ગર્ભમાં રહેલી બાળકીના મોત માટે પ્રાર્થના કરતાં મજબૂર માબાપની વ્યથા
- લેેખક, સારા મૉનેટ્ટા
- પદ, બીબીસી ન્યૂઝ
ઍન્ડ્રિઆ અને જયે ક્યારેય વિચાર્યું ન હતું કે તેમણે પોતાની પુત્રીનું હૃદય ધબકવાનું શરૂ કરે તે પહેલાં જ તેના મૃત્યુ માટે પ્રાર્થના કરવી પડશે.

ઇમેજ સ્રોત, JAY WEELDREYER
આ અમેરિકન દંપતી વૅકેશન માટે યુરોપીયન દેશ માલ્ટા ગયા હતા. ત્યારે ચાર મહિનાનો ગર્ભ ધરાવતા ઍન્ડ્રિઆ પ્રુડૅન્ટેને લોહી નીકળવાનું શરૂ થયું હતું.
ડૉક્ટરે કહ્યું કે તેમનું પ્લૅસેન્ટા (ગર્ભમાં રહેલા બાળકને ફરતે આવરણ) ફાટી ગયું છે અને તેમના ગર્ભમાં રહેલી બાળકી લાંબા સમય સુધી જીવી શકે તેમ નથી.
પણ બાળકીનું હૃદય ધબકી રહ્યું હતું અને માલ્ટામાં કાયદો તેમને ગર્ભપાત માટે મંજૂરી આપે તેમ ન હતો.
છેલ્લા એક અઠવાડિયાથી આ દંપતી હૉસ્પિટલમાં રાહ જોઈને બેઠું છે.
ઍન્ડ્રિઆના પતિ જયે ફોન પર વાત કરતાં જણાવ્યું, "અમે એ વાત જાણીને અહીં બેઠા છે કે જો ઍન્ડ્રિઆને પ્રસવપીડા ઊપડશે અથવા તો ગર્ભમાં રહેલી બાળકીનું મૃત્યુ થશે તો હૉસ્પિટલ હસ્તક્ષેપ કરશે. આ સિવાય તેઓ કંઈ કરી શકે તેમ નથી."
તેમના અવાજમાં થાક અને ગુસ્સો જણાતો હતો. તેમને ચિંતા છે કે ઍન્ડ્રિઆની તબિયત ગમે ત્યારે બગડી શકે છે.
જય કહે છે, "હૅમરેજિંગ અને પ્લૅસેન્ટા ફાટી જવાથી જે ક્ષતિઓ સર્જાઈ છે, તેનાથી ઍન્ડ્રિઆને ઇન્ફૅક્શનનો ભય છે. આ તમામ બાબતો ટાળી શકાય તેમ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ આગળ કહે છે, "બાળકી જીવી શકે તેમ નથી. આ બદલવા માટે અમે કંઈ કરી શકીએ તેમ નથી. અમને હજુ પણ તે જોઈએ છીએ, અમે તેને પ્રેમ કરીએ છીએ, અમે ઇચ્છીએ છીએ કે તે જીવે પણ તે શક્ય નથી અને અમે માત્ર અમારી બાળકી ગુમાવવાની પરિસ્થિતિમાં જ નથી પણ ઍન્ડ્રિઆને ઇન્ફૅક્શનનું જોખમ હોવાનું હૉસ્પિટલ જણાવી રહી છે."
તેમની એકમાત્ર આશા છે તેમના ટ્રાવેલ ઇન્સ્યોરન્સ થકી તાત્કાલિક મેડિકલ ઇવૅક્યુએશન. તેઓ ઍન્ડ્રિઆને જેમ બને તેમ જલદીથી યુકે લઈ જવા ઇચ્છે છે.
2017માં એક ટૂરિસ્ટને આ પ્રકારના કિસ્સામાં ગર્ભપાત માટે ફ્રાન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ આ માલ્ટિઝ મહિલા માટે તે શક્ય નહોતું.

'અહીં મહિલાઓ ભાગ્યે જ અવાજ ઉઠાવે છે'

ઇમેજ સ્રોત, JAY WEELDREYER
આ ટાપુ સમગ્ર યુરોપમાં ગર્ભપાતને લઈને સૌથી કડક કાયદા ધરાવે છે. અહીં ગર્ભપાત સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. એવા સંજોગોમાં પણ, જ્યારે ગર્ભમાં રહેલા બાળકની જીવવાની શક્યતા નહિવત્ હોય.
વકીલ અને મહિલા અધિકાર સંગઠનનાં વડા ડૉ. લારા દિમિત્રિજૅવિક આ કાયદાનો વર્ષોથી વિરોધ કરી રહ્યાં છે. તેઓ કહે છે, "અહીં મહિલાઓ ભાગ્યે જ અવાજ ઉઠાવે છે."
તેઓ આગળ કહે છે, "સામાન્ય રીતે તબીબોની પ્રૅક્ટિસ હોય છે કે જ્યાં સુધી જાતે જ ગર્ભમાંથી બાળક બહાર આવે તેની રાહ જોતા હોય છે અને આ દરમિયાન જો માતાની તબિયત લથડે અને તેને ઇન્ફૅક્શન થવાનું શરૂ થાય તો તેઓ માતાનું જીવન બચાવવાનો પ્રયાસ કરે છે."
"અહીં દર વર્ષે આ પ્રકારના ત્રણેક કેસ નોંધાતા હોય છે પણ ઍન્ડ્રિઆ જે રીતે પોતાની કહાણી લઈને સોશિયલ મીડિયાના માધ્યમથી બહાર આવી, ઘણી મહિલાઓએ બહાર આવીને પોતાની કહાણી રજૂ કરી."
ડૉ. દિમિત્રિજૅવિક કહે છે કે કાયદો બદલવાની જરૂર છે, કારણ કે તેનાથી મહિલાઓના સ્વાસ્થ્યને જોખમ છે. માત્ર શારીરિક જોખમ જ નહીં તેમના અને તેમના પરિવારના માનસિક સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર પડે છે.
બીબીસીએ આ અંગે માલ્ટાની સરકાર અને હૉસ્પિટલના તંત્ર સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો.
છ દિવસ બાદ બેમાંથી કોઈ વસ્તુ થવાની શક્યતા વચ્ચે જય કહે છે કે તે અને તેમના પત્ની બંને હવે થાકી ગયા છે.
તેઓ કહે છે, "સમગ્ર પ્રોસિજર માત્ર બે કલાકમાં થઈ જાય તેમ છે અને તેમાં ઍન્ડ્રિઆને કોઈ જોખમ પણ નથી."
"તેના બદલે આ લાંબી પ્રક્રિયા છે, જ્યાં તમારે ખરેખર અંધકારમય વિચારો સાથે વિચારવું પડે છે કે આ કેવી રીતે સમાપ્ત થશે?"

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












