પેટીએમે કરેલી ભૂલો જેણે તેને મુશ્કેલીમાં મૂક્યું, આ સંકટ કેટલું ગંભીર છે?

રિઝર્વ બેન્કે પેટીએમને એક ઓડિટ ફર્મની નિમણૂંક કરવાનો આદેશ આપ્યો છે, જેથી ગડબડની માહિતી મેળવી શકાય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રિઝર્વ બેન્કે પેટીએમને એક ઓડિટ ફર્મની નિમણૂંક કરવાનો આદેશ આપ્યો છે, જેથી ગડબડની માહિતી મેળવી શકાય
    • લેેખક, દીપક મંડલ
    • પદ, બીબીસી સંવાદદાતા

પહેલાં બાયજૂઝ અને હવે પેટીએમ, અર્થતંત્રના ઝળકતા સિતારા કહેવાતા આ બન્ને સ્ટાર્ટ-અપ્સ કેમ વધુને વધુ મુશ્કેલીમાં ફસાઈ રહ્યાં છે?

પેટીએમ તાજેતરના સમયમાં ભારતીય સ્ટાર્ટ-અપ્સની સફળતાનું સૌથી મોટું ઉદાહરણ હતી, પરંતુ હવે આ પેમેન્ટ્સ બૅન્ક બંધ થવાના આરે આવી ગઈ છે.

ભારતમાં ડિજિટલ ઇકોનૉમીની ગતિ પર સવાર આ સ્ટાર્ટ-અપની સફળતાની કહાણી હવે નબળી પડી રહી હોવાનું કારણ આખરે શું છે?

ભારતમાં સ્ટાર્ટ-અપ્સની સફળતામાં રસ ધરાવતા લોકોના મનમાં આજે આવા જ સવાલ થઈ રહ્યા છે.

પહેલાં પેટીએમની વાત કરીએ. પેટીએમની પેમેન્ટ્સ બૅન્ક નિયમોના ઉલ્લંઘન સંબંધી મામલામાં ફસાઈ ગઈ છે. કેવાયસીના વ્યાપક ઉલ્લંઘનને કારણે પેટીએમમાં મની લૉન્ડરિંગની શંકા સર્જાઈ છે.

એ શંકાને કારણે રિઝર્વ બૅન્કે પેટીએમ પેમેન્ટ્સ બૅન્કની મોટાભાગની કામગીરી પર પ્રતિબંધ લાદ્યો છે.

પેટીએમ પેમેન્ટ્સ બૅન્કને પહેલી માર્ચ, 2024થી નવી ડિપૉઝીટ લેવાની, ફંડ ટ્રાન્સફરની અને નવા ગ્રાહક બનાવવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

રિઝર્વ બૅન્કે પેટીએમને એક ઑડિટ ફર્મની નિમણૂક કરવાનો આદેશ આપ્યો છે, જેથી ગડબડની માહિતી મેળવી શકાય.

પેટીએમ પેમેન્ટ્સ બૅન્કમાં અનેક ગડબડ હોવાનું બહાર આવ્યું છે. આ મામલાના જાણકાર લોકોના જણાવ્યા મુજબ, તેના લાખો અકાઉન્ટ્સમાં કેવાયસી કરવામાં આવ્યું ન હતું.

લાખો અકાઉન્ટનું પેન વેલિડેશન ફેઈલ થઈ ગયું હતું અને હજારો અકાઉન્ટ્સનો પેન નંબર એક જ હતો.

પેટીએમનો સિતારો કેવી રીતે ચમક્યો અને ઝાંખો પડ્યો?

વાસ્તવમાં પેટીએમની સમસ્યા 2022માં તેનો આઈપીઓ લોન્ચ થયા પછી જ શરૂ થઈ ગઈ હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વાસ્તવમાં પેટીએમની સમસ્યા 2022માં તેનો આઈપીઓ લોન્ચ થયા પછી જ શરૂ થઈ ગઈ હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પેટીએમે તેનું કામકાજ 2010માં શરૂ કર્યું હતું, પરંતુ નરેન્દ્ર મોદી સરકારે નવેમ્બર-2016માં નોટબંધીની જાહેરાત કરી ત્યારથી તેની વૉલેટ સર્વિસને વેગ મળ્યો હતો.

નોટબંધી દરમિયાન સમગ્ર દેશમાં રૂ. 500 અને રૂ. 1000ની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવી હતી.

એ દરમિયાન કેશલેસ ટ્રાન્ઝેક્શને વેગ પકડ્યો હોવાનો સૌથી મોટો લાભ પેટીએમની પેરન્ટ કંપની વન97 કમ્યુનિકેશન કંપનીને થયો હતો.

પેટીએમ ટૂંક સમયમાં જ ભારતમાં ડિજિટલ પેમેન્ટ સર્વિસનો 'પોસ્ટર બોય' બની ગઈ હતી અને દેશના ખૂણેખૂણે 'પેટીએમ કરો'નો અવાજ ગૂંજવા લાગ્યો હતો.

રિઝર્વ બૅન્કના આકરા રેગ્યુલેશનને કારણે અનેક કંપનીઓ પોતાના લાયસન્સ સરેન્ડર કરીને આ બિઝનેસમાંથી બહાર નીકળી રહી છે, એવો સવાલ પત્રકારોએ મે, 2016માં પેટીએમ પેમેન્ટ્સ બૅન્કના લૉન્ચિંગ વખતે તેના સ્થાપક વિજય શેખર શર્માને પૂછ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે કોઈ અડચણ નહીં આવે ત્યાં સુધી પેટીએમનો શાનદાર પ્રવાસ ચાલુ રહેશે.

પેટીએમ પેમેન્ટ્સ બૅન્કને જાન્યુઆરી, 2017માં લાઇસન્સ મળ્યું હતું અને એ જ વર્ષે મેમાં તેણે કામકાજ શરૂ કરી દીધું હતું.

એ દરમિયાન ચીનની વિરાટ ટેકનૉલૉજી કંપની અલીબાબા અને જાપાની રોકાણકાર કંપની સૉફ્ટબૅન્કના ફંડિંગને લીધે પેટીએમની પેરન્ટ કંપની વન97 કમ્યુનિકેશન ફાઅનાન્શિઅલ સેક્ટરની અત્યંત શક્તિશાળી કંપની બની ગઈ હતી.

જોકે, સાત વર્ષ પછી જ પેટીએમની શાનદાર સફળતાના માર્ગમાં અડચણ આવી.

વાસ્તવમાં પેટીએમની સમસ્યા 2022માં તેનો આઈપીઓ લૉન્ચ થયા પછી જ શરૂ થઈ ગઈ હતી.

માર્ચ, 2022માં તેનો આઈપીઓ લૉન્ચ થયાના થોડા દિવસોમાં તેના શેરનો ભાવ રૂ. 2150ની લિસ્ટિંગ પ્રાઈસથી ઘટીને એક ચતુર્થાંશ થઈ ગયો હતો.

એ સમયે પણ રિઝર્વ બૅન્કે પેટીએમની પેમેન્ટ્સ બૅન્કને નવા ગ્રાહકો બનાવવા તાત્કાલિક અસરથી મનાઈ ફરમાવી હતી.

પેમેન્ટ્સ બૅન્કે અલીબાબાને મહત્ત્વની માહિતી લીક કરી હોવાનું કહેવામાં આવતું હતું. એ સમયે પેટીએમમાં અલીબાબાની 27 ટકા ભાગીદારી હતી.

હવે ફરીવાર પેટીએમના શેરના ભાવમાં ધડાધડ ઘટાડો થઈ રહ્યો છે. સોમવારે પેટીએમના શેરનો ભાવ રૂ. 761થી ઘટીને રૂ. 438 પર પહોંચી ગયો હતો. છેલ્લી ત્રણ સેશનમાં આ ઘટાડો જોવા મળ્યો હતો.

રિઝર્વ બૅન્કની કાર્યવાહી પછી પેટીએમની પેરન્ટ કંપની વન97 કમ્યુનિકેશન સતત આપદા પ્રબંધન કરી રહી છે.

કંપની પર મની લૉન્ડરિંગની આરોપના સમાચાર આવ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) કંપનીમાં તપાસ કરી શકે છે. જોકે, વન97 કમ્યુનિકેશને આ સમાચારને પાયાવિહોણા ગણાવ્યા છે.

બાયજૂસની પ્રગતિ અને અધોગતિ કેવી રીતે થઈ?

નાણાકીય વર્ષ 2021-22માં બાયજૂસને રૂ. 5298.43 કરોડની આવક થઈ હતી, પરંતુ રૂ. 8245 કરોડની ખોટ થઈ હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નાણાકીય વર્ષ 2021-22માં બાયજૂસને રૂ. 5298.43 કરોડની આવક થઈ હતી, પરંતુ રૂ. 8245 કરોડની ખોટ થઈ હતી

અધોગતિની બીજી કહાણી એડટેક કંપની બાયજૂસ સાથે જોડાયેલી છે. એક સમયે ભારતની સૌથી સફળ સ્ટાર્ટ-અપ ગણાતી આ કંપની અનેક પડકારોનો સામનો કરી રહી છે.

કંપની પાસે રોકડ નથી. એ તેના ફાઇનાન્શિઅલ રિપોર્ટિંગમાં વિલંબ કરી રહી છે અને તેના કરજદારોના ઝઘડામાં ફસાયેલી છે. 2022માં કંપની 22 અબજ ડૉલરની હતી, પરંતુ હવે તેની કિંમતમાં 99 ટકા ઘટાડો થયો છે.

નાણાકીય વર્ષ 2021-22માં બાયજૂસને રૂ. 5298.43 કરોડની આવક થઈ હતી, પરંતુ રૂ. 8245 કરોડની ખોટ થઈ હતી. ખર્ચ 94 ટકા વધીને રૂ. 13,668 કરોડના સ્તરે પહોંચી ગયો હતો.

અહેવાલો મુજબ, રોકાણકારોને એ વાતની ચિંતા છે કે કંપની બચી રહે, જેથી તેમના કેટલાક પૈસા વસૂલ થઈ શકે. કંપનીના સ્થાપક બાયજૂ રવીંન્દ્રન તેમનું પદ ન ગૂમાવી બેસે તેનો ડર પણ તેમને છે.

આ બધી મુશ્કેલીઓની વચ્ચે બાયજૂસ સામે આઈટી સર્વિસ કંપની સર્ફર ટેકનૉલૉજીએ નવેસરથી એનએસએલટીમાં દેવાળાની પ્રક્રિયા આગળ વધારવાની અપીલ કરી છે.

2020માં કોરોના મહામારી વખતે દેશવ્યાપી લૉકડાઉન દરમિયાન સ્કૂલ-કૉલેજ બંધ થઈ ગયા હતા ત્યારે બાયજૂસની સફળતાએ જબરો વેગ પકડ્યો હતો.

વિદ્યાર્થીઓએ ઑનલાઇન ભણવાનું શરૂ કર્યું અને કંપનીએ એક જ વર્ષમાં એક અબજ ડૉલરથી વધુ મૂડી એકઠી કરી લીધી હતી. એ દરમિયાન બાયજૂસની અનેક પ્રતિસ્પર્ધી કંપનીઓ માર્કેટમાંથી ફેંકાઈ ગઈ હતી.

એ સમયગાળામાં બાયજૂસે એક પછી એક અનેક કંપની હસ્તગત કરી હતી. કંપનીએ તેના ખર્ચમાં પણ અનેક ગણો વધારો કર્યો હતો. એક સમયે બાયજૂસ ભારતીય ટીવી ચેનલો પર કદાચ સૌથી વધુ જોવા મળતી બ્રાન્ડ્સમાં સામેલ થઈ ગઈ હતી.

પેટીએમ અને બાયજૂસે શું ભૂલ કરી?

પેટીએમે રિઝર્વ બેન્કના કેટલાક નિયમોનું પાલન કર્યું નથી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પેટીએમે રિઝર્વ બેન્કના કેટલાક નિયમોનું પાલન કર્યું નથી

પેટીએમ અને બાયજૂસે એવી તે કઈ ભૂલ કરી હતી કે તે આજે મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળે છે.

અર્થશાસ્ત્રી અને સ્ટાર્ટ-અપ ગુરૂ કહેવાતા શરદ કોહલીએ તેનું કારણ સમજાવતાં કહ્યું હતું, "પેટીએમે રિઝર્વ બેન્કના કેટલાક નિયમોનું પાલન કર્યું નથી. બે વર્ષ પહેલાં પેટીએમને પેમેન્ટ્સ બૅન્ક બાબતે કેટલાક સવાલ કરવામાં આવ્યા હતા."

"કંપનીએ તેનો જવાબ આપ્યો ન હતો. જે ચેતવણી આપવામાં આવી હતી એ મુજબ કંપનીમાં કોઈ સુધારો કર્યો ન હતો. તેનું પરિણામ કંપની આજે ભોગવી રહી છે."

બાયજૂસની નિષ્ફળતાનું કારણ સમજાવતાં તેમણે કહ્યું હતું, "બાયજૂસનું મોડેલ વધુ પડતું મહત્વાકાંક્ષી થઈ ગયું હતું. તેણે એક પછી એક કંપની હસ્તગત કરવાનું શરૂ કર્યું હતું અને રોકાણકારોએ પણ તેમાં નાણાં રોક્યા હતા."

"કંપનીનું વેલ્યુએશન પણ 22-23 અબજ ડૉલરની નજીક પહોંચી ગયું હતું, પરંતુ કંપની એ ભૂલી ગઈ કે તેનું જે ઑપરેશન મોડેલ હતું તે કોવિડ દરમિયાનનું મોડેલ હતું."

તેમણે ઉમેર્યું હતું, "કોવિડ પછી બાળકો સ્કૂલે જવા લાગ્યા હતા અને ક્લાસરૂમમાં અભ્યાસ કાર્ય શરૂ થઈ ગયું હતું. બાળકોએ ઑનલાઇન અભ્યાસ કરવાનું છોડી દીધું હતું. કંપનીને એવું લાગતુ હતું કે બાળકો હવે કદાચ ક્યારેય સ્કૂલમાં જશે નહીં."

"ઑનલાઇન અભ્યાસનું પ્રમાણ ઘટવાની સાથે જ કંપનીની ખોટ પણ શરૂ થઈ હતી. બીજી તરફ એ દરમિયાન કંપનીએ પોતાના ખર્ચમાં પણ વધારો કર્યો હતો."

તેમના કહેવા મુજબ, "એક સડેલી માછલી આખા તળાવને ગંદુ કરતી હોય છે. ભારતમાં 1,15,000 સ્ટાર્ટ-અપ્સ છે. અમેરિકા અને ચીન પછી સૌથી મોટી સ્ટાર્ટ-અપ ઇકો સિસ્ટમ ભારતમાં છે."

"કેટલાંક સ્ટાર્ટ-અપ ચમકે છે. કેટલાકનું કદ વધે છે અને પેટીએમ જેવા કેટલાંક સ્ટાર્ટ-અપ તેની કામગીરીને લીધે સવાલોના ઘેરામાં આવી જાય છે."

એન્જલ ઇન્વેસ્ટર મોડેલના ટીકાકાર ડૉ. અનિરૂદ્ધ માલપાનીના કહેવા મુજબ, બાયજૂસ અને પેટીએમના મુશ્કેલીમાં ફસાવાના કારણો અલગ-અલગ છે.

તેમણે કહ્યું હતું, "બાયજૂસે શરૂઆતમાં બહુ મિસ-સેલિંગ કર્યું હતું. તેના બિઝનેસ મોડેલમાં મૌલિકતા ન હતી. તે ખાન એકૅડેમીનું કૉપી-પેસ્ટ મોડેલ હતું. ફરક એટલો હતો કે બાયજૂસ સ્ટુડન્ટ્સને ટેબ્લેટ આપતી હતી."

તેમણે ઉમેર્યું હતું, "એ પછી તેમાં રોકાણકારો કૂદી પડ્યા હતા. એક રોકાણકારે તેનું રોકાણ બમણું, બીજાએ ચારગણું કર્યું. ગાડરિયો પ્રવાહ શરૂ થઈ ગયો."

"દરેક રોકાણકાર બીજાને જોઈને, એવું વિચારીને રોકાણ કરતો હતો કે બધા રોકાણ કરી રહ્યા છે તો આ સાહસ નિશ્ચિત રીતે સફળ થશે, પરંતુ કંપનીનું ઓપરેશન મોડેલ ફેઈલ થઈ ગયું અને રોકાણકારોના પૈસા ફસાઈ ગયા."

પેટીએમે થોડા સમય સુધી બહુ સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ ધીમે-ધીમે એ પણ સંકટમાં ફસાઈ ગઈ. પેટીએમની પેરન્ટ કંપની મુશ્કેલીમાં કેવી રીતે ફસાઈ?

માલપાણીએ કહ્યું હતું, "પેટીએમ રેગ્યુલેશનના સંદર્ભમાં બહુ સંવેદનશીલ છે એવા સેક્ટરમાં કામ કરતી હતી. તેનો અર્થ એ થાય કે તે સેક્ટરમાં નિયમ, કાયદાના પાલન પર રિઝર્વ બેન્કની ચાંપતી નજર રહેતી હોય છે."

"ફિનટેક કંપનીઓએ રિઝર્વ બેન્કના બધા નિયમોનું પાલન કરવું પડે છે. પેટીએમે નિયમોનું પાલન ન કર્યું અને રિઝર્વ બૅન્કની નજરમાં સપડાઈ ગઈ. ત્યાંથી તેની સમસ્યા શરૂ થઈ."

માલપાણીના જણાવ્યા અનુસાર, બાયજૂસના મામલામાં નિયમનકર્તા એટલે કે શિક્ષણ મંત્રાલય અને ઈ-કૉમર્સ મંત્રાલયે કોઈ કાર્યવાહી કરી નહીં. અન્યથા બાયજૂસ આટલા મોટા પ્રમાણમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરી શકી ન હોત. જે સમયે આ બધું થઈ રહ્યું હતું ત્યારે શિક્ષણ મંત્રાલય ઊંઘતું હતું.

બાયજૂસને તેના ખોટા રેવેન્યૂ મોડેલને લીધે નિષ્ફળતા મળી.

પત્રકાર અને રિસર્ચ કંપની મૉર્નિંગ કૉન્ટેક્સ્ટના સ્થાપક પ્રદીપ સાહાએ કહ્યું હતું, "બાયજૂસની વ્યવસ્થામાં એક મુશ્કેલી હતી. તેનું રેવેન્યૂ મોડેલ યોગ્ય ન હતું. બિઝનેસ મોડેલમાં પણ ખામી હતી."

"કંપનીની સેલ્સ સ્ટ્રેટેજી યોગ્ય ન હતી. કંપની મિસ-સેલિંગ કરતી હતી. તે તેની ક્ષમતાથી વધુ કંપની હસ્તગત કરતી હતી. એ કંપનીઓ ખરીદવા માટે બહુ બધા પૈસાની જરૂર હતી. તેથી કંપનીએ 1.2 અબજ ડૉલરની લોન લીધી હતી અને આખરે લોન ચૂકવવાનું તેને ભારે પડવા લાગ્યું હતું."

ભારતમાં સ્ટાર્ટ-અપ સિસ્ટમ

કંપનીના સ્થાપક બાયજૂ રવીંન્દ્રન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કંપનીના સ્થાપક બાયજૂ રવીંન્દ્રન

પેટીએમ અને બાયજૂસ મુશ્કેલીમાં ફસાઈ એ પછી કેટલાક લોકોએ દેશની સ્ટાર્ટ-અપ સિસ્ટમ બાબતે શંકા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે દેશમાં આ સિસ્ટમ નિષ્ફળ સાબિત થઈ રહી છે.

જોકે, નિષ્ણાતો આ પ્રકારની આશંકાઓને ધરમૂળથી ફગાવી દે છે.

સ્ટાર્ટ-અપ ગુરૂ કહેવાતા શરદ કોહલીએ કહ્યું હતું, "એક-બે સ્ટાર્ટ-અપ કંપનીની નિષ્ફળતાને સમગ્ર સિસ્ટમની નિષ્ફળતા ગણાવી શકાય નહીં. એવાં ઘણાં સફળ સ્ટાર્ટ-અપ્સ છે, જે ભારતમાં અને પરદેશમાં પણ મજબૂત શાખ બનાવી રહ્યા છે."

તેમણે કહ્યું હતું, "સ્ટાર્ટ-અપ બિઝનેસમાં સફળતાનો દર 30-40 ટકા જ હોય છે. 60થી 70 ટકા સ્ટાર્ટ-અપ્સ નિષ્ફળ રહેતા હોય છે, પરંતુ મોટા તથા સારા સ્ટાર્ટ-અપ્સ સફળતાપૂર્વક બિઝનેસ કરતા હોય છે અને મોટી સંખ્યામાં લોકોને રોજગાર પણ આપતા હોય છે."

તેમણે ઉમેર્યું હતું, "પેટીએમ અને બાયજૂસ જેવા સ્ટાર્ટ-અપ પણ વચ્ચે આવી જાય છે, જે ઇરાદાપૂર્વક કે ખોટી મસ્તીને લીધે પોતાના પગ પર કુહાડો મારતા હોય છે. તેમાં ભારતની સ્ટાર્ટ-અપ ઇકો સિસ્ટમની થોડી બદનામી થાય છે, પરંતુ ભારતની સ્ટાર્ટ-અપ સિસ્ટમ અને ઉદ્યોગસાહસિક મિજાજ મજબૂત છે. એક-બે સ્ટાર્ટ-અપના ખરાબ કામથી તેને કશું નુકસાન થવાનું નથી."

ભારતના સ્ટાર્ટ-અપ ધરાશયી થઈ જવાની આશંકાને અનિરુદ્ધ માલપાણી પાયાવિહોણી ગણાવે છે.

તેમણે કહ્યુ હતું, "જે રીતે તમામ લગ્નનો અંત છૂટાછેડામાં નથી આવતો એવી જ રીતે તમામ સ્ટાર્ટ-અપની હાલત ખરાબ થતી નથી. વેન્ચર કેપિટલ કંપનીઓએ મોટા પ્રમાણમાં રોકાણ કર્યું હતું, જે બહુ લાલચુ હતાં, જેમણે બહુ લોન લીધી હતી અને થોડા સમયમાં ઢગલો પૈસા કમાવાનો પ્રયાસ કર્યો હતો, એવાં સ્ટાર્ટ-અપ્સ નિષ્ફળ રહ્યાં છે."

"તમે ઢગલો પૈસા કમાવાના પ્રયાસ કરો ત્યારે તેના પ્રમાણમાં નુકસાન પણ થતું હોય છે અને સમસ્યાની શરૂઆત અહીંથી થાય છે."

તેમણે ઉમેર્યું હતું, "અનેક સ્ટાર્ટ-અપ્સ રોકાણકારો પાસેથી પૈસા લે છે અને કહે છે કે તેઓ એ પૈસા બમણા-ચાર ગણા કરી આપશે. એ માટે તેમણે અનેક વચનો આપવાં પડે છે અને તેનું પાલન થતું નથી."

"આવાં સ્ટાર્ટ-અપ્સના અડધોઅડધ નાણાં જાહેરાત, માર્કેટિંગ અને પ્રેસ રિલીઝમાં જ ખર્ચાઈ જાય છે. તેનાથી વપરાશકર્તા માટે કોઈ મૂલ્યવર્ધન થતું નથી. તેથી આખો મામલો વેલ્યૂનો નહીં, પરંતુ વેલ્યૂએશનનો બની જાય છે."

અનિરુદ્ધ માલપાણીના જણાવ્યા મુજબ, તેઓ સ્ટાર્ટ-અપ્સ બાબતે બહુ આશાવાદી છે. રોકાણકારો અને આ કંપનીઓની સેવા લેતા લોકો હવે સવાલ પૂછવા લાગ્યા છે. તેઓ પરિપકવ થઈ ગયા છે. તેમને મૂર્ખ બનાવવાનું આસાન નથી. તેઓ આવી કંપનીઓને પૂછે છે કે તમે એવું શું કરવાના છો કે જેથી તમારી હાલત પણ પેટીએમ અને બાયજૂસ જેવી ન થાય.

પ્રદીપ સાહા પણ માને છે કે ભારતમાં સ્ટાર્ટ-અપ સિસ્ટમ નહીં, પરંતુ જેમનું બિઝનેસ મોડેલ અયોગ્ય છે એવી સ્ટાર્ટ-અપ કંપનીઓ ફેઈલ થઈ રહી છે.

તેમણે કહ્યુ હતું, "સ્ટાર્ટ-અપ્સ માટે આ પડકારોનો દૌર છે. દુનિયાભરમાં સ્ટાર્ટ-અપ્સને ફંડિગની સમસ્યા નડી રહી છે. સ્ટાર્ટ-અપ કંપનીઓ પર અનેક બાબતોનો પ્રભાવ પડી રહ્યો છે."

તેમણે ઉમેર્યું હતું, "પેટીએમ અને બાયજૂસની નિષ્ફળતા છતાં તમે એવું નહીં કહી શકો કે ભારતમાં સ્ટાર્ટ-અપ ઈકો સિસ્ટમ નિષ્ફળ સાબિત થઈ રહી છે. પેટીએમ અને બાયજૂસ જેવી કંપનીઓએ ભૂલ કરી છે. તેમના સ્થાપકોએ તે ભૂલોનો સ્વીકાર કરીને તેને સુધારવી જોઈએ."

"આ સેક્ટરના લોકોએ ઈતિહાસમાંથી પાઠ ભણવા જોઈએ. ઈતિહાસ એ દર્શાવે છે કે આપણે શું ન કરવું જોઈએ. બાયજૂસ પર નજર કરશો તો સમજાશે કે એડટેકમાં શું કરવાનું ન હતું."