You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તેજસ : ભારતનું આ ફાઇટર પ્લેન દુબઈ ઍર શોમાં થયું ક્રૅશ, શું છે તેની ખાસિયત?
સંયુક્ત આરબ અમીરાતમાં આયોજિત દુબઈ ઍર શોમાં પ્રદર્શન દરમિયાન ભારતનું સ્વદેશી ફાઇટર પ્લેન તેજસ ક્રૅશ થઈ ગયું.
ભારતીય વાયુ સેનાએ દુબઈ ઍર શોમાં તેજસ વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થયાની પુષ્ટિ કરી છે.
સમાચાર એજન્સી પીટીઆઈએ આ દુર્ઘટના સંબંધિત એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં એક વિમાન સીધું જમીન પર પડતું નજરે પડે છે. ત્યારબાદ તેમાં આગ અને ધુમાડો નીકળતો નજરે પડે છે.
સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે, આ વિમાન આજે (શુક્રવારે) બપોરે લગભગ બે વાગીને દસ મિનિટે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
ન્યૂઝ એજન્સી એપીના અહેવાલ મુજબ, "આ ઍર શો દુબઈના સૌથી મોટા અલ-મક્તૂમ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ ખાતે યોજાઈ રહ્યો હતો. જ્યારે દુર્ઘટના થઈ, ત્યારે ધુમાડાના ગોટેગોટા દેખાયા અને સાઇરન વાગવા લાગી."
ભારતીય વાયુસેનાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું છે એ અનુસાર, આ દુર્ઘટનામાં પાઇલટનું પણ મૃત્યુ થઈ ગયું છે. વાયુસેનાએ આ દુર્ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે.
સંયુક્ત આરબ અમીરાતના સંરક્ષણ મંત્રાલયે આ ઘટના પર નિવેદન જારી કર્યું છે. સોશિયલ મીડિયા સાઇટ ઍક્સ પર એક પોસ્ટમાં મંત્રાલયે લખ્યું :
"દુબઈ ઍર શોમાં ફ્લાઇંગ ડિસ્પ્લે દરમિયાન ભારતનું એક તેજસ ફાઇટર પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. જેમાં પાઇલટનું દુ:ખદ મૃત્યુ થયું છે. ફાયર ફાઇટર અને ઇમર્જન્સી ટીમોએ ઘટનાસ્થળે જઈને તરત જ સહાય કરી અને પરિસ્થિતિને નિયંત્રણમાં કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું છે તેજસની ખાસિયત?
સિંગલ ઍન્જિન ધરાવતું તેજસ ફાઇટર પ્લેન પૂર્ણ સ્વદેશી છે. તેની નિર્માતા કંપની હિંદુસ્તાન ઍરોનૉટિક્સ લિમિડેટ એટલે કે એચએએલ છે.
આ વિમાન દૂરથી જ દુશ્મનનાં વિમાનો પર નિશાન તાકી શકે છે તથા દુશ્મનના રડારને પણ માત આપવાની ક્ષમતા ધરાવે છે. આ વિમાન એટલાં જ હથિયાર અને મિસાઇલ લઈને ઊડી શકે છે જે પ્રકારે સુખોઈ વિમાન ઊડી શકે છે.
વર્ષ 2004 બાદ તેજસમાં અપગ્રેડેડ ઇલેક્ટ્રિક ઍન્જિન F404-GE-IN20 ઉપયોગમાં લેવાય છે. તેજસ માર્ક 1A સંસ્કરણમાં પણ આ જ ઍન્જિન ઉપયોગમાં લેવાય છે. જ્યારે કે ભવિષ્યમાં આવનારા તેજસ માર્ક 2માં વધારે શક્તિશાળી જનરલ ઇલેક્ટ્રિક F414 INS6 ઍન્જિલ લાગેલું હશે.
તેજસ ફાઇટર પ્લેન સુખોઈ ફાઇટર પ્લેનથી વજનમાં હળવાં હોય છે. તે આઠથી નવ ટન સુધીનો બોજ ઉઠાવી શકે છે. તે ધ્વનિની ગતિ એટલે કે મૅક 1.6થી લઈને 1.8 સુધી ઝડપથી ઊડી શકે છે.
તેજસમાં ખાસ તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમ કે ક્રિટિકલ ઑપરેશન ક્ષમતા માટે ઍક્ટિલ ઇલેક્ટ્રૉનિકલી-સૅકન્ડ રડાર- એટલે કે ઇલેક્ટ્રૉનિક રૂપે સ્કૅન રડાર, બિયૉન્ડ વિઝ્યુઅલ રૅન્જ (બીવીઆર) મિલાઇલ, ઇલેક્ટ્રૉનિક વૉરફેયર સ્યૂઇટ તથા ઍર-ટુ-ઍર રિફ્યૂલિંગની વ્યવસ્થા.
આ વર્ષે સપ્ટેમ્બરમાં જ ભારતીય સંરક્ષણ મંત્રાલયે હિંદુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડની સાથે 97 તેજસ વિમાન ખરીદવાનો સોદો કર્યો હતો. તેની આપૂર્તિ 2027માં શરૂ થવાની આશા હતી.
આ પહેલાં 2021માં ભારત સરકારે એચએએલ સાથે 83 તેજસ ઍરક્રાફ્ટની ડીલ સાઇન કરી હતી તેની ડિલીવરી વર્ષ 2024માં થવાની હતી, પરંતુ અમેરિકાથી આયાત કરવામાં આવેલા ઍન્જિનની અછતને કારણે તેમાં મોડું થયું.
રાહુલ અને કેજરીવાલે વ્યક્ત કરી સંવેદનાઓ
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દુર્ધટના પર પ્રતિક્રિયા આપતાં ઍક્સ પર લખ્યું, "દુબઈમાં ઍર શો દરમિયાન તેજસ વિમાન ક્રૅશમાં ભારતીય વાયુસેનાના મારા બહાદુર પાઇલટના નિધનથી ઘણું દુ:ખ થયું છે. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ છે. તેમના સાહસ અને સેવાનું સન્માન કરવાની સાથે આખો દેશ તેમની પડખે ઊભો છે."
દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે.
તેમણે ઍક્સ પર લખ્યું, "દેશ એક વીર વાયુ યોદ્ધાના નિધન પર શોક વ્યક્ત કરે છે. શોક સંતપ્ત પરિવાર પ્રત્યે અમારી ઊંડી સંવેદના છે."
"દુર્ઘટનાનાં કારણો માટે યોગ્ય તપાસની જરૂર છે. અમારા પાઇલટોની સુરક્ષા અને તેમની જિંદગી સૌથી મહત્ત્વની છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન