You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નાસાએ ચંદ્ર તરફ શક્તિશાળી રૉક્ટનું લૉન્ચ રોક્યું, ટેકનિકલ ખામીને કારણે લૉન્ચ મુશ્કેલ
- 50 વર્ષ બાદ અમેરિકા શરૂ કરી રહ્યું છે ચંદ્ર પર માણસ મોકલવાની તૈયારી રોકવી પડી છે
- અપોલો મિશન બાદ આર્ટેમિસ મિશન હાથ ધરી રહ્યું છે અમેરિકા, ટેકનિકલ ખામીને કારણે લૉન્ચ ટળ્યું
- આર્ટેમિસ-1 રૉકેટનું ફ્લોરિડાથી સોમવારે થવાનું હતું લૉન્ચિંગ
- લૉન્ચનો મુખ્ય હેતુ અંતરિક્ષયાત્રીઓને લઈ જનારી કૅપસ્યુલની ચકાસણી
- અમેરિકા સહિત યુરોપે પણ આ મિશનમાં કરી છે તૈયારી
અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ જાહેરાત કરી છે કે ચંદ્ર તરફ અત્યારસુધીના સૌથી શક્તિશાળી રૉક્ટ લૉન્ચ કરવાની યોજના હાલ માટે મોકૂફ રાખવામાં આવી છે.
અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસા આજે સોમવારે ચંદ્ર પર એક રૉકેટ મોકલવા જઈ રહી હતી પરંતુ હાલ લૉન્ચને મોકૂફ રાખવામાં આવ્યું છે. આ રૉકેટનું નામ છે - સ્પેસ લૉન્ચ સિસ્ટમ એટલે કે એસએલએસ. પરંતુ લૉન્ચ પહેલાં મિશનમાં ટેકનિકલ ખામી જોવા મળી છે.
આ નાસાનું અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી રૉકેટ છે. આ નાસાના આર્ટેમિસ મિશનનો એક ભાગ છે. જેના અંતર્ગત 50 વર્ષ બાદ ફરી વખત માણસને ચંદ્ર પર મોકલવાની તૈયારી કરાઈ રહી છે.
આ રૉકેટ અમેરિકાના ફ્લોરિડાસ્થિત કૅનેડી સ્પેસ સેન્ટરથી સ્થાનિક સમયાનુસાર સવારે સાડા આઠ વાગે અંતરિક્ષ તરફ પ્રયાણ કરવાનું હતું.
લગભગ 100 મીટર લાંબા રૉકેટનું કામ ધરતીથી ઘણે દૂર ઓરિયોન નામનું એક ટેસ્ટ કૅપ્સૂલ છોડવાનું હતું.
આ કૅપ્સૂલ ચંદ્રની આસપાસ ચક્કર મારશે અને છ અઠવાડિયા બાદ પ્રશાંત મહાસાગરમાં પાછું નીચે આવવાનું હતું.
આ રૉકેટનું પહેલું મિશન છે. જેથી તેમાં કોઈ અંતરિક્ષયાત્રી સવાર નહીં હોય પરંતુ જો આ મિશન સફળ રહેશે તો ભવિષ્યમાં આ રૉકેટથી અંતરિક્ષયાત્રી મિશન પર જઈ શકશે.
જો બધું બરાબર રહ્યું હોત તો 2024 સુધીમાં ફરી એક વખત માણસ ચંદ્ર પર પગ મૂકત.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નાસાના અંતરિક્ષયાત્રી રૅન્ડી બ્રેસનિક કહ્યું હતું, "આર્ટેમિસ-1માં અમે જે પણ કરી રહ્યા છે, એ સાબિત કરવા માટે કરી રહ્યા છે કે અમે શું કરવા માટે સમર્થ છે અને તેનાંથી આર્ટેમિસ-2ના માનવ મિશનને લઈને જે ખતરા હશે તેને દૂર કરવામાં આવશે."
અપોલો મિશનના પાંચ દાયકા બાદ માનવ મિશન
આર્ટેમિસ નાસા માટે એક મહત્ત્વપૂર્ણ મિશન છે. આ વર્ષે ડિસેમ્બરમાં અપોલો-17ને ચંદ્ર પર પહોંચવાનાં 50 વર્ષ પૂર્ણ થશે. એ છેલ્લી વખત હતું જ્યારે કોઈ વ્યક્તિ ચંદ્ર સુધી પહોંચી શકી હોય.
નાસાએ આર્ટેમિસ દ્વારા ફરીથી નવી ટૅકનિક સાથે ચંદ્ર પર પહોંચવાનો વાયદો કર્યો હતો.
આર્ટેમિસ અને ગ્રીક દેવતા અપોલો જોડિયા ભાઈ-બહેન છે. આર્ટેમિસને 'ચંદ્રની દેવી' પણ કહેવામાં આવે છે.
નાસા 2030ના દાયકામાં કે પછી ત્યાર બાદ મંગળ ગ્રહ પર પહોંચવાની આશા રાખે છે અને ચાંદ પર ફરી વખત જવાના પ્રયાસને તેની તૈયારી તરીકે જોવામાં આવે છે.
અપોલો મિશનના રૉકેટ સૅટર્ન-5થી શક્તિશાળી આ રૉકેટ ન માત્ર અંતરિક્ષયાત્રીઓને વધુ દૂર સુધી લઈ જવામાં મદદ કરશે પણ સાથેસાથે માલ-સામન પણ મોકલવામાં મદદ કરશે. આમ થવાથી અંતરિક્ષયાત્રીઓ લાંબા સમય સુધી અંતરિક્ષમાં રહી શકશે.
મિશનની તૈયારીઓ વિશે વાત કરતા નાસાના પ્રશાસક બિલ નેલ્સને કહ્યું, "પ્રથમ માનવ મિશન આર્ટેમિસ-2 બે વર્ષ બાદ 2024માં લૉન્ચ થશે. અમે આશા રાખી રહ્યા છીએ કે ચંદ્રની સપાટી પર ઊતરવાનું પ્રથમ લૉન્ચ આર્ટેમિસ-3 વર્ષ 2025માં થશે."
લૉન્ચની તૈયારી
એસએલએસ લૉન્ચ પેડ પર પહોંચ્યું તે બાદ એક અઠવાડિયા સુધી ઍન્જીનિયરોએ તેનાં પર કામ કર્યું અને તેને યાત્રા માટે તૈયાર કર્યું હતું.
જો આ લૉન્ચમાં કોઈ તકલીફ આવી તો બીજી સપ્ટેમ્બરના રોજ બીજો પ્રયાસ કરવામાં આવશે. જો તેમાં પણ નિષ્ફળતા મળી તો પાંચમી સપ્ટેમ્બરે વધુ એક પ્રયાસ હાથ ધરવામાં આવશે.
આ રૉકેટના ક્રૂ કૅપ્સૂલનું નામ ઓરિયોન છે. જે અંદાજે એક મીટર પહોળું અને પાંચ મીટર લાંબું છે. 1960 અને 1970ના દાયકાની સરખામણીએ આ મૉડ્યુલ થોડું પહોળું છે.
અપોલો મિશન દરમિયાન જે સૅટર્ન-5 રૉકેટનો ઉપયોગ કરાયો હતો, તેના કરતા આ નવા અભિયાનમાં 15 ટકા વધુ ફોર્સનો ઉપયોગ કરવામાં આવશે.
આ ટેસ્ટ લૉન્ચનો એક મોટો ઉદ્દેશ્ય ઓરિયોનની તાપમાન સહન કરવાની ક્ષમતા ચકાસવાનો પણ છે. એ ચકાસવામાં આવશે કે તેનું સુરક્ષા કવચ ધરતીની કક્ષામાં પાછું ફરતી વખતે સલામત રહે છે કે નહીં.
યુરોપ પણ આ મિશનનું મહત્ત્વપૂર્ણ ભાગીદાર છે. ઓરિયોનને અંતરિક્ષમાં લઈ જનાર પ્રોપલ્શન મૉડ્યુલ યુરોપે જ તૈયાર કર્યું છે.
ઓરિયોનને ચંદ્ર સુધી લઈ જવામાં આ મૉડ્યુલની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે.
યુરોપને આશા છે કે એસએલએસ અને ઓરિયોનના આ અને ભવિષ્યના મિશનોમાં સહયોગ કરવાથી ક્યારેક યુરોપનો કોઈ વ્યક્તિ ચંદ્ર પર પગ મૂકી શકશે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો