You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના : ગુજરાતમાં યોજાઈ રહેલા કાર્યક્રમો પર 'નિયંત્રણ' અંગે સવાલ કેમ થઈ રહ્યા છે?
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
ચીનમાં કેર વર્તાવી રહેલા કોરોના વાઇરસના ઓમિક્રૉન વૅરિયન્ટના સબ-વૅરિયન્ટ BF.7ના ગુજરાતમાં કેસો નોંધાઈ ચૂક્યા છે.
આરોગ્ય વિભાગનું કહેવું છે કે તમામ દર્દીઓ સાજા થઈ ગયા હોવા છતાં હાલ BF.7નો ખતરો સંપૂર્ણપણે ટળ્યો નથી. સાવધ રહેવાની જરૂર છે.
તાજેતરમાં જ અમદાવાદમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોના એક સંમેલનમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કોરોના અંગેની ચિંતા વ્યક્ત કરતાં લોકોને માસ્ક પહેરવા સૂચન કર્યું હતું.
તો અમદાવાદમાં આવેલા કેન્દ્રીય આરોગ્યમંત્રી મનુસખ માંડવિયાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે વિવિધ માધ્યમોથી સરકાર લોકોને જાગરૂક કરી રહી છે.
તેમણે કહ્યું કે બધા લોકો માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે. તેમણે કહ્યું કે લોકોએ ગભરાવવાની જરૂર નથી પણ સાવધ રહો.
રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પણ તાકીદે બેઠકો યોજીને રાજ્ય સરકારની તૈયારીની સમીક્ષા કરી હતી.
દરમિયાન ગુજરાતમાં આગામી એક મહિનામાં ઘણા કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. સરદાર પટેલ રિંગરોડ પર ઓગણજ વિસ્તારમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ પણ ચાલી રહ્યો છે. જેમાં રોજ હજારોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે.
આ સિવાય આગામી દિવસોમાં અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ અને 31 ડિસેમ્બરથી ફ્લાવર શો પણ યોજાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોવાથી કોરોના ફેલાવાની શક્યતા રહેલી છે.
'પ્રાથમિકતા લોકોના જીવ જ હોવા જોઈએ, ઉત્સવો નહીં'
કોરોનાના ભય વચ્ચે ફરી એવો સવાલ થઈ રહ્યો છે કે સરકારે તકેદારી માટે નિયંત્રણો લાદવાં જોઈએ કે નહીં.
અમદાવાદ કૉર્પોરેશનના આરોગ્ય અધિકારી ભાવિન સોલંકીએ જણાવ્યું, "અમે રસીકરણ અને ટેસ્ટિંગની પ્રક્રિયા વધારે મજબૂત કરી છે. કાર્યક્રમો ચાલુ રહેશે અને તેમાં અમે માસ્ક વિતરણ પણ કરીશું."
તો સ્વામીનારાયણ મહોત્સવ દ્વારા પણ કોરોના સંક્રમણથી બચવા માટે ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. મહોત્સવમાં આવનાર માટે માસ્ક પહેરવું ફરજિયાત કરાયું છે.
તેમજ શરદી, તાવ, ઉધરસ જેવી તકલીફ ધરાવનાર વ્યક્તિને મહોત્સવમાં ન આવવા માટે વિનંતી કરાઈ છે.
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ 14 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી યોજાશે. આ કાર્યક્રમમાં વિદેશમાંથી પણ મહેમાનો આવી રહ્યા છે.
આ મહોત્સવ માટે અમદાવાદની વિવિધ વૈભવી હોટલો અગાઉથી બૂક થઈ ગઈ છે. મહોત્સવમાં અંદાજે ત્રણ લાખ જેટલા એનઆરઆઈ પણ ભાગ લેવા આવી રહ્યા છે.
અમદાવાદના સિનિયર કાર્ડિયોથૉરેસિક સર્જન ડૉ. સુકુમાર મહેતાએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "એક બાબત પ્રચલિત છે કે આપણે પાણી પહેલાં પાળ બાંધી દેવી જોઈએ. બીમારી થાય અને તેના ઈલાજ માટે તૈયારીઓ રાખવા કરતા બીમારીને થતી અટકાવવી જ વધારે હિતાવહ છે. તેથી જાહેર આરોગ્ય સૌથી મોટી પ્રાથમિકતા હોવી જોઈએ."
તેમણે આગળ કહ્યું, "કોઈ પણ મેળાવડા પ્રાથમિકતા ન હોવા જોઈએ, કારણ કે તેનાથી જાહેર આરોગ્યને નુક્સાન પહોંચી શકે છે. કોઈ પણ ભોગે પ્રાથમિકતા લોકોના જીવ જ હોઈ શકે અને તે જ હોવા જોઈએ. કોરોના માથું ઊંચકી રહ્યો હોય ત્યારે ભીડ ભેગી ન થાય એવા પગલાં લેવાં જોઈએ."
'બાકી રહેલા લોકોને જલદી બૂસ્ટર ડોઝ મળે તો રાહત થાય'
કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ગુરુવારે માહિતી આપી હતી કે વિદેશથી આવતા મુસાફરોનું રૅન્ડમ સૅમ્પલિંગ હાથ ધરાઈ રહ્યું છે અને મહામારીનો સામનો કરવા માટે તેઓ પ્રતિબદ્ધ છે.
જાહેર મેળાવડાઓ, ઉત્સવો પર નિયંત્રણ કે પ્રતિબંધ મુકાવા જોઈએ કે નહીં, તે વિશે જાણવા બીબીસીએ અમદાવાદના જ એમ. ડી. ફિઝિશિયન ડૉ. દુર્ગેશ મોદી સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું, "મેળાવડા પર પ્રતિબંધ મૂકવા અંગે 'થોભો અને રાહ જુઓ'ની નીતિ અપનાવવી યોગ્ય લાગે છે. રૅન્ડમ સૅમ્પલિંગ વિશેની વિગતો એક કે બે અઠવાડિયાંમાં આવે તે પછી જ એ વિશે કોઈ નિર્ણય કરી શકાય એવું મને લાગે છે."
તેમણે આગળ જણાવ્યું, "હાલ કોરોનાના નવા કેસ વધારે આવતા નથી. આપણે ત્યાં 22 ટકા લોકોએ વૅક્સિનનો ત્રીજો ડોઝ (જે બૂસ્ટર ડોઝ કહેવાય છે) લઈ લીધો છે. હજી ઘણા મોટા વર્ગે એ ડોઝ લીધો નથી. મને લાગે છે કે કોરોનાની નવી લહેર આવે તે પહેલાં બાકી રહેલા લોકોને પણ બૂસ્ટર ડોઝ મળી જાય એ મહત્ત્વનું રહેશે. "
22 ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા માટે એક વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. એ બેઠકમાં વડા પ્રધાને તમામ અધિકારીઓને સતર્ક રહેવા કહ્યું હતું.
જ્યારે લોકસભામાં કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે આગામી તહેવારો અને નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને રાજ્યોને ઍલર્ટ રહેવાં, લોકોના માસ્ક પહેરવા અને સૅનેટાઇઝરનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે.
તો ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પણ શુક્રવારે મીડિયાને જણાવ્યું હતું કે "ઍરપૉર્ટ પર બે ટકા લોકોનું સૅમ્પલિંગ કરવામાં આવશે અને થર્મલ સ્ક્રીનિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા સ્વૈચ્છિક ડૉમ ઊભા કરીને ઝડપથી આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાની સુવિધા ઊભી કરવામાં આવશે."
માંડવિયાને પ્રમુખસ્વામીના ભક્તોની ચિંતા નથી અને માત્ર રાહુલ ગાંધીની ચિંતા કેમ? : પવન ખેડા
ચીનમાં કોરોનાની અત્યાર સુધીની સૌથી મોટી લહેર આવી છે. ચીનમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે, જેને લઈને ભારત પણ સતર્ક થઈ ગયું છે.
કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધીને પત્ર લખીને ભારત જોડો યાત્રામાં કોરોના નિયમોનું પાલન કરવા નહીં, તો યાત્રા બંધ કરવા અપીલ કરી હતી.
પત્રમાં લખ્યું, "જો ઉપરોક્ત કોવિડ પ્રોટોકૉલનું પાલન કરવું શક્ય ન હોય તો પબ્લિક હેલ્થ ઇમરજન્સીની સ્થિતિ જોતાં અને દેશને કોવિડ મહામારીથી બચાવવા માટે ભારત જોડો યાત્રા સ્થગિત કરવાનો અનુરોધ છે."
રાહુલ ગાંધીએ માંડવિયાની ભલામણને યાત્રા રોકવાનું બહાનું ગણાવ્યું અને કહ્યું, “હિન્દુસ્તાનની શક્તિ અને સત્યથી તેઓ ડરી ગયા છે.”
દરમિયાન ભારત જોડો યાત્રા હવે દિલ્હીમાં પ્રવેશી ચૂકી છે.
કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડાએ પત્રકારપરિષદમાં કહ્યું, “ગુજરાતમાં ફ્લાવર શોનું આયોજન થઈ રહ્યું છે જેમાં રોજ દોઢથી બે લાખ લોકો આવશે. એ ચાર લાખ ભક્તો જે રોજ પ્રમુખસ્વામી મહોત્સવમાં રોજ ભાગ લે છે તેના માટે ભાજપ સરકાર કેમ ચિંતિત નથી?"
"પ્રમુખસ્વામી આપણા બધાના આદરણીય છે. તેમના ભક્તો દરેક માટે આદરણીય છે. તમને તેમની ચિંતા નથી અને માત્ર રાહુલ ગાંધીની ચિંતા છે? ભારત જોડો યાત્રાની ચિંતા છે? જી –20નું આયોજન અલગઅલગ 20 શહેરોમાં થઈ રહ્યું છે. એની ચિંતા ભાજપ સરકારને નથી? સરકારે પૉલિટિકલ પ્રોટોકૉલ નહીં પણ મેડિકલ પ્રોટોકૉલ લાવવાની જરૂર છે. તેનું બધા પાલન કરશે જેમ અગાઉ કર્યું હતું.”
ગુજરાત કોરોના સામે કેટલું તૈયાર?
કોરોના વાઇરસ મામલે રાજ્ય સરકાર પણ સતર્ક બની છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે લોકોને માસ્ક પહેરવા, સૅનેટાઇઝરનો ઉપયોગ કરવા અને પ્રિકૉશન ડોઝ લેવાની અપીલ કરી હતી.
મીડિયા સાથેની વાતચીતમાં તેમણે ગુજરાતમાં પરિસ્થિતિ કાબૂમાં હોવાની વાત કરી હતી. સરકાર શું કરી રહી છે એની પણ વિગતો આપી હતી.
- રાજ્યમાં 100 ટકા વૅક્સિનેશન થાય તે માટે સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરાશે
- 27 ડિસેમ્બરે રાજ્યની તમામ હૉસ્પિટલોમાં મોકડ્રીલ યોજાશે
- અમદાવાદ અને સુરત ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર વિદેશી પ્રવાસીઓ માટે 100 ટકા થર્મલ સ્ક્રીનિંગ કરાશે
- 2 ટકા યાત્રીઓનું રેન્ડમ આરટીપીસીઆર સૅમ્પલિંગ થશે
- ગુજરાતમાં હાલ દૈનિક 10 હજા કોરોના ટેસ્ટ થાય છે, જરૂર પડે તો ક્ષમતા વધારાશે