ગૂજરાત વિદ્યાપીઠ ફરી ચર્ચામાં, કુલનાયક રાજેન્દ્ર ખીમાણીની નિમણૂકને લઈને વિવાદ
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
યુવાનોને શિક્ષણ આપવા અને ચારિત્ર્ય ઘડતરના આશયથી જે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના મહાત્મા ગાંધીએ 100થી વધુ વર્ષ પહેલાં કરી હતી, તે ગૂજરાત વિદ્યાપીઠ છેલ્લા છ મહિનાથી કુલનાયકની નિમણૂકને લઈને ચર્ચામાં છે.
મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીએ તા.18 ઑક્ટોબર 1920ના દિવસે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી અને તેનો પોતાનો ભવ્ય ઇતિહાસ રહ્યો છે.

ગાંધીમૂલ્યોને વરેલી અમદાવાદસ્થિત આ સંસ્થા હાલ તેના 16મા કુલનાયક ડૉ. રાજેન્દ્ર ખીમાણીની નિમણૂક બાદ વિવાદમાં આવી છે. તાજેતરમાં યુજીસી (યુનિવર્સિટી ગ્રાંટ કમિશન)ના એક રિપોર્ટમાં ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયકને હઠાવવાના આદેશથી ભારે ચર્ચા ઊભી થઈ છે.
આ રિપોર્ટમાં કુલનાયક ખીમાણીની નિમણૂકને ગેરકાયદેસર ઠેરવી તેઓને હોદ્દા ઉપરથી દૂર કરવાનો આદેશ કરાયો છે.
જોકે, બીજી તરફ ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટીમંડળે રિપોર્ટ મળ્યો નથી તેવી દલીલ સાથે હાલ કોઈ પણ કાર્યવાહી નહીં કરવાની જાહેરાત કરી છે. ગૂજરાત વિદ્યાપીઠના કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયામાં કુલનાયકને પદ ઉપરથી દૂર કરવાની માગણી કરી રહ્યા છે.
ગૂજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી કુલનાયકની નિમણૂકને રદ કરવાની માગ કરી રહ્યા છે અને ટ્રસ્ટીઓના સામે રોષ પણ ઠાલવી રહ્યા છે.
આગામી તા. 23મી માર્ચ 2022ના રોજ ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળની બેઠક મળશે, જેમાં યુજીસીના રિપોર્ટ અને કુલનાયકની નિમણૂક મુદ્દે ચર્ચા થશે.

શું છે કુલનાયકની નિમણૂકનો વિવાદ?

ઇમેજ સ્રોત, Facebook/ Dr.Rajendra Khimani
યુજીસીનો એક મહત્ત્વપૂર્ણ રિપોર્ટ આવતા આ વિવાદ શરૂ થયો હતો. ગત તા.25 નવેમ્બર 2021ના રોજ યુજીસીની 554મી બેઠકની મિટિંગ મિનિટ્સ સાથેનો એક રિપોર્ટ સત્તાવાર વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુજીસીના રિપોર્ટમાં ગૂજરાત વિદ્યાપીઠના હાલના કુલનાયક ડૉ. રાજેન્દ્ર ખીમાણીની નિમણૂક ખોટી રીતે થઈ હોવાનો અને તેમના રજિસ્ટ્રાર તરીકેના કાર્યકાળ દરમિયાન વહીવટી અને નાણાકીય ગેરરીતિ થઈ હોવાનું યુજીસીની તપાસ સમિતિએ સ્વીકાર્યું છે.
યુજીસીની વેબસાઇટ પર જાહેર કરાયેલી કમિટી મિટિંગ મિનિટ્સ મુજબ યુજીસી દ્વારા વિદ્યાપીઠના કુલપતિને હાલના કુલનાયકને તાત્કાલિક અસરથી દૂર કરવા આદેશ જારી કરાયો હતો.
યુજીસી દ્વારા હજુ સુધી વિદ્યાપીઠને વિધિવત્ કોઈ પત્ર કે ઑર્ડર મોકલવામાં આવ્યો નથી. જો યુજીસીના આદેશ મુજબ કુલપતિ દ્વારા કુલનાયક ડૉ. રાજેન્દ્ર ખીમાણીને પદભ્રષ્ટ કરવામાં આવે તો ગૂજરાત વિદ્યાપીઠનાં 100 વર્ષથી વધુના ઇતિહાસની આવી પ્રથમ ઘટના ગણાશે.
ગૂજરાત વિદ્યાપીઠના રજિસ્ટ્રાર તરીકે ડૉ. ખીમાણીએ વર્ષ 2004થી લઈને 2019 દરમિયાન તેમના કાર્યકાળ દરમિયાન અનિયમિતતા અને ગેરરીતિઓ આચરી હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ સ્વીકાર કરાયો છે. યુજીસીએ ડૉ. ખીમાણીને હોદ્દા પરથી દૂર કરવામાં ન આવે તો ગ્રાન્ટ બંધ કરવાની ચીમકી પણ આપી છે.
આ પહેલાં ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા કુલનાયકની નિમણૂક માટે સર્ચ કમિટી નીમાઈ હતી અને કુલનાયક તરીકે ડૉ. રાજેન્દ્ર ખીમાણીની નિમણૂક કરી દીધી હતી. આ અંગે યુજીસી સમક્ષ ફરિયાદ થતાં સર્ચ કમિટીને વીખેરીને નવેસરથી સર્ચ કમિટીની રચના કરાઈ હતી.
નવી સર્ચ કમિટીમાં જીટીયુના કુલપતિ ડૉ. નવીનચંદ્ર શેઠની યુજીસીના સભ્ય તરીકે નિમણૂક આપવામાં આવી હતી.
યુજીસીના આદેશ પ્રમાણે, નવેસરથી સર્ચ કમિટીની રચના કરવામાં આવી હતી. આ સર્ચ કમિટીએ કુલનાયક તરીકે ત્રણ નામની ભલામણ કરી હતી. જેમાં ફરી વિદ્યાપીઠના પૂર્વ રજિસ્ટ્રાર ડૉ. રાજેન્દ્ર ખીમાણીનું નામ રાખવામાં આવ્યું હતું.
ડૉ. ખીમાણીની કુલનાયક તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી ત્યારે તેની સામે વાંધો પણ ઉઠાવવામાં આવ્યો હતો.

ડૉ. રાજેન્દ્ર ખીમાણીએ આરોપો વિશે શું કહ્યું?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
યુજીસીના રિપોર્ટ બાદ ફરી કુલનાયક ડૉ. રાજેન્દ્ર ખીમાણીની નિમણૂકનો મુદ્દો ચર્ચામાં છે. કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ ડૉ. ખીમાણીને હઠાવવાની માગ કરી રહ્યા છે.
ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાવેશ બારિયા જણાવે છે કે, "યુજીસીના રિપોર્ટમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે કે રાજેન્દ્ર ખીમાણીએ વર્ષ 2004થી 2019ના સમયગાળા દરમિયાન નાણાકીય અને વહીવટી ક્ષતિ કરી છે. તેથી તેમને તત્કાળ હઠાવવામાં આવે, છતાં પણ આજે વિદ્યાપીઠનું ટ્રસ્ટી મંડળ તથા કુલપતિએ ડૉ. ખીમાણીસાહેબને આશ્રિત કરીને રાખ્યા છે."
"ગાંધીની વિદ્યાપીઠના કુલનાયક તરીકે જો આવા માણસ રહેતા હોય અને સમગ્ર ગાંધીયનો આવા માણસને બચાવવાની કોશિશ કરતા હોય ત્યારે આ બધું દૃશ્ય જોઈને વિદ્યાપીઠના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે આજે મને શરમ આવે છે."
ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉ. રાજેન્દ્ર ખીમાણી દ્વારા પોતાની ઉપર થઈ રહેલા આક્ષેપોને ફગાવતા જણાવે છે કે, "યુજીસી દ્વારા આ મુદ્દે મારી કે વિદ્યાપીઠ સાથે કોઈ કૉમ્યુનિકેશન કરવામાં આવ્યું નથી."
"મારી ઉપર જે આક્ષેપ લગાવવામાં આવ્યા છે એ મુદ્દે મને હજુ સુધી કોઈ નોટિસ આપવામાં આવી નથી. કોઈ તપાસ હાથ ધરવામાં આવી નથી. તેમજ મને કોઈ ચાર્જશીટ પણ આપવામાં આવી નથી."
ગૂજરાત વિદ્યાપીઠ મંડળના ટ્રસ્ટી ઉત્તમ પરમાર જણાવે છે કે, "યુજીસી દ્વારા ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક અંગેની મિટિંગ મિનિટ્સનો રિપોર્ટ પોતાની વેબસાઇટ ઉપર અપલોડ કર્યો છે. તે રિપોર્ટ અમારા ધ્યાનમાં આવતા અમે ગૂજરાત વિદ્યાપીઠમાં મળ્યા હતા."
"યુજીસી દ્વારા હજુ સુધી કુલનાયક તેમજ ગૂજરાત વિદ્યાપીઠને આ અંગે કોઈ લેટર આપ્યો નથી. અમને હજુ કોઈ લેટર મળ્યો નથી. વિદ્યાપીઠને યુજીસી તરફથી આ અંગે ઑફિશિયલ કૉમ્યુનિકેશન મળ્યા બાદ આ અંગે ચર્ચા કરવામાં આવશે."

ઇમેજ સ્રોત, Lakshmi Patel
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "આગામી તા. 23 માર્ચના રોજ વિદ્યાપીઠ ટ્રસ્ટી મંડળની રેગ્યુલર મિટિંગ છે. આ મિટિંગમાં પણ આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે."
ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલનાયક અને ગૂજરાત વિદ્યાપીઠ મંડળના ટ્રસ્ટી સુદર્શન આયંગર જણાવે છે કે, "ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળની ફૉર્મલ મિટિંગ મળી નથી. યુજીસી દ્વારા નવેમ્બર મહિનાની મિટિંગની મિનિટ્સ પોતાની વેબસાઇટ પર અપલોડ કરી છે. "
"આ મુદ્દો અમારા ધ્યાનમાં આવતા અમે કુલનાયક સાથે આ અંગે વાત કરી તો અમને જાણવા મળ્યું હતું કે યુજીસી દ્વારા આ અંગે વિદ્યાપીઠ સાથે કોઈ કૉમ્યુનિકેશન કરવામાં આવ્યું નથી."
"તેમજ યુજીસી દ્વારા તેમની મિટિંગ મિનિટ્સમાં જે કમિટી અંગે વાત કરવામાં આવી છે. આ પ્રકારની કોઈ કમિટીએ વિદ્યાપીઠની મુલાકાત લીધી નથી એમ પણ અમને કુલનાયક પાસેથી જાણવા મળ્યું છે."
"યુજીસી દ્વારા આ અંગે કૉમ્યુનિકેશન કરવામાં આવશે ત્યાર બાદ ગૂજરાત વિદ્યાપીઠ ટ્રસ્ટી દ્વારા આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "આગામી દિવસોમાં વિદ્યાપીઠ ટ્રસ્ટી મંડળની મિટિંગ છે. મિટિંગના એજન્ડા હજુ અમને મળ્યા નથી પરંતુ આ મુદ્દે મિટિંગમાં ચર્ચા કરવામાં આવશે."

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












