You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વૅક્સિન : બે વર્ષ બાદ પણ આપણે તેની આડઅસરો વિશે કેટલું જાણીએ છે?
- લેેખક, ઍન્ડ્રે બર્નાથ
- પદ, બીબીસી ન્યૂઝ, બ્રાઝિલ
- 8 ડિસેમ્બરથી લઈને અત્યાર સુધીમાં દુનિયાભરમાં કોરોના વૅક્સિનના કરોડો ડોઝ અપાઈ ચૂક્યા છે
- વૅક્સિનના કારણે અમેરિકામાં આશરે 1.3 ટ્રિલિયન ડૉલરનો મેડિકલ ખર્ચ ઓછો થયો છે
- અમેરિકામાં 12 ડિસેમ્બર 2020 પછી કરોડો લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા
- વૈજ્ઞાનિકોનું માનવું છે કે, કોરોના વૅક્સિનેશનની ગંભીર આડઅસરો ના બરાબર છે
- બ્રાઝિલના સરકારી આંકડા મુજબ, 2021ના માર્ચથી એપ્રિલ વચ્ચે દરરોજ સરેરાશ 72 હજાર લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા હતા
લંડનના સાયન્સ મ્યુઝિયમમાં એક પ્રદર્શન યોજવામાં આવ્યું છે. અહીં પ્રદર્શિત વસ્તુઓ દર્શાવે છે કે કોરોના વૅક્સિનની શોધથી લઈને તેના ઉત્પાદન અને સમગ્ર વિશ્વમાં કેટલા મોટા પાયે તેનું વિતરણ થયું હતું.
આ ઍક્ઝિબિશનના એક ખૂણામાં કાર્ડબોર્ડ પર કેટલીક સિરિંજ અને ઇન્જેક્શનની શીશીઓ મૂકવામાં આવી છે. તેનો ઉપયોગ 8 ડિસેમ્બરે કરવામાં આવ્યો હતો. કોરોના વૅક્સિનના ક્લિનિકલ અભ્યાસ સિવાય આવું પહેલી વાર બન્યું હતું કે, 90 વર્ષીય બ્રિટિશ મહિલા માર્ગરેટ કિનનને કોરોનાનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું.
8 ડિસેમ્બરથી લઈને અત્યાર સુધીમાં દુનિયાભરમાં કોરોના વૅક્સિનના કરોડો ડોઝ અપાઈ ચૂક્યા છે. તેમાં ઇમ્યુનિટી વધારવા અને કોરોનાના નવા વૅરિયન્ટ સામે રક્ષણ આપવા માટે બૂસ્ટર ડોઝનો પણ સમાવેશ થાય છે.
વૅક્સિનેશનનાં આ બે વર્ષમાં આપણે શું શીખ્યા?
આ સમયગાળા દરમિયાન વૅક્સિનની અસરકારકતા વિશે બહાર આવેલા ડેટાનું પરિણામ શું છે, અત્યાર સુધી આપણે કોરોના વૅક્સિનની આડઅસરો વિશે કેટલું જાણી શક્યા છીએ?
અત્યાર સુધી થયેલા સંશોધન અનુસાર, કોવિડ19 સામે મંજૂર કરાયેલી તમામ રસીઓના પરિણામે સમગ્ર વિશ્વમાં હૉસ્પિટલમાં દાખલ સંક્રમિત લોકોનાં મૃત્યુની સંખ્યામાં ઘટાડો થયો છે. જો આ વૅક્સિન ન હોત તો મહામારીનું સંકટ આખી દુનિયામાં અનેક ગણું મોટું હોત.
આ દરમિયાન કેટલીક વૅક્સિનની આડઅસર વિશે પણ કેટલીક વાતો ઊઠી હતી, કેટલીક પસંદગીની આરોગ્ય સંસ્થાઓ અને ઍજન્સીઓએ વૅક્સિનની ગંભીર આડઅસરો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જોકે આ અપવાદો જેવા હતા, તેમ છતાં તપાસ કરીએ કે, હકીકતમાં વૅક્સિનની આડઅસરોનું સત્ય શું છે.
વૅક્સિનેશનની સૌથી મોટી અસરો
કોરોનાની વૅક્સિનની સૌથી મોટી અસર એ થઈ છે કે સમગ્ર વિશ્વમાં હૉસ્પિટલમાં દાખલ થતા દર્દીઓ અને મૃત્યુનું પ્રમાણ ઘટ્યું છે. જેમ-જેમ વૅક્સિન મોટી વસતી સુધી પહોંચી, તેમ-તેમ ગંભીર સંક્રમણ, હૉસ્પિટલમાં ભીડ અને મૃત્યુની સંખ્યામાં ઘટાડો થયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સંદર્ભમાં કૉમનવેલ્થ ફંડે અમેરિકાની યેલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો સાથે સર્વે કર્યો હતો. 13 ડિસેમ્બરે પ્રકાશિત થયેલા આ અહેવાલમાં વૈજ્ઞાનિકોએ એ સમજવાનો પ્રયાસ કર્યો છે કે જો કોવિડ-19 સામે કોઈ વૅક્સિન વિકસાવવામાં ન આવી હોત તો શું થાત?
આ સર્વેનાં પરિણામોએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જો વૅક્સિન આવી ન હોત તો એકલા અમેરિકામાં જ બે વર્ષમાં વર્તમાન આંકડાથી 1.85 કરોડથી વધુ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોત અને 32 લાખ લોકોનાં મૃત્યુ થયાં હોત.
આ સિવાય એ પણ જાણવા મળ્યું હતું કે, વૅક્સિનના કારણે અમેરિકામાં આશરે 1.3 ટ્રિલિયન ડૉલરનો મેડિકલ ખર્ચ ઓછો થયો છે. જો કેસ વધુ વધ્યા હોત, તો આ રકમ સંક્રમિત વસતીની સારવારમાં ખર્ચવામાં આવી હોત.
સર્વેનાં પરિણામોનું વિશ્લેષણ કરનારા વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, “અમેરિકામાં 12 ડિસેમ્બર 2020 પછી આઠ કરોડ 20 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. તેમાંથી 48 લાખ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સાત લાખ 98 હજાર લોકો મૃત્યુ પામ્યા હતા.”
“જો લોકોને વૅક્સિન આપવામાં ન આવી હોત તો અમેરિકામાં દોઢ ગણા લોકો સંક્રમિત થયા હોત, ચાર ગણા લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોત અને ચાર ગણાથી વધુ લોકો મૃત્યુ પામ્યા હોત.”
બ્રાઝિલિયન સોસાયટી ઑફ ઇમ્યુનાઇઝેશનનાં વાઇસ પ્રૅસિડન્ટ ડૉક્ટર ઇસાબેલ બલ્લાલાઈ પણ માને છે કે “વૅક્સિનના કારણે જે લોકો મૃત્યુ પામ્યા અને જે લોકો બચી ગયા છે, તેમના આંકડામાં ઘણો તફાવત હતો.”
ડૉક્ટર ઇસાબેલનો પોતાનો દેશ બ્રાઝિલ પણ વિશ્વના સૌથી વધુ સંક્રમિત વસતી ધરાવતા દેશોમાંનો એક હતો, પરંતુ અહીંના વૅક્સિનેશન પ્રોગ્રામનાં પણ ખૂબ વખાણ થયાં હતાં.
જાન્યુઆરી 2021માં જ્યારે પ્રારંભિક વૅક્સિન મંજૂર કરવામાં આવી હતી, ત્યારે બ્રાઝિલમાં કોરોના સંક્રમણની સ્થિતિ સમગ્ર મહામારીના સમયગાળાની ટોચ પર પહોંચી ગઈ હતી.
બ્રાઝિલના સરકારી આંકડા મુજબ, 2021ના માર્ચથી એપ્રિલ વચ્ચે દરરોજ સરેરાશ 72 હજાર લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા હતા. તેમાંથી દરરોજ લગભગ 3,000 લોકોનાં મૃત્યુ થઈ રહ્યાં હતાં.
જેમ-જેમ દિવસો પસાર થતા ગયા, તેમ-તેમ વધુને વધુ લોકોને વૅક્સિન આપવામાં આવી રહી હતી. આમ સંક્રમણની સંખ્યા દરરોજ રેકૉર્ડ ગતિએ વધી રહી છે અને તેના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો છે.
વૅક્સિનની આડઅસર વિશે શું જાણવા મળ્યું છે?
ડૉક્ટર ઇસાબેલ બલ્લાલાઈ જણાવે છે કે, “દરેક પસાર થતા દિવસની સાથે વધુને વધુ લોકોને વૅક્સિનના ડોઝ આપવામાં આવી રહ્યા છે, જેના કારણે અમને વિશ્વાસ છે કે લોકો સુરક્ષિત થઈ રહ્યા છે.”
છેલ્લાં બે વર્ષમાં નિયમનકારી સંસ્થાઓ અને સરકારી આરોગ્ય સંસ્થાઓ સતત એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે કોરોનાની વૅક્સિન લીધા પછી લોકો પર શું અસર થાય છે. આ માટે વૅક્સિન લેતા લોકો પર દેખરેખ રાખવાથી માંડીને બીમાર થવા સુધીની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે, “વૅક્સિનની ગંભીર આડઅસર સામે આવી છે.”
જેમણે વૅક્સિન લીધી હતી, તેમાં આડઅસરનાં લક્ષણો આ મુજબ હતાં:
- ઇન્જેક્શન લીધેલી જગ્યાએ દુખાવો થવો
- હળવો તાવ આવવો અને થાક લાગવો
- આખા શરીરમાં દુખાવાની સાથે માથામાં દુખાવો થવો
- આ લક્ષણો સાથે બીમાર થવાનો અનુભવ થવો
બ્રિટનની સરકાર પણ સંમત હતી કે જે પણ આડઅસરો જોવા મળી હતી, તે ખૂબ જ હળવી હતી અને વધુમાં વધુ એક અઠવાડિયા સુધી ચાલતી હતી.
જોકે, હળવી આડઅસરો સિવાય, તે લક્ષણો વિશે શું જે વૅક્સિનની ગંભીર આડઅસરો જોવા મળી? અમેરિકાના સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન (CDC) દ્વારા આ અંગેના નવીનતમ આંકડા પ્રકાશિત કરવામાં આવ્યા છે.
સીડીસીના આંકડા અનુસાર, વૅક્સિન લીધા પછી જે સૌથી ગંભીર આડઅસરો સામે આવી છે, તે કંઈક આવી છે:
- એનાફિલૅક્સિસ
વૅક્સિન લીધા પછી ગંભીર ઍલર્જિક રિએક્શન, દર દસ લાખમાંથી પાંચ લાખ લોકોમાં આડઅસર જોવા મળે છે.
- થ્રોમ્બોસિસ
જૅનસૅન વૅક્સિનના કેસમાં વધુ જોવા મળ્યું હતું. દર દસ લાખમાંથી ચાર લાખ લોકોમાં આડઅસર જોવા મળે છે.
- જીબીએસ
જૅનસૅન વૅક્સિનના કેસમાં વધુ જોવા મળ્યું હતું. 50 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં આડઅસરો જોવા મળે છે.
- માયોકાર્ડાઇટિસ અને પેરિકાર્ડાઇટિ
ફાઇઝરની વૅક્સિન લીધા પછી હૃદયમાં સોજો આવ્યો. 12થી 15 વર્ષની વયજૂથમાં પ્રતિ દસ લાખમાંથી 70 ડોઝમાં જોવા મળી. 16થી 18 વર્ગમાં દસ લાખ દીઠ 106 અને 18થી 24 વયજૂથમાં પ્રતિ દસ લાખમાં 53.4 લોકોમાં જોવા મળી.
સીડીસીના રિપોર્ટ અનુસાર, ‘માયોકાર્ડાઇટિસ અને પેરિકાર્ડાઇટિસથી પીડિત લોકોની સારવાર દરમિયાન દવાઓની અસર ઝડપથી થઈ અને તેઓ થોડા જ દિવસમાં સાજા પણ થઈ ગયા હતા.’
આ આધારે રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે, “કેટલાક અભ્યાસોનાં પરિણામો અને સેફ્ટી મૉનિટરિંગ સિસ્ટમના રિપોર્ટના આધારે એવું માની શકાય છે કે, આપવામાં આવી રહેલી તમામ વૅક્સિન સુરક્ષિત છે.”
જ્યાં સુધી અમેરિકામાં કોરોનાના કારણે થયેલાં મૃત્યુની વાત છે, તો અહીંના આંકડા અનુસાર, 7 ડિસેમ્બર સુધી કોરોના વૅક્સિનના 65 કરોડ 70 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. વૅક્સિનેશન પછી 17 હજાર 800 લોકો મૃત્યુ પામ્યા હતા, જે અમેરિકામાં કુલ મૃત્યુના 0.0027 ટકા છે.
વૅક્સિન લીધા પછી થયેલા આ તમામ મૃત્યુની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તેમાં જાણવા મળ્યું હતું કે, માત્ર નવ મૃત્યુ જૅનસૅન વૅક્સિન લીધા પછી થયા છે.
ડૉક્ટર બલ્લાલાઈએ કહ્યું છે કે, “દુનિયામાં એવી કોઈ વૅક્સિન નથી કે જેમાં કોઈ જોખમ ન હોય.”
વૅક્સિનેશન બાદ આગળ શું?
2021માં ઉપયોગ માટે વૅક્સિન ઉપલબ્ધ હોવા છતાં, કોરોના જેવી મહામારી પર સંપૂર્ણ રીતે નિયંત્રિત કરવાની દિશામાં હજુ પણ ઘણા પડકારો છે.
મહામારી વિશેષજ્ઞ એન્ડ્રે રિબાસ કહે છે કે, “જો વૈશ્વિક દૃષ્ટિએ જોઈએ તો હજુ પણ ઘણા દેશો છે, જે ઇમ્યૂનાઇઝેશનમાં ઘણા પાછળ છે.”
હૈતી જેવા દેશમાં માત્ર બે ટકા વસતીએ વૅક્સિનનો પ્રારંભિક ડોઝ મેળવ્યો છે. આ સિવાય અલ્જીરિયામાં 15 ટકા, માલીમાં 12 ટકા, કૉંગોમાં ચાર ટકા અને યમનમાં માત્ર બે ટકા લોકોને જ વૅક્સિનના ડોઝ મળ્યા છે.
આ અંગે ચિંતા વ્યક્ત કરતાં ડૉક્ટર ઇસાબેલ કહે છે કે, “આ ચિંતાજનક બાબત છે, કારણ કે વધુ લોકોમાં સંક્રમણ ફેલાવાથી વાઇરસના વધુ ઘાતક પ્રકારોનું જોખમ વધી જાય છે.”