You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત કૉંગ્રેસના ધારાસભ્યોએ બિલકીસ કેસના આરોપીઓની સજામાફી રદ કરવા વિનંતી કરી - પ્રેસ રિવ્યૂ
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર ગુજરાત કૉંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ બિલકીસબાનો રેપ કેસ મામલે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને 11 દોષિતોની સજામાફીનો રદ કરવાની વિનંતી કરતો પત્ર મોકલ્યો છે.
કૉંગ્રેસના અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા વાંકાનેરના ધારાસભ્ય જાવેદ પીરઝદાએ પોતાના પત્રમાં આ સજામાફને 'અત્યંત આંચકાજનક' ગણાવી છે.
શુક્રવારે આ લેટર ટ્વિટર પર પોસ્ટ કરતાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે લખ્યું હતું કે, "ધારાસભ્યોએ આ મામલે રાષ્ટ્રપતિને અપીલ કરવાનું નક્કી કર્યું જેથી તેઓ ભારત સરકાર અને ગુજરાત સરકારને 'તાત્કાલિક અસરથી 11 દોષિતોની મુક્તિનો આદેશ રદ કરવા' અંગેના 'નિર્દેશ' આપી શકે."
નોંધનીય છે કે પાછલા કેટલાક સમયથી બિલકીસબાનો રેપ કેસ અને તેમના પરિવારજનોની હત્યાના કેસના 11 દોષિતોને સજામાફીનો મામલો ઘણો ચર્ચાઈ રહ્યો છે. સામાજિક કાર્યકરો અને નાગરિક સમાજની જાગૃત વ્યક્તિઓ આ મામલે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી રહ્યાં છે.
મનીષ સિસોદિયા CBIની રેડ વિશે બોલ્યા, 'અરવિંદ કેજરીવાલને રોકવા ભાજપ આ કરાવે છે'
દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાના ઘરે સીબીઆઈની રેડ પડી, એ સંદર્ભે આજે તેમણે મીડિયા સાથે વાત કરી હતી અને તેમના પર લાગેલા તમામ આરોપો પાયાવિહોણા હોવાનું પણ કહ્યું હતું.
તેમણે પત્રકારપરિષદ યોજીને આરોપ લગાવ્યો હતો કે ભાજપ અરવિંદ કેજરીવાલને રોકવા માટે તેમને નિશાન બનાવી રહ્યો છે.
સિસોદિયાએ એવું પણ કહ્યું છે કે, "જે આબકારીનીતિ અંગે વિવાદ ઊભો કરવામાં આવ્યો છે, એ આ દેશની સૌથી સારી આબકારીનીતિ છે. જેને અમે ઇમાનદારી અને પારદર્શકતા સાથે લાગુ કરી રહ્યા છીએ."
મનીષ સિસોદિયાનો આરોપ છે કે, "આ મુદ્દો દારૂગોટાળાનો નથી, તેમને અરવિંદ કેજરીવાલથી વાંધો છે, કેમ કે આ ઇમાનદાર નેતા હવે દેશના લોકોને ગમી રહ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"પંજાબનાં પરિણામો પછી અરવિંદ કેજરીવાલને લોકો રાજનીતિમાં રાષ્ટ્રીય વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે, એટલે આ બધું તેમને રોકવા માટે કરાઈ રહ્યું છે."
અમેરિકામાં એક મહિનામાં બીજી વખત મહાત્મા ગાંધીની મૂર્તિ તોડી પડાઈ
ન્યૂ યૉર્કમાં એક હિંદુ મંદિર બહાર મૂકવામાં આવેલી મહાત્મા ગાંધીની મૂર્તિને કેટલાક લોકોએ તોડી નાખી છે. એક જ મહિનામાં બીજી વખત આ મૂર્તિ તોડવાનો કિસ્સો સામે આવ્યો છે.
ધ હિંદુના અહેવાલ પ્રમાણે, આશરે ચાર હજાર ડૉલરમાં તૈયાર કરવામાં આવેલી મહાત્મા ગાંધીની આ મૂર્તિને તોડવામાં છ લોકો સામેલ હતા. આ પહેલાં પણ અહીં જ મહાત્મા ગાંધીની મૂર્તિની તોડફોડ કરવામાં આવી હતી.
શુક્રવારે ભારતે આ ઘટનાની આકરી નિંદા કરી હતી અને અમેરિકાના સત્તાધીશોને આ મામલે કડક પગલાં ભરવા રજૂઆત કરી હતી.
ન્યૂ યૉર્ક પોલીસની તપાસ પ્રમાણે છ લોકો એક બાદ એક મૂર્તિ તરફ આવ્યા હતા અને હથોડા વડે તેને તોડી હતી. ત્યાંથી આ લોકો બે અલગ-અલગ ગાડીમાં બેસીને રવાના થઈ ગયા હતા.
મૂર્તિ તોડવા સિવાય આ લોકોએ સ્પ્રે-પેઇન્ટથી આપત્તિજનક લખાણ પણ લખ્યું હતું. પોલીસે જાહેર જનતાને આ છ લોકોને શોધવામાં મદદ કરવા અપીલ કરી છે.
બિલકીસબાનો દુષ્કર્મ કેસના દોષિતોની સજામાફીનો દેશભરમાં કેવી રીતે વિરોધ થયો?
બિલકીસબાનો પર સામૂહિક દુષ્કર્મ આચરનારા 11 દોષિતોની સજા માફ કરવાના આદેશનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે.
અમેરિકાના જાણીતા સમાચારપત્ર ધ વૉશિંગ્ટન પોસ્ટ સહિત મોટા ભાગના ભારતીય સમાચાર માધ્યમોમાં શુક્રવારે દેશભરમાં થયેલા વિરોધના અહેવાલો છપાયા છે.
શુક્રવારે દિલ્હીમાં મહિલા અધિકારો માટે કાર્યરત્ 'સેન્ટર ફોર સ્ટ્રગલિંગ વુમન' દ્વારા વિરોધપ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓએ પ્લેકાર્ડ તેમજ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.
અહેવાલમાં સંસ્થા દ્વારા જાહેર કરાયેલ નિવેદનને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, "દેશની આઝાદીના 75મા વર્ષે આ દરેક દુષ્કર્મપીડિતા માટે દુખદાયક ઘટના છે."
ડેક્કન હેરાલ્ડના અહેવાલ અનુસાર આ સજામાફીને પાછી ખેંચવા માટે છ હજારથી વધુ નાગરિકોએ સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે.
આ ઉપરાંત જાણીતા સંગીતકાર જાવેદ અખ્તરે ટ્વીટ કર્યું કે "જેમણે પાંચ મહિનાનો ગર્ભ ધરાવતી મહિલા પર દુષ્કર્મ આચર્યું અને 3 વર્ષની બાળકી સહિત તેમના પરિવારના સાત સભ્યોની હત્યા કરી, તેમને જેલમાંથી છોડી દેવામાં આવે છે અને જેલની બહાર તેમનું ફૂલહાર અને મીઠાઈ સાથે સ્વાગત થાય છે. વિચારો, આપણા સમાજ સાથે કંઈક અજૂગતું થઈ રહ્યું છે."
ગુજરાતમાં વર્ષ 2002માં થયેલા ચકચારી હુલ્લડો દરમિયાન 21 વર્ષીય બિલકીસબાનો પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તે સમયે તેમને પાંચ મહિનાનો ગર્ભ હતો.
આ ઉપરાંત તેમની નાનકડી બાળકી અને પરિવારના સભ્યોની તેમની નજર સામે હત્યા કરી દેવામાં આવી હતી.
ન્યાય મેળવવા માટેની વર્ષોની લડત બાદ અંતે સામૂહિક દુષ્કર્મના કેસમાં 11 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેમને સજા આપવામાં આવી હતી.
ત્યાર બાદ આ તમામ દોષિતોને 15મી ઑગસ્ટે ગુજરાત સરકારની સજામાફી નીતિ અંતર્ગત છોડી દેવામાં આવ્યા હતા.
રાજસ્થાનમાં વાહનઅકસ્માતમાં છનાં મૃત્યુ, 20 ઈજાગ્રસ્ત
રાજસ્થાનના પાલીમાં શુક્રવારે મોડી રાત્રે સર્જાયેલા એક વાહન અકસ્માતમાં છ લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
સુમેરપુર પોલીસસ્ટેશનના ઇન્ચાર્જ રામેશ્વર ભાટીએ એનડીટીવીને જણાવ્યું કે યાત્રાળુઓને લઈને જઈ રહેલા ટ્રેલર અને એક ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા આ ઘટના ઘટી છે.
આ યાત્રાળુઓ જૈસલમેરમાં આવેલા રામદેવરાથી પાછા જઈ રહ્યા હતા. અકસ્માતમાં છ લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયાં હતાં. અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
વડા પ્રધાન કાર્યાલય તરફથી કરાયેલા એક ટ્વીટમાં મૃતકોની આત્મા માટે શાંતિ અને ઈજાગ્રસ્તો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો