‘ચાલતુંફરતું સ્મશાન’ જે ઘરબેઠા મૃતદેહોના અંતિમ સંસ્કાર કરે છે, કેવી રીતે કામ કરે છે?

બીબીસી
    • લેેખક, કલેઈવાણી પનીરસેલ્વમ
    • પદ, બીબીસી તામિલ માટે

જોરદાર વરસાદ પડી રહ્યો હતો. અરવમુથન તેમની માતાના મૃતદેહને સ્મશાન સુધી લઈ જઈ શકે તેમ ન હતા. તેમનાં સગાંસંબંધીઓ એકઠા થયાં હતાં.

બે કલાક પછી વરસાદ રોકાયો ત્યારે તેઓ અરવમુથનના માતાના મૃતદેહને સ્મશાને અગ્નિદાહ આપવા માટે લઈ ગયા, પરંતુ સ્મશાનમાં તેમની બીજી પરીક્ષા થઈ, કારણ કે અગ્નિદાહ આપવા માટે જરૂરી લાકડાં વરસાદમાં પલળી ગયાં હતાં.

તેમ છતાં મૃતદેહ પર એકની ઉપર એક લાકડાં રાખીને અગ્નિ સંસ્કારની વ્યવસ્થા કરવામાં આવી હતી. છાણાં પર રાખીને કપૂર સળગાવવામાં આવ્યું, ત્યારે કપૂર સળગ્યું હતું, પરંતુ લાકડાં ભીના હોવાને કારણે મૃતદેહ સળગ્યો ન હતો.

અંતે મૃતદેહ પર કેરોસીન નાખીને તેને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે સળગતાંની સાથે જ ફરી વરસાદ આવ્યો હતો.

એ પછી સતત બે દિવસ વરસાદ થવાને કારણે અરવમુથનનાં માતાના મૃતદેહના અગ્નિ સંસ્કાર થઈ શક્યા ન હતા.

અર્ધા સળગેલા શબમાં દુર્ગંધયુક્ત કીટાણુ થવા લાગ્યા હતા. જે લોકો અસ્થિની રાહ જોતા હતા એ પણ થાકી ગયા હતા.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ ઘટના થોડાં વર્ષ પહેલાં તામિલનાડુના ઈરોડ જિલ્લાના કૌંડપ્પડીમાં બની હતી.

માત્ર કૌંડપ્પડીમાં જ નહીં, વરસાદના દિવસોમાં બીજા કેટલાંક ગામોમાં પણ આવી હાલત હતી. એ પછી સર્વ ગ્રામ અન્ન પુનરુદ્ધાર યોજના હેઠળ તમામ પંચાયતોનાં સ્મશાનોમાં સુધારા કરવામાં આવ્યા હતા અને તેમાં શેડ બાંધવામાં આવ્યા હતા.

જોકે, કેટલાંક સ્મશાનમાં છત હલબલવાને કારણે તથા યોગ્ય દેખભાળના અભાવે લાકડાં પલળી જવાની સમસ્યા ફરીથી સર્જાઈ હતી અને શબો સંપૂર્ણ રીતે સળગી શક્યાં ન હતાં. બાદમાં શબોને દાહ સંસ્કાર માટે શહેરી સ્મશાનોમાં લઈ જવામાં આવતાં હતાં, પરંતુ કેટલાક ગ્રામજનો માટે આ કામ બહુ જટિલતાભર્યું છે.

મોબાઈલ સ્મશાન કેવી રીતે આકાર પામ્યું?

બીબીસી ગુજરાતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કોરોના મહામારી દરમિયાન સરકારે દર્દીઓના મૃતદેહોને દફનાવી દીધા હતા, પરંતુ મૃતદેહોના નિકાલ માટેની જગ્યા શોધવા તેમણે ઘણી મહેનત કરવી પડી હતી.

દરેક જગ્યાએ લાકડાની અછત હતી. એ ઉપરાંત અગ્નિદાહ કે દફન વિના મૃતદેહો રઝળતા રહે તેવો માહોલ સર્જાયો હતો. સ્મશાનમાં દહનનો સમય જ ન હોય તેવી પરિસ્થિતિ પણ સર્જાઈ હતી.

આ બધી બાબતોને ધ્યાનમાં લેતાં લોકોને મૃતકોના અગ્નિસંસ્કારની સુવિધા ઘરઆંગણે જ મળી જાય તેવી વ્યવસ્થા કરવાનું સૂચન ઈરોડ ડિસ્ટ્રિક્ટ કોર્પોરેશન અને રોટરી સોસાયટી દ્વારા રચવામાં આવેલા આત્મા મિન્મયન ફાઉન્ડેશનના સ્થાપક ડૉ. સહદેવે કર્યું હતું.

તેઓ પાવર પ્લાન્ટમાં ભસ્મીકરણની પ્રક્રિયાથી 2007થી જ વાકેફ હતા. એ પછી ટેકનિકલ વિભાગ સાથે પરામર્શ કરીને તેમણે આવા ઇન્સિનેટર બનાવ્યાં હતાં. મૃતદેહને બાળી શકાય તેવી રીતે ઇન્સિનેટરને ડિઝાઇન કરવામાં આવ્યું હતું. તે ઍમ્બુલન્સમાં લઈ જવામાં આવે છે.

ઇન્સિનેટરની ડિઝાઇનની વાત કરતાં ડૉ. સહદેવે કહ્યું હતું, “મોબાઇલ ઇન્સિનેટરના તળિયે રોટેટિંગ વ્હીલ્સ જોડવામાં આવ્યાં હતાં અને તેને ઢોળાવવાળા લૅન્ડિંગ પ્લૅટફૉર્મ સાથેની ઍમ્બુલન્સની લોખંડની બારીઓ સાથે સાંકળ વડે બાંધી દીધું હતું. તેને ઑટોમેટિક મોટર સાથે ધીમે-ધીમે નીચે લાવવામાં આવે છે. ઇન્સિનેટર વજનદાર છે, પરંતુ તેને સલામતીપૂર્વક નીચે લાવી શકાય એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે.”

પ્રારંભિક પડકારો બાદ મળી સફળતા

બીબીસી ગુજરાતી

ઇન્સિનેટરના પ્રારંભિક પરીક્ષણ દરમિયાન કેવા પડકારોનો સામનો કરવો પડ્યો હતો અને તેમાં કેવી રીતે સુધારા કરવામાં આવ્યા હતા, તેની વાત આત્મા મિન્મયન ફાઉન્ડેશનના સેક્રેટરી વી. કે. રાજમણિકમે કહ્યું હતું, “સૌપ્રથમ મોબાઇલ ઈન્સિનેટરમાં મૃતદેહને રાખ થવામાં બે કલાકનો સમય લાગ્યો હતો. એ બહુ વધુ પડતો સમય હતો.

તેથી અમે ગૅસ ઉપરાંત જેનસેટ ગોઠવી, તેની સાથે વધુ હવાનો ઉપયોગ કરી અને આગની તીવ્રતા વધારી હતી. આ રીતે મૃતદેહને બળીને રાખ થવાનો સમય બે કલાકથી ઘટીને એક કલાક થયો હતો. આ મશીનની મદદથી એક કલાકમાં એક મૃતદેહના દાહ સંસ્કાર કરી શકાય છે અને અસ્થિ મૃતકનાં સગાંસંબંધીઓને આપી શકાય છે.”

“મૃતકોની ઇચ્છાપૂર્તિ થાય છે”

બીબીસી ગુજરાતી

મૃતકોની ભાવનાનો આદર કરવામાં આવે છે, એમ જણાવતાં વી. કે. રાજમણિકમે કહ્યું હતું, “મોટા ભાગના વૃદ્ધ લોકોની ઇચ્છા તેઓ જ્યાં રહેતા હોય ત્યાં જ તેમની દફનવિધિ કે અગ્નિ સંસ્કાર થાય તેવી હોય છે. દાખલા તરીકે, 80 વર્ષના એક વૃદ્ધ લાંબા સમયથી બગીચામાં રહેતા હતા. તેમણે આકરી મહેનત કરીને બગીચો વિકસાવ્યો હતો. વૃક્ષો ઉગાડવા બાબતે તેઓ બહુ ઉત્સાહી હતા.”

“આ પરિસ્થિતિમાં તેમના મૃતદેહને બગીચામાં જ અગ્નિદાહ આપવામા આવે તો ધુમાડો બગીચામાં અને વૃક્ષોમાં ફરી વળે. અમને આશા છે કે તેમ કરવાથી તેમને શાંતિ મળશે. તેથી ગામડાનાં સ્મશાનોમાં જ નહીં, પરંતુ કોઈ મૃતકના અગ્નિ સંસ્કાર તેમના બગીચામાં કરવાનું કહેવામાં આવે તો અમે આ મોબાઇલ ઈલેક્ટ્રિક સ્મશાન વડે તેમના અગ્નિસંસ્કાર એ સ્થળે પણ કરીએ છીએ અને એક કલાકમાં અસ્થિ તેમને પહોંચાડી દઈએ છીએ,” એમ વી. કે. રાજમણિકમે કહ્યું હતું.

‘યોગ્ય સમયે મદદ’

બીબીસી ગુજરાતી

ઈરોડના કૌંદપડ્ડીનાં સરોજિનીએ પણ આ સુવિધાનો લાભ લીધો હતો. બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું, “ગત ચોથી ડિસેમ્બરે મારા સસરાનું અવસાન થયું હતું. રાતના દસ વાગી ગયા હતા. મૃતદેહને સ્મશાને લઈ જવાનું મુશ્કેલ હતું. વરસાદની આગાહી પણ હતી. તેથી અમે મોબાઇલ સ્મશાન બોલાવ્યું હતું. રાતે દસ વાગ્યે વરસતા વરસાદમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.”

“અમારા ગામમાં સામાન્ય રીતે મૃતદેહને દફનાવવામાં આવે છે, પરંતુ આ મશીનને લીધે અમને કોઈ મુશ્કેલી થઈ ન હતી. અમને તેનો ઉપયોગ કરતા જોઈને નલ્લીકુંડનુર ગામના લોકોએ પણ તેમના પરિવારજનો કે સગાંસંબંધીના મૃત્યુના કિસ્સામાં આ વાહનનો ઉપયોગ શરૂ કર્યો છે.”

કાશીમાં અગ્નિ સંસ્કારની વ્યવસ્થા

બીબીસી ગુજરાતી

મોબાઇલ સ્મશાન વિશેના પોતાના અનુભવની વાત કરતાં ઈરોડના વેલિયાંગિરીએ કહ્યું હતું, “મારાં માતાનું અવસાન થયું ત્યારે અમે તેમના અગ્નિ સંસ્કાર અહીં જ કર્યા હતા. મોબાઇલ સ્મશાન માટે શરૂઆતમાં રૂ. 7,500થી રૂ. 9,000 ચાર્જ કરવામાં આવતા હતા, પરંતુ બાદમાં ગરીબ લોકોને ધ્યાનમાં રાખીને તેઓ દિવસ દરમિયાન રૂ. 5,000 અને રાતે રૂ. 6,000 ચાર્જ કરે છે.

એ ઉપરાંત ગરીબ લોકો તેમનાં માતાપિતાના અસ્થિનું વિસર્જન કાશીમાં કરવા ઇચ્છતા હોય તો અલગ ચાર્જ લઈને તેની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે. કાશીમાં અસ્થિ વિસર્જનની પ્રક્રિયા પરિવારજનો વૉટ્સઍપ વીડિયો કોલ દ્વારા નિહાળી શકે છે. એ બહુ જ ઉપયોગી છે.”

ખર્ચ પણ ઓછો છે

બીબીસી ગુજરાતી

રોટરી ક્લબના આત્મા મિન્મયન ટ્રસ્ટના પ્રમુખ વી. રાજમણિકમે કહ્યું હતું, “કોઈ વ્યક્તિનું અવસાન થાય ત્યારે તેના પરિવાર પર મોટો ખર્ચ આવી પડે છે. તે ઘણી વાર અણધાર્યો ખર્ચ હોય છે. મૃતક વ્યક્તિ પરિવારમાં કમાતી એક જ વ્યક્તિ હોય તો પરિવારનું ભાવિ અને આર્થિક સ્થિતિ અસ્થિર થઈ જાય છે.”

“એવા સમયે 30થી 100-200 લોકોને સ્મશાને લઈ જવા માટે વાન કે બસ ભાડે લેવાનો ખર્ચ વધારાનો બોજ બને છે. એક મોબાઇલ ક્રિમેશન વાહન એવો બોજ કરવા તેમના ઘરે જાય છે. ઈરોડ આત્મા મંદિરથી દસ કિલોમીટર સુધીના વિસ્તારમાં આ માટે માત્ર રૂ. 5,000 ચાર્જ કરવામાં આવે છે. એ પછી પ્રતિ કિલોમીટર રૂ. 20 લેખે ચાર્જ વસૂલવામાં આવે છે અને રાત્રે અગ્નિદાહ માટે વધારાના રૂ. 1,000 ચાર્જ કરવામાં આવે છે. ખર્ચની દૃષ્ટિએ તે બહુ સસ્તું અને આધુનિક છે,” એમ તેમણે કહ્યું હતું.

બીજી કઈ સુવિધા ઉપલબ્ધ છે?

બીબીસી ગુજરાતી

મોબાઇલ સ્મશાનમાં ઉપલબ્ધ બીજી સુવિધાઓની વાત કરતાં આત્મા ફાઉન્ડેશનના ખજાનચી સર્વણને કહ્યું હતું, “મૃતદેહને ગૅસ અને જેનસેટથી અગ્નિદાહ આપવા ઉપરાંત રાત્રે બગીચામાં અગ્નિસંસ્કાર કરવામાં આવે ત્યારે પ્રકાશ ઓછો હોય છે. તેથી વધુ પ્રકાશ આપી શકે તેવા દીવડાની વ્યવસ્થા છે. સ્પીકર્સની સુવિધા પણ છે.”

“અંતિમ સંસ્કાર વખતે ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં શાતાદાયક ગીત વગાડવામાં આવે છે. એક બાજુ સીસીટીવી કૅમેરા પણ લગાવવામાં આવ્યો છે. મૃતકના કોઈ પરિવારજન ઉશ્કેરાટમાં આવીને મશીનને સ્પર્શ ન કરે એટલા માટે મશીન ઑપરેટર તેનું રક્ષણ કરે છે,” એમ તેમણે કહ્યું હતું.

પર્યાવરણને પણ અનુકૂળ

બીબીસી ગુજરાતી

આ મશીન પર્યાવરણને પણ અનુકૂળ હોવાનું સમજાવતાં ડૉ. સહદેવે કહ્યું હતું, “છાણાં, લાકડાં વગેરેથી અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે ત્યારે થતા ધુમાડાને લીધે પર્યાવરણમાં વ્યાપક પ્રદૂષણ થાય છે, પરંતુ આ મશીન પ્રમાણમાં ઓછા ધુમાડા સાથે મૃતકના અગ્નિસંસ્કારમાં અને આત્માની સંતુષ્ટિમાં મદદ કરે છે. માત્ર ગામડાના લોકો જ નહીં, અગ્નિ સંસ્કાર માટે પર્વતો પરથી ન આવી શકતા લોકો માટે પણ અમારું મશીન ઉપલબ્ધ છે.”

દરેક ગામમાં રોટરી સોસાયટી કાર્યરત છે. સરકારના સહયોગથી આવી કાર્યવાહી હાથ ધરવામાં આવે તો માત્ર ઈરોડ જ નહીં, તમામ જિલ્લામાં અને ખાસ કરીને સમગ્ર દેશમાં લોકોને આ સુવિધાનો લાભ મળી શકે.

સામાન્ય રીતે દર્દી માટે ઘર સુધી આવતી ઍમ્બુલન્સની માફક ઘર સુધી આવતી તમામ સેવાઓ લોકોમાં લોકપ્રિય બની રહી છે. એવી જ રીતે ઈ-સેમેટરી પણ લોકપ્રિય છે. લોકોના પૈસા, સમય અને પ્રવાસ ખર્ચની બચત કરતા આ મશીનનો લાભ સમગ્ર દેશમાં લોકો લઈ શકે એ માટે સરકારે મદદ કરવી જોઈએ, એવો અનુરોધ ડૉ. સહદેવે કર્યો હતો.