મેઘા એન્જિનિયરિંગ : રાજકીય પક્ષોને 960 કરોડ આપનાર એક નાની પેઢી કરોડો કમાતી કંપની કઈ રીતે બની ગઈ?

મેઘા એંજિનિયરિંગના સ્થાપક
ઇમેજ કૅપ્શન, મેઘા એંજિનિયરિંગના સ્થાપક
    • લેેખક, બાલા સતિષ
    • પદ, બીબીસી સંવાદદાતા

શુક્રવારે મીડિયા અને લોકોમાં આખો દિવસ ઇલેક્ટોરલ બૉન્ડ વિશે જ ચર્ચા રહી. કઈ વ્યક્તિ કે કંપનીએ કેટલું દાન આપ્યું છે, એ અંગેનું ચિત્ર સ્પષ્ટ થયું છે. આ ડેટા મુજબ મેઘા એન્જિનિયરિંગ લિમિટેડ દાતાઓના આ લિસ્ટમાં દાન મામલે બીજા ક્રમે છે.

મેઘા એન્જિનિયરિંગ ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ જે 'મીલ' તરીકે ઓળખાતી આ કંપની શૅરબજારમાં લિસ્ટેડ નથી. કંપનીએ ગત પાંચ વર્ષના ગાળામાં ઇલેક્ટોરલ બૉન્ડ સ્વરૂપે રૂ. 960 કરોડનું દાન રાજકીય પક્ષોને આપ્યું હતું. જોકે, હજુ સુધી કોણે કયા પક્ષને દાન આપ્યું તેની વિગતો બહાર નથી આવી.

બર્ગંડી અને હુરુનની યાદી પ્રમાણે તેનું માર્કેટ કૅપિટલ દેશની અનેક સરકારી કંપનીઓ કરતાં પણ વધારે છે તથા અનલિસ્ટેડ કંપનીઓમાં તે બીજા ક્રમે છે. તેણે બહારથી કોઈ ધિરાણ નથી લીધું.

તેલંગણાનો કલેશવરમ્ લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ, ઝોઝીલા ટનલ, થાણે બોરિવલી ટ્વિન ટનલ જેવા એન્જિનિયરિંગના પડકારજનક કામો આ કંપનીએ કર્યાં છે. આ કંપની મોટા ભાગે જંગી અને પડકારજનક સરકારી પ્રોજેક્ટ જ હાથમાં લે છે.

કંપની એન્જિનિયરિંગ સિવાય સિંચાઈ, ટ્રાન્સપૉર્ટ અને વીજક્ષેત્રે પણ સક્રિય છે. તે ઑલેક્ટ્રા ઇલેક્ટ્રિક બસ બનાવે છે, જે મેઘા જૂથની લિસ્ટેડ કંપની છે.

મેઘાની સાધારણ શરૂઆત

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, MEGHA ENGINEERING AND INFRASTRUCTURES LTD/FACEBOOK

મેઘા એન્જિનિયરિંગના સ્થાપક પમ્મીરેડ્ડી પિચ્ચી રેડ્ડીનો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો. છ સંતાનોમાં તેઓ પાંચમા ક્રમે હતા.

તેમણે અવિભાજીત આંધ્ર પ્રદેશના ક્રિષ્ના જિલ્લામાં વર્ષ 1987માં મેઘા એન્ટરપ્રાઇઝીસ નામની નાની પેઢી કરી હતી. આ માટે તેમણે પરિવાર પાસેથી રૂ. એક લાખ લીધા હતા. ત્યારે દસ કરતાં પણ ઓછા લોકો કામ કરતા હતા. શરૂઆતનાં વર્ષોમાં તેઓ મ્યુનિસિપાલિટી માટે નાની પાઇપ બનાવતા.

વર્ષ 2006માં કંપનીનું નામ બદલીને મેઘા એન્જિનિયરિંગ કરવામાં આવ્યું, પરંતુ તેની અસામાન્ય પ્રગતિ તાજેતરનાં વર્ષોમાં થઈ છે. કંપની આંધ્ર પ્રદેશ, નવગર્જિત તેલંગણા સહિત દેશવિદેશમાં હાજરી ધરાવે છે અને પડકારજનક પ્રોજેક્ટ પૂર્ણ કરી રહી છે.

ફૉર્બ્સના રિપોર્ટ પ્રમાણે કંપની ડૅમ, કુદરતી ગૅસ વિતરણ, વીજઉત્પાદનમથક, રસ્તા અને ટનલ બનાવવામાં નિપુણતા ધરાવે છે. 66 વર્ષીય સ્થાપકની સંપત્તિ બે અબજ 30 કરોડ ડૉલર હોવાનો અંદાજ મૂકવામાં આવે છે.

ખુદ રેડ્ડીના કહેવા પ્રમાણે, ''જ્યારે મેં શરૂઆત કરી હતી, ત્યારે મને કલ્પના પણ ન હતી કે કંપની આ સ્તરે પહોંચી જશે.”

રેડ્ડીના ભત્રીજા પી. વી. ક્રિષ્ના રેડ્ડીની ઉંમર 54 વર્ષ છે. તેઓ કંપનીમાં મૅનેજિંગ ડાયરેક્ટર છે અને તેમની સંપત્તિ બે 20 કરોડ ડૉલર હોવાનો અંદાજ મૂકવામાં આવે છે. તેઓ કૉમર્સમાં સ્નાતક છે અને વર્ષ 1991થી કંપની સાથે જોડાયેલા છે.

કંપની ઝામ્બિયા, તંઝાનિયા, બાંગ્લાદેશ અને કતારમાં પણ અનેક પ્રોજેક્ટો પર કામ કરી રહી છે.

મેઘાના મોટા પ્રોજેક્ટ્સ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેલંગણાના ભૂપલપલ્લી ખાતે કંપનીએ કેશવરમ્ લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે. જેને કંપનીની સફળતાનો અદ્ભુત નમૂનો આવે છે.

લગભગ 14 અબજનો આ પ્રોજેક્ટ સિંચાઈ ઉપરાંત અનેક હેતુ પાર પાડે છે. પ્રોજેક્ટે ગોદાવરી અને પ્રણિતા નદીના સંગમ પાસે આકાર લીધો છે. દરરોજ 57 મિલિયન ક્યુબિક મીટર પાણીનું વહન આ પ્રોજેક્ટ મારફત થાય છે.

હાલમાં તે વિશ્વનો સૌથી મોટો મલ્ટી-સ્ટેજ લિફ્ટ પ્રોજેક્ટ છે. તેનાથી તેલંગણાના દુષ્કાળગ્રસ્ત સાત લાખ 28 હજાર હેક્ટરને સિંચાઈનો લાભ મળશે. જોકે, ટીકાકારોનું કહેવું છે કે પ્રોજેક્ટ પરના ખર્ચની સામે લાભ નહીં થાય અને તેની સંભાળ માટે રાજ્ય સરકારે દર વર્ષ વધુ અને વધુ ખર્ચ કરવો પડશે.

વર્ષ 2019માં આ પ્રોજેક્ટ ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારે તેલંગણા, આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી તેમાં હાજર રહ્યા હતા. આ પ્રોજેક્ટને કારણે રેડ્ડી પરિવારની સંપત્તિમાં વૃદ્ધિ થઈ હોવાનું ફૉર્બ્સ તેના અહેવાલમાં નોંધે છે.

કંપની મહારાષ્ટ્રમાં થાણે-બોરિવલી ટ્વિન ટનલ ઉપર પણ કામ કરી રહી છે. જેની કિંમત રૂ. 14 હજાર કરોડ છે. કંપનીએ જમ્મુ-કાશ્મીરમાં ઝોઝીલા ટનલનું કામ પૂર્ણ કર્યું છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડના એક અહેવાલ મુજબ, વર્ષ 2014માં કંપનીની આવક રૂ. પાંચ હજાર 200 કરોડ જેટલી હતી, જે વર્ષ 2020માં વધીને 20 હજાર 300 કરોડ જેટલી થઈ ગઈ હતી. આ અરસામાં નફો લગભગ છ ગણો વધીને રૂ. બે હજાર 800 કરોડ પર પહોંચી ગયો હતો.

કંપનીની વેબસાઇટ પર દાવો કરવામાં આવ્યો છે કે લગભગ સાત હજાર કરતાં વધુ કર્મચારીઓ તેની સાથે કામ કરે છે અને નિર્માણકાર્ય માટે જરૂરી વાહન, સાધન-સરંજામનો દેશમાં સૌથી મોટો કાફલો તેની પાસે છે.

કંપનીએ ચીનની ઇલેક્ટ્રિક વાહનનિર્માતા કંપની બીવાયડી સાથે કરાર કર્યા છે અને ઇલેક્ટ્રિક બસ બનાવે છે. ઑલેક્ટ્રા ગ્રીનટેક નામની આ કંપની શૅરબજારમાં લિસ્ટેડ છે. શુક્રવારે સરકારે વિદેશી ઇલેક્ટ્રિક વાહનનિર્માતા કંપનીઓ માટે પ્રોત્સાહક જાહેરાતો કરી હોવા છતાં કંપનીના સ્થાપકનું નામ દાતાઓમાં ટોચ ઉપર આવ્યું હોવાથી કંપનીના શૅરના ભાવોમાં નરમાશ રહેવા પામી હતી.

ઑલેક્ટ્રાને તાજેતરમાં ત્રણ હજાર ઇલેક્ટ્રિક બસ બનાવવાનો ઑર્ડર મળ્યો હતો. બીવાયડી વિશ્વમાં સૌથી વધુ ઇલેક્ટ્રિક કાર બનાવે છે.

કંપનીનો દાવો છે કે ક્રૂડઑઈલ કાઢવા માટે જરૂરી ઑઈલ રિગ ભારતમાં જ બનાવવામાં સફળતા મેળવી છે. આ રીતે વિદેશી હૂંડિયામણ બચાવી શકાશે.

(આ રિપોર્ટ માટે બાલા સતીશના તેલુગુ અહેવાલનો આધાર લેવામાં આવ્યો છે. મૂળ અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો.)