You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અજય બંગા : વર્લ્ડ બૅન્કના આગામી અધ્યક્ષ કોણ છે?
ભારતીય મૂળના અમેરિકન પ્રોફેશનલ અને માસ્ટર કાર્ડના પૂર્વ અધ્યક્ષ અજય બંગાને વર્લ્ડ બૅન્કના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, તે 2 જૂનનાં રોજ હોદ્દો સંભાળશે.
વર્લ્ડ બૅન્કે એક નિવેદનમાં જાહેર કર્યું હતું કે, "વર્લ્ડ બૅન્કના કાર્યકારી નિદેશકોએ આજે અજય બંગાને બૅન્કના અધ્યક્ષ ચૂંટી કાઢવામાં આવ્યા છે. તેઓ બીજી જૂન, 2023થી પાંચ વર્ષો માટે આ કાર્યભાર સંભાળશે."
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને ભારતીય મૂળના અમેરિકન શીખ બિઝનેસમૅન અજય બંગાનું નામ વર્લ્ડ બૅન્કના અધ્યક્ષ માટે સૂચવ્યું હતું.
અમેરિકા દ્વારા આ બૅન્ક ઉપર જળવાયુ પરિવર્તનની દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે બંગાની નિમણૂક મહત્ત્વપૂર્ણ બની રહેશે.
બંગાના પિતા ભારતીય સેનામાં અધિકારી હતા અને તેમણે દિલ્હી યુનિવર્સિટી તથા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ અમદાવાદમાં અભ્યાસ કર્યો છે. હવે, તેઓ અમેરિકાનું નાગરિકત્વ ધરાવે છે.
બંગાએ લગભગ એક દાયકા કરતાં વધુ સમય સુધી માસ્ટરકાર્ડની ધૂરા સંભાળી હતી અને હવે એક ખાનગી ઇક્વિટી કંપનીમાં કામ કરે છે. અમેરિકાના અધિકારીઓનું કહેવું છે કે અજય બંગાના નેતૃત્વમાં ખાનગીક્ષેત્રને સાથે લઈને વિશ્વ બૅન્કને તેના નિર્ધારિત લક્ષ્યાંકોને પાર પાડવામાં મદદ મળશે.
ગુણકની ગુણવત્તા
બૅન્કે અગાઉ જણાવ્યું હતું તે ત્રણ ઉમેદવારોને શૉર્ટલિસ્ટ કરશે અને મે મહિનાની શરૂઆતમાં નવા વડાના નામની જાહેરાત કરી દેશે. બૅન્કે એમ પણ જણાવ્યું હતું કે મહિલા નિયુક્તિને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. અન્ય કોઈ દેશ દાવેદારી કરશે કે નહીં, તેના વિશે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી.
વર્લ્ડ બૅન્ક દ્વારા દર વર્ષે વિશ્વના અનેક દેશોને અબજો ડૉલરનું ધિરાણ આપવામાં આવે છે, પરંપરાગત રીતે આ બૅન્કના અધ્યક્ષની પસંદગીની જવાબદારી અમેરિકાની ઉપર છે, જે વિશ્વની સૌથી મોટી બૅન્કનું સૌથી મોટું શૅરધારક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકાનાં નાણામંત્રી જૅનેટ યેલને કહ્યું હતું કે તેઓ વર્લ્ડ બૅન્કને "યોગ્ય ઍજન્ડા દ્વારા સારા હેતુના ગુણક તરીકે જોવા ઇચ્છશે."
યેલેનનાં કહેવા પ્રમાણે, બંગાએ પોતાની કારકિર્દી દરમિયાન સરકારો, કંપનીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓની સાથે મળીને કામ કર્યું છે, તેમની આ "અનોખી" ખાસિયત તેમને વર્લ્ડ બૅન્કની જવાબદારીને માટે કાબેલ બનાવે છે.
માસ્ટરકાર્ડમાં જોડાતા પહેલાં બંગાએ નેસ્લે અને સિટી ગ્રૂપ જેવી આંતરરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કર્યું છે. વર્ષ 2021માં માસ્ટરકાર્ડમાંથી નિવૃત્ત થયા બાદ તેઓ જનરલ ઍટલાન્ટિક કંપનીમાં ઉપાધ્યક્ષ તરીકે જોડાયા હતા. જળવાયુ પરિર્તન માટે કંપનીના સાડા ત્રણ અબજ ડૉલરના ઇક્વિટી ફંડનો હવાલો બંગા પાસે છે.
મધ્ય અમેરિકાના દેશોમાંથી આવતાં માઇગ્રન્ટનો ધસારો અટકાવવા માટે વ્હાઇટ હાઉસ દ્વારા આ દેશોમાં ખાનગીક્ષેત્રનું રોકાણ વધારવા માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા અને બંગા તેના 'કૉ-ચૅર' હતા.
બંગા સામેના પડકારો
સેન્ટર ફૉર ગ્લોબલ ડેવલ્પમૅન્ટનાં ઍક્ઝિક્યુટિવ વાઇસ પ્રૅસિડન્ટ અમાનદા ગ્લાસમૅનના કહેવા પ્રમાણે, બંગાનો દાયકાઓના ખાનગીક્ષેત્રના અનુભવને કારણે કૉંગ્રેસને તેમના પર વિશ્વાસ છે. સામાન્ય રીતે રિપબ્લિકનો દ્વારા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની ટીકા કરવામાં આવે છે.
ગ્લાસમૅનનું કહેવું છે કે બૅન્કનું મુખ્ય કામ વિકાસ અને સરકારો સાથે સામંજસ્યનું છે, આ ક્ષેત્રે બંગાને પ્રમાણમાં ઓછો અનુભવ છે એટલે તેઓ "યોગ્ય પસંદગી" છે કે નહીં, તે જોવું રહ્યું. તેઓ ઉમેરે છે કે, "બૅન્ક માટે તેઓ શું વિચારે છે અને તેમની દૂરદૃષ્ટિ શું છે, તેની સ્પષ્ટતા પર ધ્યાન આપવું રહ્યું."
જે કોઈ વ્યક્તિ વર્લ્ડ બૅન્કનું આગામી અધ્યક્ષ બનશે, તેની સામે વધારાનાં નાણાં વગર ઓછી આવકવાળા દેશોની આર્થિક જરૂરિયાતોને પૂર્ણ કરવાનો પડકાર હશે, કારણ કે અનેક દેશો દેવાના ડૂંગર તળે દબાયેલા છે. આ સિવાય જળવાયુ પરિવર્તન, વૈશ્વિક હિંસા અને મહામારીનું જોખમ જેવી અન્ય સમસ્યાઓ પણ તેમનાં સામે હશે.
ગ્લાસમૅનના કહેવા પ્રમાણે, "વર્લ્ડબૅન્ક માટે આગામી સમય પડકારજનક હશે, આ એવી ક્ષણ હશે કે તેની જરૂરિયાત કાં તો વધુ સાંપ્રત બની રહેશે, અથવા તો તે હાંસિયામાં ધકેલાઈ જશે."
તેઓ ઉમેરે છે, "વર્લ્ડ બૅન્કમાં સુધારની જરૂરિયાત ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે, પરંતુ કેવી રીતે તેના વિશે સહમતિ નથી અને તે કેવી રીતે અલગ-અલગ જરૂરિયતોની વચ્ચે સંતુલન સાધશે તે એક ચિંતાનો વિષય છે."
ઉલ્લેખનીય છે કે હાલમાં ડેવિલ માલપાસ વર્લ્ડ બૅન્કના વડા છે, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની નિમણૂક કરી હતી. તેઓ જૂન મહિનામાં પદભાર છોડવાના છે, તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ આવતા વર્ષે પૂર્ણ થવાનો હતો, પરંતુ તેઓ એકાદ વર્ષ વહેલાથી પદ છોડી દેશે.
પર્યવારણવાદીઓનું કહેવું છે કે માલપાસે જળવાયુ પરિવર્તનની દિશામાં વર્લ્ડ બૅન્કના સંસાધનોને ફાળવવામાં ઢીલ કરી હતી.
ગત વર્ષે તેમણે નિવેદન કર્યું હતું કે જીવશ્મિગત ઇંધણને કારણે જળવાયુ પરિવર્તન થઈ રહ્યું છે કે નહીં, તેના વિશે તેઓ ખાતરીપૂર્વક કહી ન શકે. તેમના આ નિવેદનને વ્હાઇટ હાઉસ દ્વારા વખોડી કાઢવામાં આવ્યું હતું. પાછળથી તેમણે પોતાના નિવેદન વિશે માફી માગી લીધી હતી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો