You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
T20 વર્લ્ડકપ : ઝિમ્બાબ્વે સામેની મૅચમાં એવું શું થયું કે પાકિસ્તાનના શાદાબ ખાન મેદાનમાં જ રડી પડ્યા
ઑસ્ટ્રેલિયાના પર્થમાં ગુરુવારે ટી-20 વર્લ્ડકપમાં ગ્રૂપ-2ની સુપર 12 મૅચમાં ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને એક રનથી હરાવ્યું હતું. આ હારથી પાકિસ્તાનના ચાહકો ખૂબ જ નારાજ છે, ઝિમ્બાબ્વેને પાકિસ્તાન કરતાં નબળી ટીમ ગણવામાં આવતી હતી, પરંતુ આ હારથી પાકિસ્તાનને ઝટકો લાગ્યો છે.
આ પહેલાં ભારતે પાકિસ્તાનને ચાર વિકેટે હરાવ્યું હતું. સતત બે હાર બાદ પાકિસ્તાન માટે ટી-20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં જવાનો માર્ગ મુશ્કેલ બની ગયો છે.
ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને 131 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને તેને બહુ મુશ્કેલ ટાર્ગેટ માનવામાં આવતો ન હતો. આ હાર બાદ પાકિસ્તાની ક્રિકેટરો પોતાના જ લોકોની ટીકાનો સામનો કરી રહ્યા છે.
પાકિસ્તાનના કૅપ્ટન બાબર આઝમ અને વિકેટકીપર મોહમ્મદ રિઝવાન વહેલા આઉટ થયા હતા. તેના આઉટ થયા બાદ પાકિસ્તાનના મિડલ ઑર્ડરનો ફરી એકવાર ધબડકો થઈ ગયો હતો.
શાન મસૂદ પાકિસ્તાનને જિતાડવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા પરંતુ તેઓ પણ નિષ્ફળ ગયા હતા.
શાન મસૂદ અને શાદાબ ખાને ચોથી વિકેટ માટે 52 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી અને પાકિસ્તાનને જીતના ઉંબરે પહોંચાડ્યું હતું. પરંતુ ઝિમ્બાબ્વેની લયબદ્ધ બૉલિંગને કારણે પરિણામ પાકિસ્તાનની તરફેણમાં આવ્યું ન હતું.
મેદાન પર રોકકળ
પાકિસ્તાનની હારની અસર પ્રશંસકો ઉપરાંત ખેલાડીઓ પર પણ પડી હતી. પાકિસ્તાની ટીમના કેટલાક ક્રિકેટરો એટલા ભાવુક થઈ ગયા કે તેઓ પોતાની જાતને સંભાળી ન શક્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શાદાબ ખાનનો રડતો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. તે વીડિયોમાં તે પેવેલિયનમાં જ ઘૂંટણિયે પડીને રડતા જોવા મળે છે. વીડિયોમાં દેખાય છે કે મીડિયા મૅનેજર તેમને સંભાળી રહ્યા છે અને અંદર લઈ જઈ રહ્યા છે.
પાકિસ્તાની મીડિયા અનુસાર, શાદાબનો આ વીડિયો તેના એક ચાહકે ઉતાર્યો છે.
બે મૅચ હાર્યા બાદ પાકિસ્તાને હજુ ત્રણ મૅચ રમવાની બાકી છે. જો પાકિસ્તાને સેમિફાઇનલમાં પહોંચવું હોય તો તેણે ત્રણેય મૅચ જીતવી પડસે અને તે સિવાય બાકીની ટીમોનાં પ્રદર્શન પણ નિર્ણાયક રહેશે.
મેદાન બહાર ગુસ્સો
પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન વસીમ અકરમ વર્તમાન કપ્તાન બાબર આઝમથી નારાજ જણાઈ રહ્યા છે. ઝિમ્બાબ્વે સામેની હાર બાદ વસીમ અકરમે પાકિસ્તાનની ટીમની પસંદગી પર પણ સવાલો ઉઠાવ્યા છે.
વસીમ અકરમે કહ્યું, “તમે ઑસ્ટ્રેલિયન પીચ વિશે જાણો છો, છતાં કોઈ આયોજન નથી. આ બધું કૅપ્ટનનું કામ છે."
"આપણે જાણીએ છીએ કે પાકિસ્તાનનો મિડલ ઑર્ડર નબળો છે. જો હું કૅપ્ટન હોઉં તો મારું એકમાત્ર લક્ષ્ય વર્લ્ડકપ જીતવાનું હોય. એ માટે મારે ગધેડાને બાપ બનાવવો પડે તો પણ બનાવું.”
“જો મારે શોએબ મલિક જોઈતો હોય તો હું જઈને અધ્યક્ષ અને પસંદગીકારને કહીશ કે જ્યાં સુધી મને મારી પસંદના ખેલાડીઓ નહીં મળે, ત્યાં સુધી હું રમીશ નહીં."
"બાબરે વધુ ચતુર બનવું પડશે. આ કોઈ ગલી-મહોલ્લાની ટીમ નથી કે ઓળખાણવાળાને લઈ લેવાય. જો હું ત્યાં હોત તો સૌપ્રથમ શોએબ મલિકને મિડલ ઑર્ડરમાં સ્થાન આપત.”
જ્યારે વસીમ અકરમ આ વાત કહી રહ્યા હતા, ત્યારે શોએબ મલિક, વકાર યૂનુસ અને મિસ્બાહ-ઉલ-હક પણ તેમની સાથે હતા.
પાકિસ્તાનની આગામી મૅચ 30 ઑક્ટોબરે પર્થમાં નેધરલૅન્ડ સામે છે. જોકે વકાર યૂનુસનું કહેવું છે કે મિડલ ઑર્ડર પર ગુસ્સો ઠાલવવામાં આવે છે, પરંતુ ઑપનર પણ રન બનાવી શકતા નથી.
વકારે કહ્યું, "જ્યારે તમે કૅપ્ટન હોવ ત્યારે તમે પ્રયોગ કરો છો અને બીજાને પણ તક આપો છો. કૅપ્ટન પોતે અસલામતી અનુભવી રહ્યો છે. કૅપ્ટને થોડો ત્યાગ કરવો પડશે."
"તેણે ટીમ માટે વિચારવું પડશે. કૅપ્ટન અને લીડર વચ્ચે આ જ ફરક છે."
વસીમ અકરમે કહ્યું કે તેણે બાબર આઝમને પીએસએલમાં ત્રીજા સ્થાને આવવા કહ્યું હતું, પરંતુ તેણે ના પાડી દીધી હતી.
પાકિસ્તાનના પૂર્વ ખેલાડીઓમાં બાબર આઝમને લઈને ચર્ચા ચાલી રહી છે.
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર યૂનુસ ખાને એઆરવાય ન્યૂઝને કહ્યું, “હવે પાકિસ્તાનની સેમિફાઇનલમાં પહોંચવાની બહુ ઓછી આશા છે. ઝિમ્બાબ્વે સામેની હાર બાદ ખૂબ જ નિરાશાનો માહોલ છે.”
પાકિસ્તાનના અન્ય પૂર્વ ક્રિકેટર કામરાન અકમલે પણ કહ્યું, “પાકિસ્તાનનું ઝિમ્બાબ્વે સામે સરેરાશ જેટલું પણ પ્રદર્શન નહોતું. શાહીનશાહ આફ્રિદીને કૅપ્ટને બેટિંગ માટે મોકલી દીધો જ્યારે તેની ફિટનેસ સારી નહોતી."
"કૅપ્ટન અને કોચની ભૂમિકા ખૂબ જ નિરાશાજનક રહી છે. આપણી ટીમના ખેલાડીઓ અંગત લક્ષ્ય લઈને ગયા છે. દરેક વ્યક્તિ અહંકારમાં મનફાવે તેવા નિર્ણયો લઈ રહી છે."
"બાબરે આ વર્લ્ડકપ પછી કૅપ્ટનશિપ ન કરવી જોઈએ. તે ખૂબ જ દબાણ હેઠળ રમે છે. જો બાબરને સમજાય તો તેણે કપ્તાની છોડી દેવી જોઈએ. સુકાની પદ છોડ્યા બાદ તેની બેટિંગમાં નિખાર આવશે. વિરાટ કોહલી સાથે પણ આવું જ થયું છે.”
યૂનુસ ખાને કહ્યું કે "બાબર આઝમ કપ્તાનીમાં વારંવાર ભૂલો કરી રહ્યા છે. તેણે કહ્યું કે બાબરની કપ્તાનીમાં કોઈ સ્પાર્ક નથી. એક રાષ્ટ્રનું નેતૃત્વ કરવા માટે એક ઉમદા લીડર બનવું પડે છે."
"બાબરમાં એ દેખાતું નથી. બાબર સારો બૅટ્સમૅન છે પણ સારો કૅપ્ટન નથી. મેં ચાર વખત કપ્તાની છોડી દીધી હતી. જ્યારે તમારે તમારા લોકો સાથે કામ પાર પાડવાનું હોય, ત્યારે લીડરશિપ દેખાડવી પડે છે.”
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો