You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૉંગ્રેસે બૅન્ક એકાઉન્ટ ફ્રીઝ થવા પર મોદી સરકાર પર સાધ્યું નિશાન : ગુજરાતમાં વિરોધપ્રદર્શન
કૉંગ્રેસે દાવો કર્યો છે કે આવકવેરા વિભાગે તેનાં બધાં જ બૅન્ક એકાઉન્ટ ફ્રીઝ (લેવડદેવડ સ્થગિત) કરી નાખ્યાં છે અને 210 કરોડની રિકવરીની માગ કરી છે. કૉંગ્રેસ નેતા અજય માકને શુક્રવારે એક પત્રકાર પરિષદમાં દાવો કર્યો કે માત્ર કૉંગ્રેસ પાર્ટીનાં જ નહીં પણ યૂથ કૉંગ્રેસનાં પણ બધા જ એકાઉન્ટ ફ્રીઝ કરી દેવાયાં છે. ગુજરાત કૉંગ્રેસ દ્વારા આવકવેરા વિભાગના આ પગલાંની વિરુદ્ધમાં શનિવારે અમદાવાદમાં ધરણાં પ્રદર્શન પણ કર્યું હતું.
આ અંગે કૉંગ્રેસે આવકવેરા વિભાગમાં અપીલ કરી હતી.
આ અપીલ અંગે શુક્રવારે બપોરે માકને જાણકારી આપી હતી કે ઍપલૅટ ટ્રિબ્યૂનલ તરફથી એક મર્યાદા સુધી રૂપિયા એકાઉન્ટમાં રાખીને અન્ય રૂપિયા કાઢવાની પરવાનગી આપવામાં આવી છે.
જોકે, એ પણ જણાવવામાં આવ્યું હતું કે જે મર્યાદા આપવામાં આવી છે તેનાથી ઘણા ઓછા રૂપિયા પાર્ટીનાં ખાતામાં છે.
ભાજપના પ્રવક્તા નલિન કોહલીએ એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે "કાયદો એ નથી જોતો કે સામે કોણ છે. કાયદો એ જોવે છે કે કાયદાનું ઉલ્લંઘન થયું છે કે નહીં"
માકનની પત્રકાર પરિષદ બાદ આવક વેરા વિભાગ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી.
આ મુદ્દાને લઈને યૂથ કૉંગ્રેસે શુક્રવારે બપોરે દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું.
અજય માકનનો દાવો
આ પહેલાં અજય માકને શુક્રવારે સવારે પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું "ગણતંત્ર પર હુમલો થઈ રહ્યો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંવાદાતા સંમેલનમાં અજયે માકને દાવો કર્યો કે કૉંગ્રેસનાં બધાં જ એકાઉન્ટમાંથી લેવડદેવડ સ્થગિત કરી દેવાઈ છે.
માકને કહ્યું, "આ માત્ર કૉંગ્રેસનાં એકાઉન્ટ ફ્રીઝ નથી થયાં, પણ લોકતંત્રને ફ્રીઝ કરાયું છે."
તેમણે ઉમેર્યું "દેશની અંદર લોકતંત્રની પૂરી રીતે તાળાબંધી થઈ ગઈ છે. એ ચિંતાજનક અને નિરાશાજનક સમાચાર છે કે કૉંગ્રેસ પાર્ટીનાં બધાં જ એકાઉન્ટ્સ ફ્રીઝ કરી દેવાયાં છે."
રાહુલ ગાંધીએ પણ સોશિયલ મીડિયા પર લખ્યું "ડરો નહીં મોદીજી કૉંગ્રેસ ધનની શક્તિનું નહીં, જનની શક્તિનું નામ છે. અમે તાનાશાહીની સામે ના તો ઝૂક્યા છીએ ના તો ઝૂકીશું"
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પર લખ્યું "ભાજપે ગેરબંધારણીય રીતે રૂપિયા એકઠા કર્યાં છે તેનો ઉપયોગ ચૂંટણીમાં કરશે. પણ અમે ક્રાઉડફંડિંગ મારફતે જે રૂપિયા એકઠા કર્યાં છે, તેને સીલ કરી દેવાશે."
તેમણે ઉમેર્યું "એટલે અમે કહ્યું છે કે ભવિષ્યમાં દેશમાં કોઈ ચૂંટણી નહીં થાય"
પત્રકાર પરિષદ કર્યાનાં બે કલાક બાદ અજય માકને આ અંગે ઍપલૅટ ટ્રિબ્યૂનલમાં થયેલી સુનાવણી અંગે જાણકારી આપી.
તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે આવકવેરા વિભાગ અને આયકર ઍપલૅટ ટ્રિબ્યૂનલે કૉંગ્રેસની અરજી પર સુનાવણી કરી છે અને એક મર્યાદા સુધી બૅન્ક એકાઉન્ટમાં રૂપિયા રાખીને અન્ય રૂપિયા ઉપાડવાની પરવાનગી આપી છે.
માકને લખ્યું "અમને કહેવાયું છે કે અમે એ સુનિશ્ચિત કરીએ કે 115 કરોડ રૂપિયા બૅન્કમાં રહે. આ મર્યાદાની ઉપર કોઈ ગમે તેટલી રકમ પાર્ટી ઉપાડી શકે છે. તેનો અર્થ એ છે કે 115 કરોડ રૂપિયા ફ્રીઝ કરાયાં છે. આ રકમથી વધારે રકમ અમારા બૅન્ક એકાઉન્ટમાં મુકાયેલી પણ નથી."
આ પહેલાં સંવાદદાતા સંમેલનમાં અજય માકને કહ્યું હતું કે કૉંગ્રેસનાં ખાતામાં અંદાજે 25 કરોડ રૂપિયા છે.
ભાજપની પ્રતિક્રિયા
અજય માકને એકાઉન્ટ ફ્રીઝ કરવાના સમય પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું "ચૂંટણીની જાહેરાતને એક કે બે સપ્તાહ બાકી છે. બરાબર તે પહેલાં આ પગલાં લેવાયાં છે."
તેમણે ઉમેર્યું "આ પગલાં લઈને સરકાર શું સંદેશ આપવા માગે છે. શું આપણા દેશની અંદર એક પાર્ટીની આ સિસ્ટમ રહી જશે? શું અન્ય પાર્ટીઓ પાસે રાજકારણમાં રહેવાનો અધિકાર જ નથી?"
જોકે, ભાજપના પ્રવક્તા નલિન કોહલીએ એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું "રકમ મહત્ત્વની નથી. શું ઉલ્લંઘન કર્યું છે, શું કાયદો તોડાયો છે? એ મહત્ત્વનું છે."
કોહલીએ કહ્યું "કાયદો એ નથી જોતો કે સામે અમીર છે કે ગરીબ કાયદો એ જોવે છે કે ઉલ્લંઘન થયું કે નહીં"
ગુરુવારે સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બૉન્ડને ગેરબંધારણીય જણાવીને તેના પર પ્રતિબંધ મૂકી દીધો હતો. કૉર્ટે આ બૉન્ડ્સની જાણકારી ગોપનીય રાખવાને સૂચનાના અધિકાર અને કલમ 19(1)(એ)નું ઉલ્લંઘન જણાવ્યું હતું.
ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી પાંચ જજની બેન્ચે કહ્યું "રાજકીય પાર્ટીઓને આર્થિક મદદની સામે અન્ય કોઈ વ્યવસ્થા કરવાની વાતને પ્રોત્સાહન મળી શકે છે. કાળા નાણાં પર નિયંત્રણ લાવવાની એક માત્ર પદ્ધતિ ઇલેક્ટોરલ બૉન્ડ ન હોઈ શકે. તેના અન્ય પણ ઘણા વિકલ્પો છે."
અજય માકને શું આરોપ લગાવ્યા?
અજય માકને કહ્યું "14 તારીખે અમને જાણકારી અપાઈ કે પાર્ટી જે ચેક આપી રહી છે બૅન્ક તેની ભરપાઈ નથી કરી રહી. આ અંગે આગળ તપાસ કરતા ધ્યાને આવ્યું કે દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીના બધા જ એકાઉન્ટ ફ્રીઝ કરી દેવાયા છે."
તેમણે કહ્યું "અમે ના તો બૅન્કમાં રૂપિયા જમા કરાવી શકીએ છીએ ના તો રૂપિયા ઉપાડી શકીએ છીએ. અને ના તો પોતાની પાસે રોકડ રાખી શકીએ છીએ."
"લોકો રૂપિયા આપવાનું ચાલુ રાખી શકે છે. પણ અમે તેનો ખર્ચ નહીં કરી શકીએ. ના તો અમે કાર્યકર્તાઓને પગાર આપી શકીશું અને ના તો બિલની ચૂકવણી કરી શકીશું. એટલે સુધી કે અમે ચૂંટણી અભિયાનમાં, લાઇટ બિલ પણ નહીં ભરી શકીએ."
તેમણે કહ્યું "આ રૂપિયા કોઈ કૉર્પોરેટ કે મૂડીવાદીઓના નથી. પણ કૉંગ્રેસે ક્રાઉડફંડિંગથી જે રૂપિયા એકઠા કર્યા હતા તે છે."
"ખાતામાં અંદાજે 25 કરોડ રૂપિયા છે, જેમાં 95 ટકાથી વધુ 100-100થી પણ ઓછા રૂપિયા ભરીને સામાન્ય લોકોએ યુપીઆઈથી આપ્યા છે, તો યૂથ કૉંગ્રેસના એકાઉન્ટમાં રાખેલા રૂપિયા સભ્ય ફીના રૂપિયા છે."
"બીજી તરફ કૉર્પોરેટ બૉન્ડના રૂપિયા જે સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ગણાવ્યા છે તે ભાજપ પાસે છે અને તેઓ તે ખર્ચ પણ કરી રહ્યા છે. "
ક્યારનો કેસ ગણાવાઈ રહ્યો છે?
અજય માકને કહ્યું કે 2018-19ની આવકવેરાના રિટર્નના આધારે આ માગ કરાઈ છે.
તેમણે જણાવ્યું કે "એના બે કારણ છે. પહેલું કારણ એ હતું કે અમારે 31 ડિસેમ્બર 2019 સુધી અમારા ખાતાની જાણકારી આપવાની હતી. જેમાં 40-45 દિવસનું મોડું થયું. બીજુ કારણ એ છે કે 2018-19 ચૂંટણીનું વર્ષ હતું અને ચૂંટણીમાં જે ખર્ચ થયો હતો તેની કૉંગ્રેસને 1999 પાવતી મળી હતી. તેમાંથી 14 લાખ 40 હજાર રૂપિયા કૉંગ્રેસના સાંસદો અને ધારાસભ્યોએ રોકડમાં જમા કરાવ્યા હતા. આ તેમનો એક મહિનાનો પગાર હતો. આ કારણોથી કૉંગ્રેસ પર 210 કરોડની રિકવરીની પેનલ્ટી લગાવી દીધી."
તેમણે જણાવ્યું કે પાર્ટીના કુલ ચાર એકાઉન્ટ્સ છે જે ફ્રીઝ કરી દેવાયાં છે.
તેમણે માગ કરી છે કે જો એકાઉન્ટ ફ્રીઝ જ કરવાનાં હોય તો ગેરબંધારણીય ઠેરાવાયેલા કૉર્પોરેટ બૉન્ડ્સના જે રૂપિયા ભાજપના ખાતામાં છે તેને ફ્રીઝ કરવા જોઈએ.
તેમણે કહ્યું " અમે બુધવારે આયકર ઍપલૅટ ટ્રિબ્યૂનલમાં આ અંગે અરજી કરી હતી અને જરૂર પડશે તો ઉપર પણ જઈશુ. આ અંગે સુનાવણી થઈ રહી છે. અમને આશા છે કે દેશનું ન્યાયતંત્ર લોકતંત્ર પર થયેલા હુમલાની રક્ષા કરશે. હવે માત્ર ન્યાયપાલિકા પર જ વિશ્વાસ રહી ગયો છે."