ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસને વિપક્ષનેતા પદ મળશે કે નહીં?

અમિત ચાવડા

ઇમેજ સ્રોત, Amit Chavada/ FB

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી સંવાદદાતા
રેડ લાઇન
  • કૉંગ્રેસને હવે વિધાનસભામાં વિપક્ષ નેતાપદ મળશે કે નહીં તે અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે
  • ગુજરાત વિધાનસભાની હાલની યોજાએલી ચૂંટણીમાં કૉંગ્રેસના માત્ર 17 ધારાસભ્યો જ ચૂંટાયા છે
  • કૉંગ્રેસ પાર્ટીએ આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસ પક્ષના નેતા તરીકે પસંદ કર્યા છે
  • વિપક્ષ નેતાને કેબિનેટ રૅન્કનો દરજ્જો મળે છે અને જે સુવિધાઓ સરકારના કેબિનેટ મંત્રીઓને મળે છે તે જ પ્રકારની સુવિધાઓ નેતા પ્રતિપક્ષને મળે છે
  • 1977માં વિપક્ષના નેતાના વેતન અને ભથ્થા અધિનિયમની શરૂઆત થઈ, ત્યારે માવળંકરના 10 ટકા માપદંડ વિશે ચર્ચા શરૂ થઈ હતી
બીબીસી ગુજરાતી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં થયેલી કરારી હારની કળ હજુ વળી નથી ત્યાં ચર્ચાઓ ચાલી રહી છે કે કૉંગ્રેસને હવે વિધાનસભામાં વિપક્ષ નેતાપદ મળશે કે નહીં.

27 વર્ષથી સત્તાના દુષ્કાળનો સામનો કરતી કૉંગ્રેસ પાર્ટીની હાલત એ છે કે હવે વિપક્ષ નેતાપદ મેળવવા માટે પણ કાયદાકીય ગૂંચવણોનો સામનો કરી રહી છે.

ભાજપનું કહેવું છે કે, “વિધાનસભાના નિયમો મુજબ જે પક્ષ 10 ટકા ધારાસભ્યો નથી ધરાવતો તેને વિપક્ષ નેતા પદ શું કામ આપવું જોઈએ.”

આ મામલે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. તો શું છે વિપક્ષ નેતાપદ માટેના નિયમો તે જાણવા માટે બીબીસીએ બંધારણના નિષ્ણાતો સાથે વાત કરી.

બીબીસી ગુજરાતી

કૉંગ્રેસની વિધાનસભામાં કેવી છે સ્થિતિ

અમિત ચાવડા

ઇમેજ સ્રોત, AMIT CHAVDA FB

ઇમેજ કૅપ્શન, અમિત ચાવડા

ગુજરાત વિધાનસભાની હાલની યોજાએલી ચૂંટણીમાં કૉંગ્રેસના માત્ર 17 ધારાસભ્યો જ ચૂંટાયા છે.

કૉંગ્રેસ પાર્ટીએ આંકલાવના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસ પક્ષના નેતા તરીકે પસંદ કર્યા છે. પણ તેમને માટે વિપક્ષ નેતા બનવું સરળ નહીં હોય. કારણ કે 2019માં લોકસભામાં કૉંગ્રેસને નેતા પ્રતિપક્ષનું પદ આપવામાં નથી આવ્યું. કારણ એ હતું કે કૉંગ્રેસ પાસે 10 ટકા બેઠકો નહોતી.

આજ સ્થિતિ 2014માં પણ હતી. હવે ગુજરાતમાં પણ 182 બેઠકોની ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસ પાસે 10 ટકા બેઠકો નથી ત્યારે હવે સવાલ એ થાય છે કે શું કૉંગ્રેસે જેમને વિધાનસભામાં પોતાના પક્ષના નેતા બનાવ્યા છે તે અમિત ચાવડાને વિપક્ષ નેતાપદ મળશે કે નહીં.

હવે જો અમિત ચાવડાને વિપક્ષ નેતાપદ નહીં મળે તો પહેલીવાર એવું થશે કે ગુજરાત વિધાનસભામાં વિપક્ષ નેતા નહીં હોય. અને જો આમ થયું તો અમિત ચાવડા માત્ર કૉંગ્રેસ વિધાયકદળના નેતા જ બનીને રહી જશે.

નેતા પ્રતિપક્ષ પદ કેમ છે મહત્ત્વનું

આમ તો વિપક્ષ નેતાપદ વિપક્ષનું સૌથી મોટું પદ હોય છે. નેતા પ્રતિપક્ષને સંસદ અને વિધાનસભાના જે તે નિયમો અનુસાર પગારભથ્થાં અને સુવિધાઓ મળે છે.

વિપક્ષ નેતાને કેબિનેટ રૅન્કનો દરજ્જો મળે છે અને જે સુવિધાઓ સરકારના કેબિનેટ મંત્રીઓને મળે છે તે જ પ્રકારની સુવિધાઓ નેતા પ્રતિપક્ષને મળે છે. એટલું જ નહીં પરંતુ વિધાનસભામાં બેસવા માટે વિપક્ષ નેતાને વિપક્ષની કતારમાં સૌથી આગળની બેઠક ફાળવવામાં આવે છે.

બીબીસી ગુજરાતી

શું કહે છે બંધારણ નિષ્ણાતો

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હવે કેટલાક નિષ્ણાતો કહે છે કે, વિધાનસભામાં વિપક્ષ નેતાપદ મેળવવા માટે કૉંગ્રેસ પાસે ઓછામાં ઓછી 10 ટકા બેઠકો એટલે કે 19 બેઠકો હોવી જોઈએ. જ્યારે કેટલાક નિષ્ણાતો કહે છે કે, સત્તાપક્ષ બાદ જે પક્ષના સૌથી વધુ સભ્યો હોય તેના નેતાને વિપક્ષપદ મળી શકે છે.

જાણકારો કહે છે કે, લોકસભાના પહેલા સ્પીકર જી. વી માવળંકરના રુલિંગ અનુસાર મુખ્ય વિપક્ષ પાર્ટી પાસે ઓછામાં ઓછું દસ ટકા સભ્યોનું કોરમ હોવું જરૂરી છે. માવળંકરે લોકસભામાં પ્રક્રિયા અને કાર્ય સંચાલના નિયમ 389 અંતર્ગત નિર્દેશ જારી કર્યા.

નિષ્ણાતો મુજબ આ નિર્દેશ 120 અને 121 સંસદીય દળો અને સમૂહોની માન્યતા સંદર્ભમાં છે. અઘ્યક્ષને સભ્યોના કોઈ પણ સંઘને સંસદીય દળ કે સમૂહના સ્વરૂપમાં સ્વીકાર કરવાની સત્તા પ્રદાન કરેલી છે. અને અધ્યક્ષનો નિર્ણય તમામ દળો માટે બાધ્ય છે. નિર્દેશ 121(1)(સી) અનુસાર સભ્યોના એક સંઘને સંસદીય દળના રૂપમાં માન્યતા આપવા માટે તેમનું કોરમ, સદનના કુલ સંખ્યાબળ કરતા 10 ટકા હોવું જોઈએ.

બંધારણના જાણકારો કહે છે કે હવે નેતા પ્રતિપક્ષનું પદ 1977માં વિપક્ષ નેતાના વેતન અને ભથ્થા અધિનિયમ આવવા સાથે વૈધાનિક માન્યતા ધરાવતું બન્યું. પછી સંસદ(સુવિધા) અધિનિયમ, 1998 આવ્યું. જેમાં માન્યતા પ્રાપ્ત દળોને સમૂહોના નેતા અને મુખ્ય દંડકની પરિભાષા કરવામાં આવી. આ અધિનિયમના ધારા 2 અનુસાર એક માન્યતા પ્રાપ્ત પાર્ટી તે જ હોય છે જેના સભ્યોની સંખ્યા લોકસભામાં ઓછામાં ઓછી 55ની છે.

જોકે, 1977માં વિપક્ષના નેતાના વેતન અને ભથ્થા અધિનિયમની શરૂઆત થઈ, ત્યારે માવળંકરના 10 ટકાના માપદંડ વિશે ચર્ચા શરૂ થઈ.

વિપક્ષ નેતાના વેતન અને ભથ્થા અધિનિયમ 1977 વિપક્ષ નેતાની વ્યાખ્યા કરતા કહે છે કે જે સત્તાપક્ષ બાદ જે પાર્ટીના સભ્યોની સંખ્યા સૌથી વધુ છે અને તેના નેતા કે જે સંસદમાં ચૂંટાયા છે તે વિપક્ષના નેતા નામિત થઈ શકે છે. જોકે તેમની વિપક્ષ નેતાપદની માન્યતા સ્પીકર દ્વારા તેમને માન્યતા આપવામાં આવે છે કે નહીં તેના પર નિર્ભર છે.

હવે આ બધા વચ્ચે અમે બંધારણના નિષ્ણાતોનો મત જાણવાનો પ્રયત્ન કર્યો. લોકસભાના પૂર્વ સચિવ અને બંધારણના નિષ્ણાત સુભાષ કશ્યપ જણાવે છે કે, આ 10 ટકાનો નિયમ એ હાઉસનું રુલિંગ છે.

બીબીસી ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં સુભાષ કશ્યપ કહે છે કે, “સામાન્યરીતે રાજ્યની વિધાનસભામાં સંસદના નિયમો જ લાગુ પડતા હોય છે અને આ જ નિયમ ગુજરાત વિધાનસભામાં પણ લાગુ પડે છે.”

સુભાષ કશ્યપ વધુમાં જણાવે છે કે, “જ્યારે કોઈ પક્ષનું સંખ્યાબળ 10 ટકા કરતા ઓછું હોય તો સ્પીકર ઇચ્છે તો પણ પોતાના અંગત વિવેકાધિકાર પ્રમાણે નહીં આપી શકે. કારણકે તેમણે પણ નિયમો પ્રમાણે ચાલવાનું હોય છે. જો કોઈ તેને પરિવર્તિત કરવા માગે છે તો તેના પર એક સમિતિ ગઠિત થાય છે અને સદનમાં તેના નિયમોને પસાર કરાવવાના હોય છે.”

જોકે, સુભાષ કશ્યપના મંતવ્યથી વિપરીત વિચારો વ્યક્ત કરનારા જાણકારો પણ છે. બંધારણના જાણકાર અને લોકસભાના પૂર્વ મહાસચિવ પીડીટી અચારી બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે, “જે વિપક્ષી દળ પાસે સૌથી વધુ સભ્યો હશે તેના નેતાને વિપક્ષપદ મળવું જોઈએ.”

પીડીટી અચારી બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા કહે છે કે, “વિપક્ષના નેતાના વેતન અને ભથ્થા અધિનિયમ 1977માં વિપક્ષ નેતાપદ માટે ક્યાંય 10 ટકા સંખ્યાબળ હોવું જોઈએ એવું નથી.”

અચારી વધુમાં ઉમેરે છે કે, “આ જ બાબત રાજ્યમાં પણ લાગુ પડે છે એટલે સ્પીકરે સૌથી મોટા વિપક્ષીદળના નેતાને વિપક્ષ નેતાપદની માન્યતા આપવી જોઈએ.”

તો અન્ય એક બંધારણ નિષ્ણાત જી. સી મલ્હોત્રા બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે, “જો 10 ટકા કોરમ નહીં હોય તો લોકસભામાં વિપક્ષ નેતાપદ નહીં મળે પણ રાજ્યમાં વિધાનસભામાં તેના પોતાના નિયમો હોઈ શકે. પણ છતાં આ નિયમોનો સંદર્ભ કાઢવામાં આવે તો સ્પીકર પણ વિપક્ષ નેતાપદને માન્યતા નહીં આપી શકે.”

બીબીસી ગુજરાતી

વિધાનસભાના પદાધિકારીઓ શું કહે છે

શંકર ચૌધરી

ઇમેજ સ્રોત, FB/SHANKAR CHAUDHARY

ઇમેજ કૅપ્શન, શંકર ચૌધરી

ગુજરાત વિધાનસભાના સચિવ દેવેન્દ્રભાઈ પટેલે બીબીસીની વાતચીતમાં કહ્યું કે, “કૉંગ્રેસને વિપક્ષપદ અપાવું જોઈએ કે નહીં તે વિશે તેઓ કશું કહી શકે તેમ નથી.”

જોકે દેવેન્દ્રભાઈ પટેલે બીબીસી ગુજરાતીને એટલું જરૂર જણાવ્યું કે, વિધાનસભા તેના નિયમો અનુરૂપ ચાલતી હોય છે અને વિપક્ષ નેતાપદને માન્યતા આપવા મામલે પણ નિયમોને જ અનુસરશે.

તો વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીએ બીબીસી ગુજરાતી સાથે ખાત વાતચીત કરતા કહ્યું કે, “અમે નિયમો અનુસાર ચાલીશું. હું સંવૈધાનિક પદ પર છું એટલે હાલ નહીં કહી શકું કે વિપક્ષ નેતાપદનું શું થશે.”

બીબીસી ગુજરાતી

શું કહે છે રાજકીય પક્ષો

આમ આદમી પાર્ટી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આમ આદમી પાર્ટી

હવે આ મામલે પણ રાજકારણ શરૂ થઈ ગયું છે. જે અમિત ચાવડાને કૉંગ્રેસે વિધાનસભામાં વિધાયકદળના નેતા બનાવ્યા છે તેઓ બીબીસી સાથે વાતચીતમાં કહે છે કે, “વિધાનસભાની નિયમાવલીમાં ક્યાંય એવું નથી કે સદનમાં 10 ટકા સંખ્યાબળ હોય તો જ તે પાર્ટીના નેતાને વિપક્ષ નેતાપદ મળે.”

અમિત ચાવડા વધુમાં ઉમેરે છે કે, “મને કોઈ પદ કે સવલતો અને સગવડો નથી જોઇતી. અમે પ્રજાના મુદ્દાઓને વિધાનસભામાં ઉઠાવવા માગીએ છીએ. જ્યારે માધવસિંહ સોલંકીની સરકાર હતી ત્યારે કૉંગ્રેસે 14 સભ્યોનું સંખ્યાબળ ધરાવતા દળને વિપક્ષ નેતાપદ આપ્યું હતું.”

તો આમ આદમી પાર્ટી કહે છે કે, કૉંગ્રેસને વિપક્ષ નેતાપદ મળે કે ન મળે તેનાથી તેમની પાર્ટીને કે ગુજરાતને કોઈ ફરક પડતો નથી. આપના પ્રવક્તા ડૉ કરણ બારોટ બીબીસી સાથે વાતચીતમાં કહે છે કે, “ભાજપ હંમેશાં વિપક્ષનું ગળું રૂંધવાનું કામ કરે છે. કૉંગ્રેસ અને ભાજપ બંનેની મિલીભગત છે. કૉંગ્રેસે ભૂતકાળમાં ક્યારેય પ્રજાના પ્રશ્નોને વિધાનસભામાં ઉઠાવ્યા નથી. એટલે કૉંગ્રેસને આ ભૂમિકા મળે કે ન મળે આમ આદમી પાર્ટી વિપક્ષની ફરજ અચૂક બજાવશે.”

તો ભાજપના લિગલ સૅલના પ્રમુખ જે. જે. પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે, “ગુજરાતની પ્રજાએ ખુદ તેમને વિપક્ષના પદ માટે લાયક નથી તે પ્રકારનો જનાદેશ આપ્યો છે.”

જે. જે. પટેલ વધુમાં ઉમેરે છે કે, “કાયદા અનુસાર કૉંગ્રેસને વિપક્ષ નેતાપદ મળી નહીં શકે બાકી સ્પીકર નિર્ણય લેશે. પરંતુ કૉંગ્રેસે વિધાનસભામાં સરકારની નીતિઓનો વિરોધ કરવા માટે વિપક્ષપદની જરૂર નથી. તેઓ વગર પદે પણ વિપક્ષની ભૂમિકા ભજવી શકે છે.”

બીબીસી ગુજરાતી

શું કહે છે રાજકીય વિશ્લેષકો

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

હવે કૉંગ્રેસને વિપક્ષ નેતાપદ જોઇએ તો તેને માટે જરૂરી 10 ટકા સંખ્યાબળ મેળવવા માટે તેને બે વધુ ધારાસભ્યોની જરૂર છે. પણ તે કોઈ સમર્થની નહીં મેળવી શકે. આ 10 ટકા સભ્યો ગઠબંધનના નહીં પરંતુ તેમની પાર્ટીના જ હોવા જોઈએ.

તેથી જાણકારો કહે છે કે, તેઓ ગુજરાતમાં અપક્ષો કે આપના ધારાસભ્યોનું સમર્થન મેળવીને પણ વિપક્ષપદ મેળવી શકે તેમ નથી. પણ કેટલાક જાણકાર કહે છે કે સ્પીકર ઇચ્છે તો અમિત ચાવડાને વિપક્ષ નેતા બનાવી શકે છે.

રાજકીય વિશ્લેષક રાજીવ શાહ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે કે, “સરકારે અને સ્પીકરે મોટું મન કરીને વિપક્ષ નેતાપદ કૉંગ્રેસને આપવું જોઈએ તેમાં કશું ખોટું નથી. પણ જો આમ ન થાય તો કૉંગ્રેસ પાસે કોઈ વિકલ્પ પણ નથી.”

તો બીજી તરફ રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે કે, “ભાજપને વિપક્ષ પદ આપવું જ નથી. જો તે લોકસભામાં ન આપે તો શું ગુજરાતમાં આપશે ?”

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી