દિલ્હી રમખાણોના કેસમાં ઉમર ખાલિદને ફરી જામીન ના મળ્યા

    • લેેખક, ઉમંગ પોદ્દાર
    • પદ, બીબીસી સંવાદદાતા

દિલ્હીની એક કોર્ટે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં પીએચડીના સ્કૉલર અને વિદ્યાર્થી કર્મશીલ ઉમર ખાલિદના જામીન ફગાવી દીધા છે. ખાલિદ પર 'દિલ્હી રમખાણોમાં ષડ્યંત્ર રચવાનો' કેસ ચાલી રહ્યો છે.

ઍડિશનલ સેશન્સ જજ સમીર વાજપેયીએ 13મેએ બન્ને પક્ષોને સાંભળ્યા બાદ પોતાનો ફેંસલો સુરક્ષિત રાખ્યો હતો. જામીન રદ કરાયાના આદેશની કૉપી હાલ પૂરતી નથી આવી. એ કૉપીમાં જામીન રદ કરવા માટેનાં કારણોનો ઉલ્લેખ હશે.

ઉમર ખાલિદ પર આતંકવાદવિરોધી કાયદા 'અનલૉફુલ ઍક્ટિવિટિઝ પ્રિવેન્શન ઍક્ટ' એટલે કે યુએપીએ અંતર્ગત આરોપ લગાવાયા છે. આ પહેલાં કડકડુમા કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટે તેમના જામીન ફગાવી દીધા હતા. જે બાદ તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી.

ફેબ્રુઆરીમાં ખાલીદે એવું કહેતાં સુપ્રીમ કોર્ટમાંથી પોતાની અરજી પરત લઈ લીધી હતી કે તેઓ ટ્રાયલ કોર્ટ જશે. દિલ્હીની કોર્ટના મંગળવારે આવેલા ફેંસલા સાથે જ આવું બીજી વખત થયું છે કે જ્યારે ટ્રાયલ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હોય.

વિદ્યાર્થી નેતા અને સામાજિક કાર્યકર ઉમર ખાલિદ સપ્ટેમ્બર 2020થી જ જેલમાં બંધ છે. તેમના પર આરોપ છે કે ફેબ્રુઆરી 2020માં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસાને ઉશ્કેરી હતી. તેમના વિરુદ્ધ બે એફઆઈઆર નોંધવામાં આવી હતી.

એક કેસમાં ઉમરને એપ્રિલ 2021માં જામીન મળી ગયા હતા. બીજા એક કેસમાં ઉમર વિરુદ્ધ યુએપીએ અંતર્ગત આરોપો લગાવાયા હતા. આ મામલે અત્યાર સુધી બે કોર્ટ તેમની જામીનઅરજી ખારીજ કરી ચૂકી છે. સુપ્રીમ કોર્ટમાં તેમની જામીનઅરજી એપ્રિલ 2023થી પૅન્ડિંગ છે.

કાયદાના કેટલાય જાણકારોનું કહેવું છે કે ઉમર ખાલિદ વિરુદ્ધ જે પુરાવા છે તે ઘણા નબળા છે અને એટલે એમને જામીન મળી જવા જોઈએ.

ગત કેટલાક મહિનાઓથી વકીલોની એક ફરિયાદ એ પણ છે કે ખાલિદની જામીનઅરજી લિસ્ટિંગના નિયમોનું ઉલ્લંઘન કરીને એક પીઠ સામે સૂચીબદ્ધ કરવામાં આવી છે.

તેમના વિરુદ્ધ કેસની સુનાવણી 2020થી શરૂ થઈ હતી. ત્યાં સુધી કે તેમના વિરુદ્ધ હજુ સુધી આરોપો પણ નક્કી નથી થયા.

ઉમર ખાલિદ પર આરોપો કયા છે?

નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) સામે ડિસેમ્બર 2019માં વ્યાપક આંદોલન થયાં હતાં. આ સંશોધન પછી મુસ્લિમોને બાદ કરતાં હિન્દુ અને જૈનો જેવાં સમુદાયોને નાગરિકતા આપવાની વાત હતી. ઉમર ખાલિદ આ વિરોધપ્રદર્શનોમાં સામેલ હતા. આ દેખાવો લગભગ ત્રણ મહિના સુધી ચાલ્યા હતા.

ફેબ્રુઆરી 2020માં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં. જેમાં 53 લોકોનાં મોત થયાં હતાં. તેમાંથી મોટા ભાગના મુસ્લિમો હતા. ફરિયાદ પક્ષનો આરોપ છે કે ઉમર ખાલિદે અન્ય લોકો સાથે પ્રદર્શન દરમિયાન હિંસા આચરવાનું કાવતરું ઘડ્યું હતું અને તેના કારણે રમખાણો થયાં.

ઉમર ખાલિદ વિરુદ્ધ બે એફઆઇઆર નોંધવામાં આવી હતી. એફઆઇઆર નંબર 101/2020 નોર્થ ઇસ્ટ દિલ્હીમાં 24 ફેબ્રુઆરી 2020ના રોજ નોંધવામાં આવ્યો હતો. જેમાં ઉમર પર રમખાણો, પથ્થરમારો અને બૉમ્બ ધડાકા, બે સમુદાયો વચ્ચે નફરત ફેલાવવી, પોલીસ પર હુમલો કરવો, સરકારી સંપત્તિને નુકસાન કરવું વગેરે આરોપ છે.

આ કેસમાં ફરિયાદ પક્ષે આરોપ લગાવ્યો છે કે દિલ્હીમાં એક મોટા કાવતરાને કારણે રમખાણો થયાં હતાં. આરોપીઓ પર સીએએ વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવાનો અને રસ્તા રોકવાનો પણ આરોપ છે.

તેમનું કહેવું છે કે એક સાક્ષીએ ઉમર ખાલિદની ઓળખ પણ કરી છે, જે અનુસાર તેઓ આ ષડ્યંત્રના આરોપીઓને મળી રહ્યા હતા.

ખાલિદના વકીલનું કહેવું છે કે પથ્થરમારાના સમયે તે ત્યાં હાજર ન હતો. તેમનો આરોપ છે કે ઉમર ખાલિદની ધરપકડ વિરોધના અવાજને દબાવવાનું રાજકીય કાવતરું છે.

ઉમર ખાલિદ હિંસા સમયે ત્યાં હાજર ન હતા અને હિંસામાં તેમની સંડોવણી સાબિત કરી શકાય એવા કોઈ પુરાવા તેની સામે ન હોવાની વાત ધ્યાનમાં રાખીને કોર્ટે તેને જામીન આપ્યા હતા.

જામીન આપતાં કોર્ટે કહ્યું હતું કે, "આ કેસમાં ઉમર ખાલિદને આ પ્રકારની અધૂરી માહિતીના આધારે જેલના સળિયા પાછળ રાખવાની મંજૂરી આપી શકાય નહીં." જોકે, કોર્ટે એમ પણ કહ્યું કે ઉમર ખાલિદ સામે પેન્ડિંગ બીજા કેસ મુદ્દે તે કોઈ ટિપ્પણી કરવા માંગતી નથી.

એફઆઇઆર ક્રમાંક 59

પ્રથમ કેસમાં જામીન મળ્યા બાદ પણ ઉમર ખાલિદ હજુ પણ જેલમાં છે, કારણ કે તેમના વિરુદ્ધ એક બીજી એફઆઇઆર નોંધાયેલી છે. એફઆઇઆર નં. 59/2020માં ઉમર ખાલિદ અને અન્ય લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.

તેમના વિરુદ્ધ અન્ય કલમો ઉપરાંત ઉગ્રવાદ, ષડ્યંત્ર રચવું, યુએપીએ હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને આઇપીસીની કલમો હેઠળ રમખાણ ફેલાવવાના આરોપો મૂકવામાં આવ્યા છે.

સરકારનું કહેવું છે કે ‘પિંજરા તોડ’ અને ‘સ્ટુડન્ટ ફેડરેશન ઑફ ઇન્ડિયા’ જેવાં સંગઠનોએ સીએએ વિરુદ્ધ આંદોલનનું કાવતરું રચ્યું. તેમાં “પોલીસ અને અર્ધસૈનિક દળો પર હુમલો, કોમી હિંસા, બિનમુસ્લિમો પર હુમલો અને સરકારી તથા ખાનગી સંપત્તિને નુકસાન કરવાના” આરોપો સામેલ છે.

સરકારે ઉમર ખાલિદને રમખાણોનો માસ્ટરમાઇન્ડ અને દૂરથી પર્યવેક્ષણ કરનાર ગણાવ્યા છે.

આ માટે સરકારે અનામી સાક્ષીઓનાં નિવેદનો, ઉમર ખાલિદ જે વૉટ્સઍપ ગ્રૂપોમાં જોડાયેલા હતા, તેમને કરવામાં આવેલા ફોન કૉલ અને વિરોધપ્રદર્શન માટે આયોજિત બેઠકોમાં તેમની હાજરીને આધાર બનાવ્યા છે.

જ્યારે દિલ્હીમાં રમખાણો થયાં તે સમયે ઉમર ખાલિદ દિલ્હીમાં હાજર ન હતા. તેમની દલીલ છે કે તેમણે લોકોની ઉશ્કેરણી કરતું કોઈ ભાષણ નથી આપ્યું અને કોઈ હિંસા શરૂ થાય તેવું કોઈ કૃત્ય નથી કર્યું. તેમનું કહેવું છે કે ફરિયાદી પક્ષના પુરાવા કોઈ પણ આરોપને સાબિત કરી શકે તેમ નથી. તેમના વકીલે એમ પણ કહ્યું છે કે ઉમર ખાલિદની માનસિક સ્થિતિનો અંદાજ તેમણે ઝારખંડમાં આદિવાસીઓના કલ્યાણના વિષય પર લખેલી પીએચ. ડી.ની થીસિસથી લગાવી શકાય છે.

કોર્ટનો તર્ક શું છે?

દિલ્હીની કડકડડૂમા ટ્રાયલ કોર્ટ અને દિલ્હી હાઇકોર્ટે ઉમર ખાલિદની જામીન અરજીને નકારી દીધી છે. બંને અદાલતોનું કહેવું છે કે ઉમર સામેના આરોપો પ્રથમ દૃષ્ટિએ સાચા છે. અન્ય તથ્યો સિવાય કોર્ટે આ તથ્યો પર ભરોસો કર્યો.

ઉમર ખાલિદ અનેક વૉટ્સઍપ ગ્રૂપના સભ્ય હતા, જેમાં રમખાણોના અન્ય ષડ્યંત્રકર્તાઓ પણ હતા, જેમણે રસ્તા બંધ કરવા માટેની ચર્ચા કરી હતી.

રમખાણો શરૂ થયાં એ બાદ અન્ય આરોપીઓએ ઉમરને અનેક ફોન કર્યા હતા. જેના કારણે રમખાણોમાં તેમની સામેલગીરીનો સંકેત મળે છે.

અનેક સાક્ષીઓ કે જેમની ઓળખ જાહેર કરવામાં આવી નથી, તેમણે પણ ઉમર સામે અનેક આરોપો લગાવ્યા છે. તેમનું કહેવું છે કે ખાલિદે રસ્તા રોકવાની પ્રવૃત્તિનું સમર્થન કર્યું હતું અને સરકારને ઉખાડી ફેંકવાની અપીલ કરતું ઉશ્કેરણીજનક ભાષણ પણ આપ્યું હતું.

ખાલિદે મહારાષ્ટ્રમાં તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની યાત્રાનો ઉલ્લેખ કરતું એક ભાષણ આપ્યું હતું. એક સાક્ષી અનુસાર તેમણે લોકોને રસ્તાઓ પર ઊતરવા કહ્યું હતું.

દિલ્હી હાઇકોર્ટે એવું પણ કહ્યું છે કે ઉમર ખાલિદે ક્રાંતિની અપીલ કરી હતી. જે સંદર્ભે તેમનું માનવું હતું કે તેની અસર એ લોકો પર પણ પડી શકે છે કે જેઓ ત્યાં હાજર ન હતા અને એ જરૂરી નથી કે એ વાત માની લેવામાં આવે કે આ ક્રાંતિ રક્તહીન જ હોય.