You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શ્રીલંકા બાદ હવે બાંગ્લાદેશનું અર્થતંત્ર પણ મુશ્કેલીમાં, દેવું કરવાની સ્થિતિ કેમ ઊભી થઈ?
- લેેખક, કાદિર કલ્લોલ
- પદ, બીબીસી બાંગ્લા, ઢાકા
ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે બાંગ્લાદેશમાં વિદેશી વિનિમયનું ભંડોળ ખતરનાક સ્તરે ઘટી ગયું છે.
તેઓ કહે છે કે ભંડોળ 40 બિલિયન ડૉલરની નીચે પહોંચી ગયું છે. હવે એ ભંડોળથી 3 મહિના કરતાં વધારે આયાતનો ખર્ચ ઉઠાવવો શક્ય નથી.
જોકે, સરકાર આ સ્થિતિને હજુ વધારે ગંભીર નથી ગણતી. ભંડોળ પર દબાણ ઓછું કરવા માટે કેટલાંક અસરકારક પગલાં લેવામાં આવ્યાં છે જેમાં ઇલેક્ટ્રોનિક લૉડ શેડિંગનો સમાવેશ થાય છે. આવું કરવાથી ઇંધણની આયાતને નિયંત્રણમાં રાખી શકાય એમ છે.
બે વર્ષમાં વિદેશી મુદ્રાનું ભંડોળ પહેલી વખત 40 બિલિયન ડૉલરની નીચે પહોંચ્યું છે. એક વર્ષ પહેલાં એટલે કે ગત વર્ષે જુલાઈ મહિનામાં બધા જ રેકૉર્ડ તૂટ્યા હતા અને ભંડોળ 46 બિલિયન કરતાં વધારે હતું.
સૅન્ટ્રલ બૅન્કનું ડૉલરનું ભંડોળ દબાણ હેઠળ આવી ગયું છે, કેમ કે આયાતનો ખર્ચ નિકાસ અને રેમિટન્સ કરતાં વધ્યો છે.
છેલ્લા કેટલાક દિવસોમાં એશિયન ક્લિયરિંગ યુનિયને આશરે બે બિલિયન ડૉલરની આયાતની જવાબદારીઓ સેટલ કરવાની હતી પરંતુ આ ભંડોળના કારણે તે ઘટી ગઈ.
બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, ઈરાન, નેપાળ, મ્યાનમાર, પાકિસ્તાન, શ્રીલંકા અને માલદીવ - આ 9 દેશો એશિયન ક્લિયરિંગ યુનિયન અથવા ACURના સભ્યો છે.
આ દેશોમાંથી બાંગ્લાદેશે જે આયાત કરી હોય, તેનાં બિલ બાંગ્લાદેશે ACURના માધ્યમથી દર બે મહિને ચૂકવવાનાં હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સૅન્ટ્રલ બૅન્કે આપેલી માહિતી પ્રમાણે, હાલ ભંડોળ 39.77 બિલિયન ડૉલર પર છે. આ રકમ પણ વિવાદિત છે.
અર્થશાસ્ત્રીઓ પ્રમાણે, આ રકમ હજુ એનાથી પણ ઓછી છે. એક અર્થશાસ્ત્રી અને ખાનગી સંશોધન સંસ્થા CPDના ટ્રસ્ટી ડૉ. દેબપ્રિયા ભટ્ટાચાર્ય કહે છે, "સૅન્ટ્રલ બૅન્ક દ્વારા જે રકમ દર્શાવવામાં આવી રહી છે તે પણ દેશના અર્થતંત્ર માટે એક ખતરાનું સિગ્નલ છે."
"હાલ બાંગ્લાદેશનું વિદેશ વિનિમય ભંડોળ એટલું જ છે જેનાથી ત્રણ મહિના કરતાં પણ ઓછા સમય માટે આયાત કરી શકાય તેમ છે. એમાં કોઈ શંકા નથી. આ ભંડોળના જે સંકેત છે તે અર્થતંત્ર માટે ખતરા સમાન છે."
કેવી સ્થિતિ ઊભી થઈ શકે છે?
ડૉ. ભટ્ટાચાર્ય કહે છે કે કેટલાંક સેક્ટર પણ એવાં છે જે ખતરામાં છે.
તેઓ માને છે કે ભંડોળમાં ઘટાડો થતાં જરૂરિયાત પડતી વસ્તુઓની આયાત તકલીફોનો સામનો કરી રહી છે.
એ સિવાય બાંગ્લાદેશની મુદ્રાની ઍક્સચેન્જ વેલ્યુ પણ નબળી થઈ છે. તેનાથી દેશમાં મોંઘવારી વધી શકે છે.
ડૉ. ભટ્ટાચાર્યે એ પણ જણાવ્યું છે કે હાલ જે સ્થિતિ છે તેનાથી નિકાસ માટે સારી સાબિત થઈ શકે છે.
પરંતુ તેમના મતે તેનાથી મેક્રો-ઇકૉનૉમિક્સની સ્થિરતા નબળી પડી જશે. આ સિવાય બાંગ્લાદેશનો વિકાસ પણ ધીમો પડવાનો ખતરો છે.
આયાતને હાલ ઘણી રીતે વિપરીત અસરો પહોંચી છે.
સરકાર વૈભવી ચીજોની આયાતને પ્રોત્સાહિત કરતી નથી. જોકે, ઘણા મહિનાથી ચાલી રહેલી ડૉલર ક્રાઇસિસના પગલે જીવનજરૂરી ચીજોની આયાત માટે આયાતકારો સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
બૅન્કો ડૉલરની અસ્થિર માર્કેટ વિશે વાત કરે છે.
ચિત્તાગોંગ શહેરના એક આયાતકાર ડૉ. મુનાલ મહમૂદ કહે છે કે જો આપણે રોજિંદા જીવનની ચીજો આયાત નહીં કરીએ તો માર્કેટમાં જોવા મળતી અસ્થિરતા ઘટશે નહીં.
"આયાતક્ષેત્રે ખૂબ દબાણ છે અને તેના પરિણામે દરેક વસ્તુઓ ખૂબ મોંઘી બની જશે."
ડૉ. મુનાલ મહમૂદ પોતાના અનુભવ પ્રમાણે કહે છે, "પહેલાં ઇમ્પૉર્ટ LC ખોલવા માટે કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો ન હતો. પરંતુ હવે LCને પ્રોત્સાહન મળતું નથી, કેમ કે ઘણી વસ્તુઓ પર ઇમ્પૉર્ટ ડ્યૂટી 100 ટકા લગાવી દેવામાં આવી છે."
"પરિણામરૂપે કોઈ પણ વસ્તુને 100 ટકા ડ્યૂટી ભરીને લાવી શકાતી નથી. બૅન્કો જરૂરી વસ્તુઓ માટે પણ LC ખોલી રહી નથી."
જીવન-નિર્વાહનો ખર્ચ બન્યો મુશ્કેલ
ઘણા મહિનાઓથી મોઘવારી વધી છે અને હવે મોઘવારીદર 7.56 ટકા પર છે.
અર્થશાસ્ત્રીઓને ડર છે કે ડૉલર ક્રાઇસિસ અને મોંઘવારી બંને વધુ ગંભીર સ્વરૂપ લઈ શકે છે.
જોકે, નાણામંત્રી એએચએમ મુસ્તફા કમાલે કહ્યું છે કે ડૉલરના ભંડોળ વિશે ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી.
સૅન્ટ્રલ બૅન્ક પણ હાલના ભંડોળ વિશે અર્થશાસ્ત્રીઓના ડરને અવગણી રહી છે.
બાંગ્લાદેશ બૅન્કના પ્રવક્તા સિરાજુલ ઇસ્લામ કહે છે કે જો ત્રણ મહિનાની આયાત માટે જો ભંડોળ છે, તો તેનાથી કોઈ ખતરો ઊભો થતો નથી.
"આપણી પાસે હાલ જે ભંડોળ છે તે ત્રણ મહિના કરતાં વધારે આયાતનો ખર્ચ ઉપાડી શકશે. આપણે બધા લક્ઝરી સામાન પર ઇમ્પૉર્ટ ડ્યૂટી વધારી દીધી છે. આશા છે કે તેનો આપણને ફાયદો થશે."
દેશનો વાર્ષિક આયાતનો ખર્ચ આઠ હજાર બિલિયન ડૉલરનો છે.
કપડાક્ષેત્રે ગયા વર્ષની નિકાસે બધા રેકૉર્ડ તોડ્યા હતા. છતાં સાડા ચાર બિલિયન ડૉલરની નિકાસ થઈ શકી હતી.
આયાત અને નિકાસની ખોટ વિદેશી કામદારો દ્વારા મોકલવામાં આવેલા રેમિટન્સ દ્વારા પૂરી કરવામાં આવે છે.
કોરોના વાઇરસની મહામારીના બે વર્ષમાં રેમિટન્સ રેકૉર્ડસ્તરે પહોંચ્યું હતું. પરંતુ કેટલાક મહિનાઓથી રેમિટન્સનો પ્રવાહ છેલ્લા કેટલાક મહિનાઓથી ઘટી રહ્યો છે.
સરકારના યોજનામંત્રી એમ.એ. મનન માને છે કે ભંડોળ પર દબાણ વધ્યું છે.
જોકે, તેઓ કહે છે કે દબાણ છતાં સરકારને લાગે છે કે સ્થિતિ હજુ એટલી વણસેલી નથી.
"દબાણ હોવાની વાતનો અમે સ્વીકાર કરીએ છીએ. પરંતુ દબાણનું પણ એક સ્તર હોય છે. અમને લાગે છે કે હજુ તે ખૂબ ખરાબ સ્તરે નથી."
આ નિવેદનના સમર્થનમાં જ તેઓ કહે છે, "છેલ્લી આયાતની ચૂકવણી એશિયન ક્લિયરિંગ યુનિયનને કરી દેવામાં આવી છે. હવે આગામી ત્રણ મહિના માટે કોઈ પ્રકારની ચુકવણી કરવાની નથી."
એમ.એ. મનન કહે છે, "એવી આશા છે કે રેમિટન્સ પણ આગામી સમયમાં વધશે અને હવે નિકાસ પણ સારી સ્થિતિમાં છે. અમે કેટલાંક પગલાં લીધાં છે અને અમે ખર્ચમાં ઘટાડો કરી રહ્યા છીએ. પરિણામ સ્વરૂપે અમે આ સ્થિતિ ખમી લઈશું."
આ સ્થિતિને લઈને કારખાનામાલિકો અને વેપારીઓ દહેશતમાં છે. જોકે, તેઓ માને છે કે સરકારે જે સાવચેતીનાં પગલાં લીધાં છે તેનાથી આ સંકટ સંભાળી શકાય તેમ છે.
વેપારીઓના મુખ્ય સંગઠન FBCCIનાં ડાયરેક્ટર હસીના નવાઝ કહે છે, "અમે વેપારીઓ ખૂબ જ ચિંતામાં છીએ. અમારા ડરનું કારણ એ છે કે અમે એક ફેકટરી 12 કલાક ચલાવીએ છીએ. વીજળી આપૂર્તિ ન થતાં, પ્રોડક્શન ઓછું થશે. તેનો એ મતલબ નહીં કે અમે હાર માની લઈશું."
તેઓ આગળ કહે છે, "વીજળી કે ડૉલર મામલે અમે જે પગલાં લીધાં છે તેનાથી અમારો વેપાર સારી રીતે ચાલી શકશે. એટલે અમારે નિરાશ થવાની જરૂર નથી."
ઊર્જા અને વીજળી પર સીધી અસર
સરકારે ભંડોળને સાચવી રાખવા અને ખર્ચ ઘટાડવાના જે પગલાં લીધાં છે તેનાથી ઊર્જા અને વીજળીના ક્ષેત્રે મોટી અસર જોવા મળી છે.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઊંચી કિંમતોના કારણે ડીઝલ અને લિક્વિફાઇડ નેચરલ ગૅસ એટલે કે એલએનજી સહિતના ઇંધણની આયાત રોકી દેવામાં આવી છે.
ગૅસ અને ડીઝલથી ચાલતા પાવર પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે અને આખા દેશમાં લૉડ શેડિંગ કરવામાં આવી રહ્યું છે.
સરકાર સ્થિતિમાં સુધાર માટે શિયાળાની રાહ જોઈ રહી છે.
'ઍનર્જી ઍન્ડ પાવર' નામના મૅગેઝિનના ઍડિટર મૌલ્લા અમઝદ હુસેન કહે છે કે પરિસ્થિતિ વધારે વણસી શકે એમ છે, કેમ કે ઊર્જાક્ષેત્ર આયાત પર આધારિત છે.
"ઈંધણક્ષેત્રે આપણે વિચારીએ છીએ તેના કરતાં સ્થિતિ ખૂબ વધારે ખરાબ હોઈ શકે છે."
તેમનું કહેવું છે કે 2017માં ઊર્જાની આયાતનો ખર્ચ કુલ આયાતના 22 ટકા હતો, જે ગયા વર્ષે 48 ટકા પર પહોંચી ગયો છે.
"મને લાગે છે કે હાલ જે વીજસંકટ ઊભું થયું છે, તે વધારે વધી જશે. જો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેલ અને ગૅસનો ભાવ ઘટતો નથી, તો સંકટ વધશે."
તેઓ કહે છે કે દુનિયાનું માર્કેટ વધી રહ્યું છે અને ડૉલર પણ સંકટમાં છે તેના કારણે ઑઇલ અને ગૅસની આયાત થઈ શકતી નથી.
"જો આપણે અત્યારે વીજળી નહીં બચાવીએ તો આપણી વીજળી અને ગૅસના ભાવ વધી જશે. સરકાર જે સબસિડી આપે છે તે પણ હટી જશે, જે સરકાર હાલ કરવા માગતી નથી."
"પરિણામસ્વરૂપે, સરકાર વિચારે છે કે લૉડ શેડિંગના માધ્યમથી અઢીથી 3 હજાર મેગાવૉટની વીજળી બચાવી શકાય છે. ભાવ વધારવાની કોઈ જરૂર નથી."
આ બધા સિવાય અર્થશાસ્ત્રીઓ માને છે કે સરકારે વિદેશ અને સ્થાનિક સ્તરે લોન લેવાની જરૂર છે. ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડ એટલે કે આઈએમએફમાં ઢાકાને નાણાકીય મદદ માટે ઉચ્ચ સ્તરે ચર્ચા ચાલી રહી છે.
ડૉ. દેબપ્રિયા ભટ્ટાચાર્ય આઈએમએફ સાથેની ચર્ચાને હાલની સ્થિતિ પ્રમાણે સકારાત્મક રૂપે જુએ છે.
તેઓ કહે છે, "આપણે શ્રીલંકાને જોઈએ તો, તેને જોઈને લાગે છે કે બહારની લેવડદેવડના સ્ટ્રક્ચરને IMF સાથે વહેલા નક્કી કરી લેવું જોઈએ. આપણે સંકટને વધારે મોટું ન થવા દેવું જોઈએ અને મોડું ન કરવું જોઈએ."
તેઓ કહે છે, "સરકારે યોગ્ય સમયે ચર્ચા શરૂ કરી છે, તે 1.5 કે 2 બિલિયન ડૉલર લઈને આવે તો તેનાથી ઘણી મદદ મળી રહેશે. અને તેની સાથે વિદેશી પાર્ટનરોને તેનાથી સંકેતો પણ મળી જશે."
બાંગ્લાદેશે IMF પાસેથી નાણાકીય મદદ કેમ માગી?
આ બધા વચ્ચે દેશમાં IMF પાસેથી લોન લેવા મામલે દેશમાં ઘણી ચર્ચા ચાલી રહી છે.
જોકે, યોજનામંત્રી એમ.એ. મનને કહ્યું છે કે ડરવાની કોઈ વાત નથી.
એમ.એ. મનન કહે છે, "આ પહેલી વખત નથી કે અમે IMF પાસે મદદ માગી છે. 90ના દાયકામાં પણ આવું થયું હતું જ્યારે બીજી સરકાર પાસે સત્તા હતી. અમે IMFના સભ્ય છીએ. આ અમારો હક છે. મને તેમાં કંઈ ડર જેવું લાગતું નથી."
આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે વાતચીત અને ખર્ચ ઓછો કરવાની સાથે સરકાર માને છે કે સ્થિતિ બગડશે નહીં.
અર્થશાસ્ત્રી દેબપ્રિયા ભટ્ટાચાર્ય પ્રમાણે આ સમસ્યાને થોડા સમયની સમસ્યા સમજવાની ભૂલ ન કરવી જોઈએ. તે અર્થતંત્રની એક માળખાકીય સમસ્યા છે.
તેઓ કહે છે, "જો સમસ્યા ટૂંકાગાળાની હોય તો આપણે કેટલાંક પગલાં લઈને સારા સમયની રાહ જોઈએ છીએ. પરંતુ વેપારમાં મોટી ખોટ થઈ રહી છે અને રેમિટન્સ પણ ઓછું આવી રહ્યું છે."
ડૉ. ભટ્ટાચાર્યને લાગે છે કે આ બાંગ્લાદેશના અર્થતંત્રની આંતરિક માળખાકીય સમસ્યા છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો