એ 'અંધારી શક્તિ'નું રહસ્ય, જે બ્રહ્માંડને ખતમ કરી શકે છે

    • લેેખક, પલ્લબ ઘોષ
    • પદ, .

ડાર્ક ઍનર્જી (અંધારી શક્તિ) તરીકે ઓળખાતી રહસ્યમય શક્તિ સમય અને અવકાશ વિશેની આપણી હાલની સમજ સામે પડકાર ફેંકે તે રીતે બદલાઈ રહી હોવાનું સૂચવતા તાજેતરના પુરાવાને લઈને વિવાદ વધી રહ્યો છે.

દક્ષિણ કોરિયાની એક ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા વિશ્લેષણે એવો સંકેત આપ્યો છે કે, બ્રહ્માંડના નિરંતર વિસ્તરણને બદલે આકાશગંગાઓ ગુરુત્વાકર્ષણ દ્વારા એકસાથે પાછી ખેંચાઈ શકે છે, જેનો અંત ખગોળશાસ્ત્રીઓ જેને "બિગ ક્રન્ચ" કહે છે તેવા ઘટનાક્રમથી આવી શકે છે.

અભ્યાસ સાથે સંકળાયેલા વિજ્ઞાનીઓનું માનવું છે કે, તેઓ ખગોળશાસ્ત્રમાં આ પેઢીની સૌથી મોટી શોધ કરવાના માર્ગ પર છે. અન્ય ખગોળશાસ્ત્રીઓએ આ તારણો સામે સવાલો ઉઠાવ્યા છે, પણ આ ટીકાકારો દક્ષિણ કોરિયાની ટીમના દાવાને સદંતર રીતે ફગાવી શક્યા નથી.

ડાર્ક ઍનર્જી શું છે?

ખગોળશાસ્ત્રીઓનું અગાઉ એવું માનવું હતું કે, આશરે 13.8 અબજ વર્ષ પહેલાં બિગ બૅંગ સાથે શરૂ થયેલું બ્રહ્માંડનું વિસ્તરણ ગુરુત્વાકર્ષણને કારણે ક્રમશઃ ધીમું પડવું જોઈએ. તે પછી 1998માં બ્રહ્માંડના વિસ્તરણને ગતિ આપનારા બળ તરીકે ડાર્ક ઍનર્જીનો પુરાવો મળ્યો.

સુપરનોવા તરીકે ઓળખાતા અત્યંત તેજસ્વી વિસ્ફોટિત તારાઓના અભ્યાસ પરથી માલૂમ પડ્યું કે, દૂરની આકાશગંગાઓ ધીમી પડવાને બદલે વાસ્તવમાં ઝડપથી એકબીજાથી દૂર જઈ રહી હતી.

કેટલીક થિયરીઓ સૂચવતી હતી કે, આ સતત ગતિ કરતું બ્રહ્માંડ તારાઓને એટલા દૂર સુધી ફેલાવી શકે છે કે, રાતના સમયે આકાશમાં લગભગ કશું દેખાશે નહીં. તેનાથી વધુ ચોંકાવનારી વાત એ છે કે, અંતે તે એક "બિગ રિપ"માં પરમાણુઓને પણ અલગ કરી શકે છે.

ગત માર્ચ મહિનામાં એરિઝોનાના રણમાં આવેલા ટૅલિસ્કૉપ પર લગાવવામાં આવેલા ડાર્ક ઍનર્જી સ્પેક્ટ્રોસ્કોપિક ઇન્સ્ટ્રુમેન્ટ (ડેસી) નામના ઉપકરણમાંથી મળેલાં અનપેક્ષિત પરિણામો સાથે આ વિવાદ છેડાયો હતો.

ડાર્ક ઍનર્જી વિશે વધુ જાણકારી મેળવવા માટે 'ડેસી' બનાવવામાં આવ્યું હતું. તેણે લાખો આકાશગંગાઓની ગતિવૃદ્ધિને અત્યંત બારીકાઈથી ટ્રેક કરી, પણ ખગોળશાસ્ત્રીઓને તેની પાસેથી મળેલાં પરિણામોની ધારણા નહોતી.

ડેસી પ્રોજેક્ટ સાથે સંકળાયેલા યુનિવર્સિટી કૉલેજ લંડનના પ્રોફેસર ઓફેર લેહાવના જણાવ્યા પ્રમાણે, ડેટા પરથી એવો સંકેત મળ્યો કે, આકાશગંગાઓની ગતિવૃદ્ધિ (ત્વરણ)માં સમય વીતવા સાથે બદલાવ આવ્યો છે, જે આદર્શ ધારણાને અનુરૂપ નથી.

"હવે આ બદલાતી ઍનર્જીમાં વધ-ઘટ થઈ રહી છે, તે જોતાં આપણને એક નવા તંત્રની આવશ્યકતા છે. અને તે સમગ્ર ભૌતિક વિજ્ઞાનમાં મોટો ફેરફાર લાવી શકે છે," તેમ તેમણે જણાવ્યું હતું.

ત્યારબાદ નવેમ્બરમાં 'ધ રોયલ ઍસ્ટ્રોનોમિકલ સોસાયટી' (RAS)એ દક્ષિણ કોરિયન ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલું એક સંશોધન પ્રસિદ્ધ કર્યું હતું, જે ડાર્ક ઍનર્જીની વિશેષતા વધુ જટિલ હોવાનું સમર્થન કરતું જણાય છે.

સિયોલસ્થિત યોનસેઈ યુનિવર્સિટીના પ્રોફેસર યંગ વૂક લી અને તેમની ટીમે 27 વર્ષ પહેલાં ડાર્ક ઍનર્જીનો ખુલાસો કરનારા સુપરનોવા ડેટાનો પુનઃ અભ્યાસ કર્યો હતો. આ તારાકીય વિસ્ફોટોને એક જ પ્રમાણભૂત ચમકવાળા માનવાને બદલે તેમણે તે આકાશગંગાઓની વયને ધ્યાનમાં રાખીને ડેટાને સમાયોજિત કર્યો, જેમાંથી આ વિસ્ફોટ થયો હતો અને સુપરનોવા વાસ્તવમાં કેટલા તેજસ્વી હતા તેની જાણકારી મેળવી.

આ સમાયોજનથી માલૂમ પડ્યું કે, સમય વીતવા સાથે ડાર્ક ઍનર્જીમાં પરિવર્તન આવ્યું છે એટલું જ નહીં, પણ ચોંકાવનારી વાત એ છે કે તેની ગતિ ધીમી પડી છે. પ્રોફેસર લીએ બીબીસી ન્યૂઝને સ્પષ્ટપણે કહ્યું, "બ્રહ્માંડની નિયતિ બદલાઈ જશે. જો ડાર્ક ઍનર્જી સતત ન હોય અને તે નબળી પડી રહી હોય, તો તેનાથી આધુનિક બ્રહ્માંડ વિજ્ઞાનનો સમગ્ર દૃષ્ટિકોણ જ બદલાઈ જશે."

પ્રોફેસર લીનાં પરિણામો સૂચવે છે તેમ, જો આકાશગંગાઓને પરસ્પરથી દૂર કરી રહેલી શક્તિ - ડાર્ક ઍનર્જી - નબળી પડી રહી હોય, તો એક સંભાવના એ છે કે તે એટલી નબળી પડે કે ગુરુત્વાકર્ષણ આકાશગંગાઓને ફરી એકસાથે ખેંચવાનું શરૂ કરી દે. "બિગ રિપ સાથે અંત આવવાને બદલે હવે 'બિગ ક્રન્ચ'ની સંભાવના જણાઈ રહી છે."

પ્રોફેસર લી કહે છે, "કયું પરિણામ આવશે તેનો આધાર ડાર્ક ઍનર્જીના યથાર્થ સ્વરૂપ પર રહેલો છે, જેનો જવાબ હજુ અમારી પાસે નથી." પ્રોફેસર લીની કામગીરીને અન્ય નિષ્ણાતો દ્વારા તપાસવામાં આવી છે અને તેને આરએએસની એક પ્રતિષ્ઠિત જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી છે.

જોકે, કેમ્બ્રિજ યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍસ્ટ્રોનોમીના પ્રોફેસર જ્યોર્જ એફસ્ટેથિયો જેવા વરિષ્ઠ ખગોળવિદોએ પ્રોફેસર લીના દાવાનું સમર્થન કર્યું નથી.

તેઓ કહે છે, "મને લાગે છે કે, આ કેવળ સુપરનોવાની જટિલ વિગતો પર પ્રકાશ પાડે છે. વય સાથેનો તેનો સંબંધ એટલો સ્પષ્ટ નથી, આથી મારા મતે આવો સુધારો લાગુ કરવો જોખમી છે."

મુખ્ય પ્રવાહનો વિચાર એવો છે કે, બ્રહ્માંડ હજી પણ લગભગ અપરિવર્તિત ડાર્ક ઍનર્જી સાથે ઝડપી ગતિથી આગળ વધી રહ્યું છે. પણ પ્રોફેસર લી આવી ટીકાઓનું ખંડન કરે છે.

"અમારો ડેટા 300 આકાશગંગાઓ પર આધારિત છે. આથી, મારું દ્રઢપણે માનવું છે કે અમારું સંશોધન ઘણું જ મહત્ત્વનું છે."

બ્રહ્માંડ તેના વાસ્તવિક સ્વરૂપ વિશે આપણને કંઈક કહી રહ્યું છે?

દક્ષિણ કોરિયાનાં પરિણામો બાદ, બે ટીમોએ અમુક સુપરનોવાના ચળકાટનું પુનઃ મૂલ્યાંકન કર્યું છે. તેમણે અગાઉનો એક અભ્યાસ તપાસ્યો હતો, જે માર્ચમાં આવેલાં ડેસીનાં પરિણામો પર આધારિત હતો. બંને ટીમોએ તેમના પ્રારંભિક સંકેતોથી થોડી પીછેહઠ કરી છે, પરંતુ સઘન તપાસ કર્યા બાદ પણ સંકેતો સંપૂર્ણપણે અદૃશ્ય થયા નથી.

પરિણામે, શું બ્રહ્માંડ તેના વાસ્તવિક સ્વરૂપ વિશે આપણને સંકેત આપી રહ્યું છે? અથવા શું ખગોળશાસ્ત્રીઓ કોઈ ભ્રમનો પીછો કરી રહ્યા છે? તેને લઈને ઉગ્ર ચર્ચાઓ ચાલુ રહેશે.

આ વિષય પર સેંકડો વૈજ્ઞાનિક સંશોધન પત્રો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. આરએએસના ડેપ્યુટી ડિરેક્ટર પ્રોફેસર રોબર્ટ મેસીના મતે, "કોણ સમજવા નથી માંગતું કે બ્રહ્માંડનો ઉદ્ભવ કેવી રીતે થયો હતો અને તેનો અંત કેવી રીતે આવશે? અબજો વર્ષોમાં બધું આ રીતે સમાપ્ત થશે - તે ખરેખર એક અસાધારણ બાબત છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન