રાજકોટ વનડેમાં ભારતની ન્યૂઝીલૅન્ડ સામે સાત વિકેટથી હાર – ન્યૂઝ અપડેટ

ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે રમાઈ રહેલી વનડે શ્રેણીની બીજી મૅચમાં ન્યૂઝીલૅન્ડે ભારતને સાત વિકેટે હરાવી દીધું છે.

ન્યૂઝીલૅન્ડના ડેરેલ મિચેલે 117 બૉલમાં 131 રનની શાનદાર ઇનિંગ રમીને પોતાની ટીમને આસાન જીત અપાવી હતી.

285 રનના પડકારનો પીછો કરતાં ન્યૂઝીલૅન્ડ તરફથી વિલ યંગે પણ 87 રન ફટકાર્યા હતા. ભારતના બૉલરો ખર્ચાળ સાબિત થયા હતા. કુલદીપ યાદવે દસ ઑવરમાં 82 રન આપ્યા હતા અને માત્ર એક જ વિકેટ ઝડપી હતી.

આ પહેલાં ટૉસ હારીને ભારતે બેટિંગ કરી હતી. ભારતે નિર્ધારિત 50 ઑવરમાં સાત વિકેટે 284 રન બનાવ્યા હતા.

ભારત તરફથી કેએલ રાહુલે સૌથી વધુ 92 બૉલમાં 112 રન નોંધાવ્યા હતા.

ઉત્તરાખંડના નંદાદેવી ક્ષેત્રમાં આગ છઠ્ઠા દિવસે ય કેમ કાબૂમાં નથી આવી શકી?

ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લાના ગોવિંદઘાટ રેન્જમાં લક્ષ્મણ ગંગા અને અલકનંદા નદીઓ વચ્ચે સ્થિત નંદાદેવી બાયૉસ્ફિયર ક્ષેત્રમાં લાગેલી આગ છઠ્ઠા દિવસેય કાબૂમાં આવી શકી નથી.

આ વિસ્તાર યુનેસ્કોની વિશ્વ વારસા યાદીમાં સામેલ નંદાદેવી બાયૉસ્ફિયર રિઝર્વનો ભાગ છે. આ વિસ્તારમાં તીવ્ર ઢોળાવ છે, જેના કારણે આગળ ઓલવવામાં મુશ્કેલી થઈ રહી છે.

જિલ્લા વહીવટી તંત્ર અનુસાર, 9 જાન્યુઆરીના રોજ આગ લાગ્યાની જાણકારી મળ્યા બાદથી વનવિભાગ, આપત્તિ વ્યવસ્થાપન અને જિલ્લા વહીવટી તંત્રની સંયુક્ત ટીમો સ્થળ પર પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

જિલ્લાધિકારી ગૌરવકુમારે બીબીસીને જણાવ્યું કે આગની ગંભીરતાને જોતાં શાસન સ્તરે હવાઈ સ્રવે અને હવાઈ સહાયની યોજના ઘડાઈ હતી.

તંત્રે સ્પષ્ટ કર્યું છે કે ફૂલોની ખીણ રાષ્ટ્રીય ઉદ્યાન અને હેમકુંડ સાહિબ સંપૂર્ણપણે સુરક્ષિત છે.

ડીએફઓ પ્રમાણે, "આગની જગ્યા અને આ ક્ષેત્રો વચ્ચે લક્ષ્મણ ગંગા અને પુષ્પાવતી જેવી પહોળી નદીઓ પ્રાકૃતિક અવરોધ છે, જેથી આગની ત્યાં સુધી પહોંચવાની કોઈ સંભાવના નથી."

રાજકોટ વનડેમાં ભારતે ન્યૂઝીલૅન્ડને 285 રનનું લક્ષ્ય આપ્યું, કેએલ રાહુલની સદી

કેએલ રાહુલની ધુંઆધાર સદીના દમ પર ભારતે બીજી વનડે મૅચમાં ન્યૂઝીલૅન્ડ સામે 285 રનનું લક્ષ્ય મૂક્યું છે.

કેએલ રાહુલે 92 બૉલમાં 11 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 112 રન નોંધાવ્યા.

ભારતીય ટીમના ટોચના ક્રમના ખેલાડીઓ આ મૅચમાં ઝડપથી આઉટ થઈ ગયા હતા, એવા સમયે રાહુલે સદી ફટકારી.

ઓપનિંગ માટે ઊતરેલા રોહિત શર્મા 24, શુભમન ગિલ 56, વિરાટ કોહલી 23, શ્રેયસ અય્યર આઠ અને રવીન્દ્ર જાડેજા 27 રન બનાવીને આઉટ થઈ ગયા.

ક્રિસ્ટીન ક્લાર્કે ન્યૂઝીલૅન્ડ વતી સૌથી વધુ ત્રણ વિકેટ ખેરવી.

ત્રણ વનડે મૅચોની આ સિરીઝમાં ભારત 1-0થી આગળ છે. પ્રથમ વનડે મૅચમાં ભારતે ચાર વિકેટથી જીત મેળવી હતી.

ઈરાનમાં રહેલા ભારતીય નાગરિકો માટે ઍડ્વાઇઝરી જાહેર, દૂતાવાસે શું ચેતવણી આપી?

ઈરાનમાં રહેતા ભારતીયો અથવા તો ત્યાં હાજર ભારતીયો માટે ઈરાન ખાતેના ભારતીય દૂતાવાસે માર્ગદર્શિકા બહાર પાડી છે.

ભારતીય દૂતાવાસે લખ્યું છે કે, "ઈરાનમાં બદલાઈ રહેલી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ઈરાનમાં હાજર ભારતીય વિદ્યાર્થીઓ, શ્રદ્ધાળુઓ, ધંધાદારીઓ, પ્રવાસીઓ તથા અન્ય ભારતીય નાગરિકોને ઈરાન છોડવાની સલાહ આપવામાં આવે છે. કૉમર્શિયલ ફ્લાઇટ્સ સહિત જે પણ ટ્રાન્સપૉર્ટ મળી શકે તેમ હોય, તે મારફત ઈરાન છોડી દેવું."

આ સિવાય દૂતાવાસે તમામ ભારતીયોને તેમના ટ્રાવેલ ઍન્ડ ઇમિગ્રેશન ડૉક્યુમેન્ટ્સ તૈયાર રાખવા કહ્યું છે.

ભારતીય દૂતાવાસના ઇમર્જન્સી હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. જે આ પ્રમાણે છે.

+989128109115, +989128109102, +989128109109, +989932179359

ઇમેઇલ આઇડી:[email protected]

આ સિવાય ઈરાનમાં રહેલા ભારતીય નાગરિકો જેઓ ઈરાનમાં હોય અને ભારતીય દૂતાવાસ ખાતે તેમનું રજિસ્ટ્રેશન ન થયેલું હોય તેમને પણ https://www.meaers.com/request/home પર રજિસ્ટ્રેશન કરવાનું કહેવામાં આવ્યું છે.

અહીં ઉલ્લેખનીય છે કે ઈરાનમાં છેલ્લા ઘણા સમયથી સરકારવિરોધી પ્રદર્શનો થઈ રહ્યાં છે અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.

થાઇલૅન્ડમાં ટ્રેન અકસ્માતમાં ઓછામાં ઓછા 28નાં મૃત્યુ

થાઇલૅન્ડના પાટનગર બૅંગ્કોક ખાતે ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વદીને 28 થઈ ગઈ છે.

પોલીસ અનુસાર, આ દુર્ઘટનામાં 64 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી સાતની હાલત ગંભીર છે.

બુધવારે સવારે ટ્રેનના એક ડબ્બા પર નિર્માણકાર્ય માટે ઉપયોગમાં લેવાઈ રહેલી ક્રેન પડવાને કારણે આ દુર્ઘટના થઈ હતી.

ટ્રેનના એક સ્ટાફ થિરાસાક વાંગસૂનંગર્નને સ્થાનિક મીડિયા આઉટલેટ થૈરાથ ઓનલાઇનને જણાવ્યું કે દુર્ઘટના સમયે ટ્રેન 120 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી.

થાઇલૅન્ડ અને ચીન વચ્ચે રેલવે લિંક બનાવાઈ રહી છે અને ચાઇનીઝ સરકારે કહ્યું છે કે અકસ્માતવાળા સેક્શનને એક થાઇ કંપની બનાવી રહી હતી.

5.4 અબજ ડૉલરના ખર્ચથી હાઇસ્પીડ રેલવે પ્રોજેક્ટ બનાવાઈ રહ્યો છે, જે બૅંગ્કોકને ચીનના કુનમિંગ સાથે જોડશે.

પશ્ચિમ બંગાળ : બે નર્સને નિપાહ વાઇરસનો ચેપ લાગ્યાની પુષ્ટિ

પશ્ચિમ બંગાળમાં બારાસાતસ્થિત એક ખાનગી હૉસ્પિટલ સાથે સંકળાયેલાં એક મહિલા અને એક પુરુષ નર્સને નિપાહ વાઇરસનો ચેપ લાગ્યાની પુષ્ટિ થઈ છે.

પુણેસ્થિત નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજીએ તેમના નમૂનાની તપાસમાં આની પુષ્ટિ કરી છે.

આ દરમિયાન, બુધવારે વધુ શકમંદ દર્દીઓને પણ તપાસ માટે કોલકાતામાં ચેપી બીમારીઓની હૉસ્પિટલે લવાયા છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ આ વાતની જાણકારી આપી છે.

નિપાહ વાઇરસથી પીડિત એક મહિલા નર્સ કોમામાં ચાલ્યાં ગયાં છે. તેમનો જ્યાં ઇલાજ થઈ રહ્યો છે ત્યાંના ડૉક્ટરે કહ્યું, "પુરુષ નર્સની હાલત પણ ગંભીર છે અને તેને વૅન્ટિલેટર પર રખાયો છે."

રાજ્યનાં મુખ્ય સચિવ નંદિની ચક્રવર્તીએ પત્રકારોને જણાવ્યું, "22 વર્ષના પુરુષ અને 25 વર્ષની મહિલા નર્સ ખાનગી હૉસ્પિટલથી પૂર્વ બર્દવાન ગયાં હતાં. આ સિવાય તેઓ રાજ્યમાંથી ક્યાંય બહાર નહોતાં ગયાં. બંને બારાસાતની એક ખાનગી હૉસ્પિટલમાં કામ કરે છે અને હાલ તેમનો ઇલાજ ચાલી રહ્યો છે."

બીજી તરફ, સરકારે આગમચેતીનાં પગલાં લેતાં કોલકાતાના બેલિયાઘાટાસ્થિત ચેપી બીમારીઓની હૉસ્પિટલમાં પથારીઓની સંખ્યા વધારી દીધી છે. ત્યાં એક વિશેષ આઇસોલેશન વૉર્ડ શરૂ કરવાનો નિર્ણ કરાયો છે.

રાજકોટમાં રમાઈ રહેલી બીજી વનડે મૅચમાં ન્યૂઝીલૅન્ડે પહેલાં બૉલિંગ પસંદ કરી

ન્યૂઝીલૅન્ડે ભારત વિરુદ્ધ બીજી વનડે મૅચમાં ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી છે.

આ મૅચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

ત્રણ વનડે મૅચની આ સિરીઝમાં ભારત 1-0થી આગળ છે. પહેલી વનડે મૅચ ભારતે ચાર વિકેટથી જીતી લીધી હતી.

ભારતની પ્લેઇંગ ઇલેવન ટીમ: શુભમન ગિલ(કૅપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર (વાઇસ કૅપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા,નીતીશ કુમાર રેડ્ડી, હર્ષિતચ રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધિ કૃષ્ણા.

ન્યૂઝીલૅન્ડની પ્લેઇંગ ઇલેવન ટીમ: ડેવોન કૉનવે, હેનરી નિકલસ, વિલ યંગ, ડેરેલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, મિચેલ હે (વિકેટકીપર), માઇકલ બ્રેસવેલ (કૅપ્ટન), જેફરી ફૉક્સ, ક્રિસ્ટિયન ક્લાર્ક, કાઇલ જેમીસન, જેડેન લેનેક્સ.

પીએમની ડિગ્રીનો કેસ : કેજરીવાલ તથા સંજયસિંહ સામે એકસાથે કેસ ચાલશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી મુદ્દે ગુજરાત યુનિવર્સિટીની છબિ ખરડવાના કેસમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ તથા સંસદસભ્ય સંજયસિંહ સામે અલગ-અલગ કેસ ચલાવવાની માગને ગુજરાત હાઇકોર્ટે નકારી કાઢી છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ મુજબ, ચીફ ઇન્ફર્મેશન કમિશનરે વડા પ્રધાનની ડિગ્રી અંગે માહિતી સાર્વજનિક કરવા માટે ગુજરાત યુનિવર્સિટીને નિર્દેશ આપ્યા હતા. આ નિર્દેશને કોરાણે મૂકતો આદેશ ગુજરાત હાઇકોર્ટે આપ્યો હતો.

એ પછી તા. પહેલી અને બીજી એપ્રિલના રોજ અરવિંદ કેજરીવાલ તથા સંજય સિંહે પત્રકારપરિષદો અને સોશિયલ મીડિયા ઉપર ગુજરાત યુનિવર્સિટી વિરુદ્ધ ટિપ્પણીઓ કરી હતી.

જેની સામે યુનિવર્સિટીના તત્કાલીન રજિસ્ટ્રાર પિયુષ પટેલે ગુજરાત યુનિવર્સિટીની બદનક્ષી હોય ફરિયાદ દાખલ કરાવી હતી.

એ પછી કેજરીવાલ અને સંજય સિંહે માંગ કરી હતી કે બંનેની સામે અલગ-અલગ કેસ ચલાવવામાં આવે. જોકે, તા. 15મી ડિસેમ્બરે નીચલી અદાલતે આ માગને નકારી દીધી હતી.

કોર્ટે પોતાના ચુકાદામાં અવલોક્યું હતું કે બંનેએ પહેલી અને બીજી એપ્રિલના (2023) રોજ આ ટિપ્પણીઓ કરી હતી. બંને એક જ રાજકીય પક્ષમાં છે એટલે એક જ હેતુ છે અને તેમનાં પગલાંમાં સાતત્ય છે.

જેની સામે આપના બંને નેતાઓએ ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જ્યાં સિંગલ જજની બૅન્ચે મંગળવારે ઉપરોક્ત ચુકાદો આપ્યો હતો અને બંને નેતા સામે અલગ-અલગ ટ્રાયલ ચલાવવાનો ઇનકાર કર્યો હતો.

ઈરાનમાં દેખાવો દરમિયાન બે હજાર લોકોનાં મૃત્યુ, ટ્રમ્પે કહ્યું 'મદદ પહોંચી રહી છે'

ઈરાનના માનવ અધિકાર જૂથોનું કહેવું છે કે તાજેતરના દેખાવો અને સુરક્ષાબળોની કાર્યવાહી દરમિયાન બે હજાર કરતાં વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

અમેરિકાસ્થિત હ્યુમન રાઇટ્સ ઍક્ટિવિસ્ટ્સ ન્યૂઝ એજન્સીના (એચઆરએએનએ) જણાવ્યા પ્રમાણે, છેલ્લા 17 દિવસથી ચાલી રહેલાં વિરોધ પ્રદર્શનો દરમિયાન 1,850 દેખાવકારો, 135 સરકારી કર્મચારી, નવ સામાન્ય નાગરિક તથા નવ બાળકો મૃત્યુ પામ્યાં છે.

ઈરાનના અધિકારીઓએ ન્યૂઝ એજન્સી રૉઇટર્સ સાથે વાતચીત દરમિયાન બે હજાર લોકોનાં મૃત્યુના આંકડાની પુષ્ટિ કરી હતી સાથે જ તેના માટે "આતંકવાદી" જવાબદાર હોવાનું જણાવ્યું હતું.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રદર્શનકારીઓને "દેખાવો ચાલુ" રાખવા આહ્વાન કર્યું છે અને કહ્યું છે કે તેમના માટે "મદદ માર્ગમાં" છે. તેમણે ઈરાનના સત્તાધીશોએ "કિંમત ચૂકવવી પડશે" એવી વાત પણ કરી હતી.

ઈરાને અમેરિકા ઉપર વળતી કાર્યવાહી કરવાની વાત કરી છે. આ સવાલના જવાબમાં ટ્ર્મ્પે કહ્યું હતું, "હા, ઈરાને ગત વખતે પણ આ વાત કહી હતી. ત્યારે મેં એમના પરમાણુ ઠેકાણાં ઉડાવી દીધાં હતાં, જે હવે તેમની પાસે નથી. એટલે તેમણે સારી રીતે વર્તાવ કરવો જોઈએ."

ટ્રમ્પે ઈરાન સાથે વેપાર કરનાર ઉપર 25 ટકા ટેરિફ લાદવાની ચીમકી ઉચ્ચારી છે. સાથે જ સૈન્ય તથા અન્ય વિકલ્પો ઉપર વિચાર ચાલી રહ્યો છે.

ટ્રમ્પ : ગ્રિનલૅન્ડના વડા પ્રધાન મુશ્કેલીમાં મૂકાશે

ગ્રિનલૅન્ડના વડા પ્રધાન જેન્સ-ફ્રૅડરિક નિલ્સનનું કહેવું છે કે જો ગ્રિનલૅન્ડના લોકોને "અત્યારે અને હમણા" વિકલ્પ આપવામાં આવે, તો તેઓ અમેરિકાના બદલે ડેનમાર્કને પસંદ કરશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે રશિયા અને ચીનની સામે સુરક્ષા મેળવવા માટે ગ્રિનલૅન્ડની "માલિકી" મેળવવી જરૂરી છે. વ્હાઇટ હાઉસે ગ્રિનલૅન્ડને ખરીદવાની વાત કરી છે, સાથે જ બળપૂર્વક અમેરિકામાં ભેળવવાની શક્યતાને નકારી પણ નથી.

ડેન્માર્કના વડાં પ્રધાન મેટ્ટી ફ્રેડરિક્સનનું કહેવું છે કે જો બળપ્રયોગ કરવામાં આવશે તો ટ્રાન્સ-ઍટલાન્ટિક ડિફેન્સ કરારનો અંત આવશે.

જ્યારે ટ્રમ્પને નિલ્સનની ટિપ્પણી વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું, "એ તેમની સમસ્યા છે, હું તેની સાથે સહમત નથી......તો એ બહુ મોટી મુસિબતમાં મૂકાઈ જશે."

ખૂબ જ ઓછી વસતિ છતાં ઉત્તર અમેરિકા અને ઍટલાન્ટિકની વચ્ચે વ્યૂહાત્મક રીતે આવેલું હોવાથી ત્યાં જહાજો ઉપર નજર રાખી શકાય એમ છે અને મિસાઇલો વિશે આગોતરી માહિતી આપી શકે તેમ હોવાથી તેનું મહત્ત્વ વધી જાય છે.

ઉલ્લેખનીય છે કે ગ્રિનલૅન્ડનો વિસ્તાર 21 લાખ 66 હજાર વર્ગ કિલોમીટર છે. તે વિશ્વનો સૌથી મોટો ટાપુ છે. ત્યાં લગભગ 57 હજાર લોકો રહે છે. તે ડેનમાર્કનો અર્ધસ્વાયત્ત વિસ્તાર છે.

'મનરેગા યોજના ભ્રષ્ટાચારનો સાગર હતી'

કર્ણાટક કૉંગ્રેસના અધ્યક્ષ તથા રાજ્યના નાયબમુખ્ય મંત્રી ડી.કે. શિવકુમારે મંગળવારે 'મનરેગા બચાવો સંગ્રામ'ને સંબોધિત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે ભાજપ શાસિત રાજ્યો માટે પણ મનરેગાના સ્થાને 'વીબી-જી રામ જી'નો અમલ કરવો મુશ્કેલ હશે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે, શિવકુમારે કહ્યું હતું કે "અગાઉ દરેક પંચાયતને એકથી બે કરોડ રૂપિયા મળતા હતા, પરંતુ કેન્દ્રની નવી યોજનાને કારણે તે જોખમમાં મૂકાઈ ગયું છે. નવી યોજનામાં કયું કામ કરવું એ પંચાયત નક્કી નહીં કરે. વળી 90:10ના હિસાબે ખર્ચ વહેંચણીને 60:40 કરી દેવામાં આવી છે, જેના કારણે રાજ્ય સરકારો ઉપર ભારણ વધશે."

બીજી બાજુ, અમદાવાદ આવેલા કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે મનરેગાએ 'ભ્રષ્ટાચારનો સાગર' બની ગઈ હતી.

અમદાવાદ આવેલા ચૌહાણે કહ્યું, "મનરેગામાં ગેરરીતિઓ થતી હતી. તેમાં ભ્રષ્ટાચાર થતો. શ્રમિકોને બદલે કૉન્ટ્રાક્ટર અને મશીનો દ્વારા કામ થતું. તેની સામે 'વીબી-જી રામ જી' હેઠળ બધી ગેરરીતિ અટકી જશે. વર્ષમાં 100ના બદલે 125 દિવસ કામ મળશે. ઉપરાંત જો ચૂકવણું મોડું થશે, તો વ્યાજ પણ આપવામાં આવશે."

"વિકસિત ભારતના વિકસિત ગામડાં માટે એક લાખ 51 હજાર 282 કરોડની જંગી ફાળવણી કરવામાં આવી છે...કૉંગ્રેસની વાત કોઈ નહીં સાંભળે. મનરેગાએ ભ્રષ્ટાચારનો સાગર બની ગઈ હતી, જેને ખતમ કરવામાં આવી છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન