નાગપુરમાં હિંસા કેમ ફાટી નીકળી, દસ મુદ્દામાં સમજો શહેરની શાંતિ કેવી રીતે હણાઈ? ગ્રાઉન્ડ રિપોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ભાગ્યશ્રી રાઉત
- પદ, બીબીસી સંવાદદાતા
નાગપુરમાં 17 માર્ચ, સોમવારે બે જૂથો વચ્ચે વિવાદના કારણે હિંસા ફાટી નીકળી હતી. શહેરના મહલ વિસ્તારમાં વાહનો સળગાવી દેવાયાં અને પથ્થરમારો પણ થયો.
પોલીસે બળપ્રયોગ કરીને સ્થિતિને નિયંત્રણમાં કરી છે અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.
નાગપુર પોલીસે ઘટનાની રાતે એક વાગ્યા સુધી ચિટનીસ પાર્ક વિસ્તારમાં કૉમ્બિંગ કર્યું, લગભગ 27 લોકોને કસ્ટડીમાં લીધા અને કર્ફ્યૂ લાદી દીધો હતો.
18 માર્ચે 27 શકમંદોને મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાયા જેમાં સવારના ત્રણ વાગ્યા સુધી સુનાવણી ચાલી. તે બાદ દસ આરોપીને મેડિકલ તપાસ માટે મોકલાયા અને બાકીના 17ને 21 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલાયા હતા. કેટલાકને કોર્ટમાં રજૂ કરાયા હતા.
નાગપુરની હિંસા પછી ગણેશપેઠ પોલીસ સ્ટેશને એફઆઇઆર દાખલ થઈ છે. આસિસ્ટન્ટ પીઆઇ જિતેન્દ્ર ગાડગેએ ફરિયાદ દાખલ કરાવી છે.
પહેલાં જાણી લઈએ કે આ ફરિયાદમાં કેવા આરોપો છે?
1. અલગ અગલ 57 સેક્શન હેઠળ કેસ નોંધાયા છે, જેમાં જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા વિરોધી ધારો, 1984, નાર્કોટિક્સ ઍક્ટ 1908, હથિયાર ધારો 1959, મહારાષ્ટ્ર પોલીસ ઍક્ટ 1951 વગેરે સામેલ છે.
2. એફઆઇઆરમાં 51 શકમંદોનાં નામ છે, જે તમામ મુસ્લિમો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
3. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળે છત્રપતિ શિવાજી મહારાજ ચોક, ગાંધી ગેટ ખાતે વિરોધપ્રદર્શન કર્યું હતું અને ઔરંગઝેબના પ્રતીકાત્મક પૂતળાનું દહન કર્યું હતું. તેમણે ઔરંગઝેબની કબર હઠાવવાની માંગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યાર બાદ લઘુમતી ડેમૉક્રૅટિક પાર્ટીના શહેરપ્રમુખ ફહીમ ખાન શમીમ ખાન (ઉંમર 38) 50-60 લોકોના ગેરકાયદે ટોળા સાથે આવ્યા અને પોલીસ સ્ટેશનમાં નિવેદન આપ્યું હતું. તે મુજબ પોલીસ સ્ટેશનમાં આગ લગાવવા બદલ નવ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. એકઠી થયેલી ભીડને પણ શાંતિ જાળવવા સૂચના આપવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
4. પોલીસ સ્ટેશનમાં આવેલા આ લોકોએ 17 માર્ચે સાંજે ચાર વાગ્યે મુસ્લિમોને ભેગા કરીને હિંદુ-મુસ્લિમોને ઉશ્કેરવાનું કાવતરું ઘડ્યું હતું અને લગભગ 500 થી 600 મુસ્લિમો છત્રપતિ શિવાજી મહારાજ ચોકમાં એકઠા થયા હતા.
5. ભીડને ઘરે પાછા ફરવા અપીલ કરવામાં આવી હતી. પરંતુ લોકો સાંભળવાના મૂડમાં ન હતા. ટોળાને પોલીસ સામે ઉશ્કેરવામાં આવ્યું હતું. "પોલીસને જોઈ લઈશું" જેવા નારા લગાવ્યા હતા અને લોકોને તોફાન કરવા ઉશ્કેર્યા હતા.
6. તેમની પાસે કુહાડી, પથ્થરો, લાકડીઓ અને સળિયા જેવાં હથિયાર હતાં. ઘાતક હથિયારો હવામાં લહેરાવીને લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.
7. આ ટોળાએ ભાલદારપુરા વિસ્તારમાં પોલીસને મારી નાખવાના ઇરાદાથી પથ્થરો વડે હુમલો કર્યો હતો.
8. ભાલદારપુરા વિસ્તારમાં અંધારાનો લાભ લઈને એક મહિલા પોલીસ અધિકારીને નિર્વસ્ત્ર કરવાના ઇરાદાથી તેમનાં યુનિફોર્મ અને શરીરને અયોગ્ય રીતે સ્પર્શ કરવામાં આવ્યો હતો. આરોપીએ અન્ય મહિલા પોલીસ અધિકારીઓ સાથે પણ અશ્લીલ હરકતો કરી હતી અને ગેરવર્તન કર્યું હતું.
9. ટોળાએ પોલીસના વાહનમાં તોડફોડ કરી હતી. ગીતાંજલિ ચોક વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો કરીને બે પીસીઆર વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. કાર પર પેટ્રોલ બૉમ્બ ફેંકવામાં આવ્યા અને તેને આગ ચાંપી દેવામાં આવી. ગંજીપેઠ વિસ્તારમાં ફ્લાયઓવરના બાંધકામ માટે પાર્ક કરેલા બે ક્રેન પર પેટ્રોલ બૉમ્બ ફેંકીને આગ ચાંપવામાં આવી હતી.
10. ફરજ પરના પોલીસ અધિકારીઓને ઘાતક હથિયારો અને પથ્થરો વડે ઘાયલ કરવામાં આવ્યા.

ઔરંગઝેબની કબર અને હિંસા પર આરએસએસનું વલણ

ઇમેજ સ્રોત, Getty Images
મહારાષ્ટ્રમાં ઔરંગઝેબ પર થયેલા વિવાદ અને નાગપુરમાં ઔરંગઝેબની કબર મામલે થયેલી હિંસાને અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ કહ્યું છે કે આજના સમયમાં મોગલ બાદશાહ પ્રાસંગિક નથી.
બૅંગલુરુમાં એક પ્રેસ કૉન્ફરન્સમાં ઔરંગઝેબ પરના પ્રશ્નના જવાબમાં સંઘના પ્રવક્તા સુનીલ આંબેકરે કહ્યું, "મને લાગે છે કે આ ચર્ચા આજના સમયમાં પ્રાસંગિક નથી. કોઈ પણ પ્રકારની હિંસા સમાજ માટે સારી નથી."
આંબેકર બૅંગલુરુમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા (એબીપીએસ)ની ત્રણ દિવસીય પરિષદની પૂર્વસંધ્યાએ એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધી રહ્યા હતા. તેમણે કહ્યું કે પોલીસ નાગપુરમાં હિંસાનાં કારણોની તપાસ કરી રહી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે આરએસએસ હેડક્વાર્ટરની મુલાકાત લેશે. આંબેકરે આ વિશે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
તેમણે કહ્યું કે વડા પ્રધાનની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યાલયની મુલાકાતમાં કંઈ ખાસ નથી.
તેમણે કહ્યું કે, "વડા પ્રધાનનું સ્વાગત છે. અટલ બિહારી વાજપેયીએ પણ આરએસએસના મુખ્યાલયની મુલાકાત લીધી હતી."
આંબેકરે સંઘની શાખાઓમાં આવતા લોકોની સંખ્યામાં ઘટાડો થવાના સવાલને ફગાવી દીધો હતો. (એબીપીએસ પરિષદના અંતે આ અંગેના આંકડા જાહેર કરશે).
આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગરિકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. ફડણવીસે કહ્યું, "હું પોલીસ પ્રશાસનના સતત સંપર્કમાં છું. નાગપુર એક એવું શહેર છે જે શાંતિને પ્રેમ કરે છે અને એકબીજાના સુખ-દુઃખને વહેંચે છે. આ નાગપુરની પરંપરા રહી છે. આવી સ્થિતિમાં કોઈપણ અફવા પર વિશ્વાસ ન કરો અને વહીવટી તંત્રને સંપૂર્ણ સહકાર આપો."
હિંસા થઈ ત્યાં હાંલ કેવી સ્થિતિ છે?

ઇમેજ સ્રોત, ANI
અમે નાગપુરમાં જ્યાં હિંસા થઈ હતી ત્યાં ગયા અને પરિસ્થિતિની સમીક્ષા કરી.
નાગપુરમાં હાલમાં તણાવપૂર્ણ શાંતિ છે. કર્ફ્યૂને કારણે અહીંની તમામ દુકાનો બંધ છે. ગાંધી ગેટ, અગ્રસેન ચોક, સક્કરદરા, ગણેશપેઠ સહિત મધ્ય નાગપુરના તમામ વિસ્તારોમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. આ વિસ્તારમાં એક બજાર હોવાથી અહીં કામ કરતા વેપારીઓ અને મજૂરોને તેની અસર થઈ છે.
નાગપુરમાં આ પ્રકારની હિંસા પહેલી વખત થઈ છે. જ્યાં આ ઘટના બની ત્યાંના લોકોના મનમાં પણ સવાલ છે કે આવું આખરે કઈ રીતે થયું?
એક દુકાનદારે કહ્યું, "હિંદુ અને મુસ્લિમો, અમે બધા અમારા વિસ્તારમાં સાથે રહીએ છીએ. જો કંઈ થાય તો અમારા સંબંધીઓ આવે તે પહેલાં અમે એકબીજાને મદદ કરવા દોડી જઈએ છીએ. અમારા વિસ્તારમાં આવું કેવી રીતે થયું? બહારના લોકો હિંસા કરે છે, તેમાં અમને જ નુકસાન થાય છે."
સવારના સમયે દરેક જગ્યાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોય છે. જે રસ્તા પર પથ્થરમારો થયો હતો તેને બંધ કરી દેવાયો છે. અહીં કેટલીક દુકાનોમાં તોડફોડ કરવામાં આવી છે, બે વાહનોને પણ સળગાવી દેવાયાં છે. લોકોનાં ઘરો પર પથ્થર ફેંકાયા અને સીસીટીવી કૅમેરા તોડી નાખવામાં આવ્યા હતા.
હિંસા પછી પોલીસે શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
નાગપુરના પોલીસ કમિશનર ડૉ. રવીન્દ્ર સિંઘલે જણાવ્યું હતું કે હાલમાં સ્થિતિ શાંતિપૂર્ણ છે.
પોલીસ કમિશનર સિંઘલે કહ્યું, "કેટલીક જગ્યાએ આગચંપી થઈ છે. બે વાહનો સળગાવી દેવાયાં છે અને પથ્થરમારો પણ થયો છે. અમે પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છીએ."
પોલીસ કમિશનર સિંઘલે કહ્યું કે નાગપુર શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
નાગપુર પોલીસ કમિશનર ડૉ. રવીન્દ્ર સિંઘલે ન્યૂઝ એજન્સી એએનઆઇને કહ્યું, "હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. એક પોસ્ટર બાળવામાં આવ્યું પછી લોકો એકઠા થયા હતા. તેમણે વિનંતી કરી અને અમે પણ આ સંદર્ભે કાર્યવાહી કરી હતી. તેઓ મને મળવા મારી ઑફિસમાં આવ્યા હતા. તેમણે આપેલા નામના આધારે એફઆઇઆર નોંધવામાં આવી છે."
સિંઘલે જણાવ્યું કે, "આ ઘટના આજે (17 માર્ચ) રાત્રે આઠ થી સાડા આઠ વાગ્યાની આસપાસ બની હતી. બે વાહનોને સળગાવી દેવામાં આવ્યાં હતાં અને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસ કરી રહી છે અને સંડોવાયેલા લોકોની ઓળખ કરીને ધરપકડ કરવામાં આવી રહી છે."
સિંઘલે કહ્યું, "અમે કલમ 144 લગાવી છે અને બધાને બિનજરૂરી રીતે બહાર ન નીકળવા અને કાયદો પોતાના હાથમાં ન લેવા અપીલ કરી છે. અફવાઓ પર ભરોસો ન કરો. આ વિસ્તાર સિવાય આખા શહેરમાં સ્થિતિ શાંત છે."
'ગેરસમજના કારણે આ ઘટના બની'

ઇમેજ સ્રોત, Getty Images
નાગપુરના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ડીસીપી) અર્ચિત ચાંડકે નાગપુરમાં હિંસાને ધ્યાનમાં રાખીને માહિતી આપી છે.
અર્ચિત ચાંડકે કહ્યું કે, "આ ઘટના ગેરસમજના કારણે બની હતી. હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. અહીં અમારું પોલીસદળ મજબૂત છે. મારી સૌને અપીલ છે કે ઘરમાંથી બહાર ન નીકળો અને પથ્થરમારો ન કરો. પથ્થરમારાના કારણે અમારે બળનો ઉપયોગ કરવો પડ્યો અને ટીયરગૅસ વાપરવો પડ્યો."
ચાંડકે કહ્યું કે, "અહીં કેટલાંક વાહનો સળગાવવામાં આવ્યાં હતાં. અમે ફાયર બ્રિગેડને બોલાવીને આગ ઓલવી હતી. કેટલાક પોલીસકર્મી પણ ઘાયલ થયા હતા. પથ્થરમારા દરમિયાન મારા પગમાં પણ સામાન્ય ઈજા થઈ હતી."
ચાંડકે કહ્યું, "અમે દરેકને શાંતિ જાળવવાની અપીલ કરીએ છીએ. અફવાઓ પર ભરોસો ન કરો. કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન ન કરો. પોલીસને સહકાર આપો. અમે આ ઘટનાના સંબંધમાં કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છીએ."
નીતિન ગડકરીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
કેન્દ્રીય મંત્રી અને નાગપુરના સાંસદ નીતિન ગડકીએ સૌને શાંતિ જાળવવા અપીલ કરી છે.
ગડકરીએ કહ્યું કે કેટલીક અફવાઓ ફેલાવાના કારણે નાગપુરમાં ધાર્મિક તણાવ પેદા થયો છે. નાગપુરની ઓળખ હંમેશાં શાંત શહેરની રહી છે. બધા ભાઈઓને મારી વિનંતી છે કે કોઈ પણ પ્રકારની અફવાઓ પર ભરોસો ન કરો. આપણે શાંતિ સ્થાપીએ અને રસ્તા પર ઊતરી ન આવીએ. બધા લોકો મળીને કાયદો વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપીએ."
"શાંતિ અને સૌહાર્દ જાળવવાની નાગપુરની પરંપરા જાળવવી જોઈએ. હું સૌને ખાતરી આપું છું કે જેમણે ખોટું કર્યું છે તેમની સામે સરકાર કાર્યવાહી કરશે."
નીતિન ગડકરીએ કહ્યું કે મુખ્ય મંત્રીને પણ આ વિશે જાણકારી મળી છે. તેથી આપણે કોઈ અફવા પર ભરોસો કરવો ન જોઈએ. બધાએ સહયોગ આપવો જોઈએ અને પ્રેમ તથા સદ્ભાવનું વાતાવરણ જાળવવામાં મદદ કરવી જોઈએ."
'નફરત ફેલાવનારાઓની હકાલપટ્ટી કરો'

ઇમેજ સ્રોત, ANI
કૉંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું કે બેફામ નિવેદન આપનારા અને સમાજમાં નફરત ફેલાવનારા મંત્રીઓની તાત્કાલિક હકાલપટ્ટી કરવી જોઈએ.
તેમણે કહ્યું કે નાગપુર એક શાંતિપૂર્ણ શહેર છે. પરંતુ સત્તાધારી પક્ષનાં સમર્થક સંગઠનો દ્વારા તેના પર હુમલો કરવામાં આવે છે. આ બધું કૅબિનેટ મંત્રીઓના કારણે છે. તેમણે બેફામ નિવેદનો આપ્યાં છે. મુખ્ય મંત્રીએ આ મંત્રીને તાત્કાલિક કૅબિનેટમાંથી હઠાવવા જોઈએ."
વડેટ્ટીવારે કહ્યું કે, જાણી જોઈને નફરત ફેલાવવામાં આવી રહી છે. બે સમુદાયો વચ્ચે સંઘર્ષને ભડકાવવામાં આવી રહ્યો છે. આ સત્તાધારી પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યું છે. નાગપુરના રહેવાસીઓએ શાંતિ જાળવવી જોઈએ અને કોઈ અપ્રિય ઘટના ન બને તે જોવું જોઈએ.
વારિસ પઠાણે વિરોધ કર્યો

ઇમેજ સ્રોત, warispathaanofficial/Instagram
એઆઇએમઆઇએમના નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય વારિસ પઠાણે આ ઘટનાની ટીકા કરી છે. તેમણે કહ્યું કે "નાગપુરમાં આગચંપી અને પથ્થરમારાની ઘટના બની છે. અમે દરેક પ્રકારની હિંસાની ટીકા કરીએ છીએ. બધાએ કાયદો અને વ્યવસ્થાનું ચુસ્ત રીતે પાલન કરવું જોઈએ. પરંતુ આ ઘટના કઈ રીતે બની, તેની પાછળ કયાં કારણો છે તેની સરકારે તપાસ કરવી જોઈએ."
તેમણે કહ્યું કે, "છેલ્લા કેટલાક દિવસોમાં મહારાષ્ટ્રની સ્થિતિ પર નજર નાખશો તો જોવા મળશે કે ભાજપના કેટલાક નફરત ફેલાવનારા લોકો આવી ગયા છે. તેઓ ઉશ્કેરણીજનક ભાષણો આપીને માહોલ બગાડવાની કોશિશ કરે છે. સરકારે આવા લોકોને અંકુશમાં રાખવાની જરૂર છે. કેટલાક લોકો મહારાષ્ટ્રમાં તણાવપૂર્ણ સ્થિતિ પેદા કરવા માંગે છે તે હકીકત છે અને આવું જ થઈ રહ્યું છે."
વારિસ પઠાણે કહ્યું કે, "ઔરંગઝેબનો મુદ્દો રાજ્યમાં તણાવ પેદા કરવા અને કેટલાક મહત્ત્વના મુદ્દા પરથી ધ્યાન ભટકાવવા માટે પેદા કરવામાં આવ્યો છે. અમારી માંગણી છે કે બધાએ કાયદાનું પાલન કરવું જોઈએ અને જવાબદાર લોકો સામે સખત કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













