You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ભાઈજાન' સલમાન ખાન ખરેખર છોકરીઓના હિતેચ્છુ છે?
- લેેખક, નાસિરુદ્દીન
- પદ, બીબીસી માટે
કન્યાઓ કે સ્ત્રીઓ વિશે વાત કરવામાં આવે ત્યારે ઘણું બધું છુપાવવા છતાં છુપાઈ શકતું નથી. આપણા દિમાગમાં ઊંડે સુઘી ઘર કરી ગયેલી વાત આખરે બહાર આવી જાય છે.
અનેક પ્રયાસ છતાં તે છુપાવી શકાતી નથી. ઘણી વાર આપણને એવો ભ્રમ થાય છે કે આપણી તો બહુ સારી વાત કરી રહ્યા છીએ. તાજેતરમાં અભિનેતા સલમાન ખાન સાથે પણ આવું થયું હતું.
તેમને લાગે છે કે તેઓ કન્યાઓના હિતેચ્છુ અને રક્ષક છે. સલમાન ‘ભાઈજાન’ છે.
તેમણે કન્યાઓ વિશેના પોતાના વિચાર જાહેર કરીને તાળીઓ પણ મેળવી લીધી, પરંતુ તેઓ ખરેખર સ્ત્રીઓના હિતેચ્છુ છે? કે પછી તેમણે હિતેચ્છુ બનવા માટે જે વાતો કરી તેનાથી કન્યાઓની જિંદગી બહેતર થશે? આ કથાનો પ્રારંભ થોડા દિવસ પહેલાં થયો હતો.
પલક તિવારીએ સલમાન વિશે શું કહ્યું હતું?
પલક તિવારી બોલીવૂડનાં નવોદિત અભિનેત્રી છે. અભિનેત્રી તરીકે તેમની પહેલી ફિલ્મ સલમાન ખાન સાથેની ‘કિસી કા ભાઈ, કિસી કી જાન’ છે.
એક અહેવાલ મુજબ, પલકે ફિલ્મના સેટ પરના સલમાન ખાનના એક નિયમ બાબતે જણાવ્યું હતું. એ નિયમ છોકરીઓ માટે હતો.
સલમાન ખાનની ફિલ્મના સેટ પર દરેક છોકરીએ દેહ સંપૂર્ણપણે ઢંકાઈ જાય તેવાં વસ્ત્રો પહેરીને આવવું જોઈએ. એટલું જ નહીં, સલમાન ખાન માને છે કે છોકરીઓનું હંમેશાં રક્ષણ કરવું જોઈએ. છોકરીઓએ કાયમ સલામત રહેવું જોઈએ. પલક પણ સલમાન ખાનના વિચાર સાથે સહમત હોય એવું લાગે છે. પલક તિવારીની આ વાતો બાબતે ગત દિવસોમાં ઘણી ચર્ચા થઈ હતી.
- તાજેતરમાં એક ન્યૂઝ ચેનલના એક પ્રોગ્રામમાં બોલીવૂડ અભિનેતા સલમાન ખાને સ્ત્રીઓનાં વસ્ત્રો બાબતે પોતાના વિચારો જાહેર કર્યા હતા
- તાજેતરમાં આવેલી એક ફિલ્મમાં સલમાન ખાન સાથે કામ કરી ચૂકેલાં એક અભિનેત્રીએ અગાઉ જણાવ્યું હતું કે સલમાન ખાન તેમની ફિલ્મના સેટ પર સ્ત્રીઓ ‘પૂરાં કપડાં’ પહેરીને આવે એવો આગ્રહ રાખે છે
- ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાતમાં સલમાન ખાન આ આગ્રહ પાછળ પોતાનો તર્ક પણ રજૂ કરે છે, જેને સેટ પર રહેલા લોકો તાળી પાડીને વધાવી લે છે
- પરંતુ આ અભિપ્રાયને લઈને હવે સવાલો થઈ રહ્યા છે, સલમાને આ મુલાકાતમાં સ્ત્રીના શરીરને ‘કિંમતી’ કહ્યું હતું અને તેને છોકરાની નજરના કારણે ‘છુપાવવું’ પડે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો, હવે આ અભિપ્રાય અંને તેની તાર્કિકતા અંગે ચર્ચા થઈ રહી છે
‘અદાલત’માં બેઠેલા સલમાને શું સ્પષ્ટતા કરી?
ન્યૂઝ ચેનલ ઇન્ડિયા ટીવીના રજત શર્માના કાર્યક્રમ ‘આપ કી અદાલત’માં સલમાન ખાન તાજેતરમાં મહેમાન બન્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમને પહેલો જ સવાલ પલક તિવારીની એ વાત સંબંધે પૂછવામાં આવ્યો હતો. રજત શર્માનું કહેવું હતું કે આ સલમાન ખાનનું બેવડું વલણ છે, કારણ કે તેઓ ખુદ શર્ટ ઉતારી નાખે છે અને છોકરીઓને દેહ ઢંકાય એવાં વસ્ત્રો પહેરવાનું કહે છે.
સલમાન ખાને પલકને કહેલી પોતાની વાતને વાજબી ઠરાવવાના ભરપૂર પ્રયાસ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “હું વિચારું છું કે સ્ત્રીનો દેહ બહુ જ કિંમતી છે. તેથી તે ઢંકાયેલો જ હોવો જોઈએ. મને લાગે છે કે તે વધારે સારું લાગે.”
સલમાન ખાને આ વાત કહી ત્યારે હૉલમાં બેઠેલા લોકોએ તાળીઓ વગાડી હતી. એ વાત સાથે સહમત થનારાઓમાં તથા તાળીઓ વગાડનારાઓમાં મહિલાઓ પણ હતી.
સલમાન ખાને ઉમેર્યું હતું કે, “આ છોકરીઓનું ચક્કર નહીં, છોકરાઓનું ચક્કર છે. જે રીતે છોકરાઓ છોકરીઓને જુએ છે એ મને ગમતું નથી. તમારી બહેનો છે, પત્નીઓ, તમારી માતાઓ છે. તેઓ પણ આ પરિસ્થિતિમાંથી પસાર થાય એવું હું નથી ઇચ્છતો.”
તમે છોકરાઓને શું શિખામણ આપી રહ્યા છો, એવું પૂછવામાં આવ્યું ત્યારે સલમાને કહ્યું હતું કે, “બધા જાણે છે, પરંતુ ક્યારેક તેમની દાનત ખરાબ થઈ જાય છે. તેથી અમે ફિલ્મ બનાવીએ છીએ ત્યારે પ્રયાસ કરીએ છીએ કે તેઓ અમારી હિરોઇનને, અમારી સ્ત્રીઓને એ નજરે ન જુએ.” ફરી તાળીઓનો ગડગડાટ થાય છે.
વાસ્તવમાં સમસ્યા સલમાન ખાનના દૃષ્ટિકોણ અને જવાબમાં છે.
સારી છોકરી એટલે કેવી છોકરી?
પલક તિવારીએ સલમાન ખાનનો હવાલો આપીને સારી છોકરીની વાત કરી છે. સવાલ એ છે કે આ બન્ને જેની વાત કરી રહ્યા છે તે સારી છોકરી કેવી હોય છે?
તેમની એટલે કે સલમાન ખાન જેવા મર્દાના લોકોની સારી છોકરી માત્ર વસ્ત્રો પહેરવાથી સારી નથી બનતી. માત્ર વસ્ત્રો પૂરતી મર્યાદિત નથી હોતી. એ વસ્ત્રોથી શરૂ થઈને બહુ આગળ જાય છે.
આવા લોકો માનતા હોય છે કે સારી છોકરી એટલે જે બધાની વાત માને તે. પિતા, ભાઈ, પતિનું કહ્યું કરે. સામો જવાબ ન આપે. મનની વાત કહે પણ નહીં અને પોતાનું ધાર્યું કરે પણ નહીં. બહુ વધારે અને મોટેથી બોલે નહીં. મોડી રાત સુધી ઘરની બહાર ન રહે. પરપુરુષ સાથે સંબંધ ન રાખે. થનગનતી ન હોય. ઘરના પુરુષો અને બધાની ખુશીનો ખ્યાલ રાખે. ઘરને સારી રીતે સંભાળવાનું જાણતી હોય, વગેરે...વગેરે. આમાં ઉમેરો કરો અને સારી છોકરીઓમાં કેવા ગુણ હોવા જોઈએ તેની લાંબીલચક યાદી બનાવો.
સલમાન ખાન આ કેવી છોકરી બનાવવા ઇચ્છે છે? શું આજની છોકરીઓ આવી રીતે ‘સારી’ બનવા માગે છે.
આપણી આજુબાજુ પલક જેવી છોકરીઓ છે, જે સારી છોકરીના સામાજિક માળખામાં પોતાને ઢાળવા ઇચ્છે છે.
બીજી તરફ તેનાથી તદ્દન અલગ વિચારતી છોકરીઓની સંખ્યા પણ ઓછી નથી. આજની છોકરીઓ જે બની રહી છે અને જે બનવા ઇચ્છે છે તે સલમાન ખાન જેવાની નજરમાં ‘ખરાબ છોકરી’ હશે. તેથી આજે છોકરીઓનો એક મોટો સમૂહ એ કહેવામાં પણ ખચકાતો નથી કે હા, અમે ખરાબ છોકરીઓ છીએ. આપણે તે સ્વીકારવાનો ઇનકાર કરીએ છીએ.
મૂલ્યવાન દેહ અને ચાલાકીભરી વાતો
પિતૃસત્તા બહુ ચાલાકીથી કામ કરતી હોય છે. સલમાન ખાનની વાતો કોઈને પહેલી નજરમાં સારી લાગી શકે. તેમાં સ્ત્રીઓની ચિંતા કરવામાં આવી છે, તેમની સલામતીની વાત છે. તેથી સલમાન ખાનની વાતોને તાલીઓ વડે સમર્થન મળે છે.
એટલે કે તેમની વાતોને સમાજ સ્વીકારે છે. સમાજમાં સ્ત્રીઓ વિશે વિચારતા હોય તેવા તેઓ એકલા નથી. તેથી આ એક મજબૂત વિચાર છે, જે આપણા મનમાં ઊંડે સુધી ધરબાયેલો છે.
સવાલ એ છે કે સલમાન ખાનને વાસ્તવમાં સ્ત્રીઓની જ ચિંતા છે?
સ્ત્રીનો દેહ જ મૂલ્યવાન છે? પુરુષનું શરીર કેમ મૂલ્યવાન નથી? સ્ત્રીની જિંદગી મૂલ્યવાન છે કે તેનો દેહ?
આપણે જેને મૂલ્યવાન ગણતા હોઈએ તેને સારી રીતે છુપાવીને રાખવાની વાત કરીએ છીએ. તેથી કેટલાક લોકો સ્ત્રીના દેહની સરખામણી મૂલ્યવાન ચીજો સાથે પણ કરે છે.
કેટલાક તો મીઠાઈ સાથે પણ તુલના કરે છે. સ્ત્રીનો દેહ મૂલ્યવાન છે. તેથી તે દેહનો સંબંધ પરિવાર તથા સમાજની આબરૂ સાથે જોડી દેવામાં આવે છે. તેનો અર્થ એ કે એ મૂલ્યવાન દેહમાં કશું થશે તો તેના પર કલંક લાગી જશે, એવું સમાજ માને છે.
સ્ત્રીનો દેહ મૂલ્યવાન હોવા ઉપરાંત તેની સાથે આબરૂ પણ જોડાયેલી છે. તેથી તેનું રક્ષણ કરવું જરૂરી બની જાય છે. રક્ષણનો અર્થ છે સ્ત્રી પર નિયંત્રણ. સ્ત્રી પર કાબૂ. તેનાં દરેક પગલાં પર નજર અને નિયંત્રણ.
તેથી સલમાન ખાન છોકરીઓના રક્ષણ તથા સલામતીની જવાબદારી પોતાના પર એટલે કે પુરુષ સમાજ પર લે છે. આ માસૂમ ચિંતાની વાતો વાસ્તવમાં છોકરી કે સ્ત્રીને પુરુષના અંગૂઠા તળે દબાવી રાખવા સિવાયનું બીજું કશું જ નથી. તેઓ છે એટલે છોકરીઓ સલામત છે.
આવો, છોકરીઓ, અમે તમને સલામત રાખીશું. એટલું જ નહીં. આ દૃષ્ટિકોણમાં છોકરીઓની સ્વતંત્ર હેસિયત તથા વ્યક્તિત્વનો ઇનકાર પણ છે. એટલે કે પોતાના માટે શું સારું અને શું ખરાબ છે તે છોકરીઓ વિચારી શકતી નથી. એવું વિચારવા માટે સલમાન ખાન જેવા મર્દની જરૂર છે. છોકરી જાતે પોતાનું રક્ષણ કરી શકે તેમ નથી. તેમનું રક્ષણ કોઈ ‘ભાઈ’ કે ‘ટાઇગર’ જ કરી શકે.
છોકરીનાં વસ્ત્રો અને હિંસા
હિંસાને વસ્ત્રો સાથે પણ કોઈ સંબંધ છે? સલમાન ખાનની વાતો પરથી તો એવું જ લાગે છે. તેથી તેઓ છોકરીઓના લો-કટ ડ્રેસનો વિરોધ કરે છે, કારણ કે તેને લીધે છોકરાઓની નજર પણ ખરાબ થઈ જાય છે.
સલમાન ખાનની વાત માની લઈએ તો લાગે કે મહિલાઓ સાથે થતી હિંસા માટે તેમનાં વસ્ત્રો જ જવાબદાર છે. આ દલીલ, છોકરીઓ સાથે થતી જાતીય હિંસા માટે સમાજ વારંવાર કરે છે તેવી છે. જેમ કે છોકરીએ તંગ વસ્ત્રો પહેર્યાં હતાં, ભડકામણાં હતાં, ઉશ્કેરણીજનક હતાં, ટૂંકા હતાં. તેનો દેહ દેખાતો હતો.
જોકે, આપણે જાણીએ છીએ કે છોકરી સાથે થતી હિંસા માટે તેમનાં વસ્ત્રો નહીં, પણ પુરુષો જવાબદાર છે. છોકરીએ ભલે ગમે તેવાં વસ્ત્રો પહેર્યાં હોત, હિંસક પુરુષને તેનાથી કોઈ ફરક પડતો નથી. ઘરની અંદર થતી જાતીય હિંસા હોય કે રસ્તે જતી છોકરીઓ સાથે થતી હિંસા – તેનું કારણ છોકરીનાં વસ્ત્રો નથી હોતાં.
દૂધ પીતી છોકરી સાથે થતી જાતીય હિંસા હોય કે પછી કોઈ વૃદ્ધા સાથે થતી જાતીય હિંસા હોય, તેનું કારણ વસ્ત્રો નથી હોતાં. હિંસક પુરુષમાં માથાથી પગ સુધી વસ્ત્રોમાં વિંટળાયેલી છોકરી કે સ્ત્રીને આરપાર જોવાની શક્તિ હોય છે. તેથી છોકરી સાથે તેનાં વસ્ત્રોને કારણે હિંસા થાય છે એવું માનવું ખોટું છે.
સવાલ પુરુષનો છે તેથી પુરુષની વાત થવી જોઈએ
સલમાન ખાન બહુ સુંદર રીતે સ્વીકારે છે કે આ બધું માત્ર છોકરીઓનું નહીં, છોકરાઓનું ચક્કર છે. છોકરાઓની દાનત ખરાબ થઈ જાય છે. એટલે કે છોકરાઓની દાનત ન બગડે એટલા માટે છોકરીઓ પર નિયંત્રણ રાખવું જરૂરી છે, એવો અર્થ સલમાન ખાનની વાતનો થાય.
મુદ્દો પુરુષના દૃષ્ટિકોણનો છે, છોકરાઓનો, છોકરાઓની બેશરમ હરકતોનો, છોકરાઓના ઉછેરનો છે.
સલમાન ખાનને કોઈ એ કેમ નથી પૂછતું કે છોકરાઓની નિયત આટલી નબળી કેમ છે, જે વાતવાતમાં ડગમગી જાય છે? છોકરીને જોતાં જ ડગમગી જાય છે? છોકરીના ચામડી જોતાંની સાથે જ તેમની દાનત કેમ બગડે છે? સમસ્યા ક્યાં છે – છોકરીઓમાં કે છોકરીઓનાં વસ્ત્રોમાં?
સલમાન ખાન ગંભીર રોગની ખોટી દવા સૂચવી રહ્યા છે. રોગનું કારણ દબંગ પુરુષો કે છોકરાઓ હોય તો દવાની જરૂર પુરુષો કે છોકરાઓને છે, છોકરીઓને નહીં. પુરુષોની દૃષ્ટિ-દૃષ્ટિકોણ રોગનું કારણ હોય તો તેને બદલવાની જરૂર છે, છોકરીઓનાં વસ્ત્રોને નહીં.
છોકરાઓની, પુરુષોની વાત જ થવી જોઈએ. સલમાન ખાને તેમની સુપર હીરોની ઇમેજનો ઉપયોગ છોકરાઓના હમદર્દ બનવા માટે કર્યો હોત તો કેટલું સારું થાત.
તેમણે પોતાની દૃષ્ટિ અને દૃષ્ટિકોણ બહેતર બનાવવાની વકીલાત કરવી જોઈતી હતી, પરંતુ મુશ્કેલી એ જ છે કે વાતવાતમાં શર્ટ ઉતારી નાખતા સલમાન ફિલ્મોમાં જેવા મર્દની ઇમેજ દેખાડે છે તેવા મર્દ સ્ત્રીના સાથી, દોસ્ત, હમદર્દ બની શકતા નથી. એ માટે નવા મર્દની ઇમેજ બનાવવી પડશે.