અમેરિકા અને જર્મનીએ કહ્યું કે યાહ્યા સિનવારના મોત બાદ ગાઝામાં થઈ શકે છે યુદ્ધવિરામ-ન્યૂઝ અપડેટ

અમેરિકા અને તેમના યુરોપના સહયોગી દેશોએ કહ્યું છે કે હમાસના નેતા યાહ્યા સિનવારના મોત બાદ ગાઝામાં યુદ્ધ સમાપ્ત કરવાની દિશામાં ઝડપ આવી શકે છે.

સંયુક્ત નિવેદનમાં અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકન અને જર્મનીના વિદેશ મંત્રી એનાલેના બોયરબૉકે કહ્યું કે યાહ્યા સિનવાર યુદ્ધવિરામના રસ્તા પર અડચણ ઊભી કરનારા હતા.

ત્યાં બ્રિટનના વડા પ્રધાન કિએર સ્ટાર્મરે બર્લિનમાં એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે તમામ પક્ષો આ સ્થિતિનો મહત્તમ લાભ ઉઠાવે. તેમણે કહ્યું, “હવે ગાઝામાં યુદ્ધવિરામ થવું જોઈએ અને તમામ બંધકોને તરત જ વગર કોઈ શરતે મુક્ત કરવા જોઈએ.”

જોકે હમાસના ડેપ્યુટી ચીફે ભાર દઈને કહ્યું છે કે યાહ્યા સિનવારના માર્યા બાદ હમાસ વધુ મજબૂત થશે.

જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે, ઓમર અબ્દુલ્લાહ કૅબિનેટે પસાર કર્યો પ્રસ્તાવ

મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહની આગેવાની ધરાવતી સરકારની નવી કૅબિનેટે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળે તે માટેનો પ્રસ્તાવ પસાર કર્યો છે.

શનિવારે કૅબિનેટે આ પ્રસ્તાવ પસાર કરીને કેન્દ્ર સરકારને આ માટે આગ્રહ કર્યો છે.

જમ્મુ-કાશ્મીર સૂચના વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું છે કે મુખ્ય મંત્રી આ સંબંધમાં વડા પ્રધાન અને કેન્દ્રીય મંત્રીઓને મળવા દિલ્હી જશે.

કૅબિનેટે એ પણ નિર્ણય લીધો છે કે વિધાનસભાનું સત્ર ચાર નવેમ્બરે બોલાવવામાં આવે. તે માટે ઉપરાજ્યપાલ મનોજ સિંહાને ભલામણ કરી છે કે તેઓ સત્રને સંબોધિત કરે.

ઉલ્લેખનીય છે કે હાલની ચૂંટણીમાં નૅશનલ કૉન્ફરન્સ અને કૉંગ્રેસના ગઠબંધનને બહુમતિ મળી હતી ત્યારબાદ ઓમર અબ્દુલ્લાહે જમ્મુ-કાશ્મીરના નવા મુખ્ય મંત્રી તરીકે શપથ લીધી હતી.

IND Vs NZ: પહેલી ટેસ્ટમૅચમાં ભારત મુશ્કેલીમાં, ચોથા દિવસે 462 રન બનાવીને ઑલઆઉટ

ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટમૅચમાં ચોથા દિવસે ભારતીય ટીમ મુશ્કેલીમાં છે. મૅચના ચોથા દિવસે ભારતીય ટીમ 462 રન બનાવીનો ઑલઆઉટ થઈ ગઈ હતી.

આ અગાઉ સરફરાઝ ખાનને સાથ આપવા આવેલા ઋષભ પંતે આક્રામક અંદાજમાં બેટિંગ કરી હતી. જોકે તેઓ માત્ર એક રન માટે સદી ચૂકી ગયા હતા. તેમણે 105 બૉલનો સામનો કરીને 99 રન બનાવ્યા. સરફરાઝે પણ આક્રામક બેટિંગ કરીને પોતાની સદી પૂર્ણ કરી હતી. તેણે 195 બૉલનો સામનો કરીને 150 રન બનાવ્યા. આ બંને બૅટ્સમૅનો સિવાય કોઈ બૅટ્સમૅનો ચાલ્યા નહોતા.

ભારતે હવે 106 રનની લીડ મેળવી લીધી છે.

અગાઉ પહેલી ઇનિંગમાં ન્યૂઝીલૅન્ડે 402 રન બનાવ્યા હતા અને ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં માત્ર 46 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી.

જીતવા માટે ન્યૂઝીલૅન્ડે 107 રન બનાવવાના રહેશે. જો ભારતે આ મૅચ જીતવી હશે તો તેણે આ લક્ષ્યાંક હાંસલ કરે તે પહેલા ન્યૂઝીલૅન્ડની ટીમની દસ વિકેટ લેવી પડશે.

ક્યૂબામાં ફેલ થઈ મુખ્ય પાવર ગ્રિડ, આખા દેશમાં અંધારપટ

લેટિન અમેરિકાના દેશ ક્યૂબાની મુખ્ય પાવર ગ્રિડ ફેલ થવાને કારણે આખા દેશમાં અંધારપટ છવાઈ ગયો છે.

આખા દેશને અભૂતપૂર્વ વીજળીના સંકટનો સામનો કરવાનો વારો આવ્યો છે.

મુખ્ય પાવર ગ્રિડ ફેલ થવાને કારણે દેશમાં બ્લૅકઆઉટ થઈ ગયો છે. ક્યૂબાના ઊર્જા મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “રાત્રે લગભગ 11 વાગ્યે અમારી પાવર ગ્રિડ ફેલ થઈ ગઈ.”

વીજળી વ્યવસ્થા સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું હતું કે તેમને ખબર નથી કે ગ્રિડ ફરી સ્થાપિત કરતા કેટલો સમય લાગશે.

ક્યૂબામાં પહેલાથી જ વીજળીની કટોકટી હતી. તેને કારણે દેશના વડા પ્રધાને ઊર્જા કટોકટી ઘોષિત કરવાનો વારો આવ્યો હતો.

વીજળીના સંકટ પર ક્યૂબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલ બરમૂડેઝે કહ્યું કે વીજસંકટ દૂર કરવાની તેમની પ્રાથમિકતા છે અને સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી કોઈ આરામ નહીં કરે.

ક્યૂબા સરકારે ઍલાન કર્યું છે કે તમામ સ્કૂલ અને નાઇટક્લબ બંધ રહેશે. સાથે જરૂરી ન હોય તેવી પ્રવૃત્તિઓ બંધ કરવાનો અને લોકોને ઘરે રહેવાનો આદેશ આપ્યો છે.

ક્યૂબાના સ્થાનિક મીડિયા મુજબ લોકોને ફ્રીઝ જેવા વીજળીની ખપત ધરાવતાં ઉપકરણો બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે.

ઇઝરાયલે કહ્યું, વડા પ્રધાન નેતન્યાહૂના ઘરે લેબનોન તરફથી ડ્રૉન હુમલો થયો

ઇઝરાયલે કહ્યું છે કે લેબનોન તરફથી કરવામાં આવેલા ડ્રૉન હુમલામાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના ખાનગી રહેઠાણને નિશાન બનાવાયું છે.

ઇઝરાયલી સરકારના પ્રવક્તાએ કહ્યું કે આ હુમલા દરમિયાન વડા પ્રધાન નેતન્યાહૂ અને તેમનાં પત્ની ઘરે નહોતાં. આ હુમલામાં કોઈ નુકસાન થયું નથી.

ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂનું ઘર શિઝરિયા વિસ્તારમાં છે. આ પહેલા ઇઝરાયલની સેનાએ કહ્યું હતું કે શનિવારની સવારે ઇઝરાયલ તરફ ત્રણ ડ્રૉન હુમલા થયા હતા.

તે પૈકી એક ડ્રૉને એક ઇમારતને નિશાન બનાવી. બાકી અન્ય બે ડ્રૉનને ઇઝરાયલે રોકી દીધા હતા.

એક સોશિયલ મીડિયા પોસ્ટના હવાલે કહેવાય છે કે આ ડ્રૉનનું નિશાન બનેલી ઇમારત બેન્જામિન નેતન્યાહૂના ખાનગી રહેઠાણનો ભાગ હતી.

આ પહેલા ઇઝરાયલી સેનાએ જાણકારી આપી હતી કે શુક્રવારે રાત્રે લેબનોન તરફથી લગભગ 20 મિસાઇલો ઇઝરાયલ પર છોડાઈ હતી.

તે પૈકી કેટલીક મિસાઇલોને રોકી દેવામાં આવી હતી જ્યારે કેટલીક મિસાઇલો ખુલ્લા વિસ્તારમાં પડી હતી.

એક ટૅલિગ્રામ પોસ્ટમાં હિસબુલ્લાહે દાવો કર્યો કે શુક્રવારે રાત્રે સફદ, મલકિયા અને અવિવિમ સહિત ઇઝરાયલના ઉત્તર ભાગમાં તેણે ઘણાં રૉકેટ છોડ્યાં હતાં.

હમાસે કહ્યું- ગાઝાની શરણાર્થી છાવણી પર ઇઝરાયલી હુમલામાં 33નાં મોત

ગાઝાના ઉત્તર ભાગમાં આવેલા જબાલિયામાં શરણાર્થી છાવણી પર ઇઝરાયલે કરેલા હુમલામાં 33 લોકો માર્યા ગયા હતા. મળતી માહિતી મુજબ આ હુમલામાં 21 મહિલાનાં મોત થયાં છે.

જોકે, જબાલિયા પરના તાજેતરના આ હુમલાના આરોપો અંગે ઇઝરાયલે હજુ સુધી કશું કહ્યું નથી.

ઇઝરાયલી દળોએ છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી ગીચ વસ્તીવાળી શિબિરોમાં ઘેરો ઘાલ્યો હતો. આ અઠવાડિયે હમાસના અગ્રણી નેતા યાહ્યા સિનવાર પણ ઇઝરાયલી હુમલામાં માર્યા ગયા હતા.

યુદ્ધવિરામના પ્રયાસ વિશે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનનું નિવેદન પણ સામે આવ્યું છે.

તેમણે કહ્યું હતું કે, "લેબનોનમાં યુદ્ધવિરામ માટે કામ કરવાની શક્યતા થોડી છે. ઇઝરાયલ લેબનોનમાં હિઝબુલ્લાહ સાથે યુદ્ધ લડી રહ્યું છે, ગાઝામાં યુદ્ધવિરામ માટેના પ્રયાસો ખૂબ જ મુશ્કેલ છે."

ગાઝામાં હમાસ સંચાલિત મીડિયાના નિવેદનને ટાંકીએ તો, "શુક્રવારે ઇઝરાયલી હુમલામાં 85થી વધુ લોકો ઘાયલ થયા છે. માર્યા ગયેલા લોકોની સંખ્યા 50 જેટલી હોઈ શકે છે."

સમાચાર સંસ્થા રૉઇટર્સના અહેવાલ અનુસાર, "ગાઝામાં હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે આ હુમલામાં પેલેસ્ટાઇનનાં ઓછામાં ઓછા 39 લોકોનાં મોત થયાં છે.”

હૅરિસે કહ્યું કે ટ્રમ્પ થાકી ગયા, ટ્રમ્પે કહ્યું કે હેરિસ હારેલાં જ છે

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રચાર છેલ્લા તબક્કામાં છે અને આ દરમિયાન ડેમૉક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર કમલા હૅરિસે તેમના હરીફ રિપબ્લિકન પક્ષના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પના આરોગ્ય પર સવાલ ઉઠાવ્યા છે.

હૅરિસે કહ્યું હતું કે, "તેઓ મીડિયા સામે આવવાનું ટાળે છે, કારણ કે તેઓ ચૂંટણીપ્રચારથી થાકી ગયા છે."

મિશિગન શહેરમાં એક રેલીમાં કમલા હૅરિસે કહ્યું હતું કે, "ટ્રમ્પ પાસે અમેરિકા માટે કોઈ યોજના નથી. જેમ કે આપણે જોયું છે કે, તેઓ ફક્ત પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેઓ ઇન્ટરવ્યૂ રદ્દ કરી રહ્યા છે, ચર્ચાથી દૂર ભાગી રહ્યા છે."

ટ્રમ્પે ગયા અઠવાડિયે ત્રણ મીડિયા મુલાકાત રદ્દ કરી હતી. હૅરિસે કહ્યું હતું કે, "ટ્રમ્પ થાકી ગયા હોવાથી તેમણે મુલાકાતો રદ્દ કરી હતી, એવી વિગત મને મારી ટીમ પાસેથી મળી છે. જો તમે પ્રચારમાં જ થાકી જતા હો તો જગતના આ સૌથી કપરા કામ (અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાને) તમે લાયક છો કે નહીં?"

પોલિટિકો ઍક્સટર્નલના અગાઉના એક અહેવાલ અનુસાર, ટ્રમ્પ અભિયાનના એક સભ્યે કહ્યું હતું કે ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિએ થાકને લીધે કેટલાક ઇન્ટરવ્યૂ રદ્દ કર્યા હતા.

ટ્રમ્પે કહ્યું હતું કે, "હું થાકી ગયો હોવાથી મીડિયા મુલાકાતો રદ્દ કરી છે એવો હૅરિસે આરોપ મૂક્યો છે."

ટ્રમ્પે કહ્યું હતું કે, “છેલ્લા 48 દિવસોથી મેં આરામ જ નથી કર્યો. હૅરિસ હારેલાં જ છે અને તેમની અંદર ઊર્જા બચી જ નથી.”

મહિલા ટી-20 વર્લ્ડકપઃ કાલે ફાઇનલમાં ન્યૂઝીલૅન્ડ અને આફ્રિકા વચ્ચે મુકાબલો

દુબઈમાં રમાઈ રહેલા આઈસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) મહિલા ટી-20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં વેસ્ટ ઇન્ડીઝને હરાવીને ન્યૂઝીલૅન્ડની ટીમ ફાઇનલમાં પ્રવેશી ચૂકી છે.

શારજાહમાં રમાયેલી એ રોમાંચક સેમિફાઇનલ મૅચમાં ન્યૂઝીલૅન્ડે વેસ્ટ ઇન્ડીઝને આઠ રને હરાવ્યું હતું.

ટૉસ જીતીને પહેલા બેટિંગ લઈને ન્યૂઝીલૅન્ડે વીસ ઓવરમાં નવ વિકેટે 128 રન બનાવ્યા હતા. સામે વેસ્ટ ઇન્ડીઝની ટીમ વીસ ઓવરમાં આઠ વિકેટે 120 રન જ બનાવી શકી હતી.

ન્યૂઝીલૅન્ડ અગાઉ દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં પોતાનું સ્થાન મેળવી ચૂકી છે. દક્ષિણ આફ્રિકાએ સેમિફાઇનલમાં ઑસ્ટ્રેલિયાને આઠ વિકેટે હરાવ્યું હતું.

ફાઇનલ 20 ઑક્ટોબરે રમાશે. જે ટીમ જીતશે તે પહેલી વખત મહિલા ટી-20 વર્લ્ડકપનો ખિતાબ મેળવશે.

મહિલા ટી-20 વર્લ્ડકપમાં અત્યાર સુધી આઠ ટુર્નામેન્ટ રમાઈ ચૂકી છે. જેમાં ઑસ્ટ્રેલિયાએ સૌથી વધુ છ વખત તેમજ ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝે એક એક વખત વર્લ્ડકપ ટ્રૉફી મેળવી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.