અલાહાબાદ હાઇકોર્ટના જસ્ટિસ શેખર યાદવ વિરુદ્ધ મહાભિયોગની નોટિસ, જજોને હઠાવવાની પ્રક્રિયા શું છે?

ઇમેજ સ્રોત, Facebook/ ABHISHEK ATREY
તાજેતરમાં અલાહાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ શેખર યાદવ સમાચારોમાં છે.
અમુક દિવસ પહેલાં વિશ્વ હિંદુ પરિષદના એક કાર્યક્રમમાં તેમણે કરેલી ટિપ્પણીઓ બાબતે વિવાદ ઊભો થયો છે.
હવે ઘણા વિપક્ષી સાંસદોએ રાજ્યસભામાં તેમના વિરુદ્ધ મહાભિયોગની નોટિસ મોકલી આપી છે.
રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલની આગેવાનીમાં ગૃહના સેક્રેટરી જનરલને આ નોટિસ સોંપી દેવાઈ છે.
આ નોટિસ પર રાજ્યસભાના 55 સાંસદોએ સહી કરી છે.
શ્રીનગરથી નૅશનલ કૉન્ફરન્સના સાંસદ આગા સઈદ રહુલ્લાહ મેંહદીએ કહ્યું છે કે શેખર યાદવ વિરુદ્ધ મહાભિયોગની નોટિસ મોકલશે.
તેમણે જણાવ્યું હતું કે કૉંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે અને તૃણમૂલ કૉંગ્રેસના સાંસદોએ આ નોટિસને સમર્થન આપવાની વાત કરી છે.
તેમના પ્રસ્તાવનો ઘણા સાંસદોએ સમર્થન કર્યું છે. આ સાંસદોમાં તૃણમૂલ કૉંગ્રેસની મહુઆ મોઈત્રા પણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેવી રીતે શરૂ થયો વિવાદ?

ઇમેજ સ્રોત, Facebook/ ABHISHEK ATREY
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
8 ડિસેમ્બરે વિશ્વ હિંદુ પરિષદના લીગલ સેલ દ્વારા અલાહાબાદ હાઇકોર્ટના લાઇબ્રેરી હૉલમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જસ્ટિસ શેખર યાદવ સિવાય અલાહાબાદ હાઇકોર્ટના અન્ય હાલના જજ દિનેશ પાઠક પણ હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં 'વક્ફ બોર્ડ અધિનિયમ', 'ધર્માંતરણ-કારણ અને ઉકેલો' અને 'સમાન નાગરિક સંહિતા એક સંવિધાનિક અનિવાર્યતા' જેવા વિષય પર અલગ અલગ લોકોએ પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા.
આ દરમિયાન જસ્ટિસ શેખર યાદવે 'સમાન નાગરિક સંહિતા એક સંવિધાનિક અનિવાર્યતા' વિષય પર વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે 'દેશ એક છે, સંવિધાન એક છે તો કાયદો કેમ એક નથી?'
લગભગ 34 મિનિટ સુધી આપેલા આ ભાષણમાં તેમણે કહેલું કે, "હિંદુસ્તાનમાં રહેતા બહુમતીઓ મુજબ જ દેશ ચાલશે. આ જ કાયદો છે. તમે એમ પણ નહીં કહી શકો કે હાઇકોર્ટના જજ થઈને આવું બોલી રહ્યા છે. કાયદો તો ભાઈ બહુમતીથી જ ચાલે છે."
જસ્ટિસ શેખર યાદવે એમ પણ કહ્યું હતું કે 'કઠમુલ્લે' દેશ માટે ઘાતક છે.
જસ્ટિસ યાદવે કહ્યું હતું કે," જે કઠમુલ્લા છે, આ શબ્દ ખોટો છે, પણ કહેવામાં સંકોચ નથી. કારણ કે તેઓ દેશ માટે ઘાતક છે. પ્રજાને ગુમરાહ કરનારા લોકો છે. દેશને આગળ વધવા ન દે એ પ્રકારના લોકો છે. તેમનાથી સાવધાન રહેવાની જરૂર છે."
આ કાર્યક્રમમાં તેમણે અયોધ્યાસ્થિત રામમંદિર વિશે પણ પોતાનો મત રજૂ કર્યો હતો.
તેમણે કહ્યું." તમે કલ્પના કરી હતી કે પોતાની આંખોથી રામમંદિર જોવા મળશે, પણ આ કલ્પના સાકાર થઈ. આપણા પૂર્વજો બધાં બલિદાનો આપીને એ આશામાં ચાલ્યા ગયા કે આપણે રામલલાનું ભવ્ય મંદિર બનતા જોઈશું પણ તેઓ તે જોઈ શક્યા નહીં. કામ એમણે કર્યું, જેનું ફળ આપણે આજે જોઈ રહ્યા છીએ."
તેમનાં આવાં નિવેદનોથી જ વિવાદ થઈ ગયો છે. તેમનાં વિવાદિત નિવેદનોવાળો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યા છે. ઘણા નેતા, વકીલ અને બુદ્ધિજીવીઓ તેમના નિવેદનની ટીકા કરી રહ્યા છે. અહીં એવા પણ સવાલ ઉપસ્થિત થયા છે કે પદ પર રહેલા ન્યાયાધીશનું આ પ્રકારના કાર્યક્રમમાં જવું કેટલું યોગ્ય છે.
જજોને હઠાવવાની શું છે પ્રક્રિયા?

ઇમેજ સ્રોત, Getty Images
બંધારણમાં જજોને હઠાવવાની સંપૂર્ણ પ્રક્રિયા દર્શાવવામાં આવી છે. બંધારણના અનુચ્છેદ 124(4), (5), 217 અને 218માં આ પ્રક્રિયાનો ઉલ્લેખ છે.
પ્રક્રિયા અંતર્ગત જજોને હઠાવવા માટે સૌથી પહેલા નોટિસ આપવામાં આવે છે. સુપ્રીમ કોર્ટ અથવા હાઇકોર્ટના જજને હઠાવવાની પ્રક્રિયાની શરૂઆત સંસદના કોઈ પણ ગૃહ એટલે કે લોકસભા અને રાજ્યસભાથી થઈ શકે છે.
આ માટે સાંસદોના દસ્તખતવાળી નોટિસ આપવી પડે છે. જો આ નોટિસ લોકસભામાં આપવામાં આવે તો એના માટે 100 અથવા તેનાથી વધુ સાંસદોનું સમર્થન જોઈએ.
જો પ્રક્રિયા રાજ્યસભાથી શરૂ થાય તો આ માટે 50 અથવા વધુ સાંસદોનું સમર્થન જોઈશે.
નોટિસ બાદ જો લોકસભાના સ્પીકર કે રાજ્યભાના સભાપતિ આનો સ્વીકાર કરે ત્યારે જ જજને હઠાવવાની પ્રક્રિયા આગળ વધી શકે છે.
બંધારણની જોગવાઈ મુજબ જો આ નોટિસનો સ્વીકાર કરવામાં આવે છે, તો ગૃહના સભાપતિ કે સ્પીકર ત્રણ સભ્યોની તપાસ સમિતિ બનાવશે, જેથી જજોને જે આધારે હઠાવવાની માગણી થઈ હોય તેની તપાસ થઈ શકે.
આ સમિતિમાં આ લોકો સભ્યો હોય છે.
સુપ્રીમ કોર્ટના એક જજ
એક હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
ચૅરમૅન કે સ્પીકરની મંજૂરીથી ચૂંટાયેલા કાયદાવિદ
જો આ નોટિસનો સ્વીકાર બંને ગૃહમાં કરવામાં આવે તો તપાસસમિતિની રચના લોકસભા અને રાજ્યસભાના સ્પીકર ભેગા મળીને કરે છે.
આવી સ્થિતિમાં જે ગૃહમાં પછીથી નોટિસ આવે તેને રદ ગણવામાં આવે છે. તપાસસમિતિ પોતાની તપાસ બાદ એક ઔપચારિક અહેવાલ તૈયાર કરે છે. આ રિપોર્ટને સંબંધિત ગૃહના સ્પીકરને સોંપવામાં આવે છે.
ગૃહના સ્પીકર આ અહેવાલને સંસદ સમક્ષ રજૂ કરે છે.
જો તપાસમાં જજ દોષી જણાય, તો જજને હઠાવવાનો પ્રસ્તાવ સંસદનાં બંને ગૃહોમાં મતદાન માટે રજૂ કરવામાં આવે છે.
બંધારણના અનુચ્છેદ 124 (4) મુજબ જજને હઠાવવાની પ્રક્રિયા ત્યારે જ આગળ વધી શકે છે જ્યારે આ પ્રસ્તાવને બંને ગૃહના કુલ સભ્યસંખ્યાની બહુમતીનું સમર્થન મળે.
સાથે જ પ્રસ્તાવને સમર્થન આપનારા સાંસદોની સંખ્યા ગૃહમાં હાજર અને મતદાન કરનારા સભ્યોની સંખ્યાથી બે તૃતિયાંશ કરતાં ઓછી ન હોવી જોઈએ.
જજને હઠાવવાની તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ પ્રસ્તાવ રાષ્ટ્રપતિ પાસે જાય છે. ત્યાર બાદ રાષ્ટ્રપતિના આદેશ પર જજને હઠાવાય છે.
અત્યાર સુધી કોઈ જજને હઠાવાયા નથી

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 1991માં પંજાબ અને હરિયાણાના હાઇકોર્ટના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ વી રામાસ્વામીને પદ પરથી હઠાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી.
તપાસસમિતિએ તેમને દોષી ઠેરવ્યા હતા. પરંતુ મહાભિયોગ પ્રસ્તાવને સંસદનું જોઈએ એટલું સમર્થન મળ્યું ન હતું. આ કારણે આ પ્રસ્તાવ પસાર થયો ન હતો.
વર્ષ 2011માં સિક્કિમ હાઇકોર્ટના જજ પીડી દિનાકરનને પણ હઠાવવાની પ્રક્રિયા શરૂ થઈ હતી.
મામલો તપાસસમિતિ પાસે પહોંચ્યો. પરંતુ આ પ્રક્રિયાને રોકવી પડી, કારણ કે જસ્ટિસ દિનાકરને તપાસસમિતિની નિષ્પક્ષતા પર પ્રશ્ન ઉઠાવતાં રાજીનામું આપી દીધું હતું.
વર્ષ 2011માં કલકત્તા હાઇકોર્ટના જસ્ટિસ સૌમિત્ર સેન વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા શરૂ થઈ હતી. તપાસસમિતિએ પણ તેમને દોષી ઠેરવ્યા હતા. મહાભિગોય પ્રસ્તાવને રાજ્યસભાથી પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. પરંતુ લોકસભામાં મતદાન પહેલા જ જસ્ટિસ સૌમિત્ર સેને રાજીનામું ધરી દીધું હતું.
વર્ષ 2015માં ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ પારડીવાલાને પણ હઠાવવાનો પ્રસ્તાવ આવ્યો હતો. તેમણે આરક્ષણ વિરુદ્ધ આપેલા ચુકાદામાં 'જાતિગત ટિપ્પણી' કર્યાનો મામલો હતો. પરંતુ જસ્ટિસ પારડીવાલાએ પોતાના ચુકાદામાંથી વિવાદિત ટીપ્પણી હઠાવતાં આ પ્રસ્તાવ રદ થઈ ગયો હતો.
2015માં મધ્યપ્રદેશના હાઇકોર્ટના જસ્ટિસ એસકે ગંગલેને હઠાવવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. પરંતુ રાજ્યસભાની તપાસ સમિતિએ ક્લીન ચીટ આપી હતી.
આંધ્રપ્રદેશ અને તેલંગાણાની હાઇકોર્ટના જસ્ટિસ સીવી નાગાર્જુન રેડ્ડી વિરુદ્ધ 2016 અને 2017માં મહાભિયોગની પ્રક્રિયા શરૂ થઈ હતી. પરંતુ તપાસસમિતિની રચના પહેલાં જ બંને વાર પ્રસ્તાવને સમર્થન નહોતું મળ્યું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












