You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અત્યંત પ્રતિભાવંત અને 100 ટેસ્ટ રમવા છતાં પૂજારાની એટલી કદર શા માટે થઈ નહીં
ભારતીય ક્રિકેટમાં ક્યારેક કેટલાક ખેલાડીઓને તેમની પ્રતિભા કરતાં વધારે લોકપ્રિયતા મળી જાય છે, જ્યારે કેટલાક ખેલાડી છે જેઓ ખરેખર ટેલેન્ટ ધરાવે છે અને તેમના પ્રદર્શન થકી તેમણે પુરવાર પણ કરેલું છે તેમ છતાં તેમની જેટલી કદર થવી જોઈતી હતી, એટલી થઈ નથી.
આ પ્રકારના ક્રિકેટર પૈકીનો એક એટલે ચેતેશ્વર પૂજારા. રાજકોટના આ ખેલાડીએ છેલ્લા દોઢેક દાયકાથી ભારતીય ક્રિકેટ ટીમની સાથે સફર કરી છે અને શાનદાર પ્રદર્શન કર્યું છે પરંતુ તેની જોઇએ એટલી કદર થઈ નથી.
જોકે આ માટે કોઈ ચોક્કસ કારણ આપી શકાય નહીં અને કદાચ ખુદ પૂજારા પણ આવું કોઈ કારણ આપી શકશે નહીં તેમ છતાં આ વાસ્તવિકતા છે.
એક સમય હતો જ્યારે સુનીલ ગાવસ્કર અને ગુંડપ્પા વિશ્વનાથની હાજરી અને પછી કપિલદેવ તથા મોહિન્દર અમરનાથની સફળતાને કારણે દિલીપ વેંગસરકર જેવો પ્રભાવશાળી ક્રિકેટર પણ ઢંકાઈ ગયો હતો.
એટલે સુધી કે તેમના કરતાં જુનિયર અને ઓછી મેચો રમેલા રવિ શાસ્ત્રી પણ વધારે લોકપ્રિયતા હાંસલ કરી શક્યા હતા. કાંઇક આવું જ રાજકોટના આ પ્રતિભાવંત ખેલાડી સાથે બન્યું છે.
ચેતેશ્વર પૂજારા હાલમાં નવી દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી પ્રવાસી ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં રમી રહ્યા છે અને આ તેમની 100મી ટેસ્ટ છે.
જ્યારે ગોકળગાય જેવી રમતના કારણે પડતા મૂકાયા
અગાઉ આ જ કોલમમાં ચેતેશ્વર પૂજારા વિશે લખાયું હતું ત્યારે ઉલ્લેખ કર્યો હતો કે રાજકોટના રેલવે ગ્રાઉન્ડ પર તેના પિતા અને ભૂતપૂર્વ રણજી ક્રિકેટર અરવિંદ પૂજારા નાનકડા ચિંતુને પ્રૅક્ટિસ કરાવતા હતા.
એ વખતે આસપાસના રહીશોને આશ્ચર્ય થતું કે આવડો નાનકડો પૂજારાભાઈનો દીકરો એવી તો શું ખાસિયત ધરાવે છે કે પૂજારાભાઈ તેને અત્યારથી જ ક્રિકેટ શીખવી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તે વખતે તેના નાનકડા પેડ અને એવી જ નાની સાઇઝનું બૅટ પણ આકર્ષણ પેદા કરતું હતું. અને અરવિંદ પૂજારાને જમીન પર રગડાવીને બૉલ ફેંકે તેને ચિંતુ એટલે કે આજના ચેતેશ્વર પૂજારાએ એવી જ રીતે જમીન પર રાખીને જ વળતો ડ્રાઇવ કરવાનો રહેતો.
બસ, 1990ના દાયકાના અંતિમ વર્ષોમાં આ રીતે જમીન પર બૉલને રાખવાની જે કાબેલિયત પૂજારાએ હાંસલ કરી તે આજે 2023માં પણ રહી છે અને તેથી વિશેષ તો તે 100મી ટેસ્ટ રમી રહ્યા હોવા છતાં આજેય તેમના પગ જમીન પર જ રહ્યા છે.
ચેતેશ્વર પૂજારાની કારકિર્દીમાં એવો પણ સમય આવ્યો હતો જ્યારે તેમની ધીમી કે ગોકળગાય જેવી બેટિંગને તથા નિષ્ફળતાને કારણે ટીમમાંથી પડતા મુકાયા હતા.
2021માં ભારત આવેલી ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં તે નિષ્ફળ રહ્યા હતા અને તેમને ટીમમાંથી બાકાત કરી દેવાયા ત્યારે તેમની કરિયર સમાપ્ત થઈ ગઈ હોવાની અટકળો થતી હતી.
પસંદગીકારોએ પણ તેમની કારકિર્દી પૂર્ણ થઈ ગઈ હોવાના સંકેત આપી દીધા હતા પરંતુ જેને ફિનિક્સની માફક બેઠાં થવાની આદત પડી ગઈ હોય તેને આ પ્રકારના આંચકાની કોઇ અસર થઈ નહીં.
ભારતમાં જ્યારે આઇપીએલની ધૂમ મચી રહી હતી ત્યારે પૂજારા ઇંગ્લૅન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમવા ચાલ્યા ગયા અને ત્યાં તેમણે એવી સફળતા હાંસલ કરી કે તેમને ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન આપવાની પસંગીકારોને ફરજ પડી.
100 ટેસ્ટ રમનારા વિશ્વના 74મા ખેલાડી
અગાઉ ડર્બીશાયર, યોર્કશાયર અને નોટ્ટિંગહામશાયર માટે રમી ચૂકેલા પૂજારાએ 2022માં સસેક્સ માટે રમવાનું શરૂ કર્યું અને નવ મૅચમાં 1173 રન ફટકારી દીધા.
આ એ સમય હતો જ્યારે તેમના એક એક રન અને દરેક મૅચ પર ટીકાકારો નજર રાખતાં હતા જેથી તેમને બને તેટલા નિરાશ કરી શકાય. પરંતુ બનતું હતું તેનાથી બિલકુલ વિપરિત. કેમકે પૂજારા સતત રન વરસાવી રહ્યા હતા.
2022માં તો તેમણે પાંચ સદી ફટકારી દીધી હતી. જેમાં બે બેવડી સદીનો સમાવેશ થતો હતો.
હવે પૂજારાની આ બેવડી સદીઓ વિશે વાત કરીએ તો પૂજારા વિશ્વના એવા 74મા ક્રિકેટર બન્યા છે જેમણે 100 ટેસ્ટ રમી હોય અને સૌથી આશ્ચર્યની વાત અથવા તો એક ગુજરાતી તરીકે ગૌરવ લેવા જેવી બાબત તો એ છે કે તેમાંથી એકમાત્ર પૂજારા જ એવા બૅટ્સમૅન છે જેમણે 16 બેવડી સદી ફટકારી હોય.
હા, વિશ્વભરમાં એવો એકેય બૅટ્સમૅન નથી જેણે 100 ટેસ્ટ રમી હોય અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેની બેવડી સદીની સંખ્યા પૂજારા જેટલી હોય.
આ તો સમગ્ર વિશ્વની વાત થઈ ભારતમાં તો એવા સૌથી વધુ બેવડી સદી ફટકારનારા બૅટ્સમૅનમાં પૂજારાની નજીકમાં પણ કોઈ નથી.
તેમની 16 બેવડી સદી બાદ વિજય મર્ચન્ટ અને વિજય હઝારે અનુક્રમે 11 અને 10 બેવડી સદી ધરાવે છે તો રાહુલ દ્રવિડ અને સુનીલ ગાવસ્કર પણ બેવડી સદીમાં ડબલ ફિગરમાં સ્થાન ધરાવે છે.
બાકી સચિન તેંડુલકર, વિનોદ કાંબલી, વીવીએસ લક્ષ્મણ જેવા ખ્યાતનામ ખેલાડીઓ આઠ આઠ બેવડી સદી ધરાવે છે.
100 ટેસ્ટ અને 73 રણજી
આ તો બેવડી સદીની વાત થઈ પણ બીજી એક મહત્ત્વની અને ખાસ કરીને તો પૂજારાની પ્રકૃત્તિને અનુકૂળ આવે તેવી વાત એ છે કે ભારતમાં એક લગભગ વણલખ્યો નિયમ છે કે એક વાર ટેસ્ટ ટીમમાં સ્થાન મળી જાય ત્યાર બાદ જે તે ખેલાડી રણજી ટ્રોફી કે અન્ય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ભાગ્યે જ રમતો જોવા મળે છે.
પૂજારા ભારતનો 13મા ક્રિકેટર છે જે 100 ટેસ્ટ રમ્યા હોય, પરંતુ તે તમામમાં ચેતેશ્વરને મોખરે મૂકી શકાય તેવી એક સિદ્ધિ તેમના નામે લખાયેલી છે.
આ 13 ક્રિકેટરમાં સૌથી વધુ રણજી ટ્રોફી મૅચ પૂજારા રમ્યા છે. 100 ટેસ્ટની સાથે તે 73 રણજી ટ્રોફી મૅચ રમ્યા છે.
બાકીના ખેલાડીઓ પર એક નજર કરીએ તો સચિન તેંડુલકર 200 ટેસ્ટની સરખામણીએ 38 જ રણજી રમ્યા છે તો રાહુલ દ્રવિડ 163 ટેસ્ટ અને 48 રણજી, કુંબલે 132 ટેસ્ટ અને 35 રણજી રમ્યા છે.
હા, વીવીએસ લક્ષ્મણ અને વીરેન્દ્ર સેહવાગ 100થી વધુ ટેસ્ટ ઉપરાંત 50થી વધુ રણજી મૅચ રમ્યા છે તો ઇશાન્ત શર્મા તો 100 ટેસ્ટની સાથે માત્ર 28 રણજી અને આ ક્રમમાં વિરાટ કોહલી કદાચ છેલ્લા ક્રમે આવે કેમ કે તેઓ ભારત માટે 100 ટેસ્ટ તો રમ્યા છે, પરંતુ તેની દિલ્હીની રણજી ટીમ માટે માત્ર 23 જ મૅચ રમ્યા છે.
અગાઉ વાત કરી તેમ ઘણા ખેલાડીઓ આ રીતે આંતરરાષ્ટ્રીય ફલક પર ચમકે છે અને ભારતમાં તેઓ સુપર સ્ટાર બની જાય છે તેની સરખામણીએ ખરેખર મહેનતુ એવા પૂજારા જેવા ખેલાડીઓની ભાગ્યે જ કદર થાય છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો