ગુજરાત પાસે અરબ સાગરમાં વાવાઝોડું 'શક્તિ' સર્જાયું, કેટલી ઝડપે પવન ફૂંકાય તો ગંભીર ચક્રવાત બને?

ગુજરાતના દરિયામાં વર્ષનું પહેલું વાવાઝોડું સર્જાયું છે. બીજી ઑક્ટોબરે જે સિસ્ટમ 'ડિપ્રેશન'માં ફેરવાઈ હતી, તેણે શુક્રવારે 'ડિપ ડિપ્રેશન'નું સ્વરૂપ ધારણ કર્યું હતું.

હાલમાં આ ડિપ ડિપ્રેશન ગુજરાતની પાસે અરબ સાગરમાં સ્થિત છે. તે સિસ્ટમ દરિયામાં થોડી આગળ વધીને વાવાઝોડામાં ફેરવાઈ છે.

3 ઑક્ટોબરની સવારની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ ગુજરાતના દ્વારકાથી 240 કિલોમીટર, પોરબંદરથી 270 કિલોમીટર, કચ્છના નલિયાથી 280 કિલોમીટર અને પાકિસ્તાનના કરાચીથી 400 કિલોમીટર દૂર છે.

ભારતની પાસે આવેલા અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચોમાસા પહેલાં અને ચોમાસું પૂરું થાય તે બાદ સામાન્ય રીતે વાવાઝોડાં સર્જાતાં હોય છે.

અરબી સમુદ્રમાં બનનારું આ વર્ષનું પ્રથમ વાવાઝોડું હશે. ત્યારે વાવાઝોડાંનું વર્ગીકરણ કયા આધાર ઉપર કરવામાં આવે છે અને તેને શું નામ આપવામાં આવે છે, તેના વિશે જાણીએ.

ગુજરાત પાસે અરબ સાગરમાં વાવાઝોડું 'શક્તિ' સર્જાયું

હવામાન વિભાગ અનુસાર, ઉત્તર-પૂર્વ અરબ સાગરમાં વાવાઝોડું 'શક્તિ' સર્જાઈ ગયું છે. આ વાવાઝોડું લગભગ ઉત્તર તરફ 18 કિમી પ્રતિકલાકની ગતિથી આગળ વધી રહ્યું છે.

વાવાઝોડું આગામી કલાકોમાં ઓડિશા અને છત્તીસગઢ પાસેથી પસાર થાય અને આગામી 12 કલાકમાં નબળું પડે તેવી પણ શક્યતા છે.

આ વાવાઝોડું શરૂઆતમાં ઉત્તર-પશ્ચિમ અને પછી પશ્ચિમ-દક્ષિણ તરફ વધે અને આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બનીને એક ભીષણ ચક્રવાતમાં ફેરવાય તેવી શક્યતા છે.

ત્યાર બાદ આ વાવાઝોડું પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ તરફ આગળ વધીને પાંચ ઑક્ટોબર સુધીમાં ઉત્તર અરબ સાગરના મધ્ય ભાગો તેમજ અરબ સાગરમાં કેન્દ્રમાં પહોંચે તેવી શક્યતા છે.

વાવાઝોડું ક્યારે ગંભીર રૂપ ધારણ કરે?

ગુજરાત સહિત ભારતના દરિયાકિનારાના વિસ્તારોમાં વાવાઝોડું એ ભારે તારાજી સર્જતી કુદરતી આપદા છે.

વાવાઝોડાના કેન્દ્રમાં એકદમ લૉ-પ્રેશર એરિયા હોય છે, જે બહારની બાજુ વિસ્તરતું હોય છે. વચ્ચેનું દબાણ ઘટે અને બહારની બાજુએ જે ઝડપથી વિસ્તરે તેના આધારે વાવાઝોડાની તીવ્રતા અને ઝડપ નિર્ધારિત થતા હોય છે.

ભારતીય હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાને તેની ઝડપના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે, જે વર્લ્ડ મિટિયરોલૉજિકલ ઑર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવેલાં વર્ગીકરણ પર આધારિત છે.

જ્યારે પવનની ઝડપ 31 કિલોમીટર પ્રતિકલાકથી ઓછીની હોય છે, ત્યારે તે લૉ-પ્રેશર એરિયા તરીકે ઓળખાય છે. જ્યારે તેની ઝડપ વધે અને 49 કિલોમીટર પ્રતિકલાક સુધીની હોય, ત્યારે તેને ડિપ્રેશન તરીકે ઓળખવામાં આવે છે.

જ્યારે પવનની ઝડપ (50થી 61 કિલોમીટર પ્રતિકલાક) હોય ત્યારે તે ડિપ ડિપ્રેશન તરીકે ઓળખાય છે. સાયક્લૉનિક સ્ટ્રૉમ 62થી 88 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ફૂંકાતો હોય છે.

સિવિયર સાયક્લૉનિક સ્ટ્રૉર્મ (89થી 117 કિલોમીટર પ્રતિકલાક) અને વેરી સિવિયર સાયક્લૉનિક સ્ટ્રૉર્મમાં પવનની ઝડપ 221 કિલોમીટર પ્રતિકલાક સુધીની હોય છે.

પવનની ઝડપ 222 કિલોમીટર પ્રતિકલાક કે તેથી વધુની હોય, તો તે સુપર સાયક્લૉનિક સ્ટ્રૉર્મ તરીકે ઓળખાય છે.

ડિપ્રેશન, ડિપ ડિપ્રેશન, સાયક્લૉનિક સ્ટ્રૉર્મ, સિવિયર સાયક્લૉનિક સ્ટ્રૉર્મ, વેરી સિવિયર સાયક્લૉનિક સ્ટ્રૉર્મને અનુક્રમે 'ડી', 'ડીડી', 'સીએસ', 'એસસીએસ' તથા 'વીસીએસ' તરીકે ઓળખવામાં આવે છે.

જ્યારે વાવાઝોડું જમીન પર ત્રાટકે તેને લૅન્ડફૉલ કહેવામાં આવે છે. તે દરિયામાં હોય, ત્યારે માછીમારોને સાવધ કરવા માટે બંદરો ઉપર વાવાઝોડાની ઝડપને આધારે સિગ્નલ લટકાવવામાં આવતા હોય છે.

વાવાઝોડાના કેન્દ્રને 'આઇ' તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે વાવાઝોડાની સાથે અસામાન્ય તીવ્રતાથી વરસાદ આવે છે.

નિષ્ણાતોના કહેવા પ્રમાણે, જળવાયુ પરિવર્તનને કારણે છેલ્લા કેટલાક સમયથી વાવાઝોડાની સંખ્યા વધી રહી છે. વરસાદના દિવસોની સંખ્યા ઘટી છે, પરંતુ વરસાદનું પ્રમાણ વધ્યું છે.

વાવાઝોડાને નામ કેવી રીતે અપાય છે?

અગાઉ વાવાઝોડાંને ટેક્નિકલ નામ કે કોડથી ઓળખવામાં આવતા હતા. છેલ્લાં લગભગ 25 વર્ષથી વાવાઝોડાને નામ આપવાની પ્રથા શરૂ થઈ છે. જે નામ ભારતીય હોય કે ન પણ હોય.

વર્ષ 2000માં વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠન / એશિયા અને પ્રશાંત મહાસાગર માટે સંયુક્ત રાષ્ટ્રે આર્થિક તથા સામાજિક આયોગના નેજા હેઠળ નામકરણની શરૂઆત કરવામાં આવી હતી.

આ સમૂહમાં ભારત, શ્રીલંકા, થાઇલૅન્ડ, મ્યાનમાર, માલદીવ, ઓમાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ છે. વર્ષ 2018માં આ સંગઠનનો વિસ્તાર કરવામાં આવ્યો હતો અને તેમાં ઈરાન, કતાર, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત તથા યમનને પણ સ્થાન મળ્યું હતું.

ડબલ્યુએમઓ દ્વારા અગાઉથી જ નામોની યાદી તૈયાર કરવામાં આવે છે, જેને દર છ વર્ષે બદલવામાં આવે છે.

વાવાઝોડાને પ્રાદેશિક શબ્દો કે નામ આપવામાં આવે છે. તોફાન-પ્રભાવિત દેશોની વચ્ચે જાગૃતિ આવે તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન વધે તે માટે પ્રાદેશિક નામો આપવામાં આવે છે. વળી, તેના કારણે ચેતવણી આપવાની તથા માહિતી પ્રસારની વ્યવસ્થા પણ સુદૃઢ બને છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન