You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લખનૌની એક હોટલમાં ભીષણ આગમાં ચાર લોકોનાં મૃત્યુ, ત્રણની ધરપકડ - પ્રેસ રિવ્યૂ
ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌની એક હોટલમાં આગ લાગવાને કારણે ચાર લોકોનાં મૃત્યુ થઈ ગયાં હતાં. તેમજ કેટલાક લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
આ અકસ્માત લખનૌની લેવાના હોટલમાં થયો હતો.
આ અગ્નિકાંડ બાદ પોલીસે પોતાની પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે સવારે સાત વાગ્યા 35 મિનિટે આગ લાગવાની જાણકારી ડાયલ 112 પર મળી હતી.
અત્યાર સુધી આ દુર્ઘટનામાં ચાર લોકોનાં મૃત્યુ થયાં છે. આ હોટલમાં 30 ઓરડા છે, જેમાંથી 18 ફુલ હતા.
પોલીસે હોટલના માલિક રાહુલ અગ્રવાલ અને રોહિત અગ્રવાલને કસ્ટડીમાં લીધા ચે.
હોટલના મહાપ્રબંધક સાગર શ્રીવાસ્તવને પણ કસ્ટડીમાં લેવાયા છે.
લખનૌના કમિશનર રોશન જૅકબે નકશો પાસ કરાવ્યા વગર લેવાના હોટલ દ્વારા કરાવાયેલ ગેરકાયદેસર બાંધકામને ધ્વસ્ત કરવાની નોટિસ પણ કાઢી છે.
સાથે જ લેવાના હોટલને સીલ કરવાની કાર્યવાહી પણ કરાઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફાયરવિભાગના ડીઆઈજી આકાશ કુલહરીએ લેવાના હોટલ જઈને અગ્નિકાંડની તપાસ કરી.
બાદમાં મીડિયાને તેમણે જણાવ્યું કે, "ફાયરવિભાગની એક કમિટી બની છે, જેમાં ડીજી સાહેબ છે, એક સીએફઓ છે અને હું પણ છું."
તેમના અનુસાર, "અમે લોકો ફિઝિકલ ઇન્સ્પેક્શન કરવા આવ્યા હતા. કાલ સાંજ સુધી જે ફાયર ફાઇટિંગનાં સાધનો હતાં, એનઓસી પર જે ફાયર ફાઇટિંગની જોગવાઈઓ લખેલી છે, તેનું ફિઝિકલ ઇન્સ્પેક્શન કર્યું હતું."
"આ બિલ્ડિંગની ઊંચાઈ પણ માપી છે. તે પ્રમાણે શું વ્યવસ્થા છે અને હાલની સ્થિતિમાં શી વ્યવસ્થા છે. તે તમામ વાતોનો અમારે તપાસ રિપોર્ટ સોંપવાનો છે."
અમદાવાદમાં કૉંગ્રેસનું 'પરિવર્તન સંકલ્પ સંમેલન', રાહુલ ગાંધીએ શું જાહેરાત કરી?
આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે કૉંગ્રેસે અમદાવાદમાં રિવરફ્રન્ટ 'પરિવર્તન સંકલ્પ સંમેલન' યોજ્યું હતું, જેમાં રાહુલ ગાંધી સહિતના કૉંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ બૂથના કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું.
કાર્યકરોને સંબોધતી વખતે રાહુલ ગાંધીએ ગુજરાતમાં જો કૉંગ્રેસની સરકાર બને તો કયાં કામો કરવામાં આવશે એની જાહેરાત કરી હતી.
રાહુલ ગાંધીએ અમદાવાદમાં આપેલા ભાષણના અંશો
- સરદાર પટેલની દુનિયાની સૌથી મોટી મૂર્તિ આરએસએસ અને મોદીએ બનાવી. સરકાર પટેલ એક વ્યક્તિ નહીં પરંતુ ગુજરાત અને હિંદુસ્તાનના ખેડૂતોનો અવાજ હતા. સરદાર પટેલ વગર અમૂલ પેદા ના થાત. આજે સરદાર પટેલ હોત તો ઉદ્યોગપતિઓનું દેવું માફ કરત કે ખેડૂતોનું? તેઓ કદી ત્રણ કૃષિકાયદા ન બનાવત
- કૉંગ્રેસ પાર્ટી જ્યાં પણ સરકારમાં આવી ત્યાં ખેડૂતોનાં દેવાં માફ કર્યાં. અહીં પણ અમારી સરકાર આવી તો દરેક ખેડૂતનું ત્રણ લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરીશું
- ગુજરાત ડ્રગ્સનું કેન્દ્ર બની ગયું છે. શું કારણ છે કે દર બે-ત્રણ મહિને મુન્દ્રા પૉર્ટ પરથી ડ્રગ્સ મળે છે જે ગુજરાતના યુવાનોનું ભવિષ્ય ખતમ કરે છે?
- ગુજરાત મોડલ છે બે-ત્રણ ઉદ્યોગપતિઓનું રાજ. તે માગે એટલી જમીન મળે. ગુજરાતનો આદિવાસી હાથ જોડીને થોડી જમીન માગે, બુમો પાડવી હોય એટલી પાડો કંઈ નહીં મળે. ગુજરાતમાં વીજળીના દર આખા દેશ કરતાં વધારે છે.
- લોકતંત્ર પર આક્રમણ, ગુજરાતની જનતા પર આક્રમણ, કોઈ બોલી નથી શકતું. ગુજરાતમાં આંદોલન માટે મંજૂરી લેવી પડે છે. આ ગુજરાત મૉડલ છે.
- હિંદુસ્તાનની કોઈ પણ વ્યક્તિને વેપાર સમજવો હોય તો ગુજરાત શીખવી શકે. તમે તેમાં સૌથી આગળ છો પણ લઘુ અને મધ્યમ ઉદ્યોગ તમારી તાકાત હતી. તમારી એ તાકાતનું શું થયું?
- શું ગુજરાત સરકાર નાના વેપારી, મધ્યમ વેપારીને મદદ કરે છે? તમે કોઈપણ દુકાનદારને પૂછો તો કહેશે કે નોટબંધી અને જીએસટીએ અમને બરબાદ કરી દીધા.
- તમે તેમને ફાયદા અને નુકશાન વિશે પૂછશો તો કહેશે કે આખો પ્રદેશ ચાર-પાંચ લોકોને હવાલે કરી દીધો છે પછી તે ઍરપૉર્ટ હોય કે પૉર્ટ.
- તમે તેમની સામે લડવા માગો કે આંદોલન કરવા માગો તો પહેલાં તેમની પાસેથી મંજૂરી લેવી જરૂરી છે.
- સરદાર પટેલે અંગ્રેજો સામે આંદોલન માટે મંજૂરી માગી હતી? તમે કોઈ એક રાજકીય પક્ષ સામે નથી લડતા તમે એ વિચારધારા સામે લડી રહ્યા છો જેની સામે સરદાર પટેલ લડ્યા હતા.
- છેલ્લી ચૂંટણીમાં કહેવાતું હતું કે કૉંગ્રેસ પાર્ટી લડાઈમાં નથી અને છ મહિનામાં ભાજપની હવા કાઢી નાખી. થોડી અધૂરપ રહી ગઈ પણ તમે 'બબ્બર શેર'ની જેમ લડ્યા. ગુજરાતની જનતા પરેશાન છે, ગુસ્સામાં છે.
- સરકાર બન્યા પછી ગુજરાતની જનતા માટે કૉંગ્રેસ શું કરશે? ખેડૂતોનું દેવું ત્રણ લાખ સુધી માફ.
- ગુજરાતમાં ત્રણ લાખ લોકો કોરોનામાં મર્યા. તમે સોશિયલ મીડિયા પર જોયું હશે. શું ભાજપ સરકારે વળતર આપ્યું?
- કૉંગ્રેસ પાર્ટી દરેકને ચાર લાખ રૂપિયા વળતર આપશે. ખેડૂતોનાં વીજળીબિલ માફ કરશે. કૉંગ્રેસ 3000 અંગ્રેજી માધ્યમની શાળાઓ બનાવશે. કન્યાઓને મફત શિક્ષણ આપવામાં આવશે.
- દૂધઉત્પાદકોને પાંચસો રૂપિયાની સબસિડી આપીને હજાર રૂપિયાનો ગૅસ સિલિન્ડર પાંચસો રૂપિયામાં આપીશું.
- બેરોજગારી અને મોંઘવારી સૌથી મોટી સમસ્યા છે. બે-ત્રણ અજપતિ આ પ્રદેશને રોજગાર નહીં આપી શકે. નાના અને મધ્યમ ઉદ્યોગો રોજગાર આપશે. તેમને જ્યાં સુધી મદદ કરવામાં નહીં આવે ત્યાં સુધી અહી રોજગાર પેદા નહીં થાય.
- કૉંગ્રેસ પાર્ટી પુરૂ ધ્યાન ગુજરાતના યુવાનોને રોજગાર આપવામાં લગાવશે. 10 લાખ લોકોને રોજગાર આપવામાં આવશે.
- જો તમે છેલ્લી ચૂંટણીની જેમ લડ્યા તો અહીં કૉંગ્રેસ પાર્ટીની સરકાર બનવાનું પાક્કું છું.
- સામાન્ય રીતે ક્રિકેટ ટીમમાં એક ખેલાડી ખરાબ રમે તો તે ખેલાડીને હઠાવી દેવામાં આવે પરંતુ ગુજરાતની આખી ટીમ હટાવી દીધી. કારણકે ટીમે ગુજરાત માટે કામ નહોતું કર્યું.
કૅનેડામાં ચપ્પુથી હુમલામાં 10 લોકોનાં મૃત્યુ, 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત
કૅનેડાના સૅન્ટ્રલ સૅસ્કૅચ્વાન પ્રાંતની પોલીસનું કહેવું છે કે ચપ્પુ વડે થયેલા હુમલામાં 10 લોકોનાં મૃત્યુ થયાં છે અને 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
13 અલગ-અલગ જગ્યાઓ પર લોકો આ હુમલાનો ભોગ બન્યા છે.
આ હુમલામાં સામેલ 31 વર્ષીય ડેમિઇન સૅન્ડર્સન અને 30 વર્ષીય મિલ્સ સૅન્ડર્સનનાં શકમંદો તરીકે નામ સામે આવી રહ્યાં છે.
બંને હાલ પણ સંતાયેલા છે. તેમની પાસે હથિયાર હોવાથી ખતરનાક માનવામાં આવી રહ્યા છે.
પોલીસે આસપાસના રહેવાસીઓને ઘરમાં જ રહેવાનું કહ્યું છે. આ સિવાય શકમંદોને પકડવા માટે મોટા પાયે શોધખોળ હાથ ધરાઈ છે.
સૅસ્કૅચ્વાનની રૉયલ કૅનેડિયન માઉન્ટેડ પોલીસે ટ્વીટ કરીને કહ્યું, "સુરક્ષિત જગ્યાની બહાર ન નીકળો અને સતર્કતા માટે કોઈ અજાણ્યા લોકોને પોતાના ઘરમાં ન આવવા દો."
પોલીસે અલગ-અલગ જગ્યાઓ પર ચેકપૉઇન્ટ લગાવ્યા છે અને અવરજવર કરનારાઓની ઝીણવટભરી તપાસ કરી રહી છે. પોલીસે ડ્રાઇવરોને આગ્રહ કર્યો છે કે તેઓ કોઈને પણ લિફ્ટ ન આપે.
જેમ્સ સ્મિથ ક્રી નેશનમાં ઇમર્જન્સી લાદી દેવામાં આવી છે.
કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ આ હુમલાને ભયાવહ ગણાવ્યો છે.
તેમણે કહ્યું, "હું આ ઘટનાને લઈને ચિંતિત છું. જે લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે અને હુમલામાં ઇજા પામનારા લોકો પ્રત્યે મારી સંવેદના."
લખનૌની એક પ્રસિદ્ધ હૉટલમાં આગ, બારીમાંથી બચાવાઈ રહ્યા છે લોકો
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌસ્થિત એક હોટલમાં આગ લાગતાં ઘણા લોકો ફસાઈ ગયા છે.
કેટલાક લોકો ધુમાડાના કારણે બેહોશ થઈ ગયા છે. લોકોને હોટલની બારીઓમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.
આ ઘટના લખનૌના હઝરતગંજ વિસ્તારમાં આવેલી લેવાના હૉટલમાં ઘટી છે, જે અહીંની મોટી હોટલોમાંની એક છે.
હોટલમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ફાયરબ્રિગેડની ટીમ કામે લાગી છે. ઉપરના માળે ફસાયેલા લોકોને બારીમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.
અત્યાર સુધી એ સ્પષ્ટ થયું નથી કે આગ કેવી રીતે લાગી અને હોટલમાં કેટલા લોકો ફસાયા છે અને કેટલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
પાટીલે કાર્યકરોને સંબોધતાં કહ્યું, ચૂંટણીના ઉમેદવારો PM મોદી અને અમિત શાહ નક્કી કરશે
ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે ભાવનગરમાં કાર્યકરોને સંબોધતી વખતે ટિકિટવાંછુઓને ટાંકીને સ્પષ્ટપણે કહ્યું હતું કે આગામી ચૂંટણી માટે ઉમેદવારો વડા પ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નક્કી કરશે.
ડૅક્કન હેરાલ્ડના અહેવાલ પ્રમાણે, કાર્યકરોને સંબોધતાં પાટીલે કહ્યું હતું કે "વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં તેમનો કોઈ ભાગ રહેશે નહીં. વડા પ્રધાન મોદી અને અમિત શાહને ખ્યાલ છે કે ઉમેદવાર તરીકે કોણ કેટલું સશક્ત છે પરંતુ જો તમારી ઇચ્છા હોય તો મારી પાસે આવો, હું તમારી વાત તેમના સુધી પહોંચાડીશ."
સી. આર. પાટીલે આ નિવેદન ભાવનગરમાં 'એક દિવસ, એક જિલ્લો' કાર્યક્રમ અંતર્ગત ભાવનગરમાં આપ્યું હતું.
આ સિવાય તેમણે કેન્દ્રીય નેતૃત્વ દ્વારા લેવામાં આવનારા નિર્ણયને ખુલ્લા મને સ્વીકારવા માટે કહ્યું હતું.
કેરળનાં પૂર્વ સ્વાસ્થ્યમંત્રીએ શા માટે રૅમન મેગ્સેસે ઍવોર્ડ લેવાથી ઇનકાર કર્યો?
કેરળનાં પૂર્વ સ્વાસ્થ્યમંત્રી કે. કે. શૈલજાએ રૅમન મેગ્સેસે ઍવોર્ડ લેવાથી ઇનકાર કરી દીધો છે.
તેમને કોરોનાકાળ દરમિયાન કોવિડ-19 અને નિપા વાઇરસના સંક્રમણને રોકવામાં તેમના યોગદાન માટે નામાંકિત કરવામાં આવ્યાં હતાં.
એનડીટીવીના અહેવાલ પ્રમાણે, કે. કે. શૈલજાએ આ ઍવોર્ડ ન લેવાનું કારણ આપ્યું હતું કે આ ઍવોર્ડ અત્યાર સુધી કોઈ રાજનેતાને નહીં પરંતુ સામાન્ય વ્યક્તિઓને આપવામાં આવ્યો છે.
તેમણે કહ્યું, "મેં આ મુદ્દે પાર્ટી સાથે ચર્ચા કરી અને નિર્ણય લીધો છે કે આ ઍવોર્ડ ન સ્વીકારુ. "
"સ્વાસ્થ્યક્ષેત્રમાં કેરળ સરકારના કામની ચર્ચા કરવામાં આવી છે અને જે કામગીરી માટે આ ઍવોર્ડ મળી રહ્યો છે તે કામગીરી માટે કેરળ સરકારનું કામ ધ્યાને લેવામાં આવ્યું છે."
"આ સન્માન માટે મેં તેમને લખ્યું છે કે કેટલાક રાજનૈતિક કારણોસર હું તેને સ્વીકારી શકું તેમ નથી કારણ કે આ સામૂહિક કામ હતું. માત્ર એક વ્યક્તિનું નહીં."
શૈલજાએ કહ્યું, "આ નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે તેમણે ક્યારેય કોઈ રાજનેતાને આ સન્માન આપ્યું નથી. હું કૉમ્યુનિસ્ટ પાર્ટીની કૅન્દ્ર કક્ષાની સભ્ય છું અને આ માટે અમે નક્કી કર્યું છે કે ઍવોર્ડ સ્વીકારવામાં નહીં આવે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો