You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુપ્રીમ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો તે પછી પણ કરોડોના ઇલેક્ટોરલ બૉન્ડ છપાયા, ગુપ્ત રાજકીય ભંડોળ માટે ખર્ચ થયા જનતાના રૂપિયા
- લેેખક, રાઘવેન્દ્ર રાવ
- પદ, બીબીસી સંવાદદાતા
ઑક્ટોબર 2023માં સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયાધીશોની બંધારણીય પીઠે ઇલેક્ટોરલ બૉન્ડ મામલે સુનાવણી શરૂ કરી હતી.
આ સુનાવણી 31 ઑક્ટોબરના રોજ શરૂ થઈ અને બીજી નવેમ્બર સુધી ચાલી અને એ બાદ સુપ્રિમ કોર્ટે આ મામલો પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો.
જોકે, ત્યાર બાદ મળેલી જાણકારીઓ થકી એ સ્પષ્ટ થયું છે કે સુપ્રિમ કોર્ટે આ મામલે પોતાના નિર્ણય સુરક્ષિત રાખ્યા પછી પણ સરકારે નવા ઇલેક્ટોરલ બૉન્ડ છાપવાનું કામ ચાલુ રાખ્યું હતું.
આરટીઆઈ એટલે કે માહિતીના અધિકાર થકી મળેલી જાણકારી અનુસાર 8,350 ઇલેક્ટોરલ બૉન્ડની અંતિમ ખેપ વર્ષ 2024માં છાપીને ઉપલબ્ધ કરાવવામા આવી હતી.
આ ખેપને આ વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ સપ્લાઈ કરવામા આવી હતી. સુપ્રીમ કોર્ટે 15 ફેબ્રુઆરીએ આ યોજનાને ગેરબંધારણીય ગણાવીને રદ કરી હતી.
આ ઉપરાંત એ પણ જાણવા મળ્યું છે કે ઇલેક્ટોરલ બૉન્ડની યોજના ચલાવવા માટે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ કમિશન રૂપે સરકાર પાસેથી લગભગ 12 કરોડ રૂપિયાની (જીએસટી ઉમેરીને) માગ કરી હતી. સરકારે તેમાંથી 8.57 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.
નાસિકના ઇન્ડિયા સિક્યૉરિટી પ્રેસે પણ બૉન્ડને છાપવા માટે સરકારને 1.93 કરોડ રૂપિયાનું બિલ આપ્યું હતું, જેમાંથી 1.90 કરોડ રૂપિયાની ચૂકવણી થઈ ચૂકી છે.
સરળ ભાષામાં કહીએ તો એક એવી યોજના કે જેમાં ગુપ્ત રીતે કરોડો રૂપિયાનું રાજકીય ફંડ આપનારી કોઈ પણ વ્યક્તિ કે કંપની પાસેથી કોઈ સર્વિસ ચાર્જ નથી લેવાયો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુપ્રિમ કોર્ટે જે યોજનાને ગેરબંધારણીય ગણાવી તે યોજનાને ચલાવવા માટે સરકારી ખજાનામાંથી એટલે કે કર ભરનારા લોકોના લગભગ 13.98 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો.
શું જાણકારીઓ સામે આવી?
આરટીઆઈ કાર્યકર્તા કમોડોર લોકેશ બત્રા પારદર્શિતા સાથે જોડાયેલા મુદ્દાઓ પર કામ કરે છે.
તેમણે ઇલેક્ટોરલ બૉન્ડ મુદ્દે છેલ્લાં કેટલાંક વર્ષોમાં કરેલી આરટીઆઈ દ્વારા મળેલી જાણકારી થકી એક સ્પષ્ટ ચિત્ર જોવા મળે છે.
સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ 14 માર્ચ 2024ના રોજ એક આરટીઆઈનો જવાબ આપતાં જણાવ્યું હતું કે કયા વર્ષે કેટલા ઇલેક્ટોરલ બૉન્ડ છાપવામાં આવ્યા હતા.
આ જાણકારી પ્રમાણે, વર્ષ 2018માં સૌથી વધારે 6,04,250 ઇલેક્ટોરલ બૉન્ડ છાપવામા આવ્યા, જેમાં એક હજાર અને દસ હજાર રૂપિયાવાળા સૌથી વધારે બૉન્ડ હતા, જ્યારે સૌથી ઓછા બૉન્ડ એક કરોડ રૂપિયાના મૂલ્યના હતા.
વર્ષ 2019માં 60,000 બૉન્ડ છાપવામા આવ્યા. એક હજાર અને દસ હજારના એક પણ બૉન્ડ 2019માં છાપવામા નહોતા આવ્યા. સૌથી વધારે એક લાખ રૂપિયાના મૂલ્યવાળા બૉન્ડ છપાયા હતા.
વર્ષ 2022માં 10,000 બૉન્ડ છાપવામા આવ્યા. આ દરેક બૉન્ડ એક-એક કરોડ રૂપિયાના હતા. એ સિવાય અન્ય કોઈ મૂલ્યના બૉન્ડ છાપવામા આવ્યા નહોતા.
ઇલેક્ટોરલ બૉન્ડની સૌથી અંતિમ ખેપ 2024માં છાપવામા આવી જેમાં એક-એક કરોડના 8,350 બૉન્ડ છાપવામા આવ્યા હતા. અન્ય કોઈ મૂલ્યના બૉન્ડ છાપવામા આવ્યા નહોતા.
નોંધનીય છે કે વર્ષ 2020, 2021 અને 2023માં કોઈ ઇલેક્ટોરલ બૉન્ડ છાપવામા નથી આવ્યા.
નાણામંત્રાલયના ડિપાર્ટમેન્ડ ઑફ ઇકોનૉમિક અફેયર્સે (ડીઈએ) બે આરટીઆઈના જવાબમાં આપેલી જાણકારી પ્રમાણે 8,350 ઇલેક્ટોરલ બૉન્ડની અંતિમ ખેપ 27 ડિસેમ્બર ,2023 પછી છાપવામા આવી.
ડીઈએએ 27 ડિસેમ્બર 2023ના રોજ જણાવ્યું હતું કે અત્યાર સુધી કુલ 6,74,250 ઇલેક્ટોરલ બૉન્ડ છાપવામા આવ્યા છે.
બે મહિના પછી 27 ફેબ્રુઆરી 2024ના રોજ અન્ય એક આરટીઆઈના જવાબમાં ડીઈએએ જણાવ્યું કે અત્યાર સુધી 6,82,600 ઇલેક્ટોરલ બૉન્ડ છપાયા છે.
એટલે કે 27 ડિસેમ્બર, 2023 અને 27 ફેબ્રુઆરી, 2024 વચ્ચે 8,350 ઇલેક્ટોરલ બૉન્ડ છાપવામા આવ્યા, જ્યારે સુપ્રિમ કોર્ટે આ સમગ્ર મામલે પોતાનો નિર્ણય બીજી નવેમ્બરે જ સુરક્ષિત રાખી દીધો હતો.
'સરકારને સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને નિશ્ચિંત હતી'
કમોડોર લોકેશ બત્રાએ કહ્યું, “આ જાણકારીઓથી સ્પષ્ટ છે કે સરકાર સુપ્રિમ કોર્ટના નિર્ણયને લઈને નિશ્ચિંત હતી એટલે જ વધારે બૉન્ડ છાપવાનુ કામ ચાલુ રાખ્યું હતું.”
સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ આરટીઆઈના જવાબમાં આપેલી જાણકારી પ્રમાણે અંતિમ ખેપમાં 8,350 બૉન્ડ છપાયા, તે પહેલાં પણ બૅન્ક પાસે લગભગ 20, 363 કરોડ રૂપિયાના બૉન્ડ ઉપલબ્ધ હતા, જે વહેંચાયા ન હતા. તેમાથી 17,369 કરોડ રૂપિયાના બૉન્ડ એક કરોડની કિંમતવાળા હતા.
કમોડોર બત્રાએ કહ્યું, “આટલા બધા બૉન્ડ પહેલાંથી જ હતા અને તેમ છતા સરકારે 8,350 કરોડ રૂપિયાના નવા બૉન્ડ છપાવ્યા. એવું લાગી રહ્યું છે કે 2024ની ચૂંટણી પહેલાં બમ્પર બૉન્ડ વહેંચાશે એવી તેમને આશા હતી.”
અંજલિ ભારદ્વાજ એક સામાજિક કાર્યકર્તા છે જે સૂચનાનો અધિકાર, પારદર્શિતા અને જવાબદારી જેવા મુદ્દાઓ પર કામ કરે છે.
તેમણે કહ્યું, “કોર્ટે પોતાનો નિર્ણય આપ્યો નહોતો ત્યાં સુધી સરકાર સ્પષ્ટપણે પોતાનું કામ હંમેશાંની જેમ કરી રહી હતી. સરકારે કદાચ એ વાત પર ધ્યાન નહોતું આપ્યું કે સુપ્રિમ કોર્ટ આ યોજનાને ગેરબંધારણીય ગણાવીને તેને રદ કરી શકે છે.”
અંજલિ ભારદ્વાજ ઉમેર્યું કે સુપ્રિમ કોર્ટે આ મામલે સુનાવણી સમાપ્ત કરી એ બાદ પણ સરકારે બૉન્ડ છપાવ્યા, એટલે કે સરકારે વિચાર્યું નહોતુ કે આ યોજનાને ગેરબંધારણીય જાહેર કરાશે.
આરટીઆઈ દ્વારા મળેલી રસપ્રદ જાણકારીઓ
આરટીઆઈમાં મળેલી જાણકારીઓમાં કેટલીક રસપ્રદ વાતો પણ સામે આવી છે.
કુલ વેચાયેલા બૉન્ડની કિંમત 16,518 કરોડ રૂપિયા હતી.
આ વેચાયેલા બૉન્ડમાંથી 95 ટકા બૉન્ડ એક કરોડની કિંમતવાળા હતા.
30 તબક્કામાં વેચાયેલા બૉન્ડમાંથી માત્ર 25 કરોડ રૂપિયાની કિંમતના 219 બૉન્ડ જ એવા હતા જેને રાજકીય પાર્ટીઓએ વટાવ્યા નહોતા.
સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ આપેલી જાણકારી પ્રમાણે આ 25 કરોડ રૂપિયાને 'પ્રધાન મંત્રી રાષ્ટ્રીય રાહત કોષ'માં જમા કરવામા આવ્યા છે.
બીજી ચોંકાવનારી બાબત એ પણ સામે આવી છે કે 2018થી 2024 વચ્ચે કુલ 6,82,600 ઇલેક્ટોરલ બૉન્ડ છપાયા હતા. વળી, જે ઇલેક્ટોરલ બૉન્ડ વેચાયા હતા એની સંખ્યા માત્ર 28,030 હતી, જે કુલ છપાયેલા બૉન્ડના માત્ર 4.1 ટકા હતી.
સૌથી વધારે બૉન્ડ ક્યાંથી વેચાયા?
સૌથી વધુ 4,009 કરોડ રૂપિયાના બૉન્ડ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની મુંબઈની મુખ્ય શાખા પરથી વેચાયા હતા.
બીજા ક્રમે એસબીઆઈની હૈદરાબાદની મુખ્ય શાખા હતી, જ્યાંથી 3,554 કરોડ રૂપિયાના બૉન્ડ વેચાયા હતા.
એસબીઆઈની કોલકાતાની મુખ્ય શાખાએ 3,333 કરોડ રૂપિયાના અને નવી દિલ્હી મુખ્ય શાખાએ 2,324 કરોડ રૂપિયાના બૉન્ડ વેચ્યા.
સૌથી ઓછા એટલે કે 80 લાખ રૂપિયાના બૉન્ડ એસબીઆઈની પટણાની મુખ્ય શાખાએ વેચ્યા.
સૌથી વધુ બોન્ડ ક્યાં રિડીમ કરવામાં આવ્યા હતા?
એસબીઆઈની નવી દિલ્હી મુખ્ય શાખામાંથી 10,402 કરોડ રૂપિયાના મહત્તમ બૉન્ડ વટાવવામાં આવ્યા હતા.
હૈદરાબાદની મુખ્ય શાખામાંથી 2,252 કરોડ રૂપિયાના બૉન્ડ વટાવવામાં આવ્યા હતા.
કોલકાતાની મુખ્ય શાખામાંથી 1,722 કરોડ રૂપિયાના બૉન્ડ વટાવવામાં આવ્યા હતા.
શ્રીનગરની બાદામી બાગ બ્રાન્ચમાંથી 50 લાખ રૂપિયાના લઘુત્તમ બૉન્ડ વટાવવામાં આવ્યા હતા.