You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતે ટેસ્ટમૅચની શરૂઆતથી જ કરેલી એ ભૂલો, જે હાર સુધી દોરી ગઈ
બૉર્ડર-ગાવસ્કર સિરીઝની ત્રીજી ટેસ્ટમૅચ ઑસ્ટ્રેલિયાએ જીતી લીધી છે અને ભારતને 9 વિકેટે હરાવી દીધું છે.
ઑસ્ટ્રેલિયાએ 4 ટેસ્ટમૅચની આ શ્રેણીમાં ભારત સામે પોતાની પ્રથમ જીત નોંધાવી છે. અને પાછલાં પાંચ વર્ષમાં પહેલી વખત ભારતમાં ભારતને હરાવવાની સિદ્ધિ હાંસલ કરી છે.
આ સાથે ભારત માટે જૂનમાં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલની રાહ થોડી મુશ્કેલ બની છે જ્યારે ઑસ્ટ્રેલિયાએ પોતાની જગ્યા પાક્કી કરી નાખી છે.
ભારતે જીતવા માટે ઑસ્ટ્રેલિયાને 76 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે ઑસ્ટ્રેલિયાએ 1 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ટ્રેવિસ હેડ 49 અને લાબુશેન 28 રન બનાવીને અણનમ રહ્યા હતા.
ત્રીજા દિવસે અશ્વિને ખ્વાજાને આઉટ કરીને પ્રથમ સફળતા તો અપાવી પણ એ બાદ કોઈ ભારતીય બૉલર પોતાની બૉલિંગથી પ્રભાવિત ના કરી શક્યા અને કોઈ વિકેટ ના લઈ શક્યા.
અહીં એવાં કારણોની ચર્ચા કરાઈ રહી છે, જેણે ભારતને પરાજય તરફ ધકેલી દીધું હતું.
પ્રથમ કારણ – પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય
ઇંદોરના હૉલ્કર સ્ટેડિયમના મેદાનમાં આ પહેલાં માત્ર બે ટેસ્ટ શ્રેણીનું આયોજન થયું હતું અને બન્ને શ્રેણી ભારતે પોતાને નામ કરી હતી.
આ બન્ને શ્રેણીનો ઉલ્લેખ એટલા માટે કરવો જરૂરી છે કે આ મેદાન પર જે પણ ટીમ ટૉસ જીતે છે એ પ્રથમ બેટિંગની પસંદગી કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, આ વખતે પરિસ્થિતિ અલગ હતી, કારણ કે પીચ જે રીતે તૈયાર કરવામાં આવી હતી તે જોતાં સ્પિનરને વધુ મદદ કરી શકે તેવી સંભાવના હતી.
એ સંભાવનાના આધારે જ કૅપ્ટન રોહિત શર્માએ પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. જોકે, આ નિર્ણય ખોટો પડ્યો હતો અને એનો ભરપૂર લાભ કુનમૅન અને લિઓને લીધો.
મૅચમાં ભારતનો ટૉપ ઑર્ડર પહેલાંથી જ નબળો સાબિત થયો હતો. પાછલી ટેસ્ટમાં અક્ષર, જાડેજા અને અશ્વિને લૉવર ઑર્ડરમાં સારો દેખાવ કરી ભારતને જીત તરફ વાળ્યું હતું. જે આ વખતે શક્ય બન્ય નહોતું.
ઇંદોર ટેસ્ટના પ્રથમ દિવસથી જ ક્રિકેટની એક કૉમન ચર્ચા ફરી સામે આવી. ઈંદોરની પીચે ક્રિકેટ નિષ્ણાતોને ત્યારે અચંબામાં મૂકી દીધા જ્યારે બૉલ પહેલી પંદર મિનિટમાં જ પકડમાં આવવા લાગ્યો અને ટર્ન લેવા લાગ્યો. ક્રિકેટ નિષ્ણાતોના મતે આ પ્રકારનો ટર્ન સામાન્ય રીતે મૅચના ત્રીજા દિવસે જોવા મળતો હોય છે.
બૉલ એટલો ટર્ન થઈ રહ્યો હતો કે એટલી હદે હતો કે બૅટ્સમૅન, કૉચ, ફિલ્ડર્સ, કૅપ્ટન અને કૉમેન્ટ્રેટર સુદ્ધા આશ્ચર્યચકીત થઈ ગયા હતા.
મૅચમાં કૉમેન્ટ્રી કરનાર ઑસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર મૅથ્યૂ હૈડન પણ પીચના આ વર્તનથી ખુશ નહોતા. આ બાજુ ભારતના કૉચ અને પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડ આ મૅચ દરમિયાન પીચના ક્યૂરેટર સાથે કંઈક ચર્ચા કરતા જોવા નજરે ચઢ્યા જે ઇન્ટરનેટ પર ઘણું ચર્ચામાં રહ્યું હતું.
એવામાં પ્રથમ બેટિંગનો નિર્ણય આ હાર પાછળ કારણભૂત હોઈ શકે છે.
ભારતની ટીમ ઈંદોરની આ પીચને પારખવામાં ભૂલ કરી બેઠી હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે.
બીજું કારણ – પૂજારાનું આઉટ થવું
ભારત-ઑસ્ટ્રેલિયા સામેની આ ત્રીજી ટેસ્ટમૅચમાં ભારત તરફથી એક માત્ર પૂજારા જ હતા જેમણે બીજી ઇનિંગમાં ભારત તરફથી સૌથી વધુ 142 બૉલનો સામનો કર્યો અને 59 રન સ્કોર બોર્ડ પર નોંધાવ્યા.
બન્ને ટીમમાં પૂજારા એક માત્ર ખેલાડી રહ્યા કે જેમણે મેદાન પર સૌથી વધુ 227 મિનિટ ટકી રહ્યા.
પૂજરાએ એક તરફથી પોતાની ટેકનિકથી રમી રહ્યા હતા પરંતુ સામે પક્ષે તેમને સાથ આપવા કોઈ ટકી ના શક્યું.
શ્રેયસ ઐયરે થોડી આક્રમકતા દેખાડી પૂજારાને સાથ આપ્યો પણ તેઓ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન સ્મિથની રણનીતિનો ભોગ બન્યા અને 26 રનનો ઓછા સ્કોરે પેવેલિયન ભેગા થઈ ગયા.
પૂજારાની ધીમી ગતિ કૅપ્ટન રોહિત શર્માને પણ હેરાન કરતી હોય એમ તેમણે ચાલુ મૅચે ઇશાન કિશનના માધ્યમથી સંદેશો પહોંચાડ્યો કે પૂજારા થોડી આક્રમકતા દેખાડે. પૂજારાએ આ સાથે જ મૅચમાં સૌથી લાંબી સિક્સ મારી અને કૅપ્ટનની ઇચ્છા પૂરી પણ કરી.
આ દરમિયાન નાથન લિઓન કે જેમણે બૉર્ડર-ગવાસ્કર ટ્રૉફીમાં સૌથી વધુ વિકેટ નોંધાવી રેકૉર્ડ નોંધાવ્યો અને ત્રીજી ટેસ્ટમાં પણ ભારતની બીજી ઇનિંગમાં 64 રન આપી 8 ભારતીય ખેલાડીને પેવેલિયન ભેગા કર્યા
જોકે, નાથન લિઓને કૅપ્ટન સ્મિથની રણનીતિ પ્રમાણે સેટ બૅટ્સમેન પૂજારાને પોતાની જાળમાં ફસાવ્યા અને કૅપ્ટન સ્મિથે સ્લિપમાં એક અવિશ્વસનીય કૅચ પકડ્યો. પૂજારા સાથે જ ભારતનો વિજયરથ જાણે અટકી ગયો. આ ક્ષણ સૌથી વધુ ચર્ચામાં રહી અને ભારતની હારનું કારણ પણ બની.
ત્રીજું કારણ - બૉલ બદલવાનો નિર્ણય કર્યો
શુક્રવારે જ્યારે ઑસ્ટ્રેલિયા મેદાન પર ઊતર્યું ત્યારે ભારત તરફથી અશ્વિને પોતાની પહેલી જ ઑવરમાં ઉસ્માન ખ્વાજાને પેવેલિયન ભેગા કર્યા અને ઑસ્ટ્રેલિયા શૂન્ય પર એક વિકેટ ગુમાવી બેઠું.
એટલું જ નહીં, પ્રથમ દસ ઑવરમાં ઑસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હૅડ અને લબુનશેકે માત્ર 13 રન જ નોંધાવ્યા હતા પરંતુ એવામાં અમ્પાયરે બૉલ બદલવાનો નિર્ણય લીધો. બૉલના એક ભાગ સીમ નહોતો થઈ રહ્યો એટલે આ નિર્ણય લેવાયો હતો.
જોકે, જેવો બૉલ બદલવામાં આવ્યો એવો જ અશ્વિનની પ્રથમ ઑવરમાં જ હૅડે એક ચોગ્ગો અને એક સિક્સર ફટકારી ઑસ્ટ્રેલિયા માટે રાહ સરળ કરી મૅચનું પાસું બદલી નાખ્યું.
...અને ભારતે મૅચ ગુમાવી
બૉર્ડર-ગાવસ્કર સિરીઝની આગામી ટેસ્ટમેચ હવે અમદાવાદમાં રમાશે. ભારતે જો વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં પોતાનું સ્થાન પાક્કું કરવું હોય તો એણે આ ટેસ્ટમૅચ ગમે તે ભોગે જીતવી પડશે.
આ ટેસ્ટ જો ઑસ્ટ્રેલિયા જીતી ગયું તો ભારતે શ્રીલંકા ન્યૂઝીલૅન્ડમાં રમાનારી બે ટેસ્ટમૅચ ના જીતે એ મહત્ત્વનું સાબિત થઈ શકે છે.
જોકે, આ બધા વચ્ચે ભારત માટે રાહતના સમાચાર એ છે કે અમદાવાદની ટેસ્ટ એ હારી પણ જાય, બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી ઘરઆંગણે જ રહેશે.
ઇંદોરની ત્રીજી ટેસ્ટમૅચમાં ભારતે ટૉસ જીતી પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો. એ બાદ પહેલા દાવમાં ભારતે 109 રન નોંધાવી દસ વિકેટ ગુમાવી, જેમાં કૂનમેને 5 જ્યારે નાથન લિઓને 3 વિકેટ લઈ ભારત માટે મુશ્કેલી ઊભી કરી દીધી હતી.
ભારત માટે પહેલા દાવમાં સૌથી વધુ રન વિરાટ કોહલીએ કર્યા જેમાં તેમણે 52 બૉલનો સામનો કરી 22 રન ફટકાર્યા. ત્યારબાદ ઑસ્ટ્રેલિયાએ 197 રન કરી ઑલઆઉટ થયું અને ભારતને 88 રનની લીડ આપી.
ભારત તરફથી રવીન્દ્ર જાડેજાએ 4 વિકેટ,અશ્વિને 3 વિકેટ અને ઉમેશ યાદવે 3 વિકેટ લીધી અને ઑસ્ટ્રેલિયા તરફથી ઓપનર ઉસ્માન ખ્વાજાએ સૌથી વધુ 147 બૉલનો સામનો કરી 60 રન નોંધાવ્યા.
બીજી તરફ, ભારતે એકમાત્ર પૂજારાના સહારે લડત આપતાં 163 રન આપી પોતાની દસ વિકેટ ગુમાવી. જેમાં ઑસ્ટ્રેલિયાના સ્પીનર નાથન લિયોને એક વાર ફરી પોતાનો શ્રેષ્ઠ સ્કોર નોંધાવતાં 64 રને 8 વિકેટ ઝડપી, જ્યારે પૂજારાએ 142 બૉલનો સામનો કરી 59 રન નોંધાવ્યા.
ભારત સામે જીત માટે ઑસ્ટ્રેલિયાને માત્ર 76 રનની જરૂર હતી જે ઑસ્ટ્રેલિયાએ એક વિકેટ ગુમાવી હાંસલ કરી લીઘો. જેમાં હૅડે આક્રમક 49 રન કરી ટીમને જીત અપાવી. જ્યારે અશ્વિને ભારત માટે એક વિકેટ ઝડપી.
ભારત પ્રથમ ઇનિંગ - 109 (કૂનમેન 5-16, લિઓન 3-35)
ઑસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગ – 197/10 (ઉસ્માન ખ્વાજા-60, જાડેજા 4-78, ઉમેશ 3-12)
ભારત બીજી ઇનિંગ – 163 (પૂજારા 59, લિઓન 8-64)
ઑસ્ટ્રેલિયા – 78/1 (હૅડ 49*)