મનીષ સિસોદિયા : કથિત ભ્રષ્ટાચારનો એ મામલો શું છે જેમાં ઉપમુખ્ય મંત્રીના ઘરે દરોડા પડ્યા

  • દિલ્હીની નવી શરાબનીતિના અમલીકરણ મામલે ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાના ઘરે સીબીઆઈના દરોડા
  • દિલ્હી સરકારે નવેમ્બર 2021માં સરકારની આવક વધારવાના હેતુસર દિલ્હીમાં નવી શરાબનીતિ લાગુ કરી હતી
  • જોકે, ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાના ભ્રષ્ટાચારના આરોપ બાદ દિલ્હી સરકારે તે નવી શરાબનીતિના સ્થાને જૂની શરાબનીતિ જ લાગુ કરી હતી

દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાના ઘરે સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ શુક્રવારે દરોડો પાડ્યો હતો. અહેવાલો અનુસાર આ દરોડો દિલ્હી સરકારની નવી શરાબનીતિને લઈને થઈ રહેલા ભ્રષ્ટાચારના આરોપોને લઈને પાડવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે દિલ્હી સરકારે તાજેતરમાં જ દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમારે લગાવેલા આરોપો બાદ આ નીતિથી પીછેહઠ કરીને જૂની શરાબનીતિ દાખલ કરી હતી. મનીષ સિસોદિયા દિલ્હીના એક્સાઇઝ વિભાગના વડા પણ છે.

આમ આદમી પાર્ટીના સમર્થકો અને નેતાઓ આ કાર્યવાહીને બદલાની કાર્યવાહી તરીકે ગણાવી તેની ટીકા કરી રહ્યા છે.

એક તરફ ઉપરાજ્યપાલે આરોપ કર્યો હતો કે નવી શરાબનીતિના કારણે સરકારને આવકમાં નુકસાન થયું છે.

આ અહેવાલમાં અમે તમને જણાવીશું કે આખરે આ શરાબનીતિ શું છે? અને કેમ તેના અંગે વિવાદ થઈ રહ્યો છે?

શું હતી દિલ્હીની નવી શરાબનીતિ?

ફાઇનાન્સિયલ ઍક્સપ્રેસના એક અહેવાલ અનુસાર નવી પૉલિસી અંતર્ગત દિલ્હી સરકારે પોતાની જાતને શરાબના વ્યવસાયથી બહાર કરી દીધી હતી.

આ નીતિના અમલ સાથે જ દિલ્હીમાં શરાબની સરકારી દુકાનો બંધ કરી દેવાઈ હતી અને શરાબવેચાણ માટે ખાનગી પાર્ટીઓને લાઇસન્સ જારી કરાયાં હતાં. આ સિવાય દિલ્હીમાં શરાબ પીવાની કાનૂની ઉંમર 25 વર્ષથી ઘટાડીને 21 કરી દેવાઈ હતી.

નવી શરાબનીતિનો હેતુ સરકારની આવક વધારવાનો, સારો ગ્રાહક અનુભવ આપવાનો, શરાબમાફીયાની અસર ખતમ કરવાનો અને દારૂની કાળા બજારી બંધ કરાવવાનો હોવાનું જણાવાયું હતું.

આ પૉલિસી નવેમ્બર 2021થી અમલી બની હતી.

દિલ્હી સરકારના દાવા અનુસાર આ નવી નીતિના અમલીકરણથી સરકારની આવકમાં 27 ટકાનો વધારો થયો હતો, જે 8,900 કરોડ રૂપિયા બરોબર હતો.

આ પૉલિસીને વધુ આકર્ષક બનાવવા માટે સરકારે લાઇસન્સધારકોને શરાબની કિંમત નક્કી કરવાની સ્વતંત્રતા આપી હતી, જેમાં MRPમાં ભારે ડિસ્કાઉન્ટ આપવાની શક્યતા વધી ગઈ હતી. તમામ દુકાનો વહેલી સવારના ત્રણ વાગ્યા સુધી ચાલુ રાખી શકાય તેવી પરવાનગી અપાઈ હતી. તેમજ હોમ ડિલિવરી માટેની સુવિધા પણ ઊભી કરાઈ હતી.

ઉપરાજ્યપાલના આરોપો અને ચીફ સેક્રેટરીનો રિપોર્ટ

આ વર્ષે જુલાઈ માસમાં દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાએ નવી શરાબનીતિ મામલે CBI તપાસની ભલામણ કરી હતી.

તેમણે દિલ્હીના ચીફ સેક્રેટરી નરેશકુમારને અધિકારીઓએ આ નવી નીતિના નિર્માણ મામલે કરેલ યોગદાન, સુધારા અને તેના અમલીકરણ બાબતે રિપોર્ટ તૈયાર કરવા કહ્યું હતું.

કુમારે પોતાના રિપોર્ટમાં નોંધ્યું કે દિલ્હીની શરાબનીતિમાં બદલાવ ઉપરાજ્યપાલની મંજૂરી વગર કરાયું છે, જેનાથી શરાબના ખાનગી વેપારીઓને 'ખોટી રીતે ફાયદો' કરાયો હતો.

કુમારે આ નીતિ અંગે ઘણા પ્રક્રિયાસંબંધિત ત્રુટીઓ ગણાવી હતી. આ નીતિ અંતર્ગત કોરોનાના કારણે 144.36 કરોડ રૂપિયાની લાઇસન્સ ફીમાં છૂટ અપાઈ હતી.

જેના માટે ઉપરાજ્યપાલની મંજૂરી લેવાઈ નહોતી. પ્રતિ બિયર 50 રૂપિયાની ઇમ્પૉર્ટ પાસ ફી માફ કરાઈ હતી. જેના કારણે સરકારને ભારે નુકસાન થયું છે. અને સામેની તરફે લાઇસન્સધારકોને ભારે ફાયદો થયો છે.

દિલ્હી એક્સાઇઝ રુલ્સ, 2010 અને ટ્રાન્ઝેક્શ ઑફ બિઝનેસ રુલ્સ, 1993 અંતર્ગત આમાં કોઈ પણ પ્રકારના ફેરફાર માટે ઉપરાજ્યપાલ અને કૅબિનેટની મંજૂરી લેવી આવશ્યક છે.

જો એવું ન કરવામાં આવે તો આ બદલાવ ગેરકાયદેસર ઠરે છે. આ કારણે જ દિલ્હી પોલીસનો ઇકૉનૉમિક ઑફેસન્સ વિંગ અને સીબીઆઈએ આ સમગ્ર મામલે તપાસ આદરી છે.

નોંધનીય છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે આ કાર્યવાહીની ટીકા કરી હતી અને ટ્વિટર પર લખ્યું હતું કે, "વિશ્વના શ્રેષ્ટ શિક્ષામંત્રી જાહેર કરાયેલ એવા મનીષ સિસોદિયાના ઘરે સીબીઆઈ દરોડો પાડવા માટે પહોંચી છે."

"તેમને ઉપરથી આદેશ છે કે આમની હેરાનગરતિ કરવામાં આવે. પહેલાં પણ આવા દરોડા પાડી ચૂક્યા છે. પરંતુ કંઈ નહોતું મળ્યું. અત્યારે પણ કંઈ જ નહીં મળે. અડચણો આવશે, પરંતુ અમે નહીં રોકાઈએ."

નવી નીતિ લાવવા પાછળનાં કારણો

ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ જે-તે સમયે નવી આબકારી નીતિ લાવવા પાછળ મુખ્યત્વે બે કારણો જણાવ્યાં હતાં. પ્રથમ શરાબમાફિયા પર નિયંત્રણ મેળવવું અને બીજું સરકારની આવક વધારવા માટે.

સાથે જ તેમણે એ વાત પર પણ ભાર મૂક્યું કે શરાબની દુકાનોનું વિસ્તાર અનુસાર સમાન વિતરણ થવું જોઈએ, ગ્રાહકો માટે શરાબ ખરીદવાની પ્રવૃત્તિ સુવિધાજનક હોવી જોઈએ.

તેમણે કહ્યું કે, આબકારી નીતિમાં ફેરફાર કરીને આ તમામ ફૅક્ટરોને હઠાવવામાં આવ્યા છે. આ ફૅક્ટરોને કારણે જ શરાબમાફિયા પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા હતા.

મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, "અમુક મહિના પહેલાં આબકારીવિભાગમાં દિલ્હીમાં શરાબ ખરીદવા અને વેચવાની સિસ્ટમ, રેવન્યૂ લિકેજને ઠીક કરવા માટે એક વિશેષજ્ઞ સમિતિ બનાવવામાં આવી હતી. સમિતિએ રિપોર્ટમાં જનતાની ભલામણો માગી હતી. લગભગ 14,700 ભલામણો આવી હતી."

"આ અંગે મુખ્ય મંત્રી દ્વારા ભલામણો કરવા અંગે મંત્રીઓના સમૂહની નિમણૂક કરાઈ હતી. આ ભલામણોને કૅબિનેટે મંજૂરી આપી દીધી હતી."

આ સાથે જ તેમણ શરાબની દુકાનોએ સમાનવિતરણ પર પણ જોર આપ્યું હતું. જોકે, ઉપરાજ્યપાલના આરોપો બાદ દિલ્હી સરકારે આ નવી નીતિમાંથી પીછેહઠ કરી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો