એ રોમાંચક ટેસ્ટમેચ જેમાં ફૉલોઑન થયેલા ન્યૂઝીલૅન્ડે ઇંગ્લૅન્ડને માત્ર 1 રને હરાવી દીધું

સ્કોર

  • ન્યૂઝીલૅન્ડ પ્રથમ ઇનિંગ - 209 રન
  • બીજી ઇનિંગ - 483 (ફૉલોઑન મળ્યા બાદ)
  • ઇંગ્લૅન્ડ પ્રથમ ઇનિંગ 0 435/8 (દાવ ડિક્લેર)
  • બીજી ઇનિંગ - 256 (ઑલ આઉટ)

વૅલિંગટનમાં જે થયું એ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં વર્ષો સુધી યાદ રહેશે. ફૉલોઑન થયા પછી પણ ભારે રોમાંચક ટેસ્ટમેચમાં ન્યૂઝીલૅન્ડે ઇંગ્લૅન્ડને એક રને હરાવી દીધું.

ઇંગ્લૅન્ડની ટીમને જીતવા માટે 258 રનની જરૂર હતી, જોકે, ન્યૂઝીલૅન્ડે ઇંગ્લૅન્ડને 256 રનમાં ઑલઆઉટ કરી દીધું.

ઈંગ્લૅંડની બીજી ઈનિંગમાં ન્યૂઝીલૅન્ડના નીલ વૅગનરે ચાર વિકેટ લીધી તો કૅપ્ટન ટીમ સાઉધીએ ત્રણ વિકેટ મેળવી હતી.

બન્ને ટીમો વચ્ચેની આ લડાઈ રોમાંચથી ભરેલી રહી. એક વખતે એવું પણ લાગી રહ્યું હતું કે ઇંગ્લૅન્ડની ટીમ મૅચ જીતી લેશે પણ કિસ્મતે કિવી ક્રિકેટરોનો સાથ આપ્યો અને છેલ્લા બૅટર તરીકે બેટિંગ કરવા આવેલા જૅમ્સ ઍન્ડરસનને વૅગનરે આઉટ કરી દીધા અને ન્યૂઝીલૅન્ડ આ ઐતિહાસિક મૅચ જીતી ગયું.

જ્યારે ઇંગ્લૅન્ડને વિજય માટે માત્ર 7 રનની જ જરૂર હતી ત્યારે એની પાસે માત્ર એક જ વિકેટ બચી હતી. એવામાં ઍન્ડરસને એક બાઉન્ડરી ફટકારી અને ટીમને વિજયની એકદમ નજીક લાવી દીધી. એ બાદ ઇંગ્લૅન્ડને જ્યારે જીતવા માટે માત્ર 2 જ રનની જરૂર હતી અને સૌને લાગી રહ્યું હતું કે વિજય હવે હાથવગો જ છે ત્યારે નીલ વૅગનરની બૉલિંગમાં ઍન્ડરસન ટૉમ બ્લન્ડેલને કૅચ આપી બેઠા. એ સાથે જ ન્યૂઝીલૅન્ડ 1 રનથી મૅચ જીતી ગયું.

ભારે ઉતાર-ચઢાવવાળી આ મૅચમાં ઇંગ્લૅન્ડે ન્યૂઝીલૅન્ડને ફૉલોઑનની ફરજ પાડી હતી. ઇંગ્લૅન્ડે પ્રથમ ઇનિંગમાં 8 વિકેટે 435 રન પર દાવ જાહેર કર્યો હતો અને બાદમાં ન્યૂઝીલૅન્ડની ટીમને 209 રનમાં જ સમેટી દીધી હતી. એ બાદ ન્યૂઝીલૅન્ડે ફૉલોઑન રમતાં 483 રન બનાવ્યા હતા.

ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આ ચોથી એવી ઘટના હતી જેમાં ફૉલોઓન રમનારી ટીમે જીત હાંસલ કરી હતી. છેલ્લે વર્ષ 2001માં કોલકાતામાં ઈડન ગાર્ડન્સમાં ફૉલઑનની ફરજ પાડ્યા બાદ ભારતે ઑસ્ટ્રેલિયાને 171 રનોથી હરાવી દીધું હતું.

ન્યૂઝીલૅન્ડે આ શાનદાર વિજય હાંસલ કરીને સિરીઝને 1-1થી બરોબર કરવામાં સફળતા મેળવી છે. આ પહેલાની ટેસ્ટમેચ ઇંગ્લૅન્ડે જીતી લીધી હતી.

કહાણી વૅલિંગ્ટન ટેસ્ટની

પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લૅંન્ડે પ્રથમ દાવમાં આઠ વિકેટે 435 રન બનાવીને દાવનો ડિક્લેર કર્યો હતો.

ઈંગ્લૅન્ડના આ વિશાળ સ્કોરમાં હેરી બ્રૂક અને જો રૂટે મુખ્ય ભૂમિકા ભજવી હતી. હેરી બ્રૂકે 186 રન બનાવ્યા હતા જ્યારે જો રૂટે 153 રનની અણનમ ઇનિંગ રમી હતી.

ન્યૂઝીલૅન્ડની ટીમ પ્રથમ ટેસ્ટમેચ અને ઈંગ્લૅન્ડના પ્રથમ દાવના સ્કોર સામે ઘણી દબાણમાં જોવા મળી હતી.

પરિણામ એ આવ્યું કે ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ દાવમાં 209 રન બનાવીને આઉટ થઈ ગઈ.

ઈંગ્લૅન્ડ તરફથી સ્ટુઅર્ટ બ્રૉડે ચાર જ્યારે જૅમ્સ ઍન્ડરસન અને જૅક લીચે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.

ન્યૂઝીલૅન્ડની ટીમને ફૉલોઑન કરવું પડ્યું. પરંતુ ન્યૂઝીલૅન્ડે બીજા દાવમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

ઈંગ્લૅન્ડની ટીમે વિચાર્યું જ હશે કે તેઓ જીતથી થોડાક જ ડગલાં દૂર છે, પરંતુ ન્યૂઝીલૅન્ડના કેન વિલિયમસને જબરદસ્ત ઇનિંગ રમી હતી.

વિલિયમસને સૌથી વધુ 132 રન બનાવ્યા હતા જ્યારે ટોમ બ્લંડેલે 90 અને ટૉમ લાથમે 83 રનનું યોગદાન આપ્યું હતું.

પ્રથમ દાવમાં 209 રનમાં આઉટ થયેલી ન્યૂઝીલૅન્ડની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને બીજી ઇનિંગમાં 483 રન બનાવ્યા હતા.

ઇંગ્લૅન્ડના જેક લીચે પાંચ વિકેટ લીધી હતી, પરંતુ આ ઇનિંગમાં તે ઘણા મોંઘા સાબિત થયા હતા.

હવે ઈંગ્લૅન્ડને જીતવા માટે 258 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

પરંતુ ઈંગ્લૅન્ડ માટે આ લક્ષ્ય ભારે પડ્યું.

ચોથા દિવસની રમતના અંત સુધીમાં ઈંગ્લૅન્ડે એક વિકેટે 48 રન બનાવી લીધા હતા. એટલે કે ઇંગ્લૅન્ડને જીતવા માટે પાંચમા દિવસે વધુ 210 રન બનાવવાના હતા અને તેની નવ વિકેટ બાકી હતી.

પરંતુ ઈંગ્લૅન્ડે માત્ર 80 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.

પ્રથમ દાવમાં સદી ફટકારનાર જો રૂટ ફરી એક વખત ટીમ માટે સંકટમોચક બનતા જોવા મળ્યા.

તેમની અને કૅપ્ટન બેન સ્ટૉક્સ વચ્ચે છઠ્ઠી વિકેટની 121 રનની ભાગીદારી નોંધાઈ હતી. એવું લાગી રહ્યું હતું કે ઇંગ્લૅન્ડની ટીમ મૅચ જીતી જશે.

પરંતુ બેન સ્ટૉક્સના આઉટ થયા બાદ તરત જ જો રૂટ 90 રન બનાવીને આઉટ થયા હતા.

એક સમયે ઈંગ્લૅન્ડનો સ્કોર આઠ વિકેટે 215 રન હતો. પરંતુ જૅક લીચ અને બેન ફૉક્સે નવમી વિકેટ માટે 36 રન જોડીને ઈંગ્લૅન્ડની જીતની આશા જગાવી હતી.

જ્યારે ઇંગ્લૅન્ડની નવમી વિકેટ પડી ત્યારે તે સમયે સ્કોર 251 રન હતો એટલે કે ઇંગ્લૅન્ડને જીતવા માટે માત્ર સાત રનની જરૂર હતી.

જૅમ્સ ઍન્ડરસને ફરી એકવાર ચોગ્ગો ફટકારીને ઈંગ્લૅન્ડની આશાઓ વધારી દીધી હતી. પરંતુ તે પછી તે આઉટ થયા અને ન્યૂઝીલૅન્ડની ટીમ એક રનથી જીતી ગઈ.

બન્ને ટીમના કૅપ્ટન અને ક્રિકેટરો એ મૅચને વખાણી

મૅચ બાદ ઈંગ્લૅન્ડના કૅપ્ટન બેન સ્ટૉક્સે કહ્યું કે આ મૅચ ટેસ્ટ ક્રિકેટના તેવર બતાવે છે અને આ મૅચ શાનદાર હતી.

તેમણે કહ્યું કે તેમની ટીમ અને ન્યૂઝીલૅન્ડની ટીમ લગભગ એકસમાન લાગણીમાંથી પસાર થઈ હશે.

બેન સ્ટૉક્સે ચોક્કસપણે મૅચના પરિણામથી નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ઍશિઝને હજુ સમય છે અને તેમને આશા છે કે તેમની ટીમ સારો દેખાવ કરશે.

ન્યૂઝીલૅન્ડના કેન વિલિયમસનને 'પ્લેયર ઑફ ધ મૅચ'નો ઍવૉર્ડ મળ્યો હતો. તેમણે પણ આ ટેસ્ટ મૅચની પ્રશંસા કરી અને કહ્યું કે આ મૅચમાં બંને ટીમના ખેલાડીઓએ યોગદાન આપ્યું છે.

સોશિયલ મીડિયા પર પણ લોકો આ ટેસ્ટ મૅચને રોમાંચક મૅચ કહી રહ્યા છે.

ભારતના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે પણ આ ટેસ્ટના વખાણ કર્યા છે.

તેણે ટ્વિટર પર લખ્યું- ટેસ્ટ ક્રિકેટ સર્વશ્રેષ્ઠ ક્રિકેટ છે. ઉમદા મૅચ હતી. ઈંગ્લૅન્ડ અને ન્યૂઝીલૅન્ડ વચ્ચેની ટેસ્ટમેચ તાજેતરના સમયમાં સૌથી નાટકીય મૅચોમાંની એક હતી. એક રોમાંચક મૅચ. ફૉલોઑન બાદ ન્યૂઝીલૅન્ડને શાનદાર જીત મળી હતી. ઈંગ્લૅન્ડે પણ સારું પ્રદર્શન કર્યું અને ક્રિકેટના આ શ્રેષ્ઠ ફૉર્મેટને વધુ રોમાંચક બનાવ્યું.

પૂર્વ ક્રિકેટર વસીમ જાફરે કહ્યું- ફૉલોઑન બાદ એક રનથી જીત. ટેસ્ટ ક્રિકેટ માટે આનાથી વધુ સારી ધ્યાન ખેંચનારી બાબત શું હોઈ શકે! ન્યૂઝીલૅન્ડની ટીમ શાનદાર રમી.

વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈએ લખ્યું છે - ન્યૂઝીલૅન્ડની ટીમે ઈંગ્લૅન્ડને એક રનથી હરાવ્યું. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આવું બીજી વખત જ બન્યું છે.

કૉંગ્રેસના સંસદ સભ્ય શશિ થરૂરે પણ મૅચનો ઉલ્લેખ કરતા ટેસ્ટ ક્રિકેટના વખાણ કર્યા છે.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મુનાફ પટેલે આ ટેસ્ટમેચમાં ન્યૂઝીલેન્ડની શાનદાર વાપસી બદલ ટીમને અભિનંદન પાઠવ્યા છે.