You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અફઘાનિસ્તાન : કાબુલની મસ્જિદમાં વિસ્ફોટ, 'અનેકનાં મૃત્યુની આશંકા'
- કાબુલની મસ્જિદમાં નમાઝ દરમિયાન વિસ્ફોટ
- વિસ્ફોટ વખતે બાળતો સહીત મોટી સંખ્યામાં નમાઝી હાજર હતા
- તાલિબાને હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરી
- તાલિબાનના નેતા, મુલ્લા-મૌલવી ઇસ્લામિક સ્ટેટના ટાર્ગેટમાં હોવાની આશંકા
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બુધવારની સાંજે નમાજ દરમિયાન ભયાનક વિસ્ફોટ થયો હતો, જેમાં અનેક લોકોનાં મૃત્યુની આશંકા સેવાઈ રહી છે.
કાબુલમાં કાર્યરત ઇટાલીની સ્વૈચ્છિક સંસ્થા 'ઇમર્જન્સી'ના અહેવાલ અનુસાર, વિસ્ફોટમાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા છે.
બીબીસીની પશ્તો સેવા કેટલાક અપુષ્ટ અહેવાલને ટાંકતા જણાવે છેકે વિસ્ફોટમાં 20 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 40થી વધુ ઘાયલ થયા છે. આમ છતાં, આંકડાની સત્તાવાર પુષ્ટિ નથી થઈ શકી.
સ્થાનિક મીડિયા રિપોર્ટ, કાબુલમાં તાલિબાનના પ્રવક્તા ખાલિદ જરદાનને ટાંકતાં જણાવે છે કે વિસ્ફોટ શહેરના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં થયો હતો. જેમાં વિસ્ફોટમાં સિદ્દિકી મસ્જિદના ઇમામનું પણ મૃત્યુ થયું હોવાનું જણાવાઈ રહ્યું છે.
આ વિસ્ફોટ પાછળ કોનો હાથ છે, તે હજુ સુધી બહાર નથી આવ્યું. એક અઠવાડિયા પહેલાં કાબુલમાં આત્મઘાતી બૉમ્બવિસ્ફોટ થયો હતો, જેમાં તાલિબાનસમર્થક મૌલાનાનું મૃત્યુ થયું હતું. ઇસ્લામિક સ્ટેટે આ હુમલાની જવાબદારી લીધી હતી.
'ઇમર્જન્સી'એ ટ્વિટ કરીને માહિતી આપી છે કે પાંચ બાળક સહિત 27 ઘાયલ તેની પાસે સારવાર અર્થે લાવવામાં આવ્યા છે.
સમાચાર સંસ્થા રોઇટર્સ તાલિબાનના ગુપ્તચર તંત્રના અધિકારીને ટાંકતાં જણાવે છે કે વિસ્ફોટમાં ઓછામાં ઓછા 35 લોકો ઘાયલ થયા છે કે મૃત્યુ પામ્યા છે. સાથે જ આ આંકડો વધવાની પણ આશંકા સેવવામાં આવે છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આજુબાજુની ઇમારતોની બારીઓ પણ તૂટી ગઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઓળખ છતી ન કરવાની શરતે એક અધિકારીએ કહ્યું કે કાબુલના ખેર ખાના વિસ્તારમાં આવેલી મસ્જિદમાં વિસ્ફોટ થયો હતો. ગુપ્તચર તંત્રની ટીમો ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.
આઈએસના વ્યાપમાં વધારો?
બીબીસીના ચીફ ઇન્ટરનેશનલ કૉરસ્પૉન્ડન્ટ લિસ દોશે ઘટનાનું વિશ્લેષણ કરતાં લખે છે :
મસ્જિદમાં ભારે ભીડ હતી અને વિસ્ફોટ ખૂબ જ શક્તિશાળી હતો. અફઘાનિસ્તાનમાં તાલિબાનોના સંભવિત શક્તિશાળી શત્રુ તરીકે ઇસ્લામિક સ્ટેટ સ્થાન લઈ રહ્યું છે.
કાબુલમાં ગત એક મહિના દરમિયાન ત્રણ વિખ્યાત ધાર્મિક નેતાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ સિવાય અન્ય શહેરોમાં પણ મુલ્લા-મૌલવીઓની હત્યાઓ થઈ છે. હજુ પણ કેટલાક ધાર્મિક નેતા આઈએસના ટાર્ગેટમાં હોય તેમ જણાય છે.
ગત અઠવાડિયે શેખ રહિમુલ્લાહ હક્કાનીને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેઓ તાલિબાનની નજીક હતા. આ વખતે અમીર મહમદ કાબુલીને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. જેઓ ઇસ્લામની વધુ નરમપંથી પાંખ એવા સૂફી સંપ્રદાય સાથે જોડાયેલા હતા.
ઘટના સમયે મસ્જિદની જ બહાર રહેલા મદ્રેસાના વિદ્યાર્થીએ જણાવ્યું કે મસ્જિદમાં અનેક મૃતદેહો તથા ઘાયલો પડ્યા હતા. જેમાં સાંજની નમાઝ પઢવા આવેલાં બાળકો પણ સામેલ હતાં.
સોશિયલ મીડિયા ઉપર ઘટનાસ્થળનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં ઘટનાસ્થળે ફેલાયેલી તારાજીને જોઈ શકાય છે.
તાલિબાન દ્વારા સત્તામાં આવ્યાના એક વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આઈએસ તેનો વ્યાપ વધારી રહ્યું હોય તેમ જણાય છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો