You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત ચૅમ્પિયન્સ ટ્રૉફી જીત્યું, ન્યૂઝીલૅન્ડને હરાવીને 25 વર્ષ પહેલાંનો બદલો કેવી રીતે લીધો?
દુબઈમાં રમાયેલી આઇસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફીના ફાઇનલ મુકાબલામાં ભારતે ન્યૂઝીલૅન્ડને ચાર વિકેટથી માત આપીને ખિતાબ પોતાને નામ કરી લીધો છે.
"ઇન્ડિયા ઇઝ ઑન ટૉપ."
ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સની 11મી ઓવરના પહેલા બૉલ પર જ્યારે કુલદીપ યાદવે રચીન રવીન્દ્રને બોલ્ડ કર્યો ત્યારે કૉમેન્ટરી બૉક્સમાંથી આ અવાજ સંભળાયો.
આ બૉલ પછી, મૅચના છેલ્લા બૉલ સુધી ન્યૂઝીલૅન્ડને મૅચમાં વાપસી કરવાની કોઈ ખાસ તક મળી ન હતી અને ભારતીય ક્રિકેટ ટીમ સમગ્ર મૅચ દરમિયાન ટોચ પર રહી.
ભારતીય ક્રિકેટ ટીમે ત્રીજી વખત ICC ચૅમ્પિયન્સ ટ્રૉફી જીતી છે. ભારતીય ટીમ એકમાત્ર એવી ટીમ છે જેણે ત્રણ વખત ચૅમ્પિયન્સ ટ્રૉફી જીતી છે.
આ પહેલાં 2002માં ભારત શ્રીલંકા સાથે ચૅમ્પિયન્સ ટ્રૉફીનું સંયુક્ત વિજેતા બન્યું હતું. જ્યારે 2013માં ધોનીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા ચૅમ્પિયન બનવામાં સફળ રહી.
રોહિત શર્માની 76 રનની ઇનિંગ ઉપરાંત કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીની બૉલિંગે પણ ભારતને વિજેતા બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીએ બે-બે વિકેટ લીધી.
આ જીત સાથે ભારતે 25 વર્ષ પહેલાં ચૅમ્પિયન્સ ટ્રૉફીની ફાઇનલમાં ન્યૂઝીલૅન્ડ સામેની હારનો બદલો લીધો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યાર બાદ વર્ષ 2000માં ન્યૂઝીલૅન્ડ ભારતને ચાર વિકેટથી હરાવીને ચૅમ્પિયન બન્યું હતું.
ભારતને જીત માટે ન્યૂઝીલૅન્ડે 252 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે ભારતીય ટીમે 49 ઓવરમાં છ વિકેટ ગુમાવીને મેળવી લીધો છે.
ભારતની જીતમાં 76 રનની ઇનિંગ રમનાર રોહિત શર્માનું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું.
ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં અત્યાર સુધી એક પણ મૅચ ન હારનારી ટીમ ઇન્ડિયાને ન્યૂઝીલૅન્ડની સામે ફાઇનલ જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવતી હતી.
ભારતની ધમાકેદાર શરૂઆત
ભારતીય ઇનિંગ્સના બીજા બૉલ પર કૅપ્ટન રોહિત શર્માએ સિક્સર ફટકારી અને પછી એટલી શાનદાર બેટિંગ કરી કે પહેલા પાવર પ્લે પછી ભારતનો સ્કોર કોઈ પણ નુકસાન વિના 64 રન હતો.
આ 64 રનમાં રોહિત શર્માએ 49 રનનું યોગદાન આપ્યું હતું, જ્યારે ગિલના બેટે ફક્ત 10 રન જ બનાવ્યા હતા. પહેલા પાવરપ્લે પછી તરત જ રોહિત શર્માએ 41 બૉલમાં પોતાની અડધી સદી પૂરી કરી.
માત્ર 17 ઓવરમાં ભારતનો સ્કોર કોઈ પણ નુકસાન વિના 100 રન સુધી પહોંચી ગયો હતો.
જે પીચ પર ન્યૂઝીલૅન્ડના બૅટ્સમૅનોને સિંગલ્સ લેવામાં મુશ્કેલી પડી રહી હતી, ત્યાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીને બૉલને બાઉન્ડરી લાઇનની બહાર મોકલવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો નહોતો પડ્યો.
જોકે, સેન્ટનર અને બ્રેસવેલે તેમની સ્પિન બૉલિંગથી ન્યૂઝીલૅન્ડને મૅચમાં પાછું જોમ પૂરવાનો પ્રયાસ કર્યો.
શ્રેયસ અય્યરનું પણ મહત્ત્વનું યોગદાન
ભારતીય ઇનિંગની 19મી ઓવરના ચોથા બૉલે સેન્ટનરે શુભમન ગિલને ફિલિપ્સના હાથે કૅચઆઉટ કરાવ્યા હતા.
વનડાઉનમાં આવેલા વિરાટ કોહલી ફાઇનલમાં ટીમ માટે મોટું યોગદાન આપી શક્યા નહોતા.
વિરાટ કોહલી બેટિંગમાં આવ્યાના બીજા જ બૉલે એક રન કરીને પેવેલિયન ભેગા થઈ ગયા છે. તેમની વિકેટ પણ બ્રેસવેલે લીધી હતી.
બે વિકેટ પડ્યા બાદ ભારતની રન બનાવવાની ગતિ ધીમી પડી ગઈ હતી.
જોકે ન્યૂઝીલૅન્ડની ટીમ રમતમાં મજબૂત બને એ પહેલાં શ્રેયસ અય્યર અને અક્ષર પટેલે મળીને બાજી સંભાળી લીધી હતી.
શ્રેયસ અય્યર 48 રન બનાવીને સેન્ટનરના બૉલ પર રચીનના હાથે કૅચઆઉટ થઈ ગયા હતા.
તો કેએલ રાહુલે 34 રનની અણનમ બેટિંગ કરીને ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી.
ન્યૂઝીલૅન્ડની શરૂઆત
આ પહેલા રચીન, રવીન્દ્ર અને વિલ યંગે ન્યૂઝીલૅન્ડ માટે ઇનિંગની શરૂઆત કરી અને ટીમનો સ્કોર 50ને પાર પહોંચાડી દીધો હતો.
પણ વરુણ ચક્રવતીએ બીજી ઓવરના પાંચમાં બૉલ પર વિલયંગને એલબીડબલ્યુ આઉટ કરીને ન્યૂઝીલૅન્ડની ટીમને પહેલો ઝટકો આપ્યો હતો.
ન્યૂઝીલૅન્ડની પહેલી વિકેટ આઠમી ઓવરમાં 57 રનના સ્કોર પર પડી હતી.
આ પછી કુલદીપ યાદવે 11મી ઓવરની પહેલા બૉલ પર રચીન રવીન્દ્રને બોલ્ડ કર્યા હતા. રચીને 29 બૉલમાં 37 રન બનાવ્યા હતા. બેટિંગ દરમિયાન રચીને ચાર ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.
ન્યૂઝીલૅન્ડની બીજી વિકેટ 69ના સ્કોર પર પડી હતી.
ડેરેલ મિશેલ અને બ્રેસવેલની અર્ધ સદી
જોકે ડેરેલ મિશેલે ન્યૂઝીલૅન્ડની ઇનિંગને સંભાળવાની કોશિશ કરી. ફિલિપ્સે પણ 34 રનની ઇનિંગ રમીને મિશેલને સારો સાથ આપ્યો હતો, પણ વરુણે એમને બૉલ્ડ કરીને પેવેલિયન પાછા મોકલી દીધા.
ન્યૂઝીલૅન્ડે 37.5 ઓવરમાં 165 રન પર પાંચ વિકેટ ગુમાવી હતી. આ પછી બ્રેસવેલે ન્યૂઝીલૅન્ડની ઇનિંગ સંભાળી હતી અને 40 બૉલમાં 53 રનની ઇનિંગ રમી હતી. એમની ઇનિંગને કારણે ન્યૂઝીલૅન્ડે 50 ઓવરમાં સાત વિકેટના નુકસાન 251ના સ્કોર સુધી પહોંચી ગયું હતું.
કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીની શાનદાર બૉલિંગ
ફાઇનલમાં ન્યૂઝીલૅન્ડે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા પાવર પ્લેમાં ઓપનર વિલ યંગ અને રચીન રવીન્દ્રે કૅપ્ટનનો નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો.
ન્યૂઝીલૅન્ડને રચીન રવીન્દ્રએ 39 રનની શ્રેષ્ઠ શરૂઆત આપી હતી. પણ પહેલા પાવર પ્લેનો અંત આવતા જ કૅપ્ટન રોહિત શર્માએ કુલદીપ યાદવ પર દાવ લગાવ્યો હતો. રોહિત શર્માનો આ દાવ કામ કરી ગયો હતો અને મૅચમાં પહેલા જ બૉલે રચીનને બોલ્ડ આઉટ કરી નાખ્યા હતા.
ન્યૂઝીલૅન્ડ પોતાની ઇનિંગ સંભાળે એ પહેલાં કુલદીપ યાદવે ન્યૂઝીલૅન્ડની 13મી ઓવરમાં વિલિયમસનને આઉટ કર્યા હતા.
કુલદીપ યાદવની આ બે વિકેટ બાદ ન્યૂઝીલૅન્ડને ફરી બેઠા થવાની તક જ ન મળી. કુલદીપ યાદવે 10 ઓવરમાં 40 રન આપ્યા હતા.
બાદમાં કૅપ્ટન રોહિત શર્માએ વરુણ ચક્રવર્તીને બૉલિંગ આપી અને વરુણે આઠમી ઓવરના પાંચમા બૉલે વિલ યંગને પેવેલિયન ભેગા કર્યા હતા.
ભારતીય ટીમ : રોહિત શર્મા (કૅપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી
ન્યૂઝીલૅન્ડ ટીમ : વિલ યંગ, રચીન રવીન્દ્ર, કેન વિલિયમસન, ડેરેલ મિચેલ, ટૉમ લેથમ, ગ્લૅન ફિલિપ્સ, માઇકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કૅપ્ટન), કાયલ જેમિસન, વિલિયમ ઓ'રૉર્ક, નાથન સ્મિથ
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન