You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગળામાં ગોળી ફસાતા ચાર વર્ષના બાળકનું મોત, દવા આપતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ?
- લેેખક, સિરાજ
- પદ, બીબીસી તમિલ
તામિલનાડુના તિરુવલ્લુર જિલ્લાના તિરુત્તનીમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે જ્યાં તાવ માટે આપવામાં આવેલી ટીકડી ગળામાં ફસાઈ જવાથી ચાર વર્ષના બાળકનું ગૂંગળામણથી મૃત્યુ થયું છે.
18 ઑગસ્ટના રોજ તિરુત્તની નજીકના આર પલ્લીકુપ્પમ ગામના એક બાળકને તાવ આવતાં તેના પરિવાર દ્વારા તેને તિરુત્તની સરકારી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
ત્યાં ડૉક્ટરે બાળક માટે કેટલીક દવાઓ લખી આપી હતી. બાળકનાં માતાપિતા કહે છે કે તેમણે તે જ રાત્રે તેમના દીકરાને દવા આપી હતી.
પરંતુ ટીકડી ગળતી વખતે તે ગળામાં ફસાઈ ગઈ અને બાળકને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. પરિવારજનો તેને તાત્કાલિક તિરુત્તાની સરકારી હૉસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડૉક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો.
બાળકોને દવાની ગોળીઓ આપતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? શું પુખ્ત વયના લોકો પણ દવાની ટીકડીઓ કે કૅપ્સ્યુલ લેતી વખતે આવા ખતરાનો સામનો કરી શકે છે?
શું બાળકોને ટીકડીઓ આપી શકાય?
અમેરિકન ઍકેડેમી ઑફ પેડિયાટ્રિક્સ અનુસાર , "પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો ખોરાક અથવા કોઈ નાની વસ્તુ ગળામાં ફસાઈ જાય તો ગૂંગળામણ અનુભવી શકે છે. જો કંઈક તેમના શ્વાસનળીમાં અટવાઈ જાય અને વાયુમાર્ગને અવરોધે, તો તે તેમનાં ફેફસાં અને મગજ સુધી ઑક્સિજન પહોંચતો અટકાવી શકે છે."
"જો મગજ ચાર મિનિટથી વધુ સમય માટે ઑક્સિજનથી વંચિત રહે, તો મગજને નુકસાન થઈ શકે છે અને મૃત્યુ પણ થઈ શકે છે."
જ્યારે, હાર્વર્ડ મેડિકલ સ્કૂલ અનુસાર , "ટીકડી ગળી લેવી એટલી સરળ નથી. તે ફક્ત નાનાં બાળકો માટે જ નહીં પરંતુ કેટલાક પુખ્ત વયના લોકો માટે પણ એક પડકાર છે. ગોળી ગળી જવાનો પ્રયાસ કરી રહેલી દર ત્રણમાંથી એક વ્યક્તિને ઊલટી અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વિષય પર બાળરોગ નિષ્ણાત ડૉ. અરુણકુમારે કહ્યું, "સામાન્ય રીતે છ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને ગોળીઓ આપવી યોગ્ય નથી. તેમને દવા પીસીને પાણીમાં ભેળવીને આપવી જોઈએ. પાણીમાં દ્રાવ્ય દવાઓ જ મોટે ભાગે બાળકો માટે ભલામણ કરવામાં આવે છે."
ડૉ. અરુણકુમારના મતે, "સામાન્ય રીતે શ્રેષ્ઠ રસ્તો એ જ છે કે ટીકડી મોંમાં થોડું પાણી રાખીને ગળી જવામાં આવે, પરંતુ નાનાં બાળકો માટે આ કરવું મુશ્કેલ છે, તેથી ગોળીને પાવડરમાં પીસીને પાણીમાં ભેળવી દેવી વધુ સારું છે."
તેમણે કહ્યું હતું કે, "કેટલીક દવાઓ ફક્ત ટીકડીના સ્વરૂપમાં ઉપલબ્ધ હોય છે અને તેમનું પ્રવાહી સ્વરૂપ ઉપલબ્ધ હોતું નથી. આથી, ક્યારેક બાળકો માટે આવી દવાઓ લખવી પડે છે."
તેઓ કહે છે, "બાળકોને દવા કેવી રીતે આપવી તે કહેવાનું કામ ડૉક્ટરનું છે, પરંતુ બાળકોને ગોળીઓ આપતી વખતે ખૂબ કાળજી લેવાની જવાબદારી માતાપિતાની છે."
વિશ્વ આરોગ્ય સંસ્થા પણ દવાઓને પીસીને પાણીમાં ભેળવીને બાળકોને આપવાની સલાહ આપે છે જેથી ગૂંગળામણ અને મૃત્યુનું જોખમ ન રહે.
શું પુખ્ત વયના લોકોએ પણ ગોળીઓ લેતી વખતે કાળજી લેવી જોઈએ?
હાર્વર્ડ મેડિકલ સ્કૂલ એક લેખમાં જણાવે છે કે, "વૃદ્ધ લોકો માટે પણ દવાઓ ગળવી મુશ્કેલ બની શકે છે, ખાસ કરીને 65 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે. જેમ જેમ તેમની ઉંમર વધે છે તેમ તેમને વધુ દવાઓ લેવી પડે છે, તેથી ગોળી તેમના ગળામાં ફસાઈ જવાની અને શ્વાસ લેવામાં તકલીફ થવાની શક્યતા રહે છે."
આ લેખમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઊબકાં, ઊલટી અને શ્વાસ લેવામાં તકલીફ જેવાં કારણસર, વૃદ્ધો ઘણી વાર દવા લેવાનું ટાળે છે, જે તેમના સ્વાસ્થ્યને વધુ ખરાબ કરી શકે છે.
લેખ મુજબ, ગોળીનું કદ, આકાર અને સ્વાદ પણ તેને ગળવામાં મુશ્કેલી બનાવે છે. અમેરિકામાં લગભગ 2 કરોડ લોકો ડાયાબિટીસની દવા મેટફોર્મિન લે છે, જેની ગોળીનું મોટું કદ એક ગંભીર સમસ્યા માનવામાં આવે છે.
ડૉ. અરુણકુમારે કહ્યું, "વૃદ્ધોને ગોળીઓ આપતી વખતે કાળજી લેવી જોઈએ. દવાને પાણીમાં ઓગાળીને આપવી વધુ સારું છે. જો દવા કૅપ્સ્યુલ સ્વરૂપમાં હોય, તો તેને તોડીને પાણીમાં ભેળવીને પણ આપી શકાય છે."
જો તમારા ગળામાં કંઈક અટવાઈ જાય તો શું કરવું?
ડૉ. અરુણકુમારે કહ્યું, "જો બાળકો કે પુખ્ત વયના લોકોના ગળામાં કોઈ વસ્તુ ફસાઈ જાય અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે, તો 'હેઇમલિક મેન્યુવર' નામની પ્રાથમિક સારવાર તાત્કાલિક કરવી જોઈએ."
તેમણે કહ્યું, "આ માટે, દર્દીની પાછળ ઊભા રહો અને બંને હાથ તેની કમરની આસપાસ ચુસ્તપણે બાંધો. પછી પેટના ભાગથી ઉપર તરફ 5-6 વાર જોરદાર દબાણ કરો. જો આ પદ્ધતિથી પણ ગળામાં અટવાયેલી વસ્તુ બહાર ન આવે, તો દર્દીને તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ જવું જોઈએ."
1960ના દાયકામાં, અમેરિકામાં ખોરાક, રમકડાં અથવા અન્ય વસ્તુઓ ગળામાં ફસાઈ જવાને કારણે મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામતા હતા. 1974માં ત્યાં 'હેઇમલિક મેન્યુવર'ને અપનાવવામાં આવ્યું હતું.
જોકે, ડૉ. અરુણકુમારે કહ્યું હતું કે આ પદ્ધતિનો ઉપયોગ એક વર્ષથી ઓછી ઉંમરના બાળકો, બેભાન દર્દીઓ અને ગર્ભવતી સ્ત્રીઓ પર થવો જોઈએ નહીં.
ડૉ. કુમાર સલાહ આપે છે કે જો બાળક એક વર્ષથી નાનું હોય, તો તેને ખોળામાં લેવું જોઈએ અને તેની પીઠ થપથપાવવી જોઈએ.
તેમણે વધુમાં કહ્યું, "આ પ્રાથમિક સારવાર ઘણી શાળાઓમાં શીખવવામાં આવી રહી છે. દરેકને આ શીખવવું જોઈએ, કારણ કે તે ખૂબ જ સરળ પદ્ધતિ છે."
'બાળકોને ગોળીઓ લેવા માટે દબાણ ન કરો'
ચેન્નાઈની એક ખાનગી હૉસ્પિટલના બાળરોગ વિભાગનાં સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. રેવતી કહે છે, "તમે દવાને કચડી નાખો કે પછી સીધી ટેબ્લેટ સ્વરૂપે આપો, બાળકોને ક્યારેય તે લેવાની ફરજ પાડવી જોઈએ નહીં. આમ કરવાથી તેઓ ડરી શકે છે અને ગભરાઈ શકે છે, જેનાથી શ્વાસ લેવામાં તકલીફ થવાનું જોખમ વધે છે."
તેમણે સલાહ આપી કે બાળકોને સમજાવીને અને શીખવીને ધીમે ધીમે ગોળીઓ લેવાની આદત કેળવવી જોઈએ.
ડૉ. રેવતીએ કહ્યું, "કેટલાક લોકો ગોળી પાણીમાં ઓગાળીને બાળકનું નાક બંધ કર્યા પછી તેના મોંમાં નાખે છે. આ સંપૂર્ણપણે ખોટું છે અને ખૂબ જ ખતરનાક પદ્ધતિ છે."
તેમણે કહ્યું કે નાનાં બાળકોમાં શ્વસનમાર્ગ સાંકડો હોય છે, તેથી ગોળી ગળામાં ફસાઈ જવાનું જોખમ વધારે હોય છે. છ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને હંમેશાં પાણીમાં ઓગાળીને ગોળીઓ આપવી જોઈએ.
"6 થી 10 વર્ષની વયનાં બાળકો માટે, દવા તૂટેલા ટુકડા અથવા ચાવવા યોગ્ય ગોળીઓના રૂપમાં આપવી વધુ સારું છે. 10 વર્ષથી વધુ ઉંમરનાં બાળકોને ગોળી ગળી જવાનું કહી શકાય, પરંતુ તેમાં પણ સાવધાની રાખવી જોઈએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન