ગાંધીજી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ પદ માટે આચાર્ય દેવવ્રતને આમંત્રણ પર વિવાદ કેમ?

- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા

- ગૂજરાત વિદ્યાપીઠના 24 ટ્રસ્ટીમાંથી 13 વિરુદ્ધ 9 વોટ સાથે તાજેતરમાં એક ઠરાવ પસાર કરીને સંસ્થાના કુલપતિ તરીકે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને આમંત્રણ આપવામાં આવ્યું છે
- ગૂજરાત વિદ્યાપીઠની અત્યાર સુધીની પરંપરા અનુસાર, માત્ર ખાદીનાં વસ્ત્રો પહેરતી ગાંધીવાદી વ્યક્તિ જ કુલપતિ બની શકે છે.
- પૂર્વે એકવાર મહાત્મા ગાંધીના વંશજ ગોપાલકૃષ્ણ ગાંધીને કુલપતિ બનવાનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું ત્યારે તેમણે તેનો સવિનય અસ્વીકાર કરતા કારણ આપ્યું હતું કે તેઓ વિદેશમાં જાય છે ત્યારે ખાદી પહેરતા નથી, માટે તેઓ કુલપતિ બનવાને લાયક નથી.
- મહાત્મા ગાંધીએ 1920માં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી અને તેઓ આ સંસ્થાના પ્રથમ કુલપતિ હતા.
- સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ.રાજેન્દ્ર પ્રસાદ આ સંસ્થાના કુલપતિ રહી ચૂક્યા છે.
- વર્તમાનમાં આ સંસ્થાના કુલપતિ મૅગ્સેસે ઍવૉર્ડ વિજેતા અને સેવા સંસ્થાનાં સ્થાપક ઈલાબહેન ભટ્ટ છે, તેમણે થોડા સમય પહેલાં રાજીનામું આપ્યું હતું.
- મહાત્મા ગાંધીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટીઓએ એક મીટિંગ બાદ આચાર્ય દેવવ્રતને આ સંસ્થાના કુલપતિ તરીકે આવવા માટેનું આમંત્રણ પાઠવ્યું છે ત્યારે ઘણા ગાંધીવાદી લોકો તેમને ગાંધી વિચારધારાની વિપરીત માનસિકતા ધરાવતી વ્યક્તિ તરીકે જુએ છે
ગૂજરાત વિદ્યાપીઠના 24 ટ્રસ્ટીમાંથી 13 વિરુદ્ધ નવ વોટ સાથે તાજેતરમાં એક ઠરાવ પસાર કરીને સંસ્થાના કુલપતિ તરીકે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને આમંત્રણ આપવામાં આવ્યું છે.
આચાર્ય દેવવ્રત ગુજરાતના રાજ્યપાલ છે. જોકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથેના તેમના જોડાણને કારણે તેમને આપાયેલા આમંત્રણ પછી વિવાદ ઊભો થયો છે.
આ વિવાદ શું છે અને તેની સંસ્થાની કામ કરવાની પદ્ધતિ પર શું અસર પડી શકે તે જાણવા માટે બીબીસી ગુજરાતીએ આ સંસ્થા સાથે સંકળાયેલા કેટલાક લોકો સાથે વાત કરી હતી.
પરંતુ તેમની સાથે વાત કરીએ એ પહેલાં આચાર્ય દેવવ્રત વિશે થોડું જાણી લઈએ.

કોણ છે આચાર્ય દેવવ્રત?

ઇમેજ સ્રોત, ACHARYA DEVVRAT TWITTER
આચાર્ય દેવવ્રતનો જન્મ 1959માં હરિયાણામાં થયો હતો અને તેમનો સંબંધ ગુરુકુળ કુરુક્ષેત્ર સાથે રહ્યો છે.
હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બન્યા તે અગાઉ 1981થી 2015 સુધી તેઓ કુરુક્ષેત્રના ગુરુકુળમાં આચાર્ય તરીકે કાર્યરત હતા.
ઇતિહાસ ઉપરાંત તેમણે યોગ વિજ્ઞાન અને નૅચરોપેથીમાં ડૉક્ટરેટ કરેલું છે.
એમણે માસિક પત્રિકા ગુરુકુલ દર્શનના સંપાદન ઉપરાંત પ્રાકૃતિક ચિકિત્સા પર પુસ્તક લખ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ હિમાચલ પ્રદેશ વિશ્વ વિદ્યાલય - શિમલા, ચૌધરી સરવણ કુમાર કૃષિ વિશ્વ વિદ્યાલયમાં કુલપતિ રહી ચૂક્યા છે.
આ ઉપરાંત હિમાચલ પ્રદેશમાં તેઓ ભારતીય રેડક્રૉસ સોસાયટી, બાલ કલ્યાણ બૉર્ડ, રાજ્ય સૈનિક કલ્યાણ બૉર્ડમાં અધ્યક્ષ રહી ચૂક્યા છે.
આચાર્ય દેવવ્રત ગૌસેવાની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. ગુજરાતના ગવર્નર તરીકેની નિયુક્તિ બાદ તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે બાબા રામદેવ તેમના માર્ગદર્શક છે. તેઓ આરએસએસની વિચારધારા સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે.
મહાત્મા ગાંધીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટીઓએ એક મીટિંગ બાદ આચાર્ય દેવવ્રતને આ સંસ્થાના કુલપતિનું પદ સ્વીકારવા માટેનું આમંત્રણ પાઠવ્યું છે ત્યારે ઘણા ગાંધીવાદી લોકો તેમને ગાંધી વિચારધારાની વિપરીત માનસિકતા ધરાવતી વ્યક્તિ તરીકે જુએ છે.
ગૂજરાત વિદ્યાપીઠની જ એક સંસ્થા આચાર્ય કૃપલાણી સેન્ટરના માનદ નિયામક અને ગાંધીવાદી પ્રકાશ ન. શાહ કહે છે, "હજી સુધી વિદ્યાપીઠમાં સરકારી નિયુક્તિવાળી કોઈ વ્યક્તિની કુલપતિ તરીકે નિમણૂક કરાઈ નથી. એક વાત સત્ય છે કે ગવર્નર તરીકેની તેમણી નિયુક્તિ એક સરકારી નિયુક્તિ છે અને સરકારની વિચારધારા સૌ જાણે છે."
આ નિયુક્તિ પાછળનું કારણ જણાવતા તેઓ ઉમેરે છે, "સરકારના પોતાના મતથી અલગ મત ધરાવતી વિવિધ સંસ્થાઓમાં ગૂજરાત વિદ્યાપીઠનો સમાવેશ થાય છે અને તે ભિન્નમતને દૂર કરવા માટે આવી સંસ્થાઓમાં આ પ્રકારની નિમણૂક થઈ રહી છે."
ત્યારે પ્રકાશ ન. શાહે ગૂજરાત વિદ્યાપીઠમાં પોતાના હોદ્દા પરથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે.
તેઓ કહે છે, "24માંથી 9 એવા ટ્રસ્ટીઓ છે કે જેમણે આ નિર્ણયની વિરુદ્ધમાં મત આપ્યો છે, હું માનું છું કે આ લોકોની સાથે બીજા લોકોએ આવીને આ સંસ્થાની વિચારધારાને બચાવવાનો પ્રયાસ કરવો જોઇએ."

ટ્રસ્ટીઓ શું કહે છે?

ઇમેજ સ્રોત, FACEBOOK/ DR.RAJENDRA KHIMANI
આચાર્ય દેવવ્રતને આમંત્રણના પક્ષમાં મત આપનાર 13 ટ્રસ્ટીઓમાં વાઇસ ચાન્સેલર રાજેન્દ્ર ખીમાણીનો પણ સમાવેશ થાય છે. બીબીસી ગુજરાતીએ જ્યારે તેમની સાથે આ વિશે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેમણે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં એક પ્રેસ કૉન્ફરન્સ કરીને આ વિશે સ્પષ્ટતા કરશે.
બીબીસી ગુજરાતીએ ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કેટલાક ટ્રસ્ટીએ વાત કરવાની ના પાડી દીધી તો અમુક ટ્રસ્ટીઓએ પોતાનું નામ ન આપવાની શરતે વાત કરી હતી.
આ ઠરાવની વિરુદ્ધમાં મત આપનાર એક ટ્રસ્ટીએ પોતાનું નામ નહીં આપવાની શરતે કહ્યું કે, "મને એ વાતનો વાંધો છે કે આ પ્રકારની નિમણૂક માટે ટ્રસ્ટીઓ પર સરકાર તરફથી દબાણ કરવામાં આવી રહ્યું છે. આવું કરવાનું કારણ શું છે? અને આવું કરવાની જરૂર કેમ પડી? તમામ ટ્રસ્ટીઓની મરજીથી નિમંત્રણ અપાય તેવી પરિસ્થિતિ આ નથી."
આ ઠરાવની વિરુદ્ધમાં મત આપનાર એક અન્ય ટ્રસ્ટીએ કહ્યું કે, "આ પ્રસ્તાવ સંસ્થાને નુકસાનકારક છે."
ગૂજરાત વિદ્યાપીઠની અત્યાર સુધીની પરંપરા અનુસાર, માત્ર ખાદીનાં વસ્ત્રો પહેરતા ગાંધીવાદી વ્યક્તિ જ કુલપતિ બની શકે છે. પૂર્વે એકવાર મહાત્મા ગાંધીના વંશજ ગોપાલકૃષ્ણ ગાંધીને કુલપતિ બનવાનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું ત્યારે તેમણે તેનો સવિનય અસ્વીકાર કરતાં કારણ આપ્યું કે તેઓ વિદેશમાં જાય છે ત્યારે ખાદી પહેરતા નથી, માટે તેઓ કુલપતિ બનવાને લાયક નથી.

આ નિમણૂકથી કોને ફાયદો?

ઇમેજ સ્રોત, LAKSHMI PATEL
જોકે ઘણા લોકો એ સવાલ કરી રહ્યા છે કે આ પ્રસ્તાવની તરફેણમાં મત આપનારા લોકોને શું ફાયદો થઈ રહ્યો છે?
સિનિયર પત્રકાર અને લેખક ઉર્વીશ કોઠારી બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, "કલ્પના કરો કે સંઘ (આરએસએસ)ની કોઈ સંસ્થામાં તેમની વિરુદ્ધની માનસિકતા ધરાવતા કોઈ વ્યક્તિની સૌથી ઊંચા ઉંચા પદે નિયુક્તિ થાય એવું આપણે જોયું નથી. તો પછી ગાંધીવાદી સંસ્થામાં વિરુદ્ધ વિચારધારા ધરાવતી વ્યક્તિની નીમણૂકથી કોને ફાયદો થશે?"
"આ એક ગાંધીવાદી સંસ્થા છે અને તેમાં કોઈ પણ સરકારી નિમણૂક ન થવી જોઈએ. આ 13 ટ્રસ્ટીઓ પર એવું તે કેવું દબાણ આવ્યું કે તેમણે આ સંસ્થાનું ઉચ્ચ પદ કોઈ ગાંધીવાદી વ્યક્તિને ન આપવાનું નક્કી કર્યું?"
મહાત્મા ગાંધીએ સ્થાપેલી અન્ય સંસ્થા 'નવજીવન ટ્રસ્ટ' સાથે સંકળાયેલા વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, "લોકોનો વાંધો છે કે વિદ્યાપીઠના કુલપતિ નીમવા માટે સરકાર કેમ રસ લઈ રહી છે અને માટે અમુક ટ્રસ્ટીઓ પર દબાણ કેમ કરવામાં આવી રહ્યું છે? તેનો જવાબ હજી સુધી મળ્યો નથી."
આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે બીબીસીએ ટ્રસ્ટીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મોટાભાગના ટ્રસ્ટીઓએ વાત કરવાનો ઇનકાર કરી દીધો હતો તો અનેક ટ્રસ્ટીઓ સાથે સંપર્ક થઈ શક્યો ન હતો. અલબત્ત, એવી વિગતો બહાર આવી છે કે આ પ્રસ્તાવની વિરુદ્ધમાં મત આપનાર અમુક ટ્રસ્ટીઓ આવનારા દિવસોમાં એક સંયુક્ત નિવેદન બહાર પાડવા જઈ રહ્યા છે.

ઇમેજ સ્રોત, ROLI BOOKS
મહાત્મા ગાંધીએ 1920માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી અને તેઓ આ સંસ્થાના પ્રથમ કુલપતિ હતા. અનેક આદિવાસી, દલિત, વંચિત વિદ્યાર્થીઓ આ સંસ્થામાં અભ્યાસ કરીને દેશ-વિદેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ માટે ગયા છે.
સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ.રાજેન્દ્ર પ્રસાદ આ સંસ્થાના કુલપતિ રહી ચૂક્યા છે. વર્તમાનમાં આ સંસ્થાનાં કુલપતિ મૅગ્સેસે ઍવૉર્ડ વિજેતા અને સેવા સંસ્થાનાં સ્થાપક ઈલાબહેન ભટ્ટ છે. ઈલાબહેન પહેલા નારાયણ દેસાઈ આ સંસ્થાના કુલપતિ રહી ચૂક્યા છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













