T20 World Cup : ઝિમ્બાબ્વેના પાકિસ્તાનમાં જન્મેલા એ ખેલાડી જેમણે પાકિસ્તાનને જ હરાવી દીધું

સિકંદર રઝાનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો અને બહેતર તકોની શોધમાં તેઓ ઝિમ્બાબ્વે રમવા માટે ગયા હતા. આ સિકંદરે જ T-20 વર્લ્ડ કપમાં ગુરુવારે રમાયેલી પાકિસ્તાન વિરુદ્ધ ઝિમ્બાબ્વેની મૅચમાં પાકિસ્તાનના પરાજયનો પાયો નાખ્યો.

સિકંદર રઝા અને ઝિમ્બાબ્વેની ટીમના જુસ્સાભર્યા ખેલને લીધે તેઓ પાકિસ્તાનને એક રનથી હરાવવામાં સફળ થયા હતા.

ઝિમ્બાબ્વેના નસીબનો 'સિકંદર'

સિકંદર રઝાનો જન્મ પાકિસ્તાનના સિયાલકોટમાં થયો હતો. સિકંદર 2013માં ઝિમ્બાબ્વે વતી રમનારા નોન-રેશિડેન્શિયલ ખેલાડી બન્યા હતા.

તાસાદક હુસેન રઝા એટલે કે સિકંદરના પિતાજી મોટર સ્પેરપાર્ટ્સનો બિઝનેસ કરે છે. બિઝનેસ વિસ્તારવાના હેતુસર તેમણે પાકિસ્તાન છોડીને ઝિમ્બાબ્વેમાં સ્થળાંતરિત થવાનો નિર્ણય કર્યો હતો. એ વખતે સિકંદર સ્કોટલેન્ડના ગ્લાસગોમાં સોફ્ટવેરનો અભ્યાસ કરતા હતા.

સિકંદરનું સપનું ફાઈટર પાઈલોટ બનવાનું હતું, પરંતુ આંખની બિમારીને લીધે તેમની પસંદગી થઈ શકી ન હતી. એ પછી સિકંદરે તેમના ક્રિકેટના શોખને આગળ વધારવા માટે ઝિમ્બાબ્વે જવાનો નિર્ણય કર્યો હતો.

સિકંદરને બાળપણથી જ ક્રિકેટ રમવાનો ચસકો હતો. તેના કાકા તથા પિતા પણ ક્રિકેટના રસિયા હતા, પરંતુ પ્રોફેશનલ ક્રિકેટર બની શક્યા ન હતા.

સ્કોટલેન્ડમાં અભ્યાસ કરતી વખતે પણ સિકંદર ક્રિકેટ રમતા હતા. એ વખતે ઝિમ્બાબ્વેની રાજધાની હરારેમાં રમાયેલી એક લીગમાં તેમણે તેમનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું.

ઝિમ્બાબ્વેમાં સ્થાયી થયા પછી રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં રમવાની પાત્રતા મેળવવા માટે સંખ્યાબંધ કાગળિયાં કરવા પડે છે. એ વખતે ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ કેપ્ટન એલિસ્ટર કેમ્પબેલે કરેલી મદદ મૂલ્યવાન સાબિત થઈ હતી.

સિકંદરને સાથ મળે છે સ્થાનિક ક્રિકેટ ચાહકોનો

હરારેના બેલવ્હેડરે વિસ્તારમાં દક્ષિણ એશિયાના ઘણા લોકો રહે છે. સિકંદર પણ એ વિસ્તારમાં જ રહે છે. ઝિમ્બાબ્વેની મેચ હોય છે ત્યારે સિકંદરને સાથ આપવા માટે સેંકડો લોકો હાજર રહે છે.

બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ એમ ત્રણેય ક્ષેત્રમાં કુશળતા ધરાવતા સિકંદર ટૂંક સમયમાં ઝિમ્બાબ્વેની ટીમના તારણહાર બની ગયા હતા.

ફાસ્ટ અને સ્પિન એમ બન્ને પ્રકારની બોલિંગ રમવાની આવડત સિકંદરની પ્રગતિનો મારગ મોકળો બનાવ્યો. સિકંદરની સ્પિન બોલિંગ સામે સારા-સારા બેટ્સમેનો પણ ચકરાવે ચડી જાય છે. ઝિમ્બાબ્વેની ટીમના પરંપરા અનુસાર સિકંદર ઉત્કૃષ્ટ ફિલ્ડર પણ છે.

આ વર્ષે સિકંદરનું ફોર્મ જબરજસ્ત રહ્યું છે. સિકંદરે બાંગ્લાદેશ સામે બે સદી, જ્યારે ભારત સામેની વન-ડે શ્રેણીમાં એક સદી ફટકારી હતી.

સિકંદરે 17 ટેસ્ટ મેચમાં 35.96 રનની સરેરાશ સાથે 1187 રન નોંધાવ્યાં છે. તેમાં એક સદી અને આઠ અર્ધી સદીનો સમાવેશ થાય છે.

તેણે 123 વન-ડેમાં છ સદી અને 20 અર્ધી સદી સાથે કૂલ 3656 રન નોંધાવ્યાં છે, જ્યારે T-20 ફોર્મેટમાં 62 મેચમાં 129.23ની સરેરાશ સાથે 1176 રન નોંધાવ્યાં છે.

સિકંદરે ટેસ્ટમાં 34, વન-ડેમાં 70 અને T-20 ફોર્મેટમાં 33 વિકેટો ઝડપી છે.

ગુરુવારની મૅચમાં સિકંદર આમ બન્યા 'મૅન ઑફ ધ મૅચ'

ગુરૂવારે રમાયેલી મેચમાં ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પણ પાકિસ્તાનની શિસ્તબદ્ધ બોલિંગ સામે તેઓ 130 રન જ નોંધાવી શક્યા હતા.

શોન વિલિયમ્સે સૌથી વધુ 31 રન કર્યાં હતાં. પાકિસ્તાન તરફથી મોહમ્મદ વસીમે 24 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી, જ્યારે શાદાબ ખાને ત્રણ વિકેટ ઝડપીને તેને સારો ટેકો આપ્યો હતો.

પાકિસ્તાનના દાવની શરૂઆતમાં જ બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન ઝડપથી આઉટ થઈ ગયા હતા. બાબરે ચાર અને રિઝવાને 14 રન કર્યાં હતાં.

ઝિમ્બાબ્વેના બોલરોએ પાકિસ્તાનના એક પણ બેટ્સમેનને ટકવા દીધા ન હતા. શાન મસૂદે 38 બોલમાં 44 રન ફટકારીને પાકિસ્તાનની આશા જીવંત રાખી હતી, જ્યારે મોહમ્મદ નવાઝે 22 રન બનાવીને ઝિમ્બાબ્વેના સપનાને રોળી નાખવાની તૈયારી કરી હતી.

જોકે, છેલ્લી ઓવરના છ બોલમાં 11 રનના પડકારને પાકિસ્તાન પાર કરી શક્યું ન હતું. નવાઝે છેલ્લી ઓવરના બીજા બોલમાં સિક્સર ફટકારીને મેચનું પલડું પાકિસ્તાન તરફ નમાવવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ નવાઝ એ પછી તરત આઉટ થઈ ગયા હતા. પાકિસ્તાને જીતવા માટે છેલ્લા બોલમાં ત્રણ રનની જરૂર હતી, પરંતુ તેના બેટ્સમેન એક જ રન બનાવી શક્યા હતા.

આમ 131 રનના લક્ષ્યાંક સામે પાકિસ્તાની ટીમ 129 રન નોંધાવી શકી હતી અને તેનો પરાજય થયો હતો.

T-20માં પાકિસ્તાન સામે ઝિમ્બાબ્વેનો આ બીજો વિજય છે અને આ જીતના શિલ્પકાર સિકંદર રઝા સાબિત થયા હતા. તેમણે 25 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

સિકંદરને મેન ઓફ ધ મેચનો પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો