા હતા.
વીડિયોમાં એક મોટા વિસ્તારમાં ફેલાયેલી આગ અને વિમાનના ભંગારમાંથી નીકળી રહેલા ધુમાડો જોવા મળે છે.
વિમાન જ્યાં પડ્યું તેની આસપાસ ઘણાં મકાનો દેખાઈ રહ્યાં છે.
દુર્ઘટનાસ્થળ પર પોલીસ અને ફાયર સર્વિસના લોકો દેખાઈ છે.
ફ્લાઇટ ટ્રૅકિંગ વેબસાઇટ ફ્લાઇટરડાર24ની માહિતી પ્રમાણે, વિમાન શુક્રવારે સવારે 11 : 46 કલાકે કાસ્કાવેલથી ઊડ્યું અને તેના દોઢ કલાક પછી છેલ્લી વખત સિગ્નલ મળ્યું હતું.
બ્રાઝિલની સિવિલ ઍવિએશન એજન્સીએ જણાવ્યું કે વિમાન 2010માં બન્યું હતું અને સારી સ્થિતિમાં જ હતું.
વિમાન ફ્લાઇટ માટે એકદમ ફિટ હતું. વિમાનના ક્રૂના સભ્યો પાસે બધાં જ લાઇસન્સ હતાં.
પ્રત્યક્ષદર્શીઓએ શું જણાવ્યું?
પોતાની આંખો સામે વિમાન દુર્ઘટનાને જોનાર ફેલિક મેગલેસે સમાચાર એજન્સી રૉયટર્સને જણાવ્યું, "વિમાન પડવાનો અવાજ આવતાની સાથે જ મેં બારીમાંથી બહાર જોયું. મેં મારી આંખોની સામે વિમાનને પડતા જોયું."
વિન્હેડો શહેરના એક રહેવાસીએ કહ્યું કે, "વિમાન પડતાની સાથે જ હું ઘરની બહાર ભાગ્યો. હું ખૂબ જ ડરી ગયો હતો અને સમજી નહોતો શકતો કે શું કરું. હું ડરને કારણે ઘરની દીવાલ ટપીને બહાર ભાગી ગયો."
દુર્ઘટનાસ્થળની નજીક રહેતાં નતાલી સિસારીએ કહ્યું, "હું ભોજન કરી રહી હતી ત્યારે જ થોડીક દૂર એક જબરદસ્ત અવાજ સંભળાયો."
તેમણે જણાવ્યું કે અવાજ ડ્રોન ઊડવા જેવો હતો, પરંતુ પાછળથી મોટો અવાજ આવ્યો.
સિસારીએ સીએનએન બ્રાઝિલને કહ્યું, "હું દોડીને બાલકનીમાં ગઈ અને જોયું કે વિમાન ગોળ-ગોળ ચક્કર ફરીને નીચે પડ્યું. મને તરત જ ખબર પડી ગઈ કે આ વિમાનની સામાન્ય મૂવમેન્ટ નથી."
અન્ય એક પ્રત્યક્ષદર્શીએ રૉયટર્સને જણાવ્યું કે ઘણા લોકો ત્યાં એકઠા થઈ ગયા અને વીડિયો બનાવી રહ્યા હતા.
તેમણે કહ્યું, "મેં વિમાનનો ભંગાર જોયો. દુર્ઘટનાસ્થળે બસ વિમાનની કેબિન હતી."
એ નસીબદાર લોકો જે બચી ગયા
પરાના કાસ્કાલેવથી સાઓ પાઉલો શહેરના ગુઆરૂલહોસ ઍરપોર્ટ જઈ રહેલા વિમાન માટે ટિકિટ લઈ ચૂકેલા કેટલાક પ્રવાસીઓ ફ્લાઇટ ચૂકી ગયા હતા.
ઍદ્રિયાનો અસીસ પણ તે પૈકીના એક છે. તેમણે કહ્યું, "વિમાનના ડિપાર્ચર વિશે કોઈ જાણકારી ન હતી તે ક્યારે ઊડશે. કાઉન્ટર પર આ વિશે જાણકારી આપનાર પણ કોઈ ન હતું. કોઈ જ્યારે ત્યાં પહોંચે તો તેમને કહેવામાં આવતું હતું કે તેઓ હવે વિમાનમાં બેસી નહીં શકે."
"ત્યાં બેઠેલા કેટલાક લોકો સાથે આ મુદ્દે મારી દલીલ પણ થઈ હતી. જોકે, હું ઇશ્વરનો આભાર માનું છું કે હું બચી ગયો."
અન્ય એક પ્રવાસી જોસ ફેલિકે જણાવ્યું કે, "મેં શરૂઆતમાં લતામ જવા માટે ટિકિટ બુક કરી હતી. જોકે, લતામ ઍરપોર્ટ બંધ હતું."
તેઓ જ્યારે ઍરપોર્ટ પર પહોંચ્યા તો તેમને જાણકારી આપવામાં આવી કે તેમની બોર્ડિંગના સમય પૂરો થઈ ગયો છે.
તેમણે કહ્યું કે, "ત્યાં બેઠેલા અધિકારીઓ સાથે મારો ઝઘડો પણ થયો. જોકે, અધિકારીઓએ મને વિમાનમાં બેસવા ન દીધો."
તેમણે કહ્યું, "આ એક કંપન ઉત્પન્ન કરનારો અનુભવ છે. હું હજુ પણ ધ્રૂજી રહ્યો છું. હું અને ભગવાન જ આ ક્ષણના સાક્ષી છીએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન