'સાવજ પીએ તો માંદો પડી જાય', ગીરની હિરણ નદી ગટર જેવી કેમ બની ગઈ?

    • લેેખક, હનીફ ખોખર
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગીરના જંગલમાંથી નીકળીને જૂનાગઢ જિલ્લામાંથી પસાર થઈને સોમનાથ પાસે અરબી સમુદ્રને મળતી હિરણ નદી સાસણ ગીરના જંગલમાંથી ચોખ્ખુંચણાક નીર લઈને આગળ વધે છે પરંતુ જ્યારે નદી તાલાળા પહોંચે છે ત્યારે નગરપાલિકા શહેરની ગટરોનું તમામ ગંદું અને કૅમિકલયુક્ત પાણી નદીમાં ઠાલવી રહી છે.

ગત અઠવાડિયે ગુજરાત હાઈકોર્ટે હિરણ નદીના પ્રદૂષણને લઈને કરવામાં આવેલી જાહેરહિતની અરજીનો જવાબ દાખલ કરવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને તાલાળા નગરપાલિકાને નોટિસ આપી છે.

ઉલ્લેખનીય છે કે હિરણ નદી ગીર અભ્યારણ્યમાંથી પસાર થાય છે.

પર્યાવરણ બચાવો સુરક્ષા સમિતિના તાલુકા પ્રમુખ અને આરટીઆઈ ઍક્ટિવિસ્ટ ઈરફાન ભાંગાણીએ હિરણ નદીને લઈને કરેલી જાહેરહિતની અરજીમાં ફરિયાદ કરી છે કે તાલાળા નગરપાલિકા ટ્રીટમૅન્ટ કર્યા વગરનું પાણી નદીમાં છોડતા હિરણ નદી અને હિરણ ડૅમ પ્રદૂષિત બન્યાં છે.

હિરણ નદી પ્રદૂષિત બનતા ગીર સોમનાથ જિલ્લાની માનવવસ્તી જ નહીં પરંતુ આ નદી પર આધારિત એશિયાટિક સિંહ સહિતની વન્ય જીવસૃષ્ટિને પણ અસર કરે છે.

જીપીસીબીની નોટિસની કોઈ અસર નહીં?

અરજદારના વકીલ પ્રશાંત ચાવડાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ટ્રીટમેન્ટ વગર જ ગટરના પાણીને નદીમાં છોડીને નદીને પ્રદૂષિત કરવાથી છેલ્લાં કેટલાંક વર્ષોમાં વન્ય જીવસૃષ્ટિને વિપરીત અસર થઈ છે.

અરજદારે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે આ મુદ્દે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(જીપીસીબી)નું ધ્યાન દોરવામાં આવ્યું હતું.

જીપીસીબીની સમિતિએ સ્થળની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ વૉટર ઍક્ટ હેઠળ નગરપાલિકાને નોટિસ પાઠવી હતી પરંતુ સ્થિતિમાં કોઈ ફરક પડ્યો ન હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

અરજદારે વધુમાં એવી દલીલ કરી હતી કે એક તરફ રાજ્ય સરકાર આંતરરાષ્ટ્રીયસ્તરે પ્રવાસન અને વન્ય જીવોને પ્રોત્સાહન આપી રહી છે, પરંતુ બીજી તરફ પ્રદૂષણના ગંભીર મુદ્દાને ઉકેલવામાં સત્તાવાળાઓ અસમર્થ છે.

આ સ્થળની મુલાકાત લેતા પ્રવાસીઓ પણ આ વિકટ વાસ્તવિકતાના સાક્ષી છે.

બીબીસીની ટીમે હિરણ નદીની મુલાકાત લીધી ત્યારે નદીની આસપાસ ભૂંડ રખડતા જોવા મળ્યા હતા. ભૂંડને ગંદકી અતિ પ્રિય હોય છે અને તેઓ ભારે ગંદકી ધરાવતા વિસ્તારોમાં રહેવાનું પસંદ કરે છે.

કાર્યવાહક ચીફ જસ્ટિસ એજે દેસાઈ અને જસ્ટિસ બિરેન વૈશનની બેન્ચે આ મુદ્દે સંબંધિત સત્તાવાળાઓ પાસેથી 5 એપ્રિલ સુધીમાં જવાબ માગ્યો છે.

‘સાડા ત્રણ લાખ લોકો આ પાણી પીએ છે’

બીબીસી સાથે વાત કરતા અપીલકર્તા સામાજિક કાર્યકર ઈરફાન ભાંગાણી કહે છે, “હિરણ નદી તાલાળામાંથી પસાર થાય છે અને તાલાળા નગરપાલિકા દ્વારા છેલ્લાં 4 વર્ષથી પાઇપલાઇન દ્વારા કૅમિકલયુક્ત ગંદું પાણી આ નદીમાં છોડવામાં આવે છે. જેના કારણે એશિયાટિક સિંહ સહિતના વન્ય પ્રાણીઓ, પંખીઓ અને લોકો આ નદીનું પાણી પીએ છે.”

“હિરણ-1નું પાણી હિરણ-2માં જાય છે અને તેમાંથી 3.5 લાખ પરિવારોને આ પાણી પીવા માટે પૂરું પાડવામાં આવે છે. આ બાબતની મેં વખતોવખત ગુજરાત સરકારને રજૂઆત કરી છે.”

“ગુજરાત પ્રદૂષણ બોર્ડે નગરપાલિકાને નોટિસ પણ આપી હતી. તેમ છતાં નોટિસની આજ સુધી કોઈ અમલવારી થઈ નથી. એટલે નાછૂટકે મારે હાઈકોર્ટમાં જવું પડ્યું.”

તેઓ આગળ કહે છે, “હાઈકોર્ટના હુકમનો અનાદર થશે તો આ કૃત્ય થકી નગરપાલિકા લોકોના આરોગ્ય અને જીવન સાથે ચેડાં કરી રહ્યું છે તેથી હું કોર્ટ ઑફ કન્ટેમ્પ્ટ (કોર્ટનું અપમાન)નો કેસ દાખલ કરીશ.”

‘નદીમાં માછલાં પણ મરી જાય છે’

બીબીસીએ આ મામલે તાલાળામાં હિરણ નદીને કાંઠે વસતા સ્થાનિકો સાથે વાત કરી હતી.

તાલાળામાં હિરણ નદીને કાંઠે રહેતા ભીમાભાઈ સોલંકી બીબીસી સાથે વાત કરતા કહે છે, “ચાર વર્ષથી ગંદું પાણી નદીમાં છોડવાથી અમારે વારંવાર રોગચાળાનો ભોગ બનવું પડી રહ્યું છે. માણસ માટે તો જવા દો, પશુઓ માટે પણ આ પાણી પીવાલાયક રહ્યું નથી. પાણી એટલું ગંધાય છે કે અહીં મહિલાઓ કપડાં ધોવાં આવતી હતી તે પણ બંધ થઈ ગઈ છે. આ પાણી પીવાથી માલઢોર પણ બીમાર પડે છે, સિંહ પણ બીમાર પડતા હશે.”

ભીમાભાઈ ઉમેરે છે, “અહીંથી પાણી ઉમરેઠી ડૅમમાં જાય છે જ્યાંથી લાખો લોકો આ પાણી પીએ છે. વેરાવળ, ઉમરેઠી, ખીરદાર, ગલિયાવર, ખુશિયા, ઘણેજ વગેરે ગામોમાં આ પાણી જાય છે. તત્કાલ તાલાળા નગરપાલિકા ગંદા પાણીને નદીમાં છોડવાનું બંધ કરે એવી અમારી માગ છે.”

અન્ય સ્થાનિક રાહુલ પરમાર કહે છે, “અમારી સરકારને એક જ વિનંતી છે કે હિરણને પ્રદૂષિત થતી અટકાવે. હું બે વરસથી આ નદીમાં ઊતર્યો જ નથી. આનાથી ફાયદો કોઈને નથી, માણસ, જનાવર, પક્ષીઓ બધાને નુકસાની જ છે.”

ગામના એક વયોવૃદ્ધ પશુપાલક બીબીસી સાથે વાત કરતા કહે છે, “આ નદીમાં મોતી પડ્યું હોય તો પણ દેખાય એવું ચોખ્ખું પાણી હતું. અમે ખોબેખોબે પીતા. આજે અમે તો ઠીક અમારી ભેંસો પણ નથી પીતી.”

તેઓ ઉમેરે છે, “ભેંસોને અમારે પાણી પાવા ક્યાં લઈ જવી એ પ્રશ્ન ઊભો થયો છે.”

“પશુ આ પાણી પીએ તો માંદા પડી જાય છે. સાવજ પીએ તોય માંદો પડી જાય છે. આ નદીમાં માછલીઓ પણ મરી જાય છે. તમે આંટો મારશો તો મરેલાં માછલાંના ઢગલા તમને દેખાશે.”

  • ગીરના જંગલમાંથી ચોખ્ખા નીર લઈને નીકળતી હિરણ નદી તાલાળા પહોંચે છે ત્યારે નગરપાલિકા શહેરની ગટરોનું તમામ ગંદું અને કૅમિકલયુક્ત પાણી નદીમાં ઠાલવી રહી છે
  • આ અંગે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી થતા કોર્ટે તાલાળા નગરપાલિકા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને નોટિસ આપી છે
  • સામાજિક કાર્યકર ઈરફાન ભાંગાણીએ હિરણ નદીએ કોર્ટમાં ફરિયાદ કરી છે કે તાલાળા નગરપાલિકા ટ્રીટમૅન્ટ કર્યા વગરનું પાણી નદીમાં છોડતા હિરણ નદી અને હિરણ ડેમ પ્રદૂષિત બન્યાં છે
  • હિરણ નદી પ્રદૂષિત બનતા ગીર સોમનાથ જિલ્લાની માનવવસ્તી જ નહીં પરંતુ આ નદી પર આધારિત એશિયાટિક સિંહ સહિતની વન્ય જીવસૃષ્ટિને પણ અસર કરે છે
  • સ્થાનિક ભીમા સોલંકી કહે છે કે આ પાણી પીવાથી માલઢોર પણ બીમાર પડે છે, સિંહ પણ બીમાર પડતા હશે

‘ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર છે પણ...’

ગટરના પાણીને નદીમાં છોડવા અંગે માટે બીબીસીએ તાલાળા નગરપાલિકાનો પક્ષ જાણવા નગરપાલિકા ભવનની મુલાકાત લીધી.

તાલાળા નગરપાલિકાના હેડ ક્લાર્ક અશોક પાઠક કહે છે, “તાલાળા નગરપાલિકાની 45 કરોડની ગટરયોજનાનો ત્રણ વર્ષ સુધી કૉન્ટ્રાક્ટ અમારે મેઇન્ટેન કરવાનો નહોતો. ત્રણ વર્ષ બાદ અમને ગટરયોજના સોંપાઈ દેવાઈ પરંતુ એસટીપી (સુએઝ ટ્રીટમૅન્ટ પ્લાન્ટ) બન્યો નહોતો. આશરે 12 કરોડ રૂપિયાના ખર્ચે ગલિયાવરના ખૂણે નદીના કાંઠે એસટીપી પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. પ્લાન્ટ પણ તૈયાર થઈ ગયો છે.”

હેડ ક્લાર્કના કહેવા અનુસાર, “1 એમએલડી ગટરના પાણીને હિરણ નદીમાં છોડતી નગરપાલિકા આ પાણી નદીમાં નાખવા માગતી નથી, પરંતુ એસટીપી માટે વીજળીનું જોડાણ જીઈબી આપી નથી રહી. જીઈબી અમને નગરપાલિકાએ ભરવાની થતી 5 કરોડ જેટલી બાકી રકમ ભરવા માટે દબાણ કરી રહી છે. આ રકમ હાલ અમે ભરી શકીએ તેમ નથી.”

અશોક પાઠક કહે છે, “વીજળી જોડાણ આપી દે તો અમારો ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલુ થઈ જાય તો અમારે ગટરના પાણીનું એક ટીપું પણ નદીમાં છોડવું નહીં પડે.”

હેડ ક્લાર્ક અનુસાર, સ્ટ્રીટ લાઇટના બિલનાં નાણાં નિયમિતપણે ભરાઈ રહ્યાં છે પરંતુ પમ્પ હાઉસના વીજબીલનાં નાણાં ભરવાનાં બાકી છે. ટ્રીટમેન્ટ પ્લાન્ટના વીજળીના જોડાણનાં નાણાં પણ નગરપાલિકાએ જમા કરાવી દીધાં છે.

હેડ ક્લાર્કને પ્રશ્ન કરાયો કે તો હવે એસટીપી પ્લાન્ટ ક્યારે શરૂ થશે? જવાબમાં તેમણે કોઈ ચોક્કસ સમય જણાવ્યા વિના કહ્યુ કે જીઈબી વીજળી જોડાણ આપે એના 48 કલાકમાં અમારો એસટીપી પ્લાન્ટ ચાલુ થઈ જશે.

છેલ્લાં 4 વર્ષથી હિરણ નદીને ‘ગટર’ બનાવી દેવાઈ છે પરંતુ 2019માં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ 2019માં ભારત સરકાર દ્વારા તાલાળાને સ્વચ્છ સિટી ઍવૉર્ડ એનાયત કરાયો હતો.

ગટરના પાણીને નદીમાં છોડવા અંગે સુપ્રીમ કોર્ટ શું કહે છે?

વૉટર ઍક્ટ, 1974 લાગુ હોવા છતાં નદીઓ પ્રદૂષિત છે તેને લઈને જાણીતા સામાજિક કાર્યકર રોહિત પ્રજાપતિએ સુપ્રીમ કોર્ટમાં વર્ષ 2012માં સિવિલ રિટ પિટિશન ફાઇલ કરી હતી. 'પર્યાવરણ સુરક્ષા સમિતિ વિરુદ્ધ ભારત સરકાર'ના નામે ઓળખાતા એ કેસનો ચુકાદો 22 ફેબ્રુઆરી 2017ના રોજ આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટના એ ચુકાદા અનુસાર, ગટરનું પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર નદી, જળસ્રોતો કે જમીનમાં પણ છોડી શકાય નહીં. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાયદા મુજબ ચાલવા જોઈએ. ચુકાદાના ત્રણ મહિનામાં કાયદા મુજબ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ થઈ જવા જોઈએ.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ટ્રીટમેન્ટ કર્યા વગરનું સુએઝનું પાણી અથવા કૅમિકલનું પાણી નદીઓમાં છોડવામાં આવે તો તે રાજ્યના ચીફ સેક્રેટરી, પર્યાવરણ સચિવ અને પર્યાવરણ નિયંત્રણ બોર્ડના મેમ્બર સેક્રેટરી જવાબદાર ગણાશે. સુએઝ ડિસ્ચાર્જનું મૉનિટરિંગ પબ્લિક ડૉમેનમાં રિયલ ટાઇમ દેખાવું જોઈએ એમ પણ સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું.

કોર્ટના ચુકાદા બાદ રોહિત પ્રજાપતિનો કેસ નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલમાં ગયો હતો.

નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ દ્વારા પ્રદૂષિત નદીઓ અંગેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં દેશની પ્રદૂષિત 351 નદીઓના વિસ્તારોની ઓળખ કરવામાં આવી જેમાં ગુજરાતની 20 નદીઓનો સમાવેશ થાય છે.

કેન્દ્ર સરકારે 4 ઑગસ્ટ 2022ના રોજ લોકસભામાં આપેલી માહિતી મુજબ, પ્રદૂષિત નદીઓમાં ગુજરાતની યાદીમાં સાબરમતી, ભાદર, અમલાખાડી, ભોગાવો અને ખારી નદીઓને અતિ પ્રદૂષિત હોવાથી પ્રથમ શ્રેણીમાં મૂકવામાં આવી છે.