You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'જય શ્રી રામનો નારો લગાવવા કહ્યું અને પછી મારવા લાગ્યા', ઓડિશામાં મુસ્લિમ યુવકની હત્યા બાદ મિત્રોએ શું કહ્યું?
- લેેખક, અમિતાભ ભટ્ટાસાલી
- પદ, બીબીસી ન્યૂઝ, બાંગ્લા
બુધવારે રાત્રે ઓડિશાના સંબલપુર જિલ્લામાં 'બાંગ્લાદેશી' હોવાની આશંકામાં પશ્ચિમ બંગાળના મુસ્લિમ શ્રમિકની માર મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
મૃતક જુએલ રાના (ઉં.વ.19) સાથે કામ કરનારા અન્ય બે શ્રમિક પણ આ મારઝૂડમાં ઘાયલ થયા હતા અને હાલ હૉસ્પિટલમાં દાખલ છે. જુએલ પાંચ દિવસ પહેલાં જ રોજગાર માટે ઓડિશા ગયા હતા.
દરમિયાન ઓડિશા પોલીસનું કહેવું છે કે અત્યાર સુધીમાં છ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
સંબલપુરના સબ ડિવિઝનલ પોલીસ ઑફિસરે (એસડીપીઓ) બીબીસીને જણાવ્યું કે આ ઘટના એંતાપલ્લી પોલીસ સ્ટેશન હેઠળ આવતા દાનિપાલી વિસ્તારમાં ઘટી હતી.
જુએલ રાના સાથે કામ કરનારા અન્ય બે પાક્કા મિત્રોએ બીબીસીને જણાવ્યું કે અસામાજિક તત્ત્વોએ બુધવારે તેમની સાથે મારઝૂડ કરી હતી. આ શખ્સોએ પહેલાં તેમની ઉપર બાંગ્લાદેશી હોવાનો આરોપ મૂક્યો હતો અને ઓળખપત્ર દેખાડવા કહ્યું હતું.
પરપ્રાંતીય શ્રમિકોના એક સંગઠનનું કહેવું છે કે કેન્દ્ર સરકારે ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યા લોકોને પકડવા માટે જે વિશેષ અભિયાન હાથ ધર્યું છે. તેના કારણે જ અલગ-અલગ રાજ્યોમાં બાંગ્લાદાભાષી મુસ્લિમોની ઉપર 'બાંગ્લાદેશી' હોવાની શંકા કરીને તેમની સાથે મારઝૂડ કરવામાં આવી રહી છે અને આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે.
એ રાત્રે શું થયું હતું?
પરપ્રાંતીય શ્રમિક પલ્ટૂ શેખે એ રાતના ઘટનાક્રમનું વિવરણ આપતા બીબીસી બાંગ્લાને જણાવ્યું હતું, "જુએલ અને તેમની સાથે કામ કરનારા અન્ય બે મિત્રો એ રાત્રે જમ્યા પછી બીડી પીવા માટે બહાર નીકળ્યા હતા. એ ત્રણેય મારા ઘરની પાસે રહેતા હતા. એવામાં સ્થાનિક યુવકોનું એક ટોળું ત્યાં પહોંચ્યું હતું અને પહેલાં બીડી માંગી."
પલ્ટૂ શેખના કહેવા પ્રમાણે, એ સમયે સાંજના લગભગ સાડા આઠનો સમય થયો હતો. બીડી માંગ્યા પછી એ યુવકોએ જુએલ તથા તેમના બંને મિત્ર ઉપર બાંગ્લાદેશી હોવાની આશંકા વ્યક્ત કરી હતી અને તેમનાં આધારકાર્ડ જોવાં માંગ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્રણમાંથી એક યુવક આધારકાર્ડ લેવા માટે ઘરમાં ગયો, એ ગાળામાં સ્થાનિક યુવકોએ અન્ય બેની સાથે મારઝૂડ ચાલુ કરી દીધી હતી.
પલ્ટૂ શેખના કહેવા પ્રમાણે, અગાઉ પણ સ્થાનિકોએ તેઓ 'બાંગ્લાદેશી' છે એવી આશંકા વ્યક્ત કરી હતી અને ધમકી આપી હતી. જોકે, બુધવારે સાંજે જે કંઈ થયું, તે અગાઉ ક્યારે નહોતું બન્યું.
પલ્ટૂ શેખ કહે છે, "મારામારી દરમિયાન ત્યાંથી બચી નીકળેલા એક યુવકે અમારાં ઘરે આવીને આના વિશે માહિતી આપી હતી. એ યુવકે કહ્યું કે, 'મને બચાવી લો. આ લોકો મારો જીવ લેવા માંગે છે.' આ સાંભળીને અમે ઘરમાંથી બહાર નીકળ્યા."
અન્ય એક નિર્માણ શ્રમિક સદ્દામ હુસૈને બીબીસી બાંગ્લાને જણાવ્યું, "બૂમાબૂમ સાંભળીને અમે ઘરની બહાર નીકળ્યા અને જોયું કે હુમલાખોર અંધકારનો લાભ લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા છે. એ પછી અમે ત્રણેય ઘાયલોને લઈને હૉસ્પિટલે પહોંચ્યા. જુએલનું મૃત્યુ થઈ ગયું. અમે ગામમાં તેમના પરિવારજનોને જાણ કરી."
જુએલ રાના પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના ચૌક બહાદુરપુર ગામના રહીશ છે.
જુએલના કાકા રિયાકુલ શેખે બીબીસી બાંગ્લાને જણાવ્યું કે ઘટનાસ્થળે હાજર રહેલા અન્ય શ્રમિકોએ તેમને હુમલા વિશે માહિતી આપી હતી.
તેઓ કહે છે, "રાત્રે જમ્યા પછી ત્રણેય જણ બીડી પીવા માટે ઘરમાંથી બહાર નીકળ્યા હતા, ત્યારે આ ઘટના ઘટી હતી. ચાર-પાંચ ગુંડા આવ્યા હતા. તેમણે જુએલ તથા તેના બંને મિત્રો ઉપર બાંગ્લાદેશી હોવાનો આરોપ મૂકીને સવાલ કર્યો હતો કે 'તમે ભારતમાં શું કરી રહ્યા છો?' સ્થાનિક યુવકોએ તેમને 'જય શ્રી રામ'નો નારો લગાવવા પણ કહ્યું હતું. મારામારી દરમિયાન તેમણે જુએલ સહિત ત્રણેયના મોબાઇલ ફોન પણ ઝૂંટવી લીધા હતા."
ઓડિશા પોલીસનું શું કહેવું છે?
એસડીપીઓ તોફાન બાગે બીબીસી હિંદીના સહયોગી પત્રકાર સુબ્રત પતિને સમગ્ર ઘટનાક્રમ વિશે જણાવ્યું હતું. જે આ ઘટનાક્રમના પ્રત્યક્ષદર્શી જુએલ તથા તેમની સાથે કામ કરનારા અન્ય શ્રમિકોનાં નિવેદનો સાથે મળતું છે.
બાગે બીબીસીને જણાવ્યું હતું કે ત્રણ મજૂરો ઘરની બહાર બીડી પી રહ્યા હતા. એવામાં કેટલાક સ્થાનિક યુવકોએ ત્યાં પહોંચીને તેમનાં આધારકાર્ડ જોવાં માંગ્યાં હતાં.
એ પછી ત્રણેય મજૂરો સાથે મારઝૂડ કરવામાં આવી. માર મારવાને કારણે એક શ્રમિકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું.
પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે, "જુએલનાં મૃતદેહનું પોસ્ટમૉર્ટમ થઈ ગયું છે અને પરિવારજનોને માહિતી આપી દેવામાં આવી છે."
પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી છે અને તપાસ હાથ ધરી છે.
બીબીસીના સહયોગી પત્રકાર સુબ્રત પતિના કહેવા પ્રમાણે, આ ઘટનામાં ઘાયલ બે શ્રમિકોને સંબલપુર હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જણાવાય રહ્યું છે.
વધી રહી છે હિંસાની ઘટનાઓ
ડિસેમ્બર મહિના દરમિયાન દેશના ત્રણ અલગ-અલગ રાજ્યોમાં ટોળા દ્વારા મારઝૂડને કારણે મૃત્યુની ત્રણ ઘટનાઓ સામે આવી હતી.
બિહારમાં ધાર્મિક ઓળખને કારણે મુસ્લિમ ફેરિયા સાથે મારઝૂડ કરવામાં આવી હતી. તેને ઘાયલ અવસ્થામાં લઈ જવામાં આવી હતી, જ્યાં હૉસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
છત્તીસગઢનો એક દલિત યુવક કામની શોધમાં કેરળ ગયો હતો, જ્યાં 'બાંગ્લાદેશી' હોવાની શંકા રાખીને તેની સાથે મારામારી કરવામાં આવી હતી અને હત્યા કરી દેવાઈ હતી.
એ પછી ત્રીજી ઘટના જુએલ રાનાની છે. આ પહેલાં ડિસેમ્બર મહિનામાં જ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના રહીશ મુસ્લિમ યુવક સાથે બાંગ્લાદેશી હોવાની શંકા કરીને સામૂહિક મારામારી કરવામાં આવી હતી.
યુવકની સાથે મારઝૂડ કરવામાં આવી અને તેને 'જય શ્રી રામ'ના નારા લગાવવા માટે શારીરિક ત્રાસ પણ આપવામાં આવ્યો હતો.
ઓડિશાના પાડોશી રાજ્યોમાં તાજેતરના મહિના દરમિયાન એવી અનેક ઘટનાઓ બહાર આવી હતી, જેમાં બાંગ્લાભાષી મજૂરો કે ફેરિયા સાથે બાંગ્લાદેશી હોવાની આશંકા રાખીને મારઝૂડ કરવામાં આવી હતી અથવા તેમને અપમાનિત કરવામાં આવ્યા હોય.
પ્રવાસી મજદૂર એકતા મંચની પશ્ચિમ બંગાળ શાખાના સચિવ આસિફ ફારુકનું કહેવું છે, "સામૂહિક મારામારીને કારણે મોતની ઘટનાઓ સતત બની રહી છે. આવા તમામ કેસમાં બાંગ્લાભાષી મુસલમાનોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. વિશેષ કરીને ઓડિશામાં બાંગ્લાભાષી મુસલમાનો સાથે મારા મારી તથા ત્રાસની ઘટનાઓ ઘટી રહી છે."
આસિફ ફારુકનું કહેવું છે, "કેન્દ્ર સરકારે સાત-આઠ મહિના પહેલાં એક ખાસ નિર્દેશ બહાર પાડીને બાંગ્લાદેશી તથા રોહિંગ્યા લોકોની ઓળખ કરીને તેમને બાંગ્લાદેશમાં બળજબરીપૂર્વક પુશબૅકના જે નિર્દેશ આપ્યા હતા, તેના કારણે જ આ પ્રકારની ઘટનાઓમાં ભારે વધારો થયો છે."
"કેન્દ્ર સરકારે આ નિર્દેશ તમામ રાજ્યોના પોલીસ વિભાગને આપ્યો હતો, પરંતુ કેટલાક હિંદુવાદી સંગઠનોએ આ તકનો લાભ લઈને કામમાં લાગી ગયા. ઓડિશામાં હવે ભાજપ જ સત્તામાં છે. એથી, એ સમજવું મુશ્કેલ છે કે કોના સમર્થનથી સામૂહિક મારામારી તથા અત્યાચાર જેવી ઘટનાઓ ઘટી રહી છે."
આસિફ ફારુકનું કહેવું છે કે પશ્ચિમ બંગાળની સરકારે આવી ઘટનાઓને મહત્ત્વ આપીને ઓડિશા સરકાર સમક્ષ ઊઠાવવી જોઈએ.
જુએલ રાણા પશ્ચિમ બંગાળમાં જ્યાં રહે છે, તેની બાજુની વિધાનસભા બેઠક ઉપરથી પશ્ચિમ બંગાળના રાજ્યકક્ષાના વીજ મંત્રી અખ્તરુજ્જમાં ધારાસભ્ય છે. તેઓ કહે છે :
"રાજ્યના (પશ્ચિમ બંગાળ) મુખ્ય સચિવે આ ઘટના વિશે ઓડિશાના મુખ્ય સચિવ સાથે વાત કરી છે. રાજ્ય સરકારે પણ આ ઘટના વિશે કેન્દ્ર સરકારને માહિતી આપી છે. પરંતુ ભાજપ કે કેન્દ્ર સરકાર કે પછી જે કોઈ રાજ્યોમાં ભાજપ સરકાર છે, તેનો મૂળ ઍજન્ડા જ બંગાળી અને વિશેષ કરીને બંગાળી મુસ્લિમોનો વિરોધ કરવાનો છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન