કુલપતિ આચાર્ય દેવવ્રતે ગૂજરાત વિદ્યાપીઠમાં કરેલી સફાઇઝુંબેશથી શું સંકેતો મળે છે?

સફાઈ અભિયાન

ઇમેજ સ્રોત, @ADevvrat

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા
ગૂજરાત વિદ્યાપીઠ
  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કુલપતિ તરીકેની નિમણૂક બાદ હાથ ધર્યું સ્વચ્છતા અભિયાન
  • પરિસરમાંથી એક સપ્તાહમાં 594 મેટ્રિક ટન કચરો અને ભંગારનો નિકાલ કરાયો
  • વિદ્યાર્થીઓ માટે સાફસફાઈ ફરજિયાત હોવાથી વિદ્યાર્થીઓના મતે આ અપમાનજનક પગલું
  • “માત્ર સફાઈ માટે જ જો વિદ્યાપીઠમાં ગવર્નરશાસન દાખલ કરવું પડ્યું હોય તો ચમત્કારિક બનાવ”
  • વિદ્યાપીઠનાં ઉપકુલપતિને ચાર પ્રશ્નનો માત્ર એક જવાબ, ‘મારાથી કોઈ કમેન્ટ ન કરી શકાય’
ગૂજરાત વિદ્યાપીઠ

અમદાવાદમાં 1920માં ગાંધીજી દ્વારા સ્થાપિત શિક્ષણ સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠમાં કેટલાક દિવસો સુધી નવનિયુક્ત કુલપતિ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સફાઈ અભિયાન ચલાવી. આચાર્ય દેવવ્રત ખુદ સફાઈ ઝુંબેશમાં જોડાયા હતા અને ઢગલાબંધ કચરો ત્યાંથી કાઢવામાં આવ્યો હતો. રાજ્યપાલનાં સોશિયલ મીડિયા ટ્વિટર પર તેમની સફાઈ કરતાં હોય તેવી તસવીરો અને વીડિયો પણ જોઈ શકાય છે. ૨૦ ડિસેમ્બરે તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે વિદ્યાપીઠ પરીસરમાંથી છેલ્લાં ચાર દિવસમાં 594 મૅટ્રિક ટન કચરો દૂર કરવામાં આવ્યો છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ, 1

અમદાવાદ મહાનગરપાલિકાનો પણ આ સફાઈ ઝુંબેશમાં સાથ લેવામાં આવ્યો હતો. 17 ડિસેમ્બરના ટ્વીટમાં આચાર્ય દેવવ્રતે લખ્યું છે કે 20 ટ્રકથી પણ વધારે કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ, 2

વિદ્યાપીઠ પરિસરની કેટલીક જર્જરીત ઈમારતો અને પોપડા ખરતી દીવાલો જોઈને પણ આચાર્ય દેવવ્રતે દુઃખ વ્યક્ત કર્યું હતું. આચાર્ય દેવવ્રતે મીડિયા સાથેની વાતચીતમાં સંબોધન કરતાં વિદ્યાપીઠનાં લોકોને માર્મિક ટકોર કરી હતી. તેમણે કહ્યું હતું કે, “છ-સાત દિવસમાં ચાલીસ ટ્રક ભરીને કચરો કાઢ્યો છે. આ લોકો અમારી સાથે જોડાઈને કામ કરવાને બદલે હાથ પર હાથ રાખીને એ જોતા રહ્યા કે આ ઝાડૂ કેવી રીતે લગાવે છે અને પાવડો કેમ ચલાવે છે? આ લોકોમાં કોઈ ઇચ્છાશક્તિ નથી.”

ગ્રે લાઇન

રાજભવન શું કહે છે?

સફાઈ અભિયાન

ઇમેજ સ્રોત, @ADevvrat

ગૂજરાત વિદ્યાપીઠમાં સફાઈ અભિયાનને લઈને રાજભવન દ્વારા મીડિયા નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું.

રાજભવનના મીડિયા નિવેદન અનુસાર, ગૂજરાત વિદ્યાપીઠના સ્વચ્છતા અભિયાન અંતર્ગત સંકુલમાં અનુસ્નાતક છાત્રાલયની નવી અને જૂની બિલ્ડીંગ, પ્રાણજીવન વિદ્યાર્થી ભવન, મહેમાનગૃહની આસપાસનો વિસ્તાર, એમ. ફીલ. બિલ્ડીંગ, નવી અને જૂની કન્યા છાત્રાલય તથા આદિવાસી સંગ્રહાલય બિલ્ડીંગની આસપાસના વિસ્તારની મોટા પાયે સફાઈ કરવામાં આવી છે.

આ નિવેદનમાં વધુ વિગતો સાથે લખ્યું છે કે ગૂજરાત વિદ્યાપીઠ પરિસરમાંથી સાત દિવસમાં 30 ટ્રકના 52 ફેરા અને છ ટ્રેક્ટરના 28 ફેરા દ્વારા 594 મેટ્રિક ટન જેટલા કચરા અને ભંગારનો નિકાલ કરવામાં આવ્યો છે. સમગ્ર કામગીરીમાં 170 જેટલા સફાઈકર્મીઓ અને ગાર્ડન વિભાગના કર્મચારીઓની સેવાઓ લેવામાં આવી હતી. અમદાવાદ મહાનગરપાલિકાએ જેસીબી મશીનને સફાઈ કામમાં લગાવ્યું હતું. 10 ટૅન્કરો દ્વારા 80 હજાર લિટર ટ્રીટેડ પાણીનો છંટકાવ કરવામાં આવ્યો.

નિવેદનમાં લખ્યું છે કે વિદ્યાપીઠનું રમતગમતનું મેદાન જે કચરાથી ભર્યું પડ્યું હતું, તેને સમતળ કરવામાં આવ્યું છે. રમતગમતના મેદાનમાં 20 ટ્રક ભરીને 142 ટન જેટલી માટી નાખી તેને રમવા યોગ્ય કરવામાં આવ્યું છે.

ગૂજરાત વિદ્યાપીઠ પરિષદના તમામ આંતરિક માર્ગો પર બોબગકેટ સ્વિપિંગ મશીન ફેરવીને રસ્તાઓને ડસ્ટ ફ્રી કરવામાં આવ્યા છે. સ્પૉટ ટુ ડમ્પ ગાડી દ્વારા બિલ્ડીંગ વેસ્ટ અને કાટમાળ ઉપાડવામાં આવ્યો છે. જ્યારે રોજે રોજ ડોર-ટુ-ડોરની ગાડી દ્વારા વિધાપીઠ પરિસરમાંથી કચરો એકત્ર કરવામાં આવ્યો છે.

સાત દિવસના સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગૂજરાત વિદ્યાપીઠ પરિસરમાંથી વૃક્ષોનું પણ વ્યવસ્થિત ટ્રીમિંગ કરીને ટ્રકના 26 ફેરા દ્વારા ગ્રીન વૅસ્ટ ઉપાડીને તેનો નિકાલ કરવામાં આવ્યો છે. 15 જેટલા માળી અને શ્રમિકોએ સાથે મળીને 700 ચોરસ મીટર વિસ્તારમાં નિંદામણ અને સાફ-સફાઈ કરી છે. 25 જેટલાં વૃક્ષોનું ટ્રીમિંગ કરવામાં આવ્યું છે. દિવાલો પર ઊગી નીકળેલા ઘાસ, પીપળા અને અન્ય વેલાઓની હાઇડ્રોલિક વાન દ્વારા સફાઈ કરવામાં આવી હતી.

ગ્રે લાઇન

તમામ વિશ્વવિદ્યાલયો સ્વચ્છ હોવાં જોઈએ

સફાઈ અભિયાન

ઇમેજ સ્રોત, @ADevvrat

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આચાર્ય દેવવ્રતે ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવા અને તે સફળ થાય તે માટે નિશ્ચિત કાર્યક્રમ તૈયાર કરવા યુનિવર્સિટીઓના કુલપતિઓને પત્ર લખ્યો છે.

તેમણે પત્રમાં લખ્યું છે કે, ગુજરાતના તમામ વિશ્વવિદ્યાલયો સાફ-સુથરા, સ્વચ્છ હોવાં જોઈએ; અને તો જ અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્વચ્છ વાતાવરણમાંથી પ્રેરણા લઈને સ્વચ્છતાના સંસ્કારો અપનાવશે, સ્વચ્છતાને આદત તરીકે અપનાવશે.

તેમણે એ પત્રમાં લખ્યું છે કે, આ અભિયાન માત્ર એક દિવસ પૂરતું નહીં, પરંતુ નિરંતર ચાલે તે જરૂરી છે અને તો જ વિદ્યાર્થીઓ માટે સ્વચ્છતા નિત્યકર્મ બનશે.

રાજ્યપાલે કુલપતિઓને અનુરોધ કરતા લખ્યું છે કે, છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓના આવાસ-રૂમોનું પણ સમયાંતરે નિરીક્ષણ થતું રહેવું જોઈએ. છાત્રાલય અને શૈક્ષણિક સંકુલોના શૌચાલયની પણ નિયમિત સફાઈ થતી રહે તે પણ સુનિશ્ચિત કરવું પડે. સમગ્ર પરિસરની દીવાલો સ્વચ્છ રહે તે માટે પણ વિશેષ કાળજી જરૂરી છે.

તેમણે તમામ કુલપતિઓને અનુરોધ કર્યો છે કે, સ્વચ્છતા અભિયાનના નિશ્ચિત કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરીને તેની જાણકારી રાજભવનને પણ આપે.

ગ્રે લાઇન

વિદ્યાર્થીઓ શું કહે છે?

ગૂજરાત વિદ્યાપીઠ

ઇમેજ સ્રોત, @ADevvrat

આચાર્ય દેવવ્રતે જે સફાઈ ઝુંબેશ વિદ્યાપીઠમાં શરૂ કરી છે, તેની કેટલાંક લોકો પ્રસંશા કરી રહ્યાં છે તો કેટલાંક લોકો ટીકા પણ કરી રહ્યા છે. વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ નામ ન ટાંકવાની વિનંતિ સાથે જણાવ્યું હતું કે “વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સફાઈ ફરજિયાત છે. વિદ્યાપીઠની હોસ્ટેલમાં રહેતા મારા જેવા વિદ્યાર્થીઓની વિવિધ મંડળી પરિસરની સફાઈ ઉપરાંત પાયખાના અને બાથરૂમ પણ સાફ કરે છે. રાજ્યપાલ જો એવું કહેતા હોય કે વિદ્યાપીઠમાં સફાઈ નથી થતી તો એ અહીંના વિદ્યાર્થીઓનું અપમાન છે.”

થોડા વર્ષ પહેલાં જ વિદ્યાપીઠમાં અભ્યાસ કરી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થી શૈલેષ નાઘેરાએ જણાવ્યું હતું કે, “આ સફાઈ ઝુંબેશ દ્વારા વિદ્યાપીઠને બદનામ કરવામાં આવી રહી છે. વિદ્યાપીઠમાં સફાઈ નથી થતી એ વાત જ પાયાવિહોણી છે. ત્યાંના વિદ્યાર્થીઓ ખુદ સફાઈમાં જોતરાય એવી ત્યાંની શૈક્ષણિક વ્યવસ્થા છે.”

તેમણે વધુમાં કહ્યું કે, “બીજી વાત એ કે રાજ્યપાલ જ્યારે સફાઈ કરે ત્યારે ફોટોગ્રાફર ઉપસ્થિત હોય છે અને તેમના ફોટા પાડે છે. વિદ્યાપીઠમાં અન્ય લોકો પણ સફાઈ અને વિવિધ પ્રવૃત્તિ કરે છે પણ તે નથી દર્શાવવામાં આવતું.”

તો વિદ્યાપીઠના ભૂતપૂર્વ વિદ્યાર્થી ધરમ હદવાણી આ સફાઈ ઝુંબેશને અલગ રીતે મૂલવતા કહે છે, “રાજયની અન્ય ઘણી યુનિવર્સિટી કરતાં વિદ્યાપીઠ સફાઈની બાબતમાં ઘણી આગળ છે. એમાં વિદ્યાર્થીઓ પણ સંકળાયેલા હોય છે. રાજ્યપાલની તો ઘણી યુનિવર્સિટીમાં નિમણૂક હોય છે અને વિદ્યાપીઠમાં તો તેઓ તાજેતરમાં જ કુલપતિ બન્યા છે. તે અગાઉથી જ તેઓ રાજ્યની અન્ય યુનિવર્સિટીઓના કુલપતિ છે જ, તો પછી અન્ય કોઈ યુનિવર્સિટીમાં સફાઈ ઝુંબેશ કેમ ન હાથ ધરી? શું અન્ય કૉલેજ કેમ્પસ સ્વચ્છ જ છે? વિદ્યાપીઠની એવી ઘણી સમસ્યા છે જેની જાહેરમાં વ્યાપક ટીકા થઈ શકે એમ છે, પરંતુ હાલ જે થઈ રહ્યું છે, તેમાં વિદ્યાપીઠને ટાર્ગેટ કરવામાં આવી રહી હોય એવું લાગે છે કારણકે એ ગાંધી દ્વારા સ્થાપિત સંસ્થા છે.”

ગ્રે લાઇન

સફાઈ શું ગાંધી ધોરણોની થઈ રહી છે?

સફાઈ અભિયાન

ઇમેજ સ્રોત, @ADevvrat

સત્યાગ્રહમાંથી ગાંધીની બાદબાકી કરવી અને ગાંધીમાંથી સત્યાગ્રહની બાદબાકી કરીને એ ધોરણે ગાંધીની સફાઈ કરી નાખવી અને પછી ભગવો ધ્વજ લહેરાવવો એવી આ પ્રકલ્પ પાછળની મંશા છે એમ પણ અમને વિદ્યાપીઠ સાથે સંકળાયેલા કેટલાક કારભારીઓએ કહ્યું.

વિદ્યાપીઠ એક સ્વાયત્ત સંસ્થા હતી. જેમાં રાજ્યપાલનો અગાઉ હસ્તક્ષેપ ન હતો. ઑક્ટોબર મહિનામાં આચાર્ય દેવવ્રત ગૂજરાત વિદ્યાપીઠનાં કુલપતિ બન્યા હતા. તેમની નિમણૂક વખતે પણ ખાસ્સો ઊહાપોહ થયો હતો.

ગૂજરાત વિદ્યાપીઠના 24 ટ્રસ્ટીમાંથી 13 વિરુદ્ધ 9 મત સાથે એક ઠરાવ પસાર કરીને સંસ્થાના કુલપતિ તરીકે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને આમંત્રણ આપવામાં આવ્યું હતું. કુલ 24 સભ્યોમાંથી એ અસહમત 9 સભ્યોએ સામૂહિક રાજીનામું આપ્યું હતું.

ગુજરાતના ગવર્નર તરીકેની નિયુક્તિ બાદ તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે બાબા રામદેવ તેમના માર્ગદર્શક છે. તેઓ આરએસએસની વિચારધારા સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. ગૂજરાત વિદ્યાપીઠની જ એક સંસ્થા આચાર્ય કૃપલાણી સેન્ટરના માનદ નિયામક અને ગાંધીવાદી પ્રકાશ ન. શાહે આચાર્ય દેવવ્રતની નિમણૂક પછી વિદ્યાપીઠમાં પોતાના હોદ્દા પરથી ખસી ગયા હતા.

હાલમાં જે સફાઈ ઝુંબેશ રાજ્યપાલે હાથ ધરી તેને તેઓ સરકારનું વિધિવત્ ષડયંત્ર ગણાવે છે. બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે કે, “અંગ્રેજરાજ આવ્યું ત્યારે કહેવાતું હતું કે, 'દેખ બિચારી બકરી કેરો જોતા ન કોઈ પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન'. માત્ર સફાઈ માટે જ જો વિદ્યાપીઠમાં ગવર્નરશાસન દાખલ કરવું પડ્યું હોય તો ચમત્કારિક બનાવ કહેવાય.”

તેમણે વધુમાં કહ્યું, “વિદ્યાપીઠમાં સ્વચ્છતા હોવી જ જોઈએ એમાં કોઈ બેમત નથી, પણ શિક્ષણની તમામ સંસ્થાઓમાં એના ધોરણ જળવાવા જોઈએ. પરંતુ દિલ્લીની જેએનયુ(જવાહરલાલ નહેરૂ યુનિ.)ની જેમ વિદ્યાપીઠ એક ચોક્કસ પસંદગી કરવામાં આવી છે અને ટાર્ગેટ કરવામાં આવી છે. તેથી ખરેખર તો જે સત્તામાનસ છે એની સ્વચ્છતાનો સવાલ ઊભો થાય છે.”

સફાઈ અભિયાન

ઇમેજ સ્રોત, @ADevvrat

“આમાં એક રાજકીય સરકારી એજન્ડા અક્ષરશઃ કામ કરી રહ્યો છે. સરકાર તરીકે તેમની હ્રસ્વદ્રષ્ટિ(ટૂંકી દ્રષ્ટી) એ છે કે શિક્ષણમાં કે અન્ય કોઈ સ્વાયત્ત કે ભિન્ન મત ધરાવતો અવાજ હોય તેને કબજે કરવા એ તેમની માનસિકતા છે. તેમને કદાચ એવું લાગતું હોય કે કબજો જમાવી રહ્યા છે પણ કોઈ સરકાર માટે આ ટૂંકી નજરનો દાખલો છે.”

પ્રકાશ ન. શાહે વધુમાં કહ્યું, “અત્યારે જે રીતે સરકારી હસ્તક્ષેપ વિદ્યાપીઠમાં ચાલી રહ્યા છે તે જોતાં તેના પડછાયા જતે દહાડે ત્યાંની શિક્ષણ વ્યવસ્થા સુધી પણ પહોંચશે જ. સત્યાગ્રહમાંથી ગાંધીની બાદબાકી કરવી અને ગાંધીમાંથી સત્યાગ્રહની બાદબાકી કરીને એ ધોરણે ગાંધીની સફાઈ કરી નાખવી અને પછી ભગવો ધ્વજ લહેરાવવો એ તેમનો એજન્ડા છે.”

તમે વિદ્યાપીઠ સાથે સંકળાયેલા રહ્યા હતા. આ મુદ્દે તમે તેમની સાથે કોઈ વાત કરી છે? આ પ્રશ્નના જવાબમાં પ્રકાશભાઈ કહે છે કે, “હું ટ્રસ્ટીમંડળનો સભ્ય નથી. તેથી ચર્ચા કરવાનો પ્રસંગ બનતો નથી. વિદ્યાપીઠમાં જ્યારથી ગવર્નરરાજ આવ્યું ત્યારથી હું ત્યાં સંકળાયેલો રહ્યો નથી.” 

વિદ્યાપીઠમાં ગાંધીવિચારને વરેલા જે હોદ્દેદારો છે. તેમના વલણ અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, “જે રીતે ટ્રસ્ટીઓની બહુમતી દ્વારા ગવર્નરરાજ વિદ્યાપીઠમાં આવ્યું પછી બીજું તો શું કહીએ? હું જે માનું છું તેવું માનનારા લોકો પણ હશે, પરંતુ તેમના માટે નોકરીનો એક ભાગ છે અને મારા માટે આ ખુલ્લો વ્યવહાર છે.”

પ્રકાશભાઈ અન્ય એક પ્રસંગ ટાંકતા કહે છે કે, “મોરારજી દેસાઈ વિદ્યાપીઠનાં ઉપકુલપતિ હતા. એ વખતે યુજીસી (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમીશન) સાથે જોડાણની વાત આવી ત્યારે તેમણે સ્પષ્ટતા કરી હતી કે અમારી સ્વાયત્તતાના ભોગે તમારી સાથે નહીં જોડાઈ શકીએ. એ વખતનાં શિક્ષણપ્રધાને કેબિનેટની મંજૂરી લઇને વિદ્યાપીઠની સ્વાયતત્તાનો મુદ્દો સ્વીકાર્યો હતો.”

વિદ્યાપીઠના રાજેન્દ્ર ખીમાણીને ચાર સવાલ પણ જવાબ માત્ર એક

રાજેન્દ્ર ખીમાણી

ઇમેજ સ્રોત, Facebook / Rajendra Khimani

રાજ્યપાલે કરેલી સફાઈ ઝુંબેશ બાબતે જ્યારે ગૂજરાત વિદ્યાપીઠનાં ઉપકુલપતિ રાજેન્દ્ર ખીમાણીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, “અમારા કુલપતિ જ્યારે કશું કહેતા હોય ત્યારે એના પર અમારાથી કોઈ કમેન્ટ ન કરી શકાય.”

રાજ્યપાલે તમારી તરફ ઈશારો કરીને કહ્યું હતું કે, “આ લોકો અમારી સાથે જોડાઈને કામ કરવાને બદલે હાથ પર હાથ રાખીને એ જોતા રહ્યા હતા.”

બીજી વાત એ છે કે વિદ્યાપીઠમાં જો સફાઈ ન થતી હોય તો હોદ્દેદાર તરીકે તમારા પર પણ સવાલ ઊભો થાય છે કે તમે અત્યાર સુધી સફાઈ કેમ ન કરી?

આ પ્રશ્નના જવાબમાં પણ રાજેન્દ્રભાઈ બોલ્યા કે, “હું એટલું જ કહીશ કે અમારા કુલપતિ જ્યારે કશું કહેતા હોય ત્યારે મારાથી કશી કમેન્ટ ન કરાય.”

તો શું તમે સ્વીકારો છો કે અત્યાર સુધીમાં સફાઈનું કામ નથી થયું? ખુદ વિદ્યાર્થીઓ કહે છે કે અમારા તો અભ્યાસક્રમમાં સફાઇકામ છે અને અમે લોકો નિયમિત સફાઈ કરીએ જ છીએ.

રાજેન્દ્રભાઈએ ફરી કહ્યું કે, “વિદ્યાર્થીઓ કહે છે પણ મારાથી કમેન્ટ ન કરી શકાય.”

તો પછી રાજ્યપાલે જે વાત કહી તે તમે સ્વીકારો છો?

રાજેન્દ્રભાઈએ ફરી વખત એ જ વાતનું ઉચ્ચારણ કરીને કહ્યું કે, “અમારા કુલપતિ જ્યારે કશું કહે પછી અમારાથી કમેન્ટ ન કરી શકાય.”

બીબીસી

'આચાર્ય દેવવ્રતની સફાઈઝુંબેશ આશ્ચર્ય અને આંચકાજનક'

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની જ્યારે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે નિમણૂક થઈ ત્યારે જે ટ્રસ્ટીઓએ રાજનામું આપી દીધું હતું તેમાંનાં એક મંદાબહેન પરીખ હતાં.

તેમણે રાજ્યપાલના સ્વચ્છતા માટેના આ વલણની ટીકા કરી છે. બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, "વિદ્યાપીઠમાં સ્વચ્છતાનો આગ્રહ શરૂઆતથી જ રહ્યો છે. વિદ્યાપીઠમાં કચરાને રિસાયકલ કરીને ખાતર બનાવવાનું કામ પણ ચાલે છે. એને લીધે ક્યારેક કચરા જેવું દેખાય."

"કુલપતિ આચાર્ય દેવવ્રત સ્વચ્છતા બાબત ધ્યાન દોરે ત્યાં સુધીની વાત વાજબી છે. પછી કુલપતિ ઝુંબેશ ઉપાડી લે અને વિદ્યાપીઠને જાણ કર્યા વગર આવે એમાં ચોરી પકડવી હોય એવી વૃત્તિ હોય એવું લાગે છે. એ યોગ્ય નથી."

તેઓ કહે છે, "તમે વડા છો, તમારે માર્ગદર્શન આપાવાનું હોય. સફાઈ તમને યોગ્ય ન જણાતી હોય તો એના માટે વ્યવસ્થા ગોઠવવી પડે. એ કાંઈ એક દિવસનું કામ નથી. વિદ્યાર્થીઓ સફાઈ કરે જ છે. કુલપતિ તરીકે તેમણે જે કર્યું છે તે યોગ્ય નથી. આ આશ્ચર્યજનક અને આંચકાજનક બાબત હતી."

મંદાબહેને પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈનો દાખલો આપીને કહ્યું કે, "તેઓ કુલપતિ હતા ત્યારે વર્ષમાં એક સપ્તાહ વિદ્યાપીઠમાં રહેતા હતા. વિદ્યાપીઠના ખૂણેખૂણે તેઓ ફરતા હતા. જ્યાં ક્યાંય તેમને સફાઈ યોગ્ય ન જણાય કે અન્ય કોઈ બાબત હોય તો સંબંધિત વ્યક્તિ પાસેથી જવાબ મેળવતા અને મુદ્દો ઉકેલતા હતા. એમાં સહયારી ભાવના હતી."

"આચાર્ય દેવવ્રત જે કરે છે તેમ બતાવી દેવાની બાબત યોગ્ય નથી. તેમનો ઇરાદો વિદ્યાપીઠની નાલેશી કરવાનો છે કે નહીં તે ખબર નથી, પણ વિદ્યાપીઠની નાલેશી તો થાય જ છે."

રેડ લાઇન
રેડ લાઇન